ગુજરાત : 71ના યુદ્ધમાં જ્યારે કચ્છની મહિલાઓએ રાતોરાત રનવે બનાવ્યો

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કચ્છ ભુજ ઍરફોર્સ 1971 યુદ્ધ બાંગ્લાદેશ
ઇમેજ કૅપ્શન, 3 ડિસેમ્બર 1971ના રોજ સાંજે 05:40 વાગ્યે પાકિસ્તાની વાયુસેનાનાં સૅબર જેટ અને સ્ટાર ફાઇટર વિમાનો ભારતીય આકાશ પર ગરજવાં લાગ્યાં.
    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ઇતિહાસની અટારીએ ડોકિયું કરતાં જણાશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં લડાયેલું યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું હતું, પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસ ચાલેલા એ યુદ્ધમાં વીરત્વ અને જાંબાઝીની કેટલીય કહાણીઓ આલેખાઈ ગઈ હતી.

યુદ્ધ પહેલાં વિદ્રોહની વાત

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કચ્છ ભુજ ઍરફોર્સ 1971 યુદ્ધ બાંગ્લાદેશ
ઇમેજ કૅપ્શન, બાંગ્લા પ્રજા પર જેમજેમ પાકિસ્તાની સૈન્યના અત્યાચારોના સમાચાર આવવા લાગ્યા, તેમ-તેમ ભારત પર સૈન્યહસ્તક્ષેપ કરવા દબાણ વધવા લાગ્યું.

વાત 1971ની છે. પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માં પશ્ચિમ પાકિસ્તાન (હાલનું પાકિસ્તાન) વિરુદ્ધ જનાક્રોશ ભભૂકવા લાગ્યો હતો. લોકાક્રોશને કાબૂ કરવો પાકિસ્તાનની સરકાર માટે અશક્ય બની રહ્યો હતો.

આખરે 25મી માર્ચે પાકિસ્તાનના સૈન્યસરમુખત્યાર યાહ્યા ખાને અંતિમ નિર્ણય લીધો. તેમણે બાંગ્લા પ્રજાના વિદ્રોહને કચડી નાખવા સૈન્યને છૂટો દોર આપી દીધો.

બંગબંધુ શેખ મુજિબુર રહમાનની ધરપકડ કરવામાં આવી અને એ સાથે જ શરણાર્થીઓના ધાડાં ને ધાડાં ભારતમાં ઊતરવાં લાગ્યાં.

બાંગ્લા પ્રજા પર જેમજેમ પાકિસ્તાની સૈન્યના અત્યાચારોના સમાચાર આવવા લાગ્યા, તેમ-તેમ ભારત પર સૈન્યહસ્તક્ષેપ કરવા દબાણ વધવા લાગ્યું.

કચ્છ પર બૉમ્બ ફેંકાયા

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કચ્છ ભુજ ઍરફોર્સ 1971 યુદ્ધ બાંગ્લાદેશ
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ રનવેનું સમારકામ કરી રહેલી મહિલાઓ (સૌ. કચ્છમિત્ર)

3 ડિસેમ્બર 1971ના રોજ સાંજે 05:40 વાગ્યે પાકિસ્તાની વાયુસેનાનાં સૅબર જેટ અને સ્ટાર ફાઇટર વિમાનો ભારતીય આકાશ પર ગરજવાં લાગ્યાં.

પઠાનકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર અને આગ્રાનાં સૈન્ય હવાઈમથકો પર બૉમ્બ વરસવવા લાગ્યા એટલે ભારત પાસે યુદ્ધમાં ઝંપલાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન રહ્યો.

ભારતની પૂર્વ સરહદે યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને ભારતને ભીડવવા પાકિસ્તાને પશ્ચિમ સરહદ પર પણ હુમલો કરી દીધો.

પાકિસ્તાનના સૅબર જેટ વિમાનો કચ્છમાં નેપામ પ્રકારનાં બૉમ્બ વરસાવવાં લાગ્યાં. એકલા ભુજના ઍરપૉર્ટ પર 63 બૉમ્બ ફેંકાયા અને રનવેને તહસનહસ કરી નખાયો.

મહિલાઓની ઍરફોર્સને મદદ

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કચ્છ ભુજ ઍરફોર્સ 1971 યુદ્ધ બાંગ્લાદેશ
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ વખતે પાકિસ્તાને ભુજ ઍરપૉર્ટ (જે સૈન્ય ઍરબૅઝ પણ હતો)નો રનવે તબાહ કરી નાખ્યો હતો. ઍરસ્ટ્રિપ વચ્ચે મોટો ખાડો પડી ગયો હતો. જો રનવેનું સમારકામ કરવામાં ન આવે તો ભારતીય વિમાનો માટે ઊડવું શક્ય બને નહીં.

આ પહેલાં ક્યારેય આવી સ્થિતિ સર્જાઈ નહોતી એટલે આવી પરિસ્થિતિમાં કઈ રીતે કામ લેવું એવો અનુભવ પણ કોઈ પાસે નહોતો.

આખરે ભુજ હવાઈમથકના એ વખતના ઍરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે કચ્છ કલેક્ટર પાસે મદદ માગી. ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલાસ્વામી એ વખતે કચ્છના કલેક્ટર હતા.

તેમણે ઍરસ્ટ્રિપના સમારકામ માટે માનવબળ પૂરું પાડવાની જવાબદારી ઉપાડી લીધી.

બીબીસી સાથેની વાતચીતમાં એન. ગોપાલાસ્વામી જણાવે છે, "8મી ડિસેમ્બરની રાતે અને 9મી ડિસેમ્બરની સવારે પાકિસ્તાની વાયુસેનાએ ચાર વખત હવાઈ હુમલા કર્યા હતા અને ઍરસ્ટ્રિપને તબાહ કરી નાખી હતી."

"એ વખતના ભુજના ઍરફોર્સ ઇન્ચાર્જ વિજય કર્ણિકે મારી પાસે માનવબળ પૂરું પાડવા મદદ માગી એટલે મેં નજીકમાં આવેલા માધાપર ગામના સરપંચ વી. કે. પટેલને આ અંગે જાણ કરી."

"સરપંચને જાણ કરી, એના ગણતરીની કલાકોમાં લોકો એકઠા થઈ ગયા. જેમાંથી મહિલાઓને રનવેના સમારકામની કામગીરી સોંપાઈ."

મોતનું જોખમ અને સમારકામ

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કચ્છ ભુજ ઍરફોર્સ 1971 યુદ્ધ બાંગ્લાદેશ

એ વખતે ભુજની નજીક આવેલા માધાપર ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદ ખોખાણી એ ઘટનાને યાદ કરતાં બીબીસીને જણાવે છે, "સરપંચે આ અંગે માધાપરનાં પંચાયતસભ્ય સુંદરબહેન જેઠાભાઈ માધાપરિયાને ગામની મહિલાઓને એકઠાં કરવાનું કામ સોંપ્યું હતું."

"જે બાદ બીજા દિવસ સવારે માધાપરની બહેનો નજીકના ગામ વથાણમાં એકઠી થઈ, અહીંથી તેમને ભુજ ઍરપૉર્ટ પર લઈ જવામાં આવ્યાં."

"એ 300 કરતાં વધુ બહેનો હતાં અને બાંધકામમાં નિપુણ હતાં. પાવડા, ધમેલા જેવાં સાધનો પણ ઘરેથી સાથે લઈને કામ પર આવ્યાં હતાં."

ઍરપૉર્ટના અધિકારીઓએ મહિલાઓને બને એટલી જલદી હવાઈપટ્ટીનું સમારકામ કરી આપવા જણાવ્યું, સાથે જ કામ દરમિયાન રહેલાં જોખમો અંગે પણ જાણકારી આપી.

ઍરપૉર્ટ પર પાકિસ્તાનના હવાઈ હુમલાનું જોખમ હજું ટળ્યું નહોતું, એટલે હુમલાની આશંકાને પગલે ગમે ત્યારે સાયરન વાગતું હતું.

ભારતીય વિમાનો ફરી ઊડ્યાં

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કચ્છ ભુજ ઍરફોર્સ 1971 યુદ્ધ બાંગ્લાદેશ

મહિલાઓ હવાઈપટ્ટીના સમારકામમાં લાગી ગઈ. સમારકામ દરમિયાન ગમે ત્યારે જોખમ ઊભું થતું અને સાયરન વાગવા લાગતું.

એ મહિલાઓ દોડીને બાવળનાં ઝાડ તળે છુપાઈ જતાં હતાં અને જેવું જ સાયરન બંધ થાય કે ફરીથી કામે વળગી જતાં હતાં.

યુદ્ધના એ માહોલમાં મોતનો સતત ભય તોળાઈ રહ્યો હતો, ગમે ત્યારે પાકિસ્તાની યુદ્ધવિમાનો ત્રાટકી શકે એમ હતાં. આવાં જોખમ વચ્ચે એ મહિલાઓએ માત્ર ત્રણ દિવસમાં જ હવાઈપટ્ટી તૈયાર કરી દીધી.

ભુજના ઍરપૉર્ટની હવાઈપટ્ટી ફરીથી તૈયાર થઈ ગઈ, ભારતીય વાયુસેનાનાં વિમાનો ફરીથી ભુજ ઍરપૉર્ટથી ઉડાણ ભરવાં લાગ્યાં હતાં.

ઇતિહાસમાં ભાગ્યે જ નોંધાઈ હોય એવી બહાદુરીની આ ઘટનાના એક અઠવાડિયામાં જ પાકિસ્તાને હાર સ્વીકારી લીધી.

ગુજરાતી મહિલાઓની શૌર્યગાથા

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કચ્છ ભુજ ઍરફોર્સ 1971 યુદ્ધ બાંગ્લાદેશ

90 હજારથી વધુ પાકિસ્તાની સૈનિકોએ પૂર્વ સરહદ પર આત્મસમર્પણ કર્યું અને બાંગ્લાદેશ નામે એક નવા રાષ્ટ્રનો પૃથ્વીનાં નકશા પર ઉદય થયો.

યુદ્ધ પૂરું થયું, એ વખતે ગુજરાતના રાજ્યપાલ ડૉ. શ્રીમન નારાયણે માધાપરની મુલાકાત લીધી અને તેઓ આ મહિલાઓને રૂબરૂ મળ્યા.

તેમણે ગામના વિકાસ માટે રૂપિયા 50 હજાર પણ આપ્યા, જેમાંથી માધાપર ગ્રામપંચાયત કચેરી ખાતે 'વીરાંગનાભવન' તૈયાર કરાયું.

માધાપર ગામની મહિલાઓની આ શૌર્ગાથાને એ વખતના ઍર ચીફ માર્શલ પી. સી. લાલે પણ બિરદાવી હતી, તેમણે ભેટ સ્વરૂપે જેટ વિમાનની પ્રતિકૃતિ પણ આપી હતી.

વર્ષ 2015માં એ વખતના કેન્દ્રીય સંરક્ષણમંત્રી મનોહર પરિકર તેમજ કેન્દ્રીય માનવસંસાધન વિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ માધાપરમાં વીરાંગનાસ્મારક ખુલ્લું મૂક્યું હતું.

એન. ગોપાલાસ્વામી આ ઘટનાને યાદ કરતાં જણાવે છે, "કચ્છ ખમીરવંતો પ્રદેશ છે અને એટલે જ મહિલાઓએ કરેલી એ કામગીરી મને બિલકુલ અજુગતી નહોતી લાગી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન