'બિલૉન્ગિંગ : અ જર્ની ઑફ લવ' - સોનિયા ગાંધીએ આ પુસ્તકમાં પીએમ નરેન્દ્ર મોદી વિશે શું લખ્યું છે?

ઇમેજ સ્રોત, Arvind Yadav/Hindustan Times via Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 12 મિનિટ
31 ઑક્ટોબર, 1984ની સવાર.
તે સમયે સોનિયા ગાંધી દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાને રહેતાં હતાં. તેઓ સ્નાન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમને બગીચામાં ગોળીબારનો અવાજ સંભળાયો.
તેમનાં સાસુ અને ભારતનાં વડાં પ્રધાન ઇંદીરા ગાંધી થોડી જ વાર પહેલાં નજીકની એક ઇમારતમાં આવેલી પોતાની કચેરીએ જવા નીકળ્યાં હતાં. થોડી જ ક્ષણો પછી તેમના બે શીખ અંગરક્ષકોએ તેમની હત્યા કરી નાખી.
આ હત્યા એ જ વર્ષની શરૂઆતમાં ભારતીય સેના દ્વારા અમૃતસરના સુવર્ણ મંદિરમાં કરવામાં આવેલી કાર્યવાહીના 'બદલા'રૂપે કરવામાં આવી હતી. સુવર્ણ મંદિર શીખ ધર્મનું સૌથી પવિત્ર તીર્થસ્થાન છે.
સોનિયા ગાંધીને ગોળીબારનો અવાજ ફટાકડા જેવો લાગ્યો, પરંતુ તે 'અલગ' હતો.
બાળકોની આયા ગભરાયેલી હાલતમાં બાથરૂમના દરવાજે આવી અને બગીચા તરફ ઇશારો કરવા લાગી.
સોનિયા દોડતાં દોડતાં તે રસ્તા તરફ ગયાં. એક સફેદ ઍમ્બેસેડર કાર ધીમે-ધીમે તેમની તરફ આવી રહી હતી.
કારની અંદર ઇંદીરા ગાંધી લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતાં. તેમની સાડી લોહીથી ખરડાયેલી હતી, આંખો ખુલ્લી હતી. સોનિયાને તેમના ચહેરા પર આશ્ચર્યનો ભાવ દેખાયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોનિયાએ કહ્યું, "મમ્મી, મમ્મી." પરંતુ તેમના મોઢામાંથી બીજો કોઈ શબ્દ નીકળી શક્યો નહીં.
હૉસ્પિટલમાં તેઓ કલાકો સુધી રાહ જોતાં રહ્યાં. આખરે ડૉક્ટરે માથું હલાવીને આપેલા જવાબથી તેમને એ સમજાઈ ગયું, જેનો તેમને ડર હતો.
પરંતુ તેમની પીડાનો અહીં અંત આવ્યો નહીં.
ઇંદીરા ગાંધીના મોટા પુત્ર અને સોનિયાના પતિ રાજીવ ગાંધીને પશ્ચિમ બંગાળમાં એક રેલીમાંથી પાછા બોલાવવામાં આવ્યા.
ત્યાં પહોંચ્યા પછી રાજીવે સોનિયાને જણાવ્યું કે પક્ષના નેતાઓ ઇચ્છે છે કે તેઓ વડા પ્રધાન બને.

ઇમેજ સ્રોત, Getty Images
સોનિયાની પ્રતિક્રિયા ગુસ્સા અને ભયથી ભરેલી હતી.
તેમણે રાજીવને વિનંતી કરી, "તેઓ તને મારી નાખશે ! તેઓ તને પણ મારી નાખશે."
રાજીવે જવાબ આપ્યો, "તેઓ મને આમ પણ મારી જ નાખશે."
એ જ સાંજે, ઇંદીરા ગાંધીનો પાર્થિવ દેહ ઘરમાં રાખવામાં આવ્યો, ત્યારે રાજીવ ગાંધીએ વડા પ્રધાનપદના શપથ લઈ લીધા.
સોનિયા ગાંધીની નવી આત્મકથા 'બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ'ના આ સૌથી હૃદયસ્પર્શી અને હચમચાવી નાખનારા પ્રસંગોમાંનો એક છે.
તેમાં અંગત જીવનની ઘેરી કરુણાંતિકા અને જાહેર જીવનનું ભારે દબાણ એકસાથે ઊભરી આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
જે મહિલા લાંબા સમય સુધી રાજકારણથી દૂર રહ્યાં હતાં, તેઓ હવે ભારતના વડા પ્રધાનનાં પત્ની હતાં.
આગળ જતાં તેઓ કૉંગ્રેસ પક્ષનાં અધ્યક્ષા બન્યાં, પક્ષને બે લોકસભા ચૂંટણીઓમાં વિજય અપાવ્યો અને દેશની સૌથી પ્રભાવશાળી રાજકીય હસ્તીઓમાં સામેલ થયાં.
આ પ્રસંગ ભવિષ્યમાં બનનારી બીજી એક વિનાશક અંગત કરુણાંતિકા તરફ પણ સંકેત કરે છે.
1991માં રાજીવ ગાંધીની પણ હત્યા કરી દેવામાં આવી હતી.
રાજીવ ગાંધીના મૃત્યુ પછી શરૂ થયેલો પડકારજનક સમય

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સોનિયા ગાંધી માટે ત્યાર પછીનાં વર્ષો જાહેર જીવનથી દૂર રહેવાનાં અને પોતાની જાતને સંભાળવાનાં હતાં.
19 વર્ષની ઉંમરે ઇટાલીના એક નાનકડા શહેરમાં રહેતી એક યુવતીની મુલાકાત ઇંગ્લૅન્ડમાં ભારતીય વિદ્યાર્થી રાજીવ ગાંધી સાથે થઈ હતી. આ સંબંધે તેમને એક નવા દેશ અને નવા પરિવાર સાથે જોડ્યાં. ઇન્દિરા ગાંધી સાથે પણ તેમનો ગાઢ સંબંધ બંધાયો. પોતાનાં પતિ અને સાસુ દ્વારા ભારત જ તેમનું ઘર બની ગયું.
રાજીવ ગાંધીની હત્યા પછી સોનિયા માટે જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવો પણ અત્યંત મુશ્કેલ બની ગયો. જે સ્મારક ટ્રસ્ટોનાં તેઓ અધ્યક્ષ હતાં, તેમના કાર્યક્રમોમાં હાજરી આપવી તેમની જવાબદારી હતી. પરંતુ દરેક વખતે તે તેમના માટે એક મુશ્કેલ અનુભવ રહેતો હતો. ભાષણ આપતાં પહેલાં તેમને ડર લાગતો કે ક્યાંક તેઓ પોતાનાં આંસુઓ પરનો કાબૂ ગુમાવી ન બેસે.
દલાઈ લામાએ તેમને પૂછ્યું, "શું તેઓ પોતાના પતિના હત્યારાઓ સામે બદલો લેવા માગે છે", ત્યારે તેમણે જવાબ આપ્યો, "ના, એવું નથી."
આટલું કહેતાં જ તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં.
તેઓ લખે છે કે ધીમે ધીમે રાજીવ તેમના માટે "એક ઊંડી ગેરહાજરીને બદલે મારી અંદર રહેલી એક અનુભૂતિ" બની ગયા.
પરંતુ પરિવારના મહત્ત્વના પ્રસંગોએ તેમનું દુઃખ ફરી ઊભરી આવતું હતું.
જ્યારે રાજકારણ તેમને પોતાની તરફ ખેંચવા લાગ્યું

ઇમેજ સ્રોત, Getty Images
1995માં તેમના પુત્ર રાહુલે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી, ત્યારે સોનિયા અને તેમનાં બાળકો એ વિચારીને ભાવુક થઈ ગયાં કે એ દિવસે રાજીવને કેટલો ગર્વ થયો હોત.
આ દરમિયાન રાજકારણ ધીમે-ધીમે તેમને પોતાની તરફ ખેંચી રહ્યું હતું. તેમના પતિના પરિવારની અનેક પેઢીઓથી રાજકીય ઓળખ ધરાવતો કૉંગ્રેસ પક્ષ પોતાનો સંગઠનાત્મક આધાર અને ચૂંટણીમાં પોતાનું સ્થાન ગુમાવી રહ્યો હતો. પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ તેનો સાથ છોડી રહ્યા હતા અને સોનિયા ગાંધીને નેતૃત્વ સંભાળવાની માંગ સતત વધી રહી હતી.
શરૂઆતમાં તેમણે ઇન્કાર કર્યો. તેઓ લખે છે કે રાજીવ સાથે રહીને તેમણે રાજકારણને નજીકથી જોયું હતું. તેમાં સિદ્ધિઓ પણ હતી, પરંતુ સાથે સાથે "મહત્ત્વાકાંક્ષા અને લાલચ, દંભ અને વિશ્વાસઘાત" પણ હતાં.
તેઓ લખે છે, "મને રાજકારણ ક્યારેય નથી ગમ્યું." રાજકારણે તેમની પાસેથી પહેલાં તેમનાં સાસુ અને પછી 'મારા જીવનના પ્રેમ, મારાં બાળકોના પિતા'ને છીનવી લીધા.
પરંતુ કૉંગ્રેસનું પતન હવે તેમને અંગત રીતે અસર કરવા લાગ્યું. ઇંદીરા અને રાજીવની તસવીરો પાસેથી પસાર થતાં તેઓ 'પીડા અને અપરાધભાવની મિશ્ર લાગણી'થી ભરાઈ જતાં.
તેમને ડર હતો કે ઇંદીરા અને રાજીવે "ભારતની બહુવિધતાવાદી સંસ્કૃતિનું રક્ષણ" કરવા માટે જે શક્તિઓ સામે સંઘર્ષ કર્યો હતો, તે હવે મજબૂત બની રહી હતી. તેમના મતે, વધતો હિંદુ રાષ્ટ્રવાદ ભારતની એ "ધર્મનિરપેક્ષ અને બહુવિધતાવાદી વિચારધારા" માટે ખતરો હતો, જેનું રક્ષણ કરવાનો તેમના પરિવારે પ્રયાસ કર્યો હતો.
કૉંગ્રેસના નેતાઓની દલીલ હતી કે, જો સોનિયા ગાંધી પક્ષનું સુકાન નહીં સંભાળે, તો પક્ષ તૂટી શકે અને સાંપ્રદાયિક રાજકારણનો મુકાબલો કરવા માટે બહુ ઓછી શક્તિ બાકી રહેશે.
સોનિયાનું માનવું હતું કે, તેમના પરિવારના નામનું આકર્ષણ ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશની સીમાઓથી પર હતું. તેઓ લખે છે કે, પક્ષમાં જોડાવાની તરફેણમાં આપવામાં આવેલી આ જ 'સૌથી પ્રભાવશાળી દલીલ' હતી.
જ્યારે પોતાની ક્ષમતા પર શંકા થવા લાગી

ઇમેજ સ્રોત, Sondeep Shankar/Getty Images
તેમના મનમાં પોતાની યોગ્યતા અને ક્ષમતાને લઈને પણ શંકા હતી. તેઓ વિચારતાં હતાં કે એક બહારની વ્યક્તિ હોવાના નાતે તેઓ એ બે મહાન નેતાઓનું સ્થાન કેવી રીતે લઈ શકે, જેમણે તેમના પરિવારનું રાજકીય નેતૃત્વ કર્યું હતું.
ઘરમાં રાહુલ અને પ્રિયંકાને ડર હતો કે, ક્યાંક તેઓ પોતાની માતાને પણ ન ગુમાવી બેસે, જેમ તેમણે પોતાની દાદી અને પિતાને ગુમાવ્યાં હતાં. નવા વર્ષની રજાઓ પર જતાં પહેલાં બંનેએ પોતાની માતા પાસેથી વચન લીધું, "અમારી ગેરહાજરીમાં એવું કોઈ પગલું ન ભરતાં, જેનાથી મુશ્કેલી ઊભી થાય."
સોનિયા ગાંધી લખે છે કે તેમને તેનો 'જવાબ' ભગવદ્ગીતામાં મળ્યો.
જોકે, પુખ્ત વયે પહોંચ્યા પછી તેઓ ધાર્મિક નહોતાં, પરંતુ જાન્યુઆરી 1997માં તેમણે સંસ્કૃતના એક વિદ્વાન પાસેથી ખાનગી રીતે ગીતા ભણવાની વ્યવસ્થા કરી. બંનેએ શ્લોક-દર-શ્લોક આ ગ્રંથનો અભ્યાસ કર્યો.
તેઓ લખે છે કે ગીતાના મુખ્ય સંદેશે આખરે તેમના મનનો દ્વંદ્વ દૂર કરી દીધો. આ સંદેશ હતો કે વ્યક્તિએ પોતાનો ધર્મ એટલે કે કર્તવ્ય નિભાવવું જોઈએ અને તેનાં પરિણામોની ચિંતા ન કરવી જોઈએ.
તેઓ લખે છે, "મને મારી શંકાઓ અને સવાલોના જવાબ મળી ગયા હતા. મારે આગળ આવવાનું હતું અને ત્યાં જવાનું હતું, જ્યાં મારું કર્તવ્ય મને બોલાવી રહ્યું હતું; અને મેં એવું જ કર્યું."

ઇમેજ સ્રોત, AFP via Getty Images
જોકે, આ સંસ્મરણનો સૌથી નાટકીય રાજકીય પ્રસંગ સાત વર્ષ પછી, 2004માં કૉંગ્રેસની ચૂંટણીમાં જીત બાદ આવે છે. સોનિયાએ પક્ષના ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કર્યું હતું.
સોનિયા ગાંધી મનમોહનસિંહ સાથે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન પહોંચે છે અને રાષ્ટ્રપતિ સમક્ષ ઔપચારિક રીતે કૉંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનની સરકાર બનાવવાનો દાવો રજૂ કરે છે. બધા માનીને ચાલી રહ્યા છે કે તેઓ વડાં પ્રધાન બનશે, પરંતુ તેઓ કંઈ કહેતાં નથી.
ઘરે પાછાં ફરીને તેઓ પક્ષના એક વરિષ્ઠ સહયોગીને જણાવે છે કે તેમણે વડા પ્રધાનપદ સ્વીકારવાનો ઇન્કાર કરવાનો નિર્ણય લીધો છે. પક્ષના કાર્યકરો તેમના ઘરની બહાર એકઠા થઈ જાય છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ તેમને મળવાની માંગ કરે છે.
એક નેતા કહે છે, "તમે ચૂંટણી લડ્યાં, તમે અમારું નેતૃત્વ કર્યું. લોકોએ તમારા પર વિશ્વાસ મૂક્યો. તમે તેમને આ રીતે નિરાશ કેવી રીતે કરી શકો? અમારા કાર્યકરો બળવો કરી દેશે. શું તમને લાગે છે કે તેઓ બીજા કોઈ નેતાને સ્વીકારી લેશે?"

ઇમેજ સ્રોત, Pascal Le Segretain/Sygma via Getty Images
ગઠબંધનના નેતાઓ તેમને મનાવવા પહોંચે છે. સોનિયા લખે છે કે તેઓ તેમને ચારે બાજુથી ઘેરી લે છે અને તેમનામાંથી એક ભારપૂર્વક કહે છે, "અમે તમારો ઇન્કાર સ્વીકારીશું નહીં." દબાણમાં આવીને તેઓ ધીમેથી કહે છે, "ઠીક છે." તેઓ તેને તેમની સંમતિ માની લે છે અને તેમને અભિનંદન આપવા લાગે છે.
સોનિયા લખે છે કે તેમનાં બાળકો આ જોઈને સ્તબ્ધ થઈ જાય છે. રાહુલ ગુસ્સામાં તેમની પાસે આવે છે અને પૂછે છે, "તમે હા પાડી દીધી?" તેમની પુત્રી પ્રિયંકા તેમને કહે છે કે તેઓ કોઈના દબાણમાં આવીને નિર્ણય ન લે.
સોનિયા લખે છે કે તેઓ આખી રાત પોતાની જાત સાથે, મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ બાબતે ચર્ચા કરતાં રહે છે. આ જોખમ માત્ર તેમનું અંગત જોખમ નહોતું. તેમનું માનવું હતું કે મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેમના વિદેશી મૂળનો મુદ્દો સતત ઉઠાવતી રહેશે. તેમને ડર હતો કે વડાં પ્રધાનપદ સ્વીકારવાથી આ વિવાદ "દેશમાં ભારે ઊથલપાથલ મચાવી શકે છે" અને દેશને નુકસાન પહોંચાડી શકે છે.
સવાર સુધીમાં તેમનો નિર્ણય સ્પષ્ટ થઈ ચૂક્યો હતો. તેઓ રાહુલને કહે છે, "મેં મારો નિર્ણય લઈ લીધો છે. હું મારા વલણ પર અડગ રહીશ."

ઇમેજ સ્રોત, RAVI RAVEENDRAN/AFP via Getty Images
પુસ્તકમાં સૌથી વધુ નિખાલસ વાત ત્યારે સામે આવે છે, જ્યારે સોનિયા ગાંધી પરિવારની યાદોથી આગળ વધીને એ ભારતની ચર્ચા કરે છે, જેના વિશે તેમનું માનવું છે કે તે હવે ખોવાઈ ગયું છે.
સોનિયા કહે છે કે તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો, ત્યારે "સંસદીય રાજકારણમાં એક પ્રકારની શાલીનતા અને મર્યાદા રહેતી હતી."
રાજકીય હુમલાઓ અને આકરાં નિવેદનો કોઈ નવી વાત નહોતી. પરંતુ તેમના મતે, હવે સત્તામાં બેઠેલા લોકો અસહમત લોકોનું અપમાન કરવા અને તેમને પરેશાન કરવા લાગ્યા છે. વિરોધીઓને ડરાવવા-ધમકાવવાની વૃત્તિ વધી ગઈ છે.
તેમનું કહેવું છે કે, આ દુનિયાભરમાં વધી રહેલા એ વલણનો એક ભાગ છે, જેમાં "સરમુખત્યારશાહી શાસનની સાથે નિર્દયતા પણ આવે છે."
હિંદુ રાષ્ટ્રવાદી ભાજપના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે સોનિયાનું મૂલ્યાંકન અસામાન્ય રીતે સીધું છે.
તેઓ લખે છે કે, સંસદના કાર્યક્રમોમાં ઔપચારિક અભિવાદન અને ક્યારેક થયેલી વાતચીત સિવાય બંને વચ્ચે 'લગભગ કોઈ વાસ્તવિક સંપર્ક નથી' રહ્યો.
હૉસ્પિટલમાંથી પાછાં ફર્યાં પછી ક્યારેક મોદી તેમને પૂછતા હતા, "ઠીક છો, તમે?" સોનિયા કહે છે, "તેઓ ઘણી વાર નજર ફેરવી લે છે અને આંખમાં આંખ મિલાવીને વાત કરવાનું ટાળે છે."
મોદી વિશે સોનિયાએ શું લખ્યું?

ઇમેજ સ્રોત, Reuters
સોનિયા ગાંધી લખે છે કે મોદીનો ભારત વિશેનો વિચાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા ઘડાયો હતો. આ વિચાર "એવા કટ્ટરવાદને પ્રોત્સાહન આપે છે, જેમાં તેમનો ધર્મ અને સંસ્કૃતિ બાકીની તમામ બાબતોથી ઉપર છે." તેમનું ભારત 'શ્રેણીબદ્ધ વ્યવસ્થા, શિસ્ત અને નિયંત્રણ' ધરાવતું ભારત છે, જ્યારે સોનિયાનું ભારત 'વર્ચસ્વની વિરુદ્ધ' છે, જે 'સમાવેશકતા, ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાય' માટે ઊભું છે.
આ વિવાદની વચ્ચે સોનિયા એક મહત્ત્વની વાત પણ સ્વીકારે છે. તેઓ કહે છે કે, તેઓ મોદીની 'આપણા સમયના સત્તાધારી અભિજાત વર્ગ પ્રત્યેની અસહજતા'ને સમજે છે.
સોનિયા કહે છે કે, દિલ્હીના વગદાર લોકોના ડ્રૉઇંગ રૂમમાં તેમને પણ અસહજતા અનુભવાતી હતી. ત્યાં થતી રાજકીય ચર્ચાઓ 'ભારતની વાસ્તવિકતાથી ઘણી દૂર' લાગતી હતી.
તેઓ લખે છે કે "મોદીની પૃષ્ઠભૂમિ કદાચ એટલી સામાન્ય ન હોય, જેટલી તેમની પ્રચાર ટીમ જણાવે છે. પરંતુ તેમણે આરએસએસની અંદર એક વંચિત વર્ગની દુનિયામાંથી બહાર આવીને સત્તા સુધી પહોંચવા માટે ચોક્કસપણે મહેનત કરી હતી." આ કૉંગ્રેસના ટોચના નેતૃત્વ અને એ મતદાર વર્ગ વચ્ચેના સામાજિક અંતરને સ્વીકારવાનું એક દુર્લભ ઉદાહરણ છે, જેનું પ્રતિનિધિત્વ પાછળથી મોદી કરવા લાગ્યા.
આ સંસ્મરણમાં દુનિયાના અનેક નેતાઓ સાથે સોનિયાની મુલાકાતોની ઝલક પણ મળે છે.
તેમને વ્લાદિમીર પુતિન એક 'રસપ્રદ વ્યક્તિત્વ' તરીકે યાદ છે. તેઓ તેમને સેન્ટ પીટર્સબર્ગમાં નૌકાવિહાર માટે લઈ ગયા હતા અને રસ્તામાં સ્મારકો વિશે જણાવી રહ્યા હતા. સોનિયા કહે છે કે વૈશ્વિક રાજકારણ વિશેની તેમની સમજ અને 'રશિયાને તેની જૂની શક્તિશાળી સ્થિતિમાં પાછું લાવવાના તેમના સંકલ્પ'થી તેઓ પ્રભાવિત થયાં હતાં. તેઓ આ મુલાકાતને 'યુક્રેન યુદ્ધથી ઘણા સમય પહેલાંના, એક અલગ સમયગાળાની' ગણાવે છે.
વિવાદો અંગે સોનિયાનું મૌન

ઇમેજ સ્રોત, Getty Images
બીજી એક રસપ્રદ મુલાકાત ફ્રાન્સના નિકોલસ સરકોઝી સાથે જોડાયેલી હતી. તેઓ 2008માં ભારત આવ્યા હતા, પરંતુ તેમની તત્કાલીન સાથી કાર્લા બ્રુની તેમની સાથે નહોતાં કારણ કે તે સમયે બંનેનાં લગ્ન થયાં નહોતાં.
એક રાજકીય ભોજન સમારંભ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિનાં પત્નીએ તેમને ખૂબ ઉત્સાહથી સવાલો પૂછવાનું શરૂ કરી દીધું. તેમણે પૂછ્યું કે તેઓ કાર્લા બ્રુની સાથે લગ્ન ક્યારે કરવાના છે, શું તેમને તેમની યાદ આવે છે અને શું લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે.
સરકોઝીએ તેમના તમામ સવાલોના જવાબ આપ્યા. આ દરમિયાન તેઓ પોતાના ફોન પર બ્રુનીને સંદેશા પણ મોકલી રહ્યા હતા.
કોઈ પરિવાર કે રાજકીય વારસા સાથે જોડાયેલી વાર્તા ક્યારેય સંપૂર્ણપણે નિષ્પક્ષ હોતી નથી. બૉફોર્સ તોપ સોદાનું કૌભાંડ, જેણે રાજીવ ગાંધીની સરકારને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને દાયકાઓ સુધી ગાંધી પરિવારનો પીછો કર્યો હતો, તેને આ પુસ્તકમાં પ્રમાણમાં ઓછું સ્થાન મળ્યું છે.
502 પાનાંના આ સંસ્મરણમાં કૉંગ્રેસના પોતાના રેકૉર્ડનાં ઓછાં સુખદ પાસાંઓ વિશે પણ બહુ ઓછી વાત કરવામાં આવી છે. સોનિયા પોતાના રાજકીય વિરોધીઓના શાસનમાં ભ્રષ્ટાચાર, દંભ અને જાહેર જીવનનાં ઘટતાં ધોરણો વિશે ઘણું કહે છે. પરંતુ કૉંગ્રેસના સત્તાકાળ દરમિયાન આશ્રયવાદ, પોતાના નજીકના લોકોને ફાયદો પહોંચાડવા અને ભ્રષ્ટાચારની સંસ્કૃતિ વિશે મોટાભાગે મૌન રહે છે. જાહેર વિશ્વાસમાં આવેલા ઘટાડા માટે કૉંગ્રેસની પોતાની જવાબદારીની પણ તેઓ કોઈ ખાસ તપાસ કરતાં નથી.
તેઓ પોતાના પતિ અને સાસુ પાસેથી મળેલા રાજકીય વારસાનો બચાવ કરવાનો પૂરો પ્રયાસ કરે છે, જ્યારે તેમણે બનાવેલો પક્ષ લાંબા સમયથી પતનનો સામનો કરી રહ્યો છે. તેમની વાર્તા માત્ર એ વારસાને સંભાળવાની કિંમત વિશે જ નથી, પરંતુ એ મહિલાની પણ છે, જે કહે છે કે તેઓ ક્યારેય એવું જીવન જીવવા જ માગતાં નહોતાં, જે આખરે તેમને જીવવું પડ્યું.
આ જ વાત આ સંસ્મરણનાં છેલ્લાં પાનાંઓને ઊંડી ઉદાસીથી ભરી દે છે. 79 વર્ષનાં સોનિયા હવે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાનાં સભ્ય છે. 55 વર્ષના રાહુલ ચાર વખતના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા છે. 53 વર્ષનાં પ્રિયંકા પણ સાંસદ છે.
સોનિયા કહે છે કે, પડકાર એ હતો કે પીડા અને વિયોગ, જીત અને હાર તથા રાજકારણની જરૂરિયાતો મુજબ થતી જોડતોડની વચ્ચે પણ 'એક ન્યાયપૂર્ણ અને માનવીય સમાજ' પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખવી.
પરંતુ તેઓ પોતાની વાતનો અંત વિજયના દાવા સાથે કરતાં નથી. ન તો તેઓ એવો વિશ્વાસ વ્યક્ત કરે છે કે ઇતિહાસ તેમને સાચાં સાબિત કરશે.
"આ સમયે મને લાગે છે કે મેં મારા તરફથી પૂરો પ્રયાસ કર્યો, પરંતુ જે શક્તિઓ સામે લડવા માટે હું નીકળી હતી, તેમને પાછળ ધકેલવામાં સફળ થઈ શકી નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























