હાર્દિક પંડ્યાના મુંબઈ ઇન્ડિયન્સ છોડીને પંજાબ કિંગ્સમાં સામેલ થવા મામલે પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
આઇપીએલની 2027ની સિઝન અગાઉ હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ છોડીને પંજાબ કિંગ્સમાં અને અર્શદીપસિંહ પંજાબ કિંગ્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા તે અંગે ઘણા પૂર્વ ક્રિકેટરો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2027ની સિઝન પહેલા ખેલાડીઓની અદલાબદલી (ટ્રેડ) મામલે આઇપીએલના ઇતિહાસનો સૌથી મોટો સોદો સામે આવ્યો છે.
ભારતના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ છોડીને ₹18 કરોડની ફી સાથે પંજાબ કિંગ્સમાં જોડાયા છે. બીજી તરફ, પંજાબ કિંગ્સના ફાસ્ટ બૉલર અર્શદીપસિંહ પણ ₹18 કરોડની રકમમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં જોડાયા છે.
આઇપીએલ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, ખેલાડીઓની આ અદલાબદલી આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ટ્રેડ છે. હાર્દિક પંડ્યાની હાલની ફી ₹16.35 કરોડ હતી, જે વધીને હવે ₹18 કરોડ થઈ છે. જ્યારે અર્શદીપસિંહ તેમની મૂળ ₹18 કરોડની ફી સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં ગયા છે.
આ પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સે આ વર્ષે રાજસ્થાન રૉયલ્સ પાસેથી સંજુ સેમસનને ₹18 કરોડમાં મેળવ્યા હતા. તેના બદલામાં રાજસ્થાન રૉયલ્સને ચેન્નાઈ તરફથી રવીન્દ્ર જાડેજા (₹14 કરોડ) અને સૅમ કરન (₹2.4 કરોડ) મળ્યા હતા.
હાર્દિક પંડ્યા વિશે ઇરફાન પઠાણે શું-શું કહ્યું?

ઇમેજ સ્રોત, IRFAN PATHAN
ભારતના પૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર પોસ્ટ કરીને પંજાબ કિંગ્સની બૉલિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ઇરફાન પઠાણે લખ્યું હતું કે, "હાર્દિક પંડ્યાના આવવાથી પંજાબ કિંગ્સનું મિડલ અને લૉઅર ઑર્ડર બેટિંગ ખૂબ મજબૂત બનશે. તેમની બેટિંગ લાઇન-અપ પહેલેથી જ મજબૂત હતી, જે આ ટ્રેડથી વધુ શક્તિશાળી બનશે. પરંતુ ટીમની બૉલિંગ મારા માટે ચિંતાનો વિષય છે. તેમણે માત્ર અર્શદીપસિંહની જગ્યાએ નવો બૉલર જ શોધવો નહીં પડે, પરંતુ ભવિષ્ય માટે એક સારા સ્પિનરમાં રોકાણ પણ કરવું પડશે."
ઘણા દિવસોની ચર્ચા અને અટકળો પછી બુધવારે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આ ઐતિહાસિક ખેલાડીઓની અદલાબદલી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅપ્ટનશિપના ભાર વગર હાર્દિક વધુ 'ઘાતક' સાબિત થશે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતના પૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન સદાગોપન રમેશે સોશિયલ મીડિયા પર આ ટ્રેડ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કૅપ્ટનશિપના દબાણ વગર હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સ માટે વધુ ખતરનાક અને અસરકારક ખેલાડી સાબિત થઈ શકે છે. નોંધનીય છે કે, પંજાબ કિંગ્સના સહ-માલિક નેસ વાડિયાએ પહેલેથી જ સ્પષ્ટ કર્યું છે કે, શ્રેયસ અય્યર જ ટીમની કૅપ્ટનશિપ સંભાળશે.
સદાગોપન રમેશે કહ્યું કે, "આ આઇપીએલની સૌથી શ્રેષ્ઠ અદલાબદલીઓમાંથી એક છે કારણ કે આ બંને અદ્ભુત ક્રિકેટરો છે. હાર્દિક સાથે માત્ર ફિટનેસનો જ સવાલ છે. જો તેઓ પૂરા ફિટ હોય તો અસાધારણ ખેલાડી છે. મેં હાર્દિકને હંમેશાં એક ઉત્તમ ખેલાડી પણ કૅપ્ટન તરીકે નબળા જોયા છે. તેથી, તેઓ માત્ર એક ખેલાડી તરીકે પંજાબમાં રમી રહ્યા છે તે બાબત ટીમ માટે બહુ મોટો ફાયદો છે."
તેમણે આગળ ઉમેર્યું કે, "જો બંને ખેલાડી સંપૂર્ણ ફિટ હોય, તો પણ હું પંજાબ કિંગ્સને આગળ ગણીશ, કારણ કે ફિટ હાર્દિક પંડ્યા મેદાન પર ખૂબ ઘાતક સાબિત થાય છે. હવે તેઓ કૅપ્ટન નથી, તેથી પંજાબ તેમની પાસેથી 300 રન અને 15 વિકેટની આરામથી આશા રાખી શકે છે."
રમેશે વધુમાં જણાવ્યું કે, "હાર્દિક માટે આ નિર્ણય વ્યૂહાત્મક રીતે પણ ઉત્તમ છે. તેમણે ભારતીય ટી20 ટીમમાં પાછા ફરવાનું છે અને શ્રેયસ અય્યર ભારતીય ટી20 ટીમના કૅપ્ટન હોવાથી તેઓ હાર્દિકની ભારતીય ટીમમાં પસંદગી માટે પૂરો સપોર્ટ કરશે."
અર્શદીપની ફી યથાવત્, હાર્દિકની ફીમાં વધારો

ઇમેજ સ્રોત, Sajjad HUSSAIN / AFP via Getty Images
આઇપીએલ 2027 અગાઉ મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સની ટીમમાં ગયા છે, જ્યારે અર્શદીપસિંહ પંજાબ ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થયા છે. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ પ્રમાણે બંને ખેલાડીઓને 18-18 કરોડ રૂપિયા મળશે.
હાર્દિક પંડ્યાને અગાઉ 16.35 કરોડ રૂપિયા ફી મળતી હતી, તેની જગ્યાએ વધુ ફી મળશે.
જ્યારે અર્શદીપસિંહ હાલની ફી પર જ ટીમ બદલશે. હાલ અર્શદીપસિંહને 18 કરોડની રકમ મળે છે.
આઈપીએલમાં પંજાબ કિંગ્સ હાર્દિક પંડ્યાની ત્રીજી ટીમ હશે.
મુંબઈની ટીમની કપ્તાની કરતા હાર્દિકની કૅપ્ટનશિપ હેઠળ મુંબઈ કુલ 39 મૅચ પૈકી 15 જીત્યું છે અને 24 મૅચ હાર્યું છે.
હાર્દિકના પંજાબમાં જવા પહેલાં મુંબઈની ટીમે તેના સપોર્ટ સ્ટાફમાં પણ ઘણો ફેરફાર કર્યો છે. ટીમ મૅનેજમેન્ટે પહેલાં મહેલા જયવર્દનેની જગ્યાએ કેઇરૉન પૉલાર્ડને મુખ્ય કોચની જવાબદારી સોંપી છે જ્યારે કે રૉબિન ઉથપ્પાને બેટિંગ કોચ, મિશેલ મૅક્લેનાગનને બૉલિંગ કોચ અને ટી. દિલિપને ફિલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યા છે.
હાર્દિક પંડ્યાનો આઇપીએલમાં દેખાવ
હાર્દિક પંડ્યા વર્ષ 2024થી મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન છે અને હવે ટીમ બદલી રહ્યા છે. ડાબોડી બૉલર અર્શદીપસિંહ 2019માં આઇપીએલ રમવાની શરૂઆત કરી ત્યારથી પંજાબ સાથે હતા. મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં તેઓ જસપ્રીત બુમરાહ સાથે જોડી જમાવશે.
હાર્દિક પંડ્યા 2015માં મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા હતા. તેમને IPLના સૌથી ઇમ્પૅક્ટફૂલ ઑલરાઉન્ડરોમાંથી એક માનવામાં આવે છે. મુંબઈ ઇન્ડિયન્સ IPLમાં 2015, 2017, 2019 અને 2020માં ચૅમ્પિયન બન્યું તેમાં હાર્દિક પંડ્યાનું ઘણું મોટું યોગદાન હતું.
મુંબઈ સાથે સાત સીઝન વિતાવ્યા બાદ, હાર્દિક પંડ્યા 2022માં ગુજરાત ટાઇટન્સમાં જોડાયા. હાર્દિકની કપ્તાનીમાં પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ચૅમ્પિયન બન્યું.
2024માં હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના ફરીથી કૅપ્ટન બન્યા હતા, જોકે ટીમ સારું પ્રદર્શન કરી શકી નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























