કર્ણાટક: મોદી માટે સીટ ખાલી કરનારા વાળા પાસે હુકમનું પત્તું

મોદી તથા વજુભાઈ વાળાની તસવીર
ઇમેજ કૅપ્શન, 2003માં ભાજપના સંમેલન દરમિયાન
    • લેેખક, હરેશ ઝાલા
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત

કર્ણાટકના ચૂંટણી પરિણામો અને વલણો બાદ રાજકીય તસવીર મહદઅંશે સ્પષ્ટ થઈ ગઈ છે. ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે, પરંતુ બહુમતના આંકડાથી હાથવેંતનું છેટું રહ્યું છે. કોંગ્રેસ બીજા અને જનતા દળ સેક્યુલર ત્રીજા ક્રમે છે.

હવે, ગુજરાતના રાજકારણમાં પીઢ રાજનેતાની છબી ધરાવતા, રાજકારણ ખૂબ જ ઊંડી સમજ અને સંપૂર્ણપણે કાઠીયાવાડી રમૂજ સ્વભાવ ધરાવતા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પાસે હુકમનું પત્તું છે.

રાજ્યપાલના હોદ્દાની રૂએ વજુભાઈ નક્કી કરશે પરંપરાને અનુસરીને સૌથી મોટા પક્ષને સરકાર રચવાનો મોકો આપવો કે ચૂંટણીના પરિણામ બાદ રચાયેલા ગઢબંધનની બહુમતી ગણીને તેને સરકાર રચવા આમંત્રણ આપવું?

કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી ચૂક્યા છે. હવે, દરેક રાજકીય પક્ષે વજુભાઈના દ્વાર ખખડાવવા પડશે અને સત્તા રચવા માટે દાવો રજૂ કરવાનો રહેશે.

આપને આ પણ વાંચવું ગમશે

કોણ છે વજુભાઈ વાળા ?

મોદી તથા વજુભાઈ વાળાની તસવીર

વજુભાઈ વાળા મૂળ રાજકોટના વેપારી પરિવારના છે. વાળાએ તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી તે પહેલાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર હતા.

સંઘમાં સેવા આપ્યા બાદ 1970ના દાયકામાં તેઓ જનસંઘમાં જોડાયા હતા.

વાળાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પ્રાંતમાં જનસંઘના બીજનું વાવેતર કર્યું. આજે આ બીજ ભાજપ સ્વરૂપે વિશાળ વટવૃક્ષ બની ગયું છે.

જનસંઘનો વ્યાપ વિસ્તારવામાં કેશુભાઈ પટેલ અને પ્રવીણભાઈ મણિયાર સહિતના નેતાઓએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

વજુભાઈ વાળાના ભાષણમાં રમૂજ પુષ્કળ પ્રમાણમાં રહેતી, જે ભીડને જકડી રાખતી.

આથી, ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન વિશેષ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેમની માગ રહેતી.

પાર્ટીના નેતાઓ તથા સંબંધીઓને દરેક નાનામોટા પ્રસંગમાં હાજરી આપતા વજુભાઈ માત્ર કાર્યકર જ નહીં, તેના પરિવારજનોનાં નામ પણ મોઢે હોય.

આ ખાસિયત વજૂભાઈને અન્ય રાજનેતાઓથી અલગ પાડે છે.

line

22 વર્ષ જૂની એ વાત

મોદી અને વજુભાઈ વાળાની તસવીર

1996માં શંકરસિંહ વાઘેલાના બળવા બાદ ભાજપના ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી સુરેશ મહેતાએ વિશ્વાસમત મેળવવાનો હતો.

ખેંચતાણ અને મારામારીના દ્રશ્યોની વચ્ચે મહેતાએ વિશ્વાસમત હાંસલ કર્યો હતો.

જોકે, તત્કાલીન રાજ્યપાલ કૃષ્ણપાલસિંહે વિધાનસભામાં થયેલી હિંસાને પગલે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી હતી.

જેનો એચ. ડી. દેવૈગૌડાના નેતૃત્વવાળી સંયુક્ત મોરચા સરકારે સ્વીકાર કર્યો હતો.

મહેતાએ આરોપ મૂક્યો હતો, "કોંગ્રેસ તથા સંયુક્ત મોરચા સરકારે ભાજપની સરકારને અસ્થિર કરવા માટે કાવતરું ઘડ્યું છે."

એ સમયે વજુભાઈ વાળા ગુજરાત ભાજપના અધ્યક્ષ હતા. ભાજપના કાર્યકરોએ રાજ્યભરમાં તત્કાલીન વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડાની નનામીઓ સળગાવી હતી.

આજે 22 વર્ષ બાદ વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ છે. એચ. ડી. દેવેગૌડાના પુત્ર એચ. ડી. કુમારસ્વામીનો માર્ગ સરળ કરવો કે યેદિયુરપ્પાનો, તે અંગે તેમણે નિર્ણય લેવાનો છે.

એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના મહાસચિવ હતા, આજે તેઓ દેશના વડા પ્રધાન છે.

'પાણી'વાળા નેતા

ચૂંટણી પરિણામો બાદ ગુજરાત ભાજપમાં ઉત્સાહની લહેર ફરી વળી હતી
ઇમેજ કૅપ્શન, ચૂંટણી પરિણામો બાદ ગુજરાત ભાજપમાં ઉત્સાહની લહેર ફરી વળી હતી

સમર્પિત કાર્યકર્તાઓની મદદથી રાજકોટ મહાનગરપાલિકા પર ભાજપે 1980માં કબ્જો મેળવ્યો અને વાળા મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.

તેમના મેયરકાળ દરમિયાન રાજકોટમાં પાણીની અછત ઊભી થઈ. વાળાએ રેલવે ટ્રેન દ્વારા રાજકોટ માટે પાણીની વ્યવસ્થા કરાવી હતી. ત્યારથી તેઓ પ્રશંસકોમાં 'પાણીવાળા નેતા' તરીકે પ્રસિદ્ધ થયા.

ત્યારબાદ 1985માં રાજકોટ પશ્ચિમની બેઠક ચૂંટણી જીતી વિધાનસભામાં પ્રવેશ કર્યો, ત્યાર પછી આ બેઠક ભાજપનો 'અજય ગઢ' રહી છે.

મોદીના વિશ્વાસુ

ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન મોદી

2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે પદગ્રહણ કર્યું ત્યારે તેમના માટે સૌથી સલામત વિધાનસભાની બેઠકની શોધ ચાલતી હતી.

તે સમયે વજુભાઈએ તેમની રાજકોટ બેઠક ખાલી કરી આપી હતી અને રાજકોટની બેઠક પરથી નરેન્દ્ર મોદી પહેલી વખત વિધાનસભામાં ચૂંટાઈને આવ્યા હતા.

2012માં વજુભાઈ વિધાનસભામાં ચૂંટાઈ તો આવ્યાં, પરંતુ એ સમયે મોદીએ તેમને મંત્રીમંડળમાં સમાવવાની જગ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનું નક્કી કર્યું.

આ એક ગણતરીપૂર્વકનું પગલું હતું, જેથી તેમનાથી જુનિયર રાજનેતા અનંદીબહેન પટેલ માટે મુખ્ય મંત્રીપદનો માર્ગ મોકળો થાય.

કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારબાદ તેમની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી.

આ રાજનેતાનું એક જમા પાસું એ છે કે તેમણે પક્ષ વિરુદ્ધ ક્યારેય એક હરફ ઉચ્ચાર્યો નથી કે નથી જાહેરમાં નારાજગી વ્યક્ત કરી.

જનસંઘથી ભાજપ સુધી

વજુભાઈવાળાની તસવીર
ઇમેજ કૅપ્શન, 1996માં વજુભાઈ, ભાજપના તત્કાલીન અધ્યક્ષ કુશાભાઉ ઠાકરે તથા કેશુભાઈ પટેલ

વજુભાઈ વાળા જનસંઘ અને ભાજપના સ્થાપનાકાળના નેતાઓની કેડરના છે.

ઉત્તર ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેશુભાઈ પટેલ, પ્રવીણભાઈ મણિયાર અને વજુભાઈ, દક્ષિણ ગુજરાતમાં ફકીરભાઈ ચૌહાણ અને કાશીરામ રાણા, મધ્ય ગુજરાતમાં મકરંદભાઈ દેસાઈ તથા અમદાવાદમાં નાથાલાલ ઝઘડાએ સંઘ અને પાછળથી ભાજપનો વ્યાપ વધારવા તનતોડ મહેનત કરી હતી.

જેના પગલે ભાજપ પહેલાં જનતા દળ (જી) અને પછી સ્વતંત્ર રીતે સરકાર રચવા સક્ષમ બન્યો.

line

સત્તા પર અણનમ

ગુજરાત વિધાનસભાની તસવીર

સક્રિય રાજકારણમાંથી 'નિવૃત્ત' થયા તે પહેલાં તેઓ વિધાનસભામાં આઠ વખત ચૂંટાઈ આવ્યા હતા.

તેઓ કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં નાણાં મંત્રી અને મહેસૂલ મંત્રી બન્યા હતા.

2005-06 દરમિયાન વજુભાઈ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા અને ભાજપનું સંગઠન મજબૂત કર્યું હતું.

વાળા 18 વખત ગુજરાતનું અંદાજપત્ર રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે.

સક્રિય રાજનું'કારણ' ?

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી
ઇમેજ કૅપ્શન, કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ વચ્ચે અટવાયો સત્તાનો પેચ

ભાજપમાં રાજનેતાઓને અનુકૂળતા પ્રમાણે, '75 વર્ષે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ' આપવાની પરંપરા છે. વજુભાઈ વાળાની ઉંમર 80 વર્ષની છે.

છતાંય ગુજરાતમાં જ્યારે જ્યારે ભાજપમાં નેતૃત્વનો મુદ્દો ઉઠે છે, ત્યારે ચર્ચા જોર પકડતી હોય છે કે વજુભાઈ વાળા રાજ ભવન છોડી પુનઃ ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ શકે છે.

રાજકીય વિશ્લેષકોના મતે વજુભાઇ બંધારણને ચોક્કસ વફાદાર રહેશે જ પરંતુ સંઘ અને પક્ષની વફાદારી પણ છોડશે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો