ગુજરાતમાં ચોમાસું મજબૂત બનવાની શરૂઆત થઈ, હવે ક્યાં પડશે વરસાદ?

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસા પહેલાંની ગતિવિધિઓની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં 19, 20 અને 21 જૂને વરસાદ વધવાની સંભાવના છે.

10 જૂનની આસપાસ ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં ઍન્ટ્રી લઈ લીધી છે. તેના કારણે ગુજરાતમાં નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં આજકાલ છુટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ત્યારબાદ ચોમાસું આગળ વધ્યું નથી.

પરંતુ, આગાહી પ્રમાણે, આવનારા ત્રણ દિવસ 19, 20 અને 21 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે.

હવામાન વિભાગની માહિતીને આધારે આવનારા અઠવાડિયામાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે.

તો જાણો ગુજરાતમાં ચોમાસું કેમ મજબૂત થઈ રહ્યું છે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ક્યારે થશે?

ગુજરાતમાં ચોમાસું કેમ મજબૂત થયું?

ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે?

ભારતમાં ચોમાસાનો વરસાદ બે કારણોસર આવે છે, એક છે અરબી સમુદ્રના વાદળોથી, જેના કારણે પશ્ચિમ વિસ્તાર જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, અને કર્ણાટક જેવાં રાજ્યોમાં વરસાદ આવે અને બીજું છે બંગાળની ખાડીના વાદળોથી જેના કારણે ઓડિશા, બિહાર, બંગાળ જેવાં પૂર્વનાં રાજ્યમાં વરસાદ આવે.

એક-બે દિવસમાં બંગાળની ખાડીના વાદળોની શાખા આગળ વધવાની શરૂઆત થઈ જશે. આ સાથે જ, અરબી સમુદ્રની અંદર પણ વરસાદ મજબૂત થવાની શરૂઆત થઈ ગઈ છે.

તેથી જ, મહારાષ્ટ્ર અને કોંકણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પહેલાં જે વરસાદ ત્યાં પડ્યો તે સામાન્ય વરસાદ હતો પરંતુ હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજથી ત્યાંના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે.

આજથી ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધશે. આ વરસાદ મોટા ભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડશે.

આવનારા બે-ત્રણ દિવસમાં આ વરસાદ અમુક જગ્યાએ સામાન્ય અને અમુક જગ્યાએ ભારે રહે તેવી આગાહી છે.

ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે?

ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે?
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આવનારા ત્રણ દિવસ 19, 20 અને 21 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે, ત્યારબાદ ફરીથી 22, 23 અને 24 જૂને વરસાદ ઓછો થશે.

ગુજરાતમાં આજદિન સુધી નવસારી સુધી જ ચોમાસાના કારણે વરસાદ થયો છે અને આ સિવાય જ્યાં પણ વરસાદ થયો છે તે ચોમાસાની ગતિવિધિઓના કારણે થયો છે. તેથી તે વરસાદ છુટોછવાયો હતો.

18 જૂને ગુજરાતના 20થી 25 તાલુકાઓમાં વરસાદ નોંધોયો છે. આ સિવાય અમરેલીમાં સતત વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા,પોરબંદર, કચ્છ, જૂનાગઢ અને ભાવનગરના વિસ્તારમાં પણ વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદ છુટોછવાયો છે, અને તે હાલમાં ચાલુ રહેશે.

ઉપરાંત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમ કે, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ગોધરામાં હમણાં વરસાદની ગતિવિધિ વધે તેવી શક્યતા દેખાતી નથી.

આ જિલ્લાઓમાં ચોમાસાંની ગતિવિધિઓની શરૂઆત થવામાં થોડી વાર લાગી શકે છે.

આ સિવાય કચ્છમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહેશે.

આ સિવાય, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, છોટાઉદેપુર, અને ભરૂચ જેવા વિસ્તારોમાં જેમ છુટોછવાયો વરસાદ પડતો હતો તે ચાલુ રહેશે.

24-25 જૂન બાદ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે. ઉપરાંત, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત જૂનના અંતમાં થશે તેવી શક્યતા છે. કારણ કે હવે અરબી સમુદ્રમાં બે સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યાં છે, એક સૌરાષ્ટ્ર અને બીજું છે કેરળ ઉપર અને તેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રના કિનારે આવતા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

સાર્વત્રિક વરસાદ શું હોય છે?

સાર્વત્રિક વરસાદ શું હોય છે?
ઇમેજ કૅપ્શન, સાર્વત્રિક વરસાદ શું હોય છે?

ચોમાસા પહેલાંની ગતિવિધિઓનો અર્થ છે કે, ચોમાસું સંપૂર્ણ રીતે ન બેસે પરંતુ કેટલાક જ વિસ્તરોમાં વરસાદ પડવાનો શરૂ થઈ જાય અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ન પડે.

એટલે કે, નાના અને છુટાછવાયા વિસ્તારોમાં નાના વરસાદી વાદળના કારણે વરસાદ પડે. આ વરસાદ લાંબા સમય સુધી ન પડે અને મોટા વિસ્તારમાં પણ ન પડે.

જેમ કે, રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં લગભગ પાંચથી સાત ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

તો સૌરાષ્ટ્રના મોરબી, જૂનાગઢ, જેતપુર અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં 18 જૂને છુટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.

પરંતુ, ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નથી પડ્યો. ચોમાસા પહેલાંની ગતિવિધિઓમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નથી પડ્યો. ઘણી વખત એવું પણ જોવા મળે કે આ વરસાદ ગામના એક સીમમાં હોય પરંતુ બીજા સીમમાં ન હોય.

ચોમાસું આવે ત્યારે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય અને તે વરસાદ વાવણી લાયક હોય.

ગરમીમાં રાહત ક્યારે થશે?

ગુજરાતમાં ચોમાસું
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

ઉત્તર ભારત પર પુષ્કળ હીટ વેવની સ્થિતિ હતી તેના કારણે ગરમ હવાઓ ચોમાસાના પવનોને આગળ વધવા નહોતી દેતી. આ ઉપરાંત, હવે વેસ્ટર્ન ડિસ્ટરબન્સીસ આવી રહ્યું છે જેના કારણે હવે ગરમ પવન સીધો ભારત પર નહીં આવી શકે.

તેથી હવે સમુદ્રો પરથી પવનો ભારત તરફ આવશે અને ઉત્તરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ વરસાદી પવનો આવશે.

તેથી જૂન મહિનાના અંત સુધીમાં સાર્વત્રિક વરસાદ આવી જશે.