મચ્છર ભગાડનારા ધુમાડાથી જીવને જોખમ છે કે નહીં?

ઇમેજ સ્રોત, NARINDER NANU/AFP via Getty Images
- લેેખક, ઝેવિયર સેલ્વાકુમાર
- પદ, સંવાદદાતા, બીબીસી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
તમિલનાડુના આરોગ્ય વિભાગના અધિકારીઓએ કોઇમ્બતુર જિલ્લાના અન્નૂરમાં સ્થળ પર જઈને તપાસ કરી. મચ્છર ભગાડવાની દવાના ધુમાડાથી ત્યાં બે લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ બાદ આ તપાસ કરવામાં આવી હતી.
જો કે, બંનેની તબિયત પહેલેથી જ ખરાબ હતી, પણ ઘણા લોકોએ તેમના અચાનક થયેલા મોત માટે ઘરોમાં કરવામાં આવેલા ધુમાડાને કારણભૂત ગણાવ્યો છે. બંને પરિવારોએ આ મોત અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી.
તપાસ કરનારા નગર પંચાયતના કાર્યકારી અધિકારી અને જિલ્લા આરોગ્ય વિભાગના નાયબ નિયામકે બીબીસીને જણાવ્યું કે બંનેની તબિયત ગંભીર હતી અને તેઓ સારવાર લઈ રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમનું મોત ધુમાડાને કારણે થયું નહોતું.
તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે આ દવાનો ઉપયોગ કરતી વખતે સલામતીની સાવચેતીઓનું પાલન કરવું જરૂરી છે, કારણ કે મચ્છર ભગાડવાની દવામાં ભેળવવામાં આવતું રસાયણ ફેફસાંની તકલીફ ધરાવતા લોકો માટે જોખમી બની શકે છે.
અહેવાલો મુજબ, કોઇમ્બતુર જિલ્લાના અન્નૂર નગર પંચાયત હેઠળ આવતા સત્યમંગલમ રોડના ઉપ્પથોટ્ટમ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં 3 બાળકો ડેન્ગ્યુથી ચેપગ્રસ્ત થયાં હતાં. ત્યાર પછી નગર પંચાયત વહીવટીતંત્રે અભિયાન શરૂ કર્યું. 11 તારીખે અનેક વિસ્તારોમાં મચ્છર ભગાડવાની દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોનો આરોપ છે કે નગર પંચાયતના કાર્યકારી અધિકારી કાર્તિકેયનની દેખરેખ હેઠળ અધિકારીઓએ મચ્છર ભગાડવાની દવાનો છંટકાવ કર્યો હતો. આ દરમિયાન કેટલાક વિસ્તારોના રહેવાસીઓએ અધિકારીઓને ધુમાડો ન કરવાની અપીલ કરી હતી, કારણ કે તેનાથી ઘરોમાં ધુમાડો જતો હતો. લોકોની વાત માનવાને બદલે અધિકારીઓ ઘરોની અંદર પણ ગયા અને દરવાજા ખુલ્લા હોવા છતાં દવાનો છંટકાવ કર્યો.
એ પછી થોડા જ કલાકોમાં સમાચાર ફેલાયા કે એ વિસ્તારના એક ઑટોચાલક મોહન (65) અને એ જ વૉર્ડના બીજા વિસ્તારમાં રહેતી પ્રેમા ઉર્ફે રાણી (75)નું મૃત્યુ થઈ ગયું છે.
બંનેનાં મોત થોડા સમયના અંતરે થયાં હોવાથી એ વિસ્તારના ઘણા લોકોએ મીડિયાને જણાવ્યું કે તેમના મોતનું કારણ વધુ પડતા જથ્થામાં જંતુનાશક ભેળવીને ઉપયોગમાં લેવાયેલી મચ્છર ભગાડવાની દવા અને ગાઢ ધુમાડો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૃતક મોહનના પરિવારના કેટલાક સભ્યોએ કહ્યું હતું કે ઘરની અંદર જંતુનાશકનો છંટકાવ ન કરવા માટે કહેવામાં આવ્યું હોવા છતાં વધુ પડતા પ્રમાણમાં પાયરેથ્રમ જંતુનાશકનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જેને કારણે ગૂંગળામણથી તેમનું મોત થયું.
પણ નગર પરિષદ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ વાતનું ખંડન કર્યું. ત્યાર પછી મૃતકોના પરિવારોએ કહ્યું કે ખરાબ તબિયતને કારણે તેમનું કુદરતી મોત થયું.
પૂર્વ સ્થાનિક કાઉન્સિલર શેખરે આરોપ મૂક્યો હતો કે અધિકારીઓના ડરથી તેમણે પોતાનાં નિવેદનો બદલી નાખ્યાં.
બીબીસી સાથે વાત કરતાં ઑટોચાલક મોહનના સગા મહેન્દ્રને કહ્યું, "એ સાચું છે કે મારા ભાઈ મોહનની તબિયત પહેલેથી ખરાબ હતી. પણ તેઓ હૉસ્પિટલમાં પોતાની સારવાર કરાવીને ઘરે પાછા ફર્યા ત્યારે જ આ ઘટના બની."
"ઘરની અંદર ધુમાડો ન જાય એ માટે તેમણે આગળનો દરવાજો બંધ કરી દીધો હતો અને કહ્યું હતું કે ઘરમાં એક દર્દી છે."
"પણ તેઓ પાછલા ખુલ્લા દરવાજા પાસે આવ્યા અને ત્યાં ધુમાડો કરવામાં આવ્યો, ત્યારે ધુમાડો આખા ઘરમાં ફેલાઈ ગયો."
મહેન્દ્રને કહ્યું, "એક બાજુનો દરવાજો બંધ હતો, તેથી ઘરમાં ગયેલો ધુમાડો બહાર નીકળી શક્યો નહીં અને અંદર રહેલા લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો."
"બની શકે કે આ ધુમાડાથી તંદુરસ્ત લોકોને થોડી ગૂંગળામણ થઈ હોય, પણ જેમની તબિયત ખરાબ હતી, તેમના પર તેની અસર ચોક્કસ થઈ હશે. પણ આ જ એક માત્ર કારણ હતું એમ કહી શકાય નહીં."
એ જ વૉર્ડમાં એ જ દિવસે મૃત્યુ પામેલી પ્રેમા ઉર્ફે રાણીના ઘરની નજીક રહેતા પ્રેમદેવાએ બીબીસી તમિલને જણાવ્યું, "પહેલેથી જ એક ખાનગી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને તેમને ઘરે લાવવામાં આવ્યાં હતાં. તેમની સ્થિતિ ગંભીર હતી અને થોડા દિવસ બાદ તેમનું મોત થયું."
પ્રેમદેવાએ કહ્યું, "તેમને પહેલેથી અસ્થમાની તકલીફ હતી. પણ મચ્છર ભગાડવાની દવા અને તેમના મોત વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની અમને ખબર નથી. કારણ કે અમારા વિસ્તારમાં ઘણાં વૃદ્ધો અને બાળકો છે."
"તેમાંથી કોઈને કશી તકલીફ થઈ નથી. તેથી અમને નથી લાગતું કે તેમના મોતનું કારણ મચ્છર ભગાડવાની દવા હતી."
"આ જ કારણે તેમના પરિવારે કશી ફરિયાદ કર્યા વિના તેમને કબ્રસ્તાનમાં દફનાવી દીધાં."
અધિકારીઓની તપાસમાં શું જાણવા મળ્યું?

મોહનના પરિવારે પણ પોલીસમાં કે અન્ય કોઈ જગ્યાએ ફરિયાદ નોંધાવ્યા વિના તેમના અંતિમ સંસ્કાર કરી દીધા. પોલીસે જણાવ્યું કે આ બંને મોતની કોઈ ફરિયાદ અન્નૂર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નથી.
જો કે, મીડિયામાં પ્રકાશિત વિગતોના આધારે જણાવવામાં આવ્યું કે જિલ્લા વહીવટીતંત્રે આરોગ્ય વિભાગના અધિકારીઓને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
અન્નૂરના 7મા વૉર્ડના પૂર્વ કાઉન્સિલર શેખરે બીબીસીને કહ્યું, "નગર પંચાયતના અધિકારીઓ લોકોની વાત સાંભળતા નથી. અમારા વૉર્ડમાં ઘણા લોકો પોતાના ઘરની અંદર જતા રહ્યા અને ના પાડવા છતાં જંતુનાશકનો છંટકાવ કરવામાં આવ્યો."
પૂર્વ કાઉન્સિલર શેખરે કહ્યું, "એક વિસ્તારમાં ઘરોની અંદર મચ્છર ભગાડવાની દવાનો છંટકાવ કરવામાં આવ્યો ત્યારે એ વિસ્તારની મહિલાઓએ વિરોધ કર્યો."
"ત્યાર પછી તેઓ ત્યાંથી નીકળીને બીજા વિસ્તારમાં ગયા અને ત્યાં છંટકાવ કર્યો. ત્યાં સ્થિતિ વધુ ખરાબ હતી."
"પહેલેથી જ અસ્થમાનાં દરદી પ્રેમા, છંટકાવ થયાના અડધા કલાકમાં મૃત્યુ પામ્યાં."
"તેમના પરિવારે શરૂઆતમાં મીડિયા સાથે આ અંગે વાત કરી હતી, પણ પછી ફરિયાદ અને કાયદાકીય કાર્યવાહી થવાના ડરથી પાછળ હટી ગયા."
"જિલ્લા વહીવટીતંત્રે આ મામલાની તપાસ કરવી જોઈએ અને નગર પંચાયતના અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ."
અન્નૂર નગર પંચાયતના કાર્યકારી અધિકારી કાર્તિકેયને આ આરોપોને ફગાવી દેતાં બીબીસીને જણાવ્યું, "અમને ગયા મહિને આ વિસ્તારમાં ત્રણ લોકોને ડેન્ગ્યુનો ચેપ લાગ્યાના સમાચાર મળ્યા હતા. એ વિસ્તારના લોકોએ અમને મચ્છર ભગાડવાની દવાનો છંટકાવ કરવા વિનંતી કરી હતી."
"એટલે અમે રસ્તાઓ પર તેનો છંટકાવ કર્યો હતો. અમે કોઈ પણ ઘરની અંદર ધુમાડો કર્યો નહોતો. પણ એ શક્ય છે કે જે ઘરોનાં દરવાજા અને બારીઓ ખુલ્લાં હતાં, તેમાં ધુમાડો ગયો હોય."
તેમણે કહ્યું, "એમાં વધુ પડતા પ્રમાણમાં જંતુનાશક ભેળવવામાં આવ્યું હતું એ દાવો પણ સાચો નથી અને જંતુનાશક જૂનું હતું એ માહિતી પણ સાચી નથી."
"નગર પંચાયતોના સહાયક નિયામક અને આરોગ્ય વિભાગના નાયબ નિયામક અહીં આવીને તેની તપાસ કરી ચૂક્યા છે. જંતુનાશકની માન્યતા ઑગસ્ટ, 2027 સુધીની છે."
"જંતુનાશક યોગ્ય પ્રમાણમાં જ ભેળવવામાં આવ્યું હતું. એક જ રસ્તા પર 200 ઘરો પર તેનો છંટકાવ કરવામાં આવ્યો હોવા છતાં કોઈને કંઈ નુકસાન થયું નથી."
તેમણે કહ્યું કે ઑટોચાલક મોહન અને પ્રેમા બંનેની સારવાર એ જ ખાનગી હૉસ્પિટલમાં થઈ હતી. ડૉક્ટરોએ પ્રમાણિત કર્યું હતું કે મોહનને હાર્ટ ફેલ્યોર અને પ્રેમાને ફેફસાંની બીમારી તથા અસ્થમા હતો.
નગર પંચાયતોના સહાયક નિયામક અબુ બકરે પણ મીડિયાને આ જ વાત જણાવી.
કોઇમ્બતુર જિલ્લા આરોગ્ય વિભાગના નાયબ નિયામક બાલુસામી અને ઝોનલ ઍન્ટોમોલૉજિસ્ટ (ઇન્ચાર્જ) શિવકુમાર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ જિલ્લા વહીવટીતંત્રના આદેશાનુસાર અન્નૂરમાં પોતાની તપાસ પૂર્ણ કરીને પરત ફરી ચૂક્યા છે.

ડૉ. બાલુસામીએ બીબીસીને જણાવ્યું, "અમારી તપાસમાં જાણવા મળ્યું કે મોહનને લિવર ફેલ્યોર હતું. તેમના ફેફસાંમાં પ્રવાહી જમા થવાની પણ સારવાર કરવામાં આવી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે તેમની સ્થિતિ ગંભીર હતી અને તેમને ઘરે લાવવામાં આવ્યા હતા."
બાલુસામીએ કહ્યું, "રાણીને સીઓપીડી (ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ) નામની ફેફસાંની બીમારી હતી. તેઓ ઘરે સીપીએપી(કન્ટિન્યુઅસ પૉઝિટિવ એરવે પ્રેશર) વેન્ટિલેટર પર પણ હતાં."
"એ સવારે નગર પંચાયતના કર્મચારીઓ સવારે 7 વાગ્યે મચ્છર ભગાડવાની દવા છાંટવા આવ્યા, ત્યારે પરિવારના સભ્યોએ તેમને આમ ન કરવા કહ્યું અને એ લોકો ત્યાંથી ચાલ્યા ગયા."
"દવાનો છંટકાવ રસ્તા પર કરવામાં આવ્યો હતો. તેમનું મોત અને મચ્છર ભગાડવાની દવાનો ઉપયોગ સંયોગવશ એક જ સમયે થયાં અને બંને વચ્ચે કોઈ સંબંધ નથી. અમે એ પણ ખાતરી કરી છે કે દવામાં કોઈ વધારાનું પ્રમાણ ભેળવવામાં આવ્યું નહોતું. ટૂંક સમયમાં જિલ્લા વહીવટીતંત્રને અહેવાલ સોંપવામાં આવશે."
ભારતના રાષ્ટ્રીય વેક્ટરજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમમાં ડેન્ગ્યુ ફેલાવતા એડિસ એજિપ્ટી મચ્છરોને નિયંત્રિત કરવા માટે ફ્યુમિગેશનની ભલામણ કરવામાં આવી છે.
અભ્યાસો પરથી જાણવા મળે છે કે સ્થાનિક વહીવટીતંત્ર ખુલ્લા વિસ્તારોમાં છંટકાવ માટે મેલેથિયોન જેવા અલગ-અલગ જંતુનાશકોનો ઉપયોગ કરે છે. અભ્યાસ મુજબ, મેલેથિયોન માનવસર્જિત ઑર્ગેનોફૉસ્ફેટ જંતુનાશક છે.
મચ્છર ભગાડવાની દવામાં શું હોય છે?

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP via Getty Images
જો કે, મચ્છર ભગાડવાની દવાના ધુમાડાથી મોત થયાં હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી, પણ જનરલ પ્રેક્ટિશનર આદિત્યન કૂગન સલાહ આપે છે કે તેનો ઉપયોગ કરતી વખતે સૌએ સલામતી અંગેની સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.
તેમણે બી.બી.સી.ને કહ્યું, "આપણા દેશમાં ચોમાસા દરમિયાન મચ્છરોને મારવા માટે કેરોસિન અથવા ડીઝલમાં પાયરેથ્રોઇડ અને મેલેથિયોન જંતુનાશક ભેળવીને ફોગિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ધુમાડો રસાયણોથી દૂષિત હવાના રૂપમાં ફેલાય છે."
"તેથી ફેફસાંની તકલીફ ધરાવતા લોકો, અસ્થમાના દર્દીઓ અને વૃદ્ધો આ ધુમાડો વધુ પ્રમાણમાં શ્વાસમાં લે, તો તેમનાં ફેફસાં કામ કરવાનું બંધ કરી શકે છે."
ડૉ. આદિત્યન કૂગને કહ્યું કે મચ્છર ભગાડવાના ધુમાડાને શ્વાસમાં વધુ પડતા પ્રમાણમાં લેવાથી ચેતાતંત્રને નુકસાન, માથાનો દુખાવો અને ધ્રુજારી થઈ શકે છે.
તેમણે કહ્યું કે અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે ખૂબ વધારે ધુમાડો શ્વાસમાં લેવાથી કેટલાક લોકોને આંચકી પણ આવી શકે છે. તેમણે કહ્યું કે પહેલેથી તાવ હોય અને કેન્સર માટે કીમોથેરપી કરાવી રહ્યા હોય, એવા લોકોને તેની અસર વધુ થઈ શકે છે.
તેમણે કહ્યું, "એમ લાગે છે કે અન્નૂરમાં મૃત્યુ પામેલામાંથી એકને ન્યુમોનિયા હતો. તેમનું ઑક્સિજનનું સ્તર પહેલેથી 85-88 હોય અને તેઓ આ ધુમાડો શ્વાસમાં લે, તો તેનાથી ચોક્કસપણે ઘણું નુકસાન થાય."
"પશ્ચિમી દેશોમાં આ મચ્છર ભગાડવાની દવાને આ જ હેતુ માટે ખાસ મિશ્રણ સાથે ભેળવવામાં આવે છે. અહીં કેરોસિનને ડીઝલમાં ભેળવવામાં આવે, ત્યારે તેની ગંધ પણ શ્વાસ લેવામાં વધુ મુસીબત ઊભી કરે છે. કેરોસિનની ગંધની અસર ચેતાતંત્ર પર પણ પડે છે."
બચાવ માટે શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, R. SATISH BABU/AFP via Getty Images
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર અને અભ્યાસો મુજબ, મચ્છર ભગાડવાની દવાનો છંટકાવ કરતી વખતે રાખવાની સલામતી અંગેની સાવચેતીઓ આ મુજબ છે:
- મચ્છર ભગાડવાની દવાના છંટકાવનો સમય અગાઉથી જણાવવો જોઈએ.
- મચ્છર ભગાડવાની દવાનો ઉપયોગ માત્ર ખુલ્લામાં જ કરવો જોઈએ. તેનો ઉપયોગ ઘરની અંદર ન કરવો જોઈએ.
- રસ્તા પર મચ્છર ભગાડવાની દવાનો છંટકાવ કરતી વખતે ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખવાં જોઈએ.
- છંટકાવ દરમિયાન સૌએ માસ્ક પહેરવો જોઈએ અને રસ્તા પર ચાલવું ન જોઈએ.
- ખાવા-પીવાની વસ્તુઓને ખસેડી લઈને સારી રીતે ઢાંકીને રાખવી જોઈએ.
- તે દરમિયાન બાળકોને બહાર રમવા ન દેવાં જોઈએ. તેમને અડધા કલાક પછી જ બહાર જવા દેવાં જોઈએ.
પર્યાવરણ સંશોધક સ્વાતિ આર. અય્યર પોતાના સંશોધનપત્રમાં કહે છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.)એ વારંવાર જણાવ્યું છે કે મચ્છરોને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતો ધુમાડો મનુષ્યોને કશું નોંધપાત્ર નુકસાન પહોંચાડતો નથી.
તેમનું કહેવું છે કે તેમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશકનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને તેને એટલા ઓછા પ્રમાણમાં ફેલાવવામાં આવે છે કે તે માત્ર મચ્છરો જેવા ખૂબ નાના જીવોને મારી શકે.
બીજી તરફ, મુંબઈનાં પલ્મોનોલોજિસ્ટ અને રોગચાળાના નિષ્ણાત ડૉ. લાન્સલૉટ પિન્ટોનું કહેવું છે કે આ ધુમાડો શ્વાસમાં લેવાથી કેટલાક લોકોને નુકસાન થઈ શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ સહિતના ચિંતાજનક લક્ષણો થઈ શકે છે.
ડૉ. પિન્ટોનું કહેવું છે કે જેમને પહેલેથી ફેફસાંની તકલીફ છે, તેમના માટે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
ડૉ. પિન્ટો જણાવે છે કે અગાઉના અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે સ્ટેજ અને મનોરંજન ઉદ્યોગમાં કામ કરતા લોકો સતત વધુ પ્રમાણમાં ધુમ્મસ અને ધુમાડાના સંપર્કમાં રહે છે. તેમનામાં લાંબા સમય સુધી શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
તેમનું કહેવું છે કે તેઓ જે પ્રમાણમાં ધુમાડો શ્વાસમાં લે છે, તે નુકસાનકારક છે.
બેંગલુરુની એક ખાનગી હૉસ્પિટલમાં સેન્ટર ફૉર પલ્મનરી ઍન્ડ સ્લીપ ડિસઓર્ડર્સના સ્થાપક નિયામક અને પલ્મનરી મેડિસિન વિભાગના વડા રવીન્દ્ર મહેતાનું કહેવું છે કે મચ્છર ભગાડવાના ધુમાડાના સંપર્કમાં આવ્યા પછી ફેફસાંની સમસ્યા અને ઍલર્જી ધરાવતા લોકોમાં તેનાં લક્ષણો વધી શકે છે.
તેમનું કહેવું છે કે એક વખત ધુમાડાના સંપર્કમાં આવવાથી ગંભીર નુકસાન ન થાય, પરંતુ લાંબા સમય સુધી વારંવાર સંપર્કમાં આવવાથી નુકસાન થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















