યુક્રેનના ડ્રોન અને મિસાઇલ હુમલાથી મૉસ્કોમાં ભારે નુકસાન- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

યુક્રેને રશિયાની રાજધાની મૉસ્કો પર મોટો હુમલો કર્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ મૉસ્કો પર યુક્રેનનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગુરુવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, 'જો યુક્રેન સળગશે, તો તમારું મૉસ્કો પણ સળગશે.'

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે મૉસ્કો ક્ષેત્ર પર કરાયેલો હુમલો કિએવ પર થયેલા રશિયન હુમલાનો જવાબ હતો.

તેમણે ગુરુવારે સવારે પત્રકારો સાથે વાત કરતા કિએવ-પેચેર્સ્ક લાવરાનો ઉલ્લેખ કર્યો, જેના પર થયેલા હુમલામાં અસમ્પ્શન કૅથેડ્રલમાં આગ લાગી ગઈ હતી. એ હુમલામાં કિએવમાં પાંચ લોકોનાં મોત થયાં છે.

ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેને પહેલાં જ ચેતવણી આપી હતી કે તે 15 જૂનના હુમલાનો જવાબ આપશે અને "ચુપ નહીં બેસે."

તેમણે ચેતવણી આપી હતી કે,"જો યુક્રેન સળગશે, તો તમારું મૉસ્કો પણ સળગશે."

યુક્રેનના રાષ્ટ્રપતિએ પોતાના ટેલિગ્રામ સંદેશનો ફરીથી ઉલ્લેખ કર્યો અને રશિયાને યુદ્ધ ખતમ કરવાની અપીલ પણ કરી.

જોકે તેમના અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ આવું કરવાની ઇચ્છા નથી દેખાડી રહ્યા. આ કારણે તેમણે પશ્ચિમી દેશોને રશિયા પર પ્રતિબંધોનું દબાણ વધારવાનો આગ્રહ કર્યો.

આ એક અઠવાડિયાની અંદર બીજી વાર મૉસ્કોની ઑઇલ રિફાઇનરીને નિશાન બનાવાઈ છે.

ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને યુદ્ધનો અંત લાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી પત્ર (એમઓયુ) પર બુધવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે હવે અમલમાં આવી ગયો છે.

આ કરાર સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ વચ્ચે શુક્રવારે યોજાનારી બેઠક પહેલાં જ થઈ ગયો છે.

આ હસ્તાક્ષર કાર્યક્રમમાં ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બઘર ગાલીબાફ અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ બંને હાજર રહેવાના હતા.

જો કે, હવે તે બેઠક આગળ વધશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી.

બીજી તરફ, વર્તમાન કરાર હેઠળ બંને પક્ષો આગામી 60 દિવસની કામચલાઉ સમયમર્યાદાની અંદર એક કાયમી સમજૂતી માટે વાટાઘાટો કરવા માટે પ્રતિબદ્ધ થયા છે.

જો કે, આ સમયમર્યાદા લંબાવી શકાય તેમ છે.

આ તસવીરો આજે સવારે ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઇરાનની સરકારના ઍક્સ ઍકાઉન્ટ અને ઈરાનની 'મેહર' ન્યૂઝ એજન્સીના ટેલિગ્રામ ઍકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે.

આ તસવીરોમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને ઈરાન વતી એમઓયુ પર હસ્તાક્ષર કરતા જોઈ શકાય છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પણ મધ્યસ્થી તરીકે આ સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરતી પોતાની તસવીરો શેર કરી છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે મધ્યસ્થી તરીકે ઈરાન-અમેરિકા કરાર પર હસ્તાક્ષર કર્યા

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે મધ્યસ્થી તરીકે ઇસ્લામાબાદ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આ અગાઉ બંને પક્ષો, ઈરાન અને અમેરિકાએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય દ્વારા એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં શાહબાઝ શરીફ કરાર પર હસ્તાક્ષર કરતા જોવા મળે છે.

અગાઉ, શાહબાઝ શરીફે કહ્યું હતું કે આ કરાર તાત્કાલિક અસરથી અમલમાં આવશે, પ્રથમ પગલા તરીકે ઈરાન હોર્મુઝની સામુદ્રધુની ખુલશે અને અમેરિકા નૌકાદળની નાકાબંધી હટાવશે.

શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "મને જાહેરાત કરવામાં ગર્વ થાય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક 'ઇસ્લામાબાદ એમઓયુ' પર ઇલેક્ટ્રૉનિક રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર પર બંને દેશોના રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા છે અને મેં મધ્યસ્થી તરીકે તેને મંજૂરી આપી છે."

તેમણે લખ્યું, "બંને સરકારોના ઉચ્ચ સ્તરે આ કરાર પર હસ્તાક્ષર કરવાથી ખ્યાલ આવે છે કે બંને પક્ષો વાતચીત દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવવા માટે ગંભીર છે. ઇસ્લામાબાદ સમજૂતી કરાર તાત્કાલિક અમલમાં આવશે. પ્રથમ પગલા તરીકે, ઈરાન તાત્કાલિક હોર્મુઝની સામુદ્રધુની ખોલશે અને અમેરિકા તાત્કાલિક નૌકાદળ નાકાબંધી હટાવશે."

શાહબાઝ શરીફે અમેરિકા અને ઈરાનના ટોચના નેતાઓનો પણ આભાર માન્યો. તેમણે ઍક્સ પોસ્ટમાં કતારની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો છે.

શાહબાઝ શરીફે સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના નેતાઓના યોગદાનની પણ પ્રશંસા કરી.

મહિલા ટી20 વર્લ્ડકપ: ભારતે નૅધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું

ભારતે બુધવારે મહિલા ટી20 વર્લ્ડકપમાં સતત બીજી જીત નોંધાવીને નૅધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું.

ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા હતા. ત્યાર બાદ નૅધરલેન્ડ્સ 17.3 ઓવરમાં 114 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.

લીડ્સમાં રમાયેલી મૅચમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ 115 રનની ભાગીદારી નોંધાવી હતી. મંધાનાએ 74 અને શેફાલીએ 55 રન બનાવ્યા હતા.

ભારત તરફથી શ્રી ચરણીએ 4 વિકેટ લીધી, જ્યારે શેફાલી વર્માએ પણ 3 વિકેટ લીધી.

સ્મૃતિ મંધાનાને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયાં હતાં. આ જીત સાથે ભારતીય મહિલા ટીમ પૉઇન્ટ ટેબલ પર તેના ગ્રૂપમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. નૅધરલેન્ડ્સનો સામનો કરતાં પહેલાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

ભારતીય ખલાસીઓનાં મોત પર શોક વ્યક્ત કરવા વિશેના સવાલ પર ટ્રમ્પે મોદીને શું કહ્યું?

ફ્રાન્સના એવિયન શહેરમાં જી-7 સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.

આ બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારતીય ખલાસીઓની સુરક્ષા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને હોર્મુઝની સામુદ્રધુનીને ખોલવી એ વિશ્વ માટે ખૂબ જરૂરી છે.

ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલા અમેરિકન હુમલામાં ત્રણ ભારતીયોનાં મોત અને તેના પર શોક વ્યક્ત કરવા અંગેના પ્રશ્નના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "આ ખૂબ જ અઘરો વ્યવસાય છે અને અમે આ લોકોને પ્રેમ કરીએ છીએ અને આના પર ચોક્કસપણે સાથે મળીને કામ કરીશું."

ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધો વિશે ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે કોઈ સંરક્ષણ કરાર નથી, પરંતુ "જો ભારત પર કોઈ હુમલો થાય છે, તો અમેરિકા મદદ કરવા માટે હાજર રહેશે."

બીજી તરફ, ટ્રમ્પના આ નિવેદન પર કૉંગ્રેસે કહ્યું કે અમેરિકા ભારતની સાથે ઊભું રહેશે તેવી અપેક્ષા રાખવી ખોટી હશે.

કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું , "જ્યારે ઑપરેશન સિંદૂર થયું, ત્યારે અમેરિકા દ્વારા યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. શું ભારત આ ભૂલી શકે છે? આજે ટ્રમ્પ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે ભોજન કરી રહ્યા છે. શું આપણે આ ભૂલી શકીએ? તે ભારતના દુશ્મનોનો મિત્ર છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે તે આપણી સાથે ઊભા રહે, આપણી સાથે મિત્રતા કરે. મને લાગે છે કે આ અપેક્ષા રાખવી ખોટી હશે."

પીએમ મોદીએ ટ્રમ્પને એમ પણ કહ્યું કે તેઓ પશ્ચિમ એશિયામાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરે છે.

અમેરિકા-ઈરાન કરાર પર હસ્તાક્ષર થયા બાદ, ગાલિબાફે કહ્યું કે આ બિલકુલ વિશ્વસનીય નથી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જોકે, ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘર ગાલિબાફે જણાવ્યું કે ભલે અંતિમ કરાર થઈ ગયો હોય, પરંતુ તે "બિલકુલ વિશ્વસનીય નથી."

બીબીસી ફારસી અનુસાર, ગાલિબાફે કહ્યું કે તેઓ અમેરિકા સાથે વાટાઘાટ કરવા માગતા નથી, કારણ કે તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 'ટોચના કમાન્ડર હજ કાસિમની હત્યાના માસ્ટરમાઇન્ડ' માને છે.

ઉલ્લેખનીય છે કે મોહમ્મદ બઘર ગાલિબાફ ઈરાનની વાટાઘાટ ટીમમાં સામેલ છે, પરંતુ તેમનું કહેવું છે કે તેમણે આ જવાબદારી મન ન હોવા છતાં નિભાવી.

મોહમ્મદ બઘર ગાલિબાફે ઈરાની બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, "હું મારી જાતે વાટાઘાટ ટીમમાં જોડાયો ન હતો. હું ઇચ્છતો ન હતો, પણ મેં તેમ છતાં તે કામ કર્યું. મેં આ જવાબદારી ન લેવાનું એક કારણ એ હતું કે ટ્રમ્પ હજ કાસિમની હત્યા પાછળના માસ્ટરમાઇન્ડ હતા. જનરલ સુલેમાની સમગ્ર ઇસ્લામિક વિશ્વમાં પ્રિય હતા અને તેઓ મારા માટે તો વ્યક્તિગત રીતે પણ મહત્ત્વપૂર્ણ હતા."

ટ્રમ્પનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "શું તમને લાગે છે કે આવા વ્યક્તિ સાથે કોઈ ટેક્સ્ટ તૈયાર કરવું મારા માટે સરળ હોત?"

તેમણે વધુમાં કહ્યું, "અમેરિકા પ્રત્યે મારો અવિશ્વાસ અને નિરાશા સૌથી વધુ છે."

અમેરિકા સાથેના અંતિમ કરાર પર હસ્તાક્ષર થયા પછી, ગાલિબાફે કહ્યું, "જો આ કરાર અંતિમ હોય અને સુરક્ષા પરિષદની મંજૂરી મળે, તો પણ તેના પર વિશ્વાસ કરી શકાય નહીં. અમારી અસલી ગૅરંટી ઈરાનની તાકાત છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન