ઝેલેન્સ્કીનો દાવો: રશિયાના યુવાનો યુદ્ધનું અંત ઇચ્છે છે - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @ZelenskyyUa
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુદ્ધ ખતમ નથી કરવા માગતા અને તેઓ પોતાના હુમલામાં વધારો કરી રહ્યા છે.
ઝેલેન્સ્કીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, "તેઓ શિયાળાની રાહ જોઈ રહ્યા છે. તેઓ અમારા નાગરિક વ્યવસાયો, અમારા લૉજિસ્ટિક્સ, અને અમારી ડિલિવરી સિસ્ટમને તબાહ કરી રહ્યા છે. આ બધું 2022થી ચાલી રહ્યું છે."
તેમણે કહ્યું, "અમારા લૉજિસ્ટિક્સ પર તેમના હુમલાએ અમને પણ લૉજિસ્ટિક્સના સ્તરે એ જ પ્રકારનો જવાબ આપવા મજબૂર કરી દીધા છે." "તેથી અમે વાઇલ્ડબેરીઝ પર હુમલા કરીએ છીએ, કારણ કે આનાથી સૈન્ય સામાનના પુરવઠા અને રશિયા માટે મોટી રકમ મળે છે."
ઝેલેન્સ્કીએ દાવો કર્યો, "રશિયામાં ઘણા લોકો યુદ્ધ ખતમ થાય તેવી ઇચ્છા ધરાવે છે. રશિયન સમાજના 60 ટકા કરતાં વધુ લોકો આ યુદ્ધનો અંત, યુદ્ધવિરામ ઇચ્છે છે. આપણે પુતિનની સરકારના સમર્થનમાં પણ ભારે પડતી જોઈ છે."
ઝારખંડઃ આંદોલનકારી વિદ્યાર્થીઓ સહિત આશરે 900 લોકો સામે એફઆઈઆર નોંધાઈ

ઇમેજ સ્રોત, ANI
વિદ્યાર્થીઓ સામે સરકારી કામમાં અવરોધ ઊભો કરવો, ગેરકાયદેસર ભેગા થવું, મહિલાઓ સાથે હિંસા, હત્યાના પ્રયાસ, શાંતિ ભંગ કરવી અને સરકારી આદેશની અવગણના જેવી કલમો લગાવવામાં આવી છે.
ઝારખંડમાં JPSC-JSSCમાં થયેલી કથિત અનિયમિતતાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસે એફઆઈઆર નોંધાવી છે.
શનિવાર, 22 ઑગસ્ટની મોડી સાંજે રાજ્યની રાજધાની રાંચીના કોટવાલી અને લોઅર બજાર પોલીસ સ્ટેશનમાં 14 વ્યક્તિઓ સહિત સમગ્ર રાજ્યમાં 900થી વધુ લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ સામે સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવો, ગેરકાયદેસર ભેગા થવું, મહિલાઓ સાથે હિંસા, હત્યાનો પ્રયાસ, શાંતિ ભંગ કરવી અને સરકારી આદેશની અવગણના જેવી કલમો હેઠળ કેસ નોંધાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પહેલાં 18 ઑગસ્ટે મુખ્ય મંત્રી હેમંત સોરેને જેપીએસસી-જેએસએસસી સહિત કુલ 22 પરીક્ષાઓ અને તેમનાં પરિણામો રદ કરવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાનું આંદોલન આગામી 60 દિવસ માટે સ્થગિત કરી દીધું હતું.
પરંતુ જેપીએસસી 2011-2013 બેચના એવા ઉમેદવારો, જેઓ પરીક્ષા પાસ કરીને વિવિધ પદો પર નોકરી કરી રહ્યા હતા, તેમણે સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો.
હાઇકોર્ટે 19 ઑગસ્ટે જેપીએસસી અને 20 ઑગસ્ટે જેએસએસસી પરીક્ષાઓ રદ કરવાના નિર્ણય પર રોક લગાવી દીધી.
રોક લાગતા જ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી ચૂકેલા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો. ત્યારબાદ 21 ઑગસ્ટે સમગ્ર રાજ્યમાં મુખ્ય મંત્રી હેમંત સોરેન અને રાહુલ ગાંધીનાં પૂતળાંદહન કરવાની જાહેરાત કરવામાં આવી.
આ જ ક્રમમાં, રાંચી, હજારીબાગ અને ગિરીડીહ જિલ્લાઓમાં પૂતળાં દહન કરવા પહોંચેલા વિદ્યાર્થીઓ અને પોલીસ તથા જેએમએમ કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.
સત્તારૂઢ જેએમએમનું કહેવું છે કે ભાજપ વિદ્યાર્થીઓને આગળ રાખીને રાજકારણ કરી રહી છે.
જેએમએમના કેન્દ્રીય મહાસચિવ વિનોદ પાંડેેએ જણાવ્યું કે ભાજપ કોચિંગ માફિયાઓ સાથે મળીને રાજ્યના યુવાઓને ઉશ્કેરી રહી છે.
બીજી તરફ, ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી ચંપાઈ સોરેને આરોપ લગાવ્યો કે હેમંત સરકાર દમનકારી વલણ અપનાવી આંદોલનને બળપૂર્વક દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
માયાવતીએ 'અનામત હઠાવો આંદોલન' પર પ્રશ્નો ઉઠાવીને શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં વડાં માયાવતીએ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા 'અનામત હઠાવો આંદોલન' પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
માયાવતીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, "દિલ્હીના જંતર-મંતર ખાતે બંધારણ હેઠળ એસસી, એસટી અને ઓબીસી સમાજને આપવામાં આવેલી અનામતના વિરોધમાં તાજેતરમાં ભેગા થયેલા કેટલાક લોકો દ્વારા આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની ઉઠાવેલી નવી માગ યોગ્ય નથી અને દેશહિતમાં પણ નથી."
માયાવતીએ કહ્યું કે, "સદીઓથી જાતિગત ભેદભાવ અને સામાજિક અસમાનતાનો ભોગ બનતા એસસી, એસટી અને ઓબીસી સમુદાયો માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે."
તેમના જણાવ્યા મુજબ, "અનામત અંગે એવું કોઈ પગલું ભરવું જોઈએ નહીં, જે સમાન સમાજ-નિર્માણના બંધારણીય લક્ષ્યને નુકસાન પહોંચાડે."
તેમણે આર્થિક ધોરણે અનામત આપવાની માગ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
માયાવતીનું કહેવું છે કે ગરીબ લોકોની સહાય માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પહેલેથી જ અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. જો આ યોજનાઓનો લાભ ગરીબો સુધી યોગ્ય રીતે પહોંચતો ન હોય, તો તેની જવાબદારી સરકારી તંત્ર અને તેમાં રહેલા ભ્રષ્ટાચારની છે.
ઓડિશા પાસે દરિયામાં કાર્ગો જહાજ ડૂબ્યું, 24 સભ્યોમાંથી બે લોકોનો બચાવ

ઇમેજ સ્રોત, Costfoto/NurPhoto via Getty Images
પનામાના ધ્વજવાળું કાર્ગો જહાજ 'ઓસિયન વિનર' શનિવારે બંગાળની ખાડીમાં ડૂબી ગયું.
સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને હવાલાથી જણાવ્યું છે કે આ દુર્ઘટના ઓડિશાના પારાદીપ કિનારાથી લગભગ 240 નૉટિકલ માઈલ (444 કિમી) દૂર થઈ હતી.
જહાજમાં 24 ક્રૂ સભ્યો હતા, જેમાં 20 ચીની, ત્રણ મ્યાનમારના અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે.
સમાચાર એજન્સી રૉયટર્સે અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે બાકીના ગુમ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જહાજ ઓડિશાથી સિંગાપોર આયર્ન ઓર લઈ જઈ રહ્યું હતું.
અકસ્માત બાદ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનો આ જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીનો નકશો બહાર પાડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર હોર્મુઝ સામુદ્રધુનીનો નકશો શૅર કર્યો. તે નક્શા પર "અમેરિકાનો નવો પ્રદેશ" લખેલું છે.
ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુની પર વર્તુળ દોરીને દર્શાવતો એક ફોટો શૅર કર્યો છે. આ પોસ્ટ તેમનાં તાજેતરનાં નિવેદનો પછી આવી છે.
ટ્રમ્પે શુક્રવારે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, "હું હવે હોર્મુઝ સામુદ્રધુનીને અમેરિકાના જ એક પ્રદેશ તરીકે જાહેર કરું છું."
ટ્રમ્પનું નિવેદન અને નવી પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે હોર્મુઝ સામુદ્રધુની પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચાલુ છે.
આ માર્ગ પરથી પસાર થતા ઑઇલ ટૅન્કરો અને અન્ય વાણિજ્યિક જહાજોની અવરજવર પણ ઘણી ઓછી થઈ ગઈ છે.

ઇમેજ સ્રોત, realDonaldTrump
હોર્મુઝ સામુદ્રધુની એક આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ છે, જેની એક બાજુ ઈરાન અને બીજી બાજુ ઓમાન છે. તે ખાડી દેશોમાંથી વિશ્વના બાકીના ભાગોમાં મોટા પ્રમાણમાં ઑઇલ અને ગૅસનું વહન થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















