અલ-નીનો અને ગુજરાતના હવામાન વચ્ચે શું સંબંધ છે, દરિયામાં શું ગતિવિધિ થઈ?

નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસાને અસર કરતાં અનેક પરિબળો છે, જેમાં અલ-નીનો પણ એક કારણભૂત છે
ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસાને અસર કરતાં અનેક પરિબળો છે, જેમાં અલ-નીનો પણ એક કારણભૂત છે
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં આ વખતે ચોમાસાની પૅટર્નમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ચોમાસું શરૂ થઈ ગયા પછી પણ કેટલાક વિસ્તારોમાં હજુ સુધી વાવણીલાયક કે પૂરતો વરસાદ પડ્યો નથી. તો કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હતું.

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે કે અતિભારે વરસાદની કોઈ આગાહી નથી. જોકે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવો પણ ભય છે.

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ માટે નિષ્ણાતો અલ-નીનો સહિત આઇઓડીની ગતિવિધિ (ઇન્ડિયન ઓશન ડાયપોલ), મૉન્સૂન ટ્રફ સહિતનાં અનેક કારણોને જવાબદાર ગણે છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્રી પ્રો. મનોજ લુણાગરિયા કહે છે કે "ચોમાસાને અસર કરતાં અનેક પરિબળો છે, જેમાં અલ-નીનો પણ એક કારણભૂત છે."

ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતમાં ભારતીય હવામાન વિભાગે કહેલું કે આ વખતે ચોમાસું ભારતમાં અપેક્ષા કરતાં થોડું ઓછું રહી શકે છે.

અલ-નીનો અને ગુજરાતના હવામાનને કોઈ સંબંધ છે ખરો?

ઇન્ડિયન ઓશન ડાયપોલ સામાન્ય રીતે હાલના સમયમાં ન્યૂટ્રલ સ્થિતિમાં છે
ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન ઓશન ડાયપોલ સામાન્ય રીતે હાલના સમયમાં ન્યૂટ્રલ સ્થિતિમાં છે

અલ-નીનો એ જળવાયુમાં થનારા પરિવર્તનનો એક હિસ્સો છે અને તે હવામાન પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે. અલ-નીનો પ્રશાંત મહાસાગરમાં આકાર લે છે.

હવામાન નિષ્ણાતો અનુસાર, અલ-નીનો એક વ્યાપક પરિબળ છે અને એ આખા ભારતના ચોમાસાને અસર પહોંચાડી શકે છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉલ્લેખનીય છે કે વિજ્ઞાનીઓ એવો ભય વ્યક્ત કરી રહ્યા છે કે અલ-નીનો અને માનવ-સર્જિત ક્લાઇમેટ ચેન્જની સંયુક્ત અસરો વિશ્વભરના હવામાનમાં ધરમૂળ ફેરફારો લાવી શકે છે.

વિશ્વ હવામાન સંગઠન (વર્લ્ડ મીટિયોરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન)એ જણાવ્યું હતું કે, અલ-નીનો 2026ના બાકીના ભાગમાં વધુ પ્રબળ બને તેવી શક્યતા છે, જેને લીધે પૃથ્વીના મોટા ભાગના વિસ્તારમાં હવામાન વધુ વિષમ બનશે.

ઘણા દેશોની રાષ્ટ્રીય હવામાન સંસ્થાઓએ કરેલી આગાહી સૂચવે છે કે તે અત્યાર સુધી નોંધાયેલા પૈકીનો સૌથી શક્તિશાળી અલ નીનો હોઈ શકે છે - જેને સંભવતઃ સુપર અલ નીનો કહી શકાય.

હવામાનશાસ્ત્રી પ્રો. મનોજ લુણાગરિયા બીબીસી સાથે વાત કરતા કહે છે, "અલ-નીનો ધીમેધીમે વધુ તીવ્ર બનશે, એટલે ચોમાસું જેમ આગળ વધશે તેમ એ પણ વધુ તીવ્ર બનશે. ચોમાસા બાદ પણ નવેમ્બર-ડિસેમ્બર મહિના સુધી તેની તીવ્રતા રહેશે."

મનોજ લુણાગરિયા કહે છે કે "અલ-નીનોની તીવ્રતા છેલ્લાં ઘણાં વર્ષોમાં આટલી જોવા મળી નથી અને હજુ પણ તેની તીવ્રતા વધશે."

તેઓ કહે છે, "આ વખતની ચોમાસાની પૅટર્નમાં એક બાબત જોવા મળી છે કે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારમાં ઍક્ટિવિટી ઓછી છે અને ગુજરાત વિસ્તાર (એટલે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત)માં ચોમાસાની સ્થિતિ સરેરાશ સારી છે. આ જ પૅટર્ન ચાલી આવે છે."

તેઓ કહે છે, "માત્ર અલ-નીનોને જવાબદાર ન ગણી, તેનાં માટે અનેક કારણો પણ છે, જેમ કે લૉ પ્રેશરનો ટ્રેક, ઇન્ડિયન ઓશન ડાયપોલની શું પરિસ્થિતિ છે, મૉન્સૂન ટ્રફની ગતિવિધિ શું છે, વગેરે બાબતો આધાર રાખે છે."

ઇન્ડિયન ઓશન ડાયપોલ સામાન્ય રીતે હાલના સમયમાં ન્યૂટ્રલ સ્થિતિમાં છે.

ઇન્ડિયન ઓશન ડાયપોલની સ્થિતિને સમજાવતા તેઓ કહે છે કે "હિંદ મહાસાગરમાં પૂર્વ અને પશ્ચિમ તરફ હવાના દબાણની પરિસ્થિતિ બનતી હોય છે, એ હકારાત્મક છે કે નહીં એનો મોટો આધાર હોય છે. જો એ નકારાત્મક થઈ જાય તો ચોમાસાના પવનો થોડા નબળા પડે અને હકારાત્મક હોય તો મજબૂત બને."

અલ-નીનો અને આઇઓડી વચ્ચે શું સંબંધ છે?

અલ-નીનો એ જળવાયુમાં થનારા પરિવર્તનનો એક હિસ્સો છે અને તે હવામાન પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે
ઇમેજ કૅપ્શન, અલ-નીનો એ જળવાયુમાં થનારા પરિવર્તનનો એક હિસ્સો છે અને તે હવામાન પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે

ભારત સહિત ગુજરાતમાં હાલના સમયમાં ચોમાસાની ગતિવિધિઓ છૂટીછવાઈ જોવા મળી રહી છે. ભારતમાં શરૂઆતમાં ચોમાસા અંગે જે ચેતવણી અપાઈ હતી એ પ્રમાણેની અનિશ્ચિતતા જોવા મળી રહી છે.

એક કારણ એ પણ ગણાવાઈ રહ્યું છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ (આઇઓડી)ની સ્થિતિ નબળી પડી રહી છે અને એની સામે અલ-નીનો વધુ તીવ્ર બની રહ્યો છે.

તાજેતરના મહાસાગરીય નિરીક્ષણના આંકડા દર્શાવે છે કે આઇઓડી સતત બીજા અઠવાડિયે નબળી પડી છે. તેનો સૂચકાંક હવે +0.18 ડિગ્રી સેલ્સિયસ સાથે તટસ્થ (ન્યૂટ્રલ) પરિસ્થિતિમાં પહોંચી ગયો છે.

સામાન્ય રીતે સકારાત્મક આઇઓડી ભારતમાં અલ-નીનોની કેટલીક નકારાત્મક અસરોને સંતુલિત કરવામાં મદદરૂપ બને છે, કારણ કે તે ઉપખંડના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધારવામાં મદદરૂપ બને છે.

હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર, અલ-નીનો આગામી સમયમાં વધુ તીવ્ર બની શકે છે અને તેની હવામાન પર અસર થઈ શકે છે.

આઇઓડીનું નબળું પડવું અને અલ-નીનોનું વધુ મજબૂત થવું એ ભારતના વરસાદની પૅટર્ન પર મોટો પ્રભાવ પાડી શકે છે.

શું ગુજરાતમાં વરસાદ લાવતા ચોમાસાના પવનો નબળા પડી ગયા છે?

ગુજરાતમાં આ વખતે ચોમાસામાં વરસાદની પૅટર્ન બદલાઈ છે
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં આ વખતે ચોમાસામાં વરસાદની પૅટર્ન બદલાઈ છે

પ્રો. મનોજ લુણાગરિયા કહે છે, "ઉપરાંત ભારત પર જે લૉ પ્રેશરનાં કેન્દ્ર બનતાં હોય એના પર ઘણો આધાર હોય છે. જેમ કે કોઈ વિસ્તારમાં વધુ વરસાદ હોય, કોઈ વિસ્તારમાં ઓછો હોય અથવા ન જેવો હોય. "

તો શું ગુજરાતમાં વરસાદ લાવતા ચોમાસાના પવનો નબળા પડી ગયા છે?

આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "ગુજરાતમાં અરબ સાગર પરથી આવતા પવનો વરસાદ લાવતા હોય છે, એમાં કેટલું ભેજ છે એનો વરસાદ પર મોટો આધાર છે. સીધું કારણ તો એ જ છે કે ચોમાસાના પવનો એ દક્ષિણ ગુજરાત તરફ થોડા વધુ સક્રિય છે અને ગુજરાતના બાકીના વિસ્તારોમાં પ્રમાણમાં ઓછા સક્રિય છે. એટલે જો હવામાં ભેજ હોય અને વાદળો બંધાય તો કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન