ઇઝરાયલ-ઈરાન યુદ્ધ અને મધ્યપૂર્વ એશિયાની પરિસ્થિતિ અંગે ભારતે શું કહ્યું ?- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનની ઉપર હુમલા કરાઈ રહ્યા છે, જેના વિશે ભારતે પ્રતિક્રિયા આપી છે.

તાજેતરના ઘટનાક્રમ અંગે ચિંતા વ્યક્ત કરતું નિવેદન ભારતના વિદેશ મંત્રાલયે બહાર પાડ્યું છે, જે મુજબ, "ઈરાન તથા ખાડી ક્ષેત્રમાં તાજેતરની ઘટનાઓથી ભારત ખૂબ જ ચિંતિત છે. અમે તમામ પક્ષોને સંયમ જાળવવા, તણાવ નહીં વધારવા તથા સામાન્ય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની અપીલ કરીએ છીએ."

"તણાવ ઘટાડવા તથા સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે વાટાઘાટો અને કૂટનીતિને આગળ ધપાવવા જોઈએ. તમામ દેશોના સાર્વભૌમત્વ તથા પ્રાદેશિક અખંડતાનું સન્માન કરવું જોઈએ."

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તારના ભારતના દૂતાવાસો ભારતીય નાગરિકો સાથે સંપર્કમાં છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતીય નાગરિકોને સાવધ રહેવા તથા સ્થાનિક સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: મધ્યપૂર્વ દેશોની મુસાફરી કરનારા દેશો માટે ઍર ઇન્ડિયાએ ઍડ્વાઇઝરી બહાર પાડી

ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન ઉપરના હુમલાને પગલે ઍર ઇન્ડિયા દ્વારા ટ્રાવેલ ઍડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે.

ઍર ઇન્ડિયાએ લખ્યું, "મધ્યપૂર્વનાં કેટલાંક સ્થળોમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તેને જોતા આ તમામ સ્થળો માટેની ઍર ઇન્ડિયાની તમામ ઉડ્ડાણોને અટકાવી દેવામાં આવી છે."

"અમે અમારા યાત્રિકો તથા ક્રૂ માટે સર્વોચ્ચ સુરક્ષા માપદંડ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ."

ઍર ઇન્ડિયાનું કહેવું છે કે તેમની ટીમો મુસાફરોને શક્ય તમામ મદદ પૂરી પાડશે.

"અમે સૂચન કરીએ છીએ કે તમે લેટેસ્ટ અપડેટ્સ માટે તમારી ફ્લાઇટનું સ્ટેટસ અહીં ચકાસી શકો છો. આ અંગે વધુ માહિતી મેળવવા માટે તમે અમારા 24×7 કોલ સેન્ટર સાથે +91 1169329333, +91 1169329999 પર સંપર્ક સાધો."

ઉલ્લેખનીય છે કે અમેરિકા-ઇઝરાયલે મળીને ઈરાન ઉપર હુમલો કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને "મોટું સૈન્યઅભિયાન" ગણાવ્યું છે. જ્યારે ઇઝરાયના કહેવા પ્રમાણે, તે "જોખમ ટાળવા માટે" માટેની કાર્યવાહી છે.

આને પગલે ઈરાને તેના પાડોશી દેશો યુએઈ, કતાર, જૉર્ડન, બહેરીન તથા ઇરાક તરફ મિસાઇલો છોડી છે. મોટા ભાગની મિસાઇલોને આંતરી લેવામાં આવી છે, છતાં આ ટક્કરને કારણે આ ભૂભાગની હવાઈસફર જોખમી બની છે.

મધ્ય-પૂર્વ એશિયામાં તણાવ બાદ ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકો માટે ઍડ્વાઇઝરી જાહેર

ઈરાન ઉપર ઇઝરાયલના હુમલા પછી ભારતે ઇઝરાયલમાં રહેતા પોતાના નાગરિકોને સતર્ક રહેવા, સાવધાની જાળવવા તથા દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે.

ભારતના રાજદૂતાલયના કહેવા પ્રમાણે, "આ ભૂભાગમાં હાલમાં પ્રવર્તી રહેલી સુરક્ષા સંબંધિત સ્થિતિને જોતા ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને પૂરતી સાવધાની જાળવવા તથા દરેક ક્ષણે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે."

સાથે જ નાગરિકોને જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયલના અધિકારીઓ તથા હૉમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા સુરક્ષા સંબંધે જે દિશા-નિર્દેશ આપવામાં આવે તેનું પાલન કરે.

દૂતાવાસે તમામ નાગરિકોને જણાવ્યું છે કે આશ્રયસ્થાનોની આસપાસ રહે તથા પોતાના ઘર કે કાર્યાલયની પાસે આવેલાં સુરક્ષિત સ્થળો વિશે માહિતી મેળવી રાખે.

ભારતીય દૂતાવાસે એમ પણ કહ્યું, "આગામી માહિતી આપવામાં ન આવે, ત્યાર સુધી ભારતીય નાગરિકો ઇઝરાયલની અંદર તથા બહાર બિનજરૂરી પ્રવાસ ખેડવાનું ટાળે."

આ સાથે જ ભારતીય દૂતાવાસે નાગરિકો માટે 24x7 હેલ્પલાઇન નંબર તથા ઇમેલ ઍડ્રેસ સાર્વજનિક કર્યા છે અને કટોકટીની સ્થિતિમાં સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.

ટેલિફોન: +972-54-7520711

ઇમેલ: cons1.telaviv@mea.gov.in

પાકિસ્તાનનો અફઘાનિસ્તાનમાં 37 જગ્યાએ હવાઈ હુમલા કર્યાનો દાવો

બીબીસી ઉર્દૂ મુજબ પાકિસ્તાનના માહિતીમંત્રી અતાઉલ્લાહ તારડે દાવો કર્યો છે કે પાકિસ્તાની સેનાએ પોતાના અભિયાન હેઠળ અફઘાન તાલિબાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

તેમણે દાવો કર્યો કે 28 ફેબ્રુઆરીની સવારે અફઘાન તાલિબાનના 331 સભ્યો માર્યા ગયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ ઉપરાંત તેમણે અફઘાન તાલિબાનોની 104 ચોકીઓ નષ્ટ કરવાનો અને 22 ચોકીઓ પર કબ્જો કરવાનો દાવો કર્યો છે.

અતાઉલ્લાહ તારડે કહ્યું કે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનમાં 37 જગ્યાએ હવાઈ હુમલા કર્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેનાનું અભિયાન હજુ પણ ચાલુ છે.

દરમિયાન, અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર તરફથી શનિવારે હુમલા વિશે કોઈ અપડેટ નથી આવ્યા.

અગાઉ તાલિબાન સરકારના અધિકારીઓએ બીબીસી સમક્ષ પુષ્ટિ કરી હતી કે શુક્રવારે સાંજે પાકિસ્તાન પર ફરી હુમલા શરૂ કરવામાં આવ્યા હતા.

બીબીસી પશ્તો મુજબ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના એક પ્રવક્તા અબ્દુલ હક ફિદાએ જણાવ્યું કે "રમઝાનની રજાઓ પછી ખોસ્તમાં અભિયાન ફરી શરૂ કરવામાં આવ્યું છે અને લડાઈ ચાલુ છે."

પશ્ચિમ બંગાળમાં આજે અંતિમ મતદારયાદી જાહેર થશે

અનેક વિવાદ અને કોર્ટ કેસ પછી પશ્ચિમ બંગાળમાં આજે અંતિમ મતદારયાદી જાહેર થવાની છે. આ મતદારયાદીમાંથી લાખો લોકોનાં નામ નીકળી ગયાં હોવાનું માનવામાં આવે છે.

આગામી મહિનાઓમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ પ્રમાણે ચૂંટણીપંચ દ્વારા લગભગ સાત કરોડ મતદારોની યાદીને અપડેટ કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન ઘણા બધા કોર્ટ કેસ થયા છે. પશ્ચિમ બંગાળમાં આ મામલે જાહેરમાં વિરોધ પ્રદર્શનો પણ થયાં છે.

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હેઠળ કરવામાં આવેલી આ પ્રક્રિયા 2002 પછી પહેલી વખત આટલા મોટા પાયે થઈ રહી છે.

બોલીવિયામાં કાર્ગો વિમાન ક્રૅશ, ઓછામાં ઓછા 11નાં મોત

બોલીવિયામાં સેનાનું એક કાર્ગો વિમાન તૂટી પડ્યું હોવાના અહેવાલ છે. બોલીવિયાના બીજા સૌથી મોટા શહેર એલ આન્ટોમાં થયેલી આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળે છે.

બોલીવિયાની ઍર ટ્રાફિક કન્ટ્રોલ ઑથોરિટીએ જણાવ્યું કે શુક્રવારે સ્થાનિક સમય મુજબ સાંજે 6.20 વાગ્યે આ દુર્ઘટના થઈ હતી. સાન્તા ક્રૂજ શહેરથી આવેલું વિમાન એલ આલ્ટો ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ઊતરતું હતું ત્યારે અકસ્માત થયો હતો.

દુર્ઘટના પછી ઍરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

એવું જાણવા મળ્યું છે કે રનવે પરથી લપસીને વિમાન નજીકના હાઇવે પર પહોંચી ગયું હતું અને ત્યાં વાહનો સાથે ટકરાયું હતું.

પરમાણુ કાર્યક્રમ વિશે વાતચીત પછી ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનથી 'નાખુશ'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે તાજેતરમાં થયેલી વાતચીત પછી તેઓ ઈરાનથી ખુશ નથી.

જોકે, તેમણે કહ્યું કે ઈરાન પર હુમલો કરવો કે નહીં તેના વિશે તેમણે હજુ નિર્ણય નથી લીધો.

ટ્રમ્પે કહ્યું કે "અમને જે જોઈએ છે તે તેઓ આપવા તૈયાર નથી તે વાત મને પસંદ નથી પડી. તેથી હું ખુશ નથી."

અમેરિકાના રાષ્ટ્રપતિએ અમેરિકા અને ઈરાન વચ્ચે જીનિવામાં થયેલી વાતચીત પછી આ પ્રથમ ટિપ્પણી કરી છે. ગુરુવારે થયેલી વાતચીત કોઈ પણ સમજૂતી વગર પૂરી થઈ હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે ઈરાન સામે તેઓ સૈન્યબળનો ઉપયોગ કરવા નથી માંગતા, પરંતુ તેમણે કહ્યું કે "ક્યારેક તમારે તે કરવું પડે છે."

ઈરાન પર અમેરિકાના સંભવિત હુમલાની આશંકાના કારણે શુક્રવારે ઘણા દેશોએ આ વિસ્તારમાં રહેતા પોતાના નાગરિકોને ચેતવણી આપી હતી. બ્રિટને તહેરાનસ્થિત પોતાના દૂતાવાસમાંથી અનિશ્ચિત મુદ્દત માટે પોતાના કર્મચારીઓને હટાવી લીધા છે.

ભારત, ચીન, કૅનેડા સહિત ઘણા દેશોએ સંભવિત ઘર્ષણને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા અપીલ કરી છે.

પાકિસ્તાન પર ફરી હુમલા શરૂ કર્યાનો અફઘાન તાલિબાનનો દાવો

તાલિબાન શાસનના અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમના લડાયકોએ પાકિસ્તાન પર શુક્રવાર સાંજથી ફરી હુમલા શરૂ કરી દીધા છે. તેમણે દાવો કર્યો કે ખોસ્ત પ્રાંતથી આ હુમલા કરવામાં આવી રહ્યા છે.

બીબીસી પશ્તો મુજબ અગાઉ ખોસ્તના ગવર્નરના પ્રવક્તા મુસ્તગફર ગુરબાજે પણ મીડિયાને સંદેશ મોકલ્યા હતા.

તેમણે લખ્યું કે, "ફરી એક વખત અફઘાન દળોએ પાકિસ્તાની સેનાના ઠેકાણા પર જવાબી હુમલા શરૂ કર્યા છે. આ હુમલા ખોસ્ત પ્રાંતના ઝઝઈ મેદાન, અલીશેર અને તેરેઝ વિસ્તારમાં 'કાલ્પનિક રેખા' (ડુરંડ લાઇન) નજીક થઈ રહ્યા છે."

પાકિસ્તાને હજુ સુધી આના પર કોઈ ટિપ્પણી નથી કરી. અગાઉ તાલિબાનના સૈન્ય વડા મોહમ્મદ ફસીહુદ્દીન ફિતરકે એક વીડિયોમાં પાકિસ્તાનને ધમકી આપતા કહ્યું કે તેઓ પાકિસ્તાનને "ઈંટનો જવાબ પથ્થરથી આપશે."

બીબીસી પશ્તો મુજબ મોહમ્મદ ફસીહુદ્દીન ફિતરતે કહ્યું કે "તાલિબાન શાસન પાસે એટલી મિલિટરી શક્તિ છે કે જો પાકિસ્તાન અફઘાનિસ્તાનને અસુરક્ષિત કરશે, તો પાકિસ્તાનના અધિકારીઓ ઇસ્લામાબાદમાં પણ શાંતિથી નહીં રહી શકે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન