સાહિલ લોચબની ફરિયાદ સામે એફઆઇઆર નોંધાઈ, રાહુલ ગાંધીએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એફઆઇઆર દાખલ થયા બાદ રાહુલ ગાંધી સાથે સાહિલ લોચબ
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

દિલ્હી પોલીસે સાહિલ લોચબ દ્વારા કરાયેલી ફરિયાદ પર કાર્યવાહી કરતાં કથિત પૅલેટ ગન ફાયરિંગની ઘટના સંબંધે અજ્ઞાત લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે.

લોચબ જંતરમંતર પર થયેલા પ્રદર્શન દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા.

એફઆઇઆર દાખલ થયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું, "આ ન્યાયની માગ તરફ પ્રથમ પગલું છે. કેસ દાખલ થયો છે. અમે સવારે 11:30 વાગ્યે ગયા હતા, પોણા સાત વાગ્યે એફઆઇઆર નોંધાઈ છે. જો દિલ્હીમાં આવું થઈ રહ્યું છે તો તમે વિચારો ગામડાંમાં શું સ્થિતિ હશે. અહીં પણ અંતિમ પરવાનગી અમિત શાહજીએ આપવી પડી."

બીજી તરફ ફરિયાદી સાહિલ લોચબે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "કોઈ પણ જાતના મીડિયા કવરેજ વગર રાહુલ ગાંધી અને તેમની ટીમ મારી મદદ કરતાં રહેતાં. કાલ-પરમદિવસે જ્યારે તેમની સાથે વાત થઈ ત્યારે મેં કહ્યું કે મારી એફઆઇઆર નથી લેવાઈ રહી. ત્યારે તેમણે કહ્યું કે મળીએ અને બાદમાં એફઆઇઆર દાખલ કરાવવા જઈએ."

"હું તેમનો દિલથી આભાર માનવા માગું છું કે તેમણે મારી મદદ કરી. આ ન્યાયની જીત છે. આ એફઆઇઆર તેની દિશામાં પ્રથમ પગલું છે."

આ પહેલાં દિલ્હીમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેસી ગયા હતા. તેમની માગ હતી કે સાહિલ લોચબ તરફથી અપાયેલી લેખિત પોલીસ ફરિયાદના આધારે એફઆઇઆર નોંધવામાં આવે.

ભાજપે રાહુલ ગાંધી પર અરાજકતાનું રાજકારણ કરવાનો આરોપ લગાવતાં પૂછ્યું છે કે "શું તેઓ કાયદાનું સન્માન નથી કરતા?"

રવિશંકરપ્રસાદે કહ્યું, "સૌથી મોટી વાત એ છે કે જે લોકો પીડિત હતા, તેઓ સુપ્રીમ કોર્ટ ગયા અને સુપ્રીમ કોર્ટે ખુદ એક હાઇ પાવર્ડ કમિટીની રચના કરી છે, જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કરી રહ્યા છે."

શું છે મામલો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, INC

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ આરોપ કર્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ અંતિમ એફઆઇઆર દાખલ કરાઈ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શુક્રવારે રાહુલ ગાંધી સાહિલ લોચબને લઈને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સાહિલ જંતરમંતર પર પ્રદર્શન દરમિયાન 20 જુલાઈના રોજ પૅલેટ ગનથી ઈજાગ્રસ્ત થયા હતા.

રાહુલ ગાંધીએ માગ કરી કે સાહિલ લોચબ તરફથી અપાયેલી લેખિત પોલીસ ફરિયાદ આધારે એફઆઇઆર નોંધવામાં આવે. આ માગ સાથે તેમણે પોલીસ અધિકારીઓ સાથે વાત કરી.

રાહુલ ગાંધી સિવાય કૉંગ્રેસના ઘણા મોટા નેતા પણ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. દિલ્હીમાં સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ભારે સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો પહોંચી ગયા અને નારાબાજી કરવા લાગ્યા હતા.

કૉંગ્રેસના મહાસચિવ અને સંચાર પ્રભારી જયરામ રમેશે કહ્યું, "તેઓ (રાહુલ ગાંધી) ધરણાં પર બેઠા છે."

રાહુલ ગાંધી સતત ફરિયાદીની ફરિયાદ આધારે કેસ દાખલ કરવાની વાત પર ભાર મૂકતા રહ્યા. તેમણે સાહિલ લોચબ અને પાર્ટી સાંસદકુમારી સૈલજા સાથે ડીપીસી ઑફિસમાં અધિકારીઓ સાથે વાત કરી.

એ બાદ રાહુલ ગાંધી પોલીસ સ્ટેશનની બહાર જ સાહિલ અને તેમનાં માતા સાથે ધરણાં પર બેસી ગયાં.

કૉંગ્રેસ પાર્ટીએ ગૃહમંત્રી અમિત શાહ પર પૅલેટ ગન ચલાવડાવ્યાનો આરોપ કર્યો છે.

કૉંગ્રેસે એક્સ પર લખ્યું. "અમિત શાહે દેશનાં બાળકો પર પૅલેટ ગન ચલાવડાવી, જેમાં સાહિલને પૅલેટ લાગવાથી આંખમાં ગંભીર ઈજા થઈ હતી. સાહિલ અને તેમનાં માતા સતત પોલીસ પાસે જઈને એફઆઇઆર દાખલ કરવાની માગ કરતાં હતાં, જેને પોલીસ નજરઅંદાજ કરી રહી હતી. તેથી આજે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સાહિલ અને તેમનાં માતા સાથે પોલીસ અધિકારીઓને મળ્યા અને તપાસની જાણકારી માગી."

કૉંગ્રેસે આરોપ કર્યો કે સાહિલની ફરિયાદ પર તપાસ નંબર નથી અપાયો, જેથી એફઆઇઆર દાખલ થઈ શકે.

પૅલેટ ગનના ઉપયોગ પર આરટીઆઇ બાદ શું ખબર પડી હતી?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, INCIndia

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાધી સાથે સાહિલ લોચબ પણ હાજર હતા, જે 20 જુલાઈના રોજ ઈજાગ્રસ્ત થયા હતા

પ્રદર્શન દરમિયાન પૅલેટ ગનના ઉપયોગ અંગે ટીએમસીના પૂર્વ સાંસદ સાકેત ગોખલેએ આરટીઆઇ મારફતે જાણકારી મેળવી હતી.

ગોખલેએ કહ્યું હતું કે આટીઆઇ મારફતે ખબર પડે છે કે પૅલેટ ગનથી ઓછામાં ઓછા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, "હૉસ્પિટલો પાસેથી મળેલા રેકૉર્ડ જણાવે છે કે પુષ્ટિ કરાયેલી સંખ્યા ઓછામાં ઓછી બમણી એટલે કે દસ લોકો સુધી છે."

ગોખલેએ જે માહિતી હાંસલ કરી છે, એ પ્રમાણે પૅલેટ ગન વડે ઈજાગ્રસ્ત થયેલા પૈકી નવ લેડી હાર્ડિંગ હૉસ્પિટલમાં અને એક સફદરજંગ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. ગોખલેને હજુ પણ દિલ્હી એમ્સ અને આરએમએલના રેકૉર્ડ મળવાનો ઇંતેજાર છે.

ગોખલેએ આ માહિતી એક્સ પર શૅર કરતા લખ્યું, "આ કેવી લોકશાહી છે, જ્યાં પોલીસ પૅલેટ ગનનો ઉપયોગ કરે છે, એના વિશે જૂઠ બોલે છે અને સવાલ કરાય ત્યારે ઈજાગ્રસ્તોની સંખ્યા બતાવવાનો ઇનકાર કરી દે છે?"

રાહુલ ગાંધીએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન બહાર રાહુલ ગાંધી, સાહિલ લોચબ અને તેમનાં માતા

ધરણાં પર બેઠેલા રાહુલ ગાંધીએ કહેલું, "20 જુલાઈના રોજ જંતરમંતર પર પૅલેટ ગનનો ઉપયોગ થથયો હતો."

રાહુલ ગાંધીએ આ દરમિયાન એક ડબ્બામાં બંધ કથિત પૅલેટ્સ બતાવ્યા અને દાવો કર્યો કે આ સાહિલના શરીરમાંથી નીકળ્યા છે.

તેમણે કહ્યું, "200 છરા તેમના શરીરની અંદર છે, ત્રણ છરા તેમની આંખમાં છે."

તેમણે દિલ્હીની એઇમ્સ અને લૅડી હાર્ડિગ હૉસ્પિટલના રિપોર્ટ બતાવ્યા.

તેમણે કહ્યું, "આ રિપોર્ટ્સમાં સ્પષ્ટપણે લખેલું છે કે તેમના શરીરમાં 200 કરતાં વધુ છરા છે. તેમની આંખમાં ત્રણ છરા છે. આ આંખેથી હવે તેઓ જોઈ નહીં શકે અને તેમના હૃદયની ખૂબ નજીક પણ છરા ફસાયેલા છે, જેને કાઢી ન શકાય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન