દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે આજે ઈડન ગાર્ડન્સમાં સેમિફાઇનલ, કોનું પલડું ભારી?

દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે આજે ઇડન ગાર્ડન્સમાં સેમિફાઇનલ, કોનું પલડું ભારી?
ઇમેજ કૅપ્શન, દક્ષિણ આફ્રિકાએ આ ટુર્નામેન્ટમાં તેની બધી જ મૅચો જીતી છે. બીજી તરફ ન્યૂઝીલૅન્ડ સારી રન-રેટને કારણે સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે સફળ રહી હતી.
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

આઈસીસી મૅન્સ ટી20 વર્લ્ડકપ 2026ની પહેલી સેમિફાઇનલ કોલકતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ મેદાન પર દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે આજે રમાશે.

દક્ષિણ આફ્રિકાએ આ ટુર્નામેન્ટમાં તેની બધી જ મૅચો જીતી છે. બીજી તરફ ન્યૂઝીલૅન્ડની ટીમ સારા રન-રેટને કારણે સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.

બંને ટીમો વચ્ચે ગ્રૂપ રાઉન્ડમાં મુકાબલો થયો હતો અને તેમાં દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલૅન્ડને 17 બૉલ રહેતા 7 વિકેટે હરાવ્યું હતું.

બંને ટીમો અત્યારસુધી એક પણ વખત ટી20 વિશ્વકપનો ખિતાબ જીતી શકી નથી. એવામાં આ બંને ટીમ માટે આ મૅચ ફાઇનલની ટિકિટ જ નહીં પરંતુ ઇતિહાસ રચવાની તક પણ આપશે.

જોકે, ટી20 વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકા હંમેશાં ન્યૂઝીલૅન્ડ પર ભારી પડે છે.

તેનો ન્યૂઝીલૅન્ડની સામેનો 5-0નો અજેય રેકૉર્ડ છે, કુલ ટી20 મૅચોમાં પણ તેનું પલડું ભારે છે.

દક્ષિણ આફ્રિકા ઇડન ગાર્ડન્સ પર પહેલી વખત આંતરરાષ્ટ્રીય ટી20 મૅચ રમી રહી છે જ્યારે કે ન્યૂઝીલૅન્ડ અહીં બે મૅચ રમી ચૂકી છે, જે પૈકી તેણે એકમાં જીત મેળવી છે જ્યારે કે એક મૅચ ગુમાવી છે.

દક્ષિણ આફ્રિકામાં ત્રણ બદલાવ, ન્યૂઝીલૅન્ડના હૅનરી આઉટ?

દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે આજે ઇડન ગાર્ડન્સમાં સેમિફાઇનલ, કોનું પલડું ભારી?
ઇમેજ કૅપ્શન, દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રણ બદલાવ સાથે મેદાન પર ઊતરે તેવી સંભાવના છે. જ્યારે કે ન્યૂઝીલૅન્ડ માટે મૅટ હૅનરીની ગેરઉપસ્થિતિ તેના માટે ઝાટકો સાબિત થઈ શકે છે.

દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રણ બદલાવ સાથે મેદાન પર ઊતરે તેવી સંભાવના છે. જ્યારે કે ન્યૂઝીલૅન્ડ માટે મૅટ હૅનરીની ગેરઉપસ્થિતિ તેના માટે ઝાટકો સાબિત થઈ શકે છે.

ઝિમ્બાબ્વેની સામેની મૅચમાં દક્ષિણ આફ્રિકાએ તેના ત્રણ ખેલાડીઓને આરામ આપ્યો હતો તે ત્રણેય ખેલાડીઓ ટીમમાં પરત ફરી શકે છે.

જો ટીમમાં આ ત્રણ બદલાવ થશે તો કગિસો રબાડા, માર્કો યાન્સન અને કેશવ મહારાજની વાપસી થઈ શકે છે.

આ ત્રણેય ખેલાડી દક્ષિણ આફ્રિકા માટે ધારદાર હથિયાર સાબિત થઈ શકે એમ છે. જો આ ત્રણ ખેલાડીની વાપસી થાય તો પછી એનરિક નૉર્કિયા બહાર બેસી શકે છે.

બીજી તરફ ન્યૂઝીલૅન્ડ માટે ખરાબ સમાચાર એ છે કે તેના ઝડપી બૉલર મૅટ હૅનરી ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે.

તેઓ આજની મૅચમાં રમશે કે નહીં તે હવે ખબર પડશે. જો તેઓ બહાર બેસે છે તો ન્યૂઝીલૅન્ડની ટીમના બૉલિંગ આક્રમણને મોટો ઝાટકો છે.

તેમની જગ્યાએ કદાચ જૅકબ ડફી રમી શકે તેવી સંભાવના છે. પરંતુ આખરી ટીમ જાહેર થાય ત્યારે જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકે તેમ છે.

ન્યૂઝીલૅન્ડ કે દક્ષિણ આફ્રિકા, કોની વધુ મજબૂત ટીમ છે?

દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે આજે ઇડન ગાર્ડન્સમાં સેમિફાઇનલ, કોનું પલડું ભારી?
ઇમેજ કૅપ્શન, આ ટી20 વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ અજેય રહી છે. જ્યારે કે ન્યૂઝીલૅન્ડે સુપર-8 મુકાબલામાં રન-રેટના આધારે પાકિસ્તાનને પાછળ ધકેલીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ટી20 વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ અજેય રહી છે.

જ્યારે કે ન્યૂઝીલૅન્ડે સુપર-8 મુકાબલામાં રન-રેટના આધારે પાકિસ્તાનને પાછળ ધકેલીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી.

ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન મિચેલ સેંટનર માટે પડકાર છે, કારણ કે ટી20 વિશ્વકપના ઇતિહાસમાં ન્યૂઝીલૅન્ડની ટીમ ક્યારેય દક્ષિણ આફ્રિકાને હરાવી શકી નથી.

દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે 2005માં પહેલી વખત ટી20 મૅચ રમાઈ હતી. આ મૅચને ન્યૂઝીલૅન્ડે જીતી હતી.

અત્યારસુધી બંને વચ્ચે ટી20 ઇન્ટરનૅશનલમાં 19 મુકાબલા રમાયા છે.

જેમાં દક્ષિણ આફ્રિકાએ 12માં જીત હાંસલ કરી છે જ્યારે કે ન્યૂઝીલૅન્ડે માત્ર સાતમાં જીત મેળવી છે.

છેલ્લી પાંચ મૅચની વાત કરીએ તો ન્યૂઝીલૅન્ડનુ પલડું ભારે છે. ન્યૂઝીલૅન્ડે આ પાંચ પૈકી ત્રણમાં જીત મેળવી છે.

હવે જો ટી20 વિશ્વકપના ઇતિહાસની વાત કરવામાં આવે તો બંને વચ્ચેનો મુકાબલો એકતરફી રહ્યો છે. અત્યારસુધી રમાયેલી પાંચ મૅચમાં દક્ષિણ આફ્રિકાએ તમામ મુકાબલામાં મેદાન માર્યું છે.

આ બંને ટીમ અત્યારસુધી એક પણ વખત ટી20 વિશ્વકપના નૉકઆઉટમાં આમને-સામને નહોતી આવી.

પહેલી વખત બંને ટીમ ટી20 વિશ્વકપના નૉકઆઉટમાં એકબીજાનો સામનો કરે છે, એટલે આ મૅચ રસાકસીભરી બનશે તેવી સંભાવના છે.

દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડની ટીમ એક પણ વખત ટી20 વિશ્વકપ જીતી શકી નથી

દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે આજે ઇડન ગાર્ડન્સમાં સેમિફાઇનલ, કોનું પલડું ભારી?
ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડે અત્યારસુધી તમામ ટી20 વિશ્વકપમાં ભાગ લીધો હતો. ટીમ ત્રણ વખત સેમિફાઇનલ બાદ ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી.

ન્યૂઝીલૅન્ડે અત્યારસુધી તમામ ટી20 વિશ્વકપમાં ભાગ લીધો હતો.

ટીમ ત્રણ વખત સેમિફાઇનલ બાદ ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી. એક વખત તો ફાઇનલ સુધી પહોંચીને હારી ગઈ હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમ પણ વિશ્વકપ જીતી શકી નથી. ટીમ ચોથી વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવવા સફળ થઈ છે.

2009 અને 2014માં તેને સેમિફાઇનલમાં હાર મળી હતી જ્યારે કે 2024માં તેને ફાઇનલમાં ભારત સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ઇડન ગાર્ડન્સના મેદાનની વાત કરીએ તો આ મેદાનમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝનો મુકાબલો હાઈ-સ્કોરિંગ રહ્યો હતો. તેથી આ મૅચમાં મોટો સ્કોર ખડકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દક્ષિણ આફ્રિકા તરફથી રબાડા, યાન્સન, લુંગી એનગિડી તથા કૉર્બિન બૉશની ચોકડી ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનો પર દબાણ સર્જી શકે છે.

જ્યારે કે કેશવ મહારાજ એકલા વિશેષજ્ઞ સ્પિનર હશે.

દક્ષિણ આફ્રિકાની તાકત તેની બૅટિંગની મજબૂતી છે. ત્યાં નંબર સાત પર ઊતરનારા યાન્સન પણ મૅચનું પાસું પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે.

જોકે, સામે સેંટનરની કપ્તાની હેઠળ રમતી ન્યૂઝીલૅન્ડની ટીમ પણ કમ નથી.

ગ્રૂપ તબક્કામાં ચાર પૈકી ત્રણ મૅચ જીતીને તે બીજા સ્થાન પર રહી હતી.

સુપર-8માં પાકિસ્તાનના વિરુદ્ધમાં મૅચ રદ થવાને કારણે અને ઇંગ્લૅન્ડના હાથે પરાજય ખમવાને કારણે તેનું ગણિત બગડ્યું હતું.

રચિન રવીન્દ્રએ અત્યારસુધી નવ વિકેટ લીધી છે જ્યારે કે ટીમ સીફર્ટે ટીમમાં સર્વાધિક 216 રન ફટકાર્યા છે.

આ મેદાન પર ટૉસ જીતનારી ટીમ નિશ્ચિત રૂપે અહીં રનનો પીછો કરવાનું પસંદ કરશે.

કારણ કે અહીં રાત્રે ઝાકળ મહત્ત્વપૂર્ણ કારક બને છે, બાદમાં બૉલિંગ કરનારી ટીમ માટે પરેશાન થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન