અમિતાભ બચ્ચનથી માધુરી સુધી : 'યુવાનને વૃદ્ધ અને વૃદ્ધને યુવાન બનાવી દેનાર' 'પંઢરીદાદા'ની કહાણી

પંઢરી જુકર, અમિતાભ બચ્ચનના પ્રથમ મેકઅપ આર્ટિસ્ટ, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પંઢરી જુકર એવા મેકઅપ આર્ટિસ્ટ હતા, જેમણે જીવનનાં 60 વર્ષ હિન્દી ફિલ્મ ઉદ્યોગને સમર્પિત કર્યા હતા
    • લેેખક, મધુ પાલ
    • પદ, બીબીસી હિન્દી માટે
    • દ્વારા રિપોર્ટિંગ, મુંબઈ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

હિન્દી ફિલ્મજગતના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ એટલે પંઢરી જુકર. જાન્યુઆરી 2019માં મુંબઈમાં મધુ પાલ 'પંઢરીદાદા'ને મળ્યા હતા અને ઘણી રસપ્રદ વાતોની આપલે કરી હતી.

પંઢરી જુકર એવા મેકઅપ આર્ટિસ્ટ હતા, જેમણે જીવનનાં 60 વર્ષ હિન્દી ફિલ્મ ઉદ્યોગને સમર્પિત કર્યા હતા.

બ્લેક ઍન્ડ વ્હાઇટ ફિલ્મોના સમયથી કારકિર્દીની શરૂઆત કરનારા જુકરને ફિલ્મ ઇન્ડસ્ટ્રી 'પંઢરીદાદા' તરીકે ઓળખતી હતી.

ત્રણ દાયકાથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરનાર પંઢરીદાદાને મેકઅપ પ્રત્યે એટલો જ પ્રેમ હતો, જેટલો કારકિર્દીના શરૂઆતના દિવસોમાં પ્રખ્યાત નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા વી. શાંતારામનો મેકઅપ કરતી વખતે હતો.

1948માં કોઈ પણ હેતુ વિના મેકઅપની દુનિયામાં પ્રવેશનારા પંઢરીદાદાની ભલામણ પ્રખ્યાત અભિનેત્રી નરગીસે કરી હતી.

તે સમયના મેકઅપના ઉસ્તાદ બાબા વર્ધન પાસેથી મેકઅપની કળા શીખ્યા બાદ તેમણે મોસ્કોથી મેકઅપ આર્ટિસ્ટ તરીકેનો ડિપ્લોમા પણ મેળવ્યો હતો.

પંઢરી જુકર, અમિતાભ બચ્ચનના પ્રથમ મેકઅપ આર્ટિસ્ટ, બીબીસી, ગુજરાતી

'ઝનક ઝનક પાયલ બાજે', 'ચિત્રલેખા', 'તાજમહલ', 'નૂરજહાં', 'નીલ કમલ', 'કાલા પથ્થર', 'શોલે', 'નાગીન', 'મિસ્ટર ઇન્ડિયા', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' જેવી 500થી વધુ ફિલ્મોમાં મેકઅપ દ્વારા પાત્રોને નવો રંગ આપનાર પંઢરીદાદાએ અનેક કલાકારોને પોતાના હાથે સજાવ્યા હતા, જે આગળ જતા ફિલ્મી ઇતિહાસમાં સીમાચિહ્ન સાબિત થયા.

જેમાં મીના કુમારી, મધુબાલા, નૂતન, દિલીપકુમાર, રાજ કપૂર, અશોકકુમાર, દેવ આનંદ, રાજેશ ખન્ના, સુનીલ દત્ત, અમિતાભ બચ્ચન, રાજ કુમાર, શાહરુખ ખાન, આમિર ખાન, કરીના કપૂર, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત જેવાં અનેક સ્ટાર્સનો સમાવેશ થાય છે.

ઘરના સંજોગોએ બનાવ્યા મેકઅપ આર્ટિસ્ટ

પંઢરી જુકર, અમિતાભ બચ્ચનના પ્રથમ મેકઅપ આર્ટિસ્ટ, બીબીસી, ગુજરાતી

અનેક પુરસ્કારોથી સન્માનિત પંઢરી જુકરે બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું, "મારો મેકઅપ આર્ટિસ્ટ બનવાનો કોઈ ઇરાદો નહોતો, કારણ કે મને આ ક્ષેત્ર ખાસ પસંદ નહોતું. મારા પિતાને પણ ઘણા લોકોએ કહ્યું હતું કે આ વ્યવસાય સારો નથી, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ જરાકે સારી નહોતી. મારી ગરીબી જોઈને મારા પડોશી અને જાણીતા મેકઅપ આર્ટિસ્ટ બાબા વર્ધને મને તેમની સાથે જોડાવાની સલાહ આપી હતી."

તેમણે જણાવ્યું, "રાજકમલ સ્ટુડિયોમાં જે પણ ફિલ્મ બનતી, હું એ બધા કલાકારોના મેકઅપ કરવા લાગ્યો. મને આ કામ માટે દર મહિને 70 રૂપિયા મળતા હતા. મારું કામ જોઈને નરગીસે મને ફિલ્મ 'પ્રદેશ' માટે રશિયા જવાની તક આપી, અને મેં મેકઅપમાં ડિપ્લોમા મેળવ્યો."

પંઢરી જુકર, અમિતાભ બચ્ચનના પ્રથમ મેકઅપ આર્ટિસ્ટ, બીબીસી, ગુજરાતી

"આ બધું માત્ર નરગીસજીના સહયોગથી જ શક્ય બની શક્યું. જો તેમને મારા પર ભરોસો ન હોત, તો કદાચ મને ક્યારેય મોટી તક ન મળત. નરગીસજીની જેમ જ અભિનેત્રી મીનાકુમારીએ પણ મને અનેક તકો આપી હતી. તેમની શરૂઆતની ફિલ્મોથી લઈને છેલ્લી ફિલ્મ 'પાકીઝા' સુધીનો મેકઅપ મારી પાસે જ કરાવ્યો હતો."

બ્લેક ઍન્ડ વ્હાઇટ ફિલ્મોના જમાનામાં મેકઅપ કરવો મુશ્કેલ હતો

પંઢરી જુકર, અમિતાભ બચ્ચનના પ્રથમ મેકઅપ આર્ટિસ્ટ, બીબીસી, ગુજરાતી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પંઢરીદાદાએ જણાવ્યું કે બ્લેક ઍન્ડ વ્હાઇટ ફિલ્મોના યુગમાં મેકઅપ કરવો અત્યંત મુશ્કેલ હતો. નાનામાં નાની ભૂલ પણ કૅમેરામાં સ્પષ્ટ દેખાઈ જતી હતી.

તેઓ કહેતા હતા, "તે સમયે અમે મેકઅપમાં માત્ર કાજળ, પેન્સિલ, મરૂન લિપસ્ટિક અને પાઉડરનો જ ઉપયોગ કરતા હતા.

પરંતુ જ્યારે રંગીન ફિલ્મોનો યુગ શરૂ થયો, ત્યારે મેકઅપ આર્ટિસ્ટનું કામ થોડું સરળ બની ગયું."

તેઓએ જણાવ્યું, "દિલીપકુમાર હંમેશાં કહેતા કે અમારા સાચા સર્જનહાર તો આ લોકો છે. યુવાનને વૃદ્ધ અને વૃદ્ધને યુવાન દેખાડવાની, સામાન્ય દેખાતા માણસને પણ આકર્ષક બનાવી દેવાની કળા પંઢરી પાસે છે."

તેમણે આગળ જણાવ્યું, "એક વાત ખાસ કહેવા માગું છું કે અભિનેતાઓમાં દિલીપકુમાર, ધર્મેન્દ્ર અને સુનીલ દત્ત એવા કલાકારો હતા, જેમનો મેકઅપ પળવારમાં થઈ જતો હતો. તેમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે તેઓ મેકઅપ વિના પણ અત્યંત સુંદર લાગતા હતા."

પંઢરી જણાવે છે, "જો અભિનેત્રીઓની વાત કરું તો નૂતન અને દિવ્યા ભારતી એવી અભિનેત્રીઓ હતી, જેઓ મેકઅપ વિના પણ ખૂબ સુંદર લાગતી હતી. તેમના ચહેરાની ત્વચાનો રંગ અને કાંતિ એવાં હતાં કે તેમને વધુ મેકઅપની જરૂર જ પડતી નહોતી."

અમિતાભ બચ્ચનને કહ્યું હતું, 'તમે ખૂબ આગળ વધશો'

પંઢરી જુકર, અમિતાભ બચ્ચનના પ્રથમ મેકઅપ આર્ટિસ્ટ, બીબીસી, ગુજરાતી

પંઢરી જુકરનું કહેવું છે કે, એક સારા મેકઅપ આર્ટિસ્ટ બનવા માટે ચિત્રકામની ગહન સમજ હોવી જરૂરી છે.

તેઓ કહેતા હતા કે જ્યારે પણ કોઈ પાત્રમાં કોઈ અભિનેતાને ઢાળવાનો હોય, ત્યારે અમે પહેલા તેમનો સ્કેચ બનાવતા. જેમ કે 'મિસ્ટર ઇન્ડિયા'નો મોગેમ્બો કે શોલેનો ગબ્બર.

એવી ઘણી ફિલ્મો છે, જેમાં હીરો અને વિલન બંનેનો મેકઅપ પંઢરી જુકરે જ કર્યો હતો.

પંઢરી જુકર, અમિતાભ બચ્ચનના પ્રથમ મેકઅપ આર્ટિસ્ટ, બીબીસી, ગુજરાતી

તેઓ કહેતા હતા, "મને આજે પણ યાદ છે, જ્યારે વર્ષના 365 દિવસ હું કલાકારોનો મેકઅપ કરતો હતો. દરેક કલાકારની ઇચ્છા રહેતી કે તેમનો મેકઅપ મારા હાથે જ થાય. એ માટે તેઓ કલાકો સુધી રાહ પણ જોતા હતા. મને યાદ છે કે અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મનું શૂટિંગ ગોવામાં ચાલી રહ્યું હતું અને હું એ ફિલ્મના તમામ કલાકારોનો મેકઅપ કરી રહ્યો હતો. મેં અમિતાભને દાઢી લગાવી હતી. એ દરમિયાન અચાનક કોઈ જરૂરી કામને લીધે મારે સાત દિવસ માટે મુંબઈ મારા ઘરે જવું પડ્યું હતું."

પંઢારી જણાવે છે, "ત્યારે મેં અમિતાભને પૂછ્યું કે હવે તમે શું કરશો, કારણ કે હું ગોવામાં નહીં હોઉં. અમિતાભે કહ્યું હતું કે તે હું આ મેકઅપ જાળવી રાખીશ. છ દિવસ સુધી અમિતાભ તેમના ચહેરાના નીચેના ભાગે જ પાણી નાખીને સ્નાન કરતા. પોતાના આ જ દેખાવ સાથે, તેમણે ચહેરો ધોયા વિના છ દિવસ સુધી સતત શૂટિંગ કર્યું હતું."

પંઢરી જુકર, અમિતાભ બચ્ચનના પ્રથમ મેકઅપ આર્ટિસ્ટ, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સાત હિન્દુસ્તાનીમાં અમિતાભ બચ્ચન

"છ દિવસ પછી જ્યારે હું તેમને મળ્યો, ત્યારે તેમના ચહેરા પરની દાઢી એમ ને એમ જ હતી. હું વિચારતો રહી ગયો કે આટલા દિવસ સુધી તેઓ કેવી રીતે સૂતા હશે? કેવી રીતે જમતા હશે? ત્યારે મેં તેમને કહ્યું હતું, 'તમે બહુ આગળ જશો. તામારા કામ પ્રત્યેનો આ પ્રેમ જ એક દિવસ તમને સુપરસ્ટાર બનાવશે.'"

'માધુરીને હીરોઇન તરીકે કેમ નથી લેતા?'

પંઢરી જુકર, અમિતાભ બચ્ચનના પ્રથમ મેકઅપ આર્ટિસ્ટ, બીબીસી, ગુજરાતી

બોલીવૂડમાં એવા ઘણા કલાકારો છે, જેઓ મેકઅપ વિના ખૂબ જ સાધારણ દેખાય છે, પરંતુ મેકઅપ પછી તેમની કાયાપલટ થઈ જાય છે.

પંઢરી દાદાના જણાવ્યા અનુસાર, માધુરી દીક્ષિત પણ આવા જ કલાકારોમાંની એક હતી. શરૂઆતના દિવસોમાં મેકઅપ વિના માધુરી એટલી આકર્ષક લાગતી નહોતી.

પંઢરી જુકરે કહ્યું, "સુભાષ ઘઈએ 'કર્મા' ફિલ્મના એક ગીત માટે માધુરી દીક્ષિતની પસંદગી કરી હતી. પણ જ્યારે મેં માધુરીને જોઈ, ત્યારે મેં સુભાષ ઘઈને કહ્યું, 'આ છોકરીના નેણ-નકશી ખૂબ સુંદર છે. તમે તેને હીરોઇન તરીકે કેમ નથી લેતા?' પરંતુ સુભાષે ના પાડી અને કહ્યું, 'આ છોકરી ખૂબ સામાન્ય છે. મને તેમાં હીરોઇન જેવું આકર્ષણ દેખાતું નથી. સુભાષનું કહેવું હતું કે તું તેની ભલામણ એટલા માટે કરે છે કે તે પણ તારા મહારાષ્ટ્રની છે."

"ત્યારે મેં સુભાષને કહ્યું, 'એવું બિલકુલ નથી. મને અડધો કલાક આપો, હું આની સુંદરતા તમને બતાવું.' ત્યાર બાદ મેં માધુરીનો મેકઅપ કર્યો અને તેને સુભાષ ઘઈની સામે રજૂ કરી. માધુરીને જોતાં જ તેમણે 'કર્મા' ફિલ્મનું એ ગીત કાઢી નાખ્યું અને પોતાની આગામી ફિલ્મમાં માધુરીને મુખ્ય નાયિકાનું પાત્ર આપી દીધું."

શ્રીદેવીનો મેકઅપ કરવામાં બહુ સમય લાગતો હતો

પંઢરી જુકર, અમિતાભ બચ્ચનના પ્રથમ મેકઅપ આર્ટિસ્ટ, બીબીસી, ગુજરાતી

પંઢરી જુકર અને યશ ચોપરાનો સાથ પૂરાં 40 વર્ષ સુધી રહ્યો. તેમણે યશ ચોપરાની પ્રથમ ફિલ્મથી લઈને છેલ્લી ફિલ્મ સુધી સાથે કામ કર્યું.

પંઢરી જણાવે છે, "'ચાંદની', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'સિલસિલા' સહિત યશ ચોપરાની તમામ ફિલ્મોમાં મેં દરેક કલાકારને સુંદર બનાવ્યા હતા. શ્રીદેવીને તૈયાર કરવામાં ઘણો સમય લાગતો હતો, કારણ કે તેમની આંખોના મેકઅપથી લઈને દરેક નાની-મોટી બાબત પર ખૂબ ઝીણવટથી ધ્યાન આપવામાં આવતું હતું. શ્રીદેવી પણ ક્યારેય ઉતાવળ કરતી નહોતી."

"પરંતુ કાજોલ વિશે મને યાદ છે કે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના શૂટિંગ દરમિયાન તે પોતાનો મેકઅપ આર્ટિસ્ટ લઈને આવી હતી, પરંતુ યશજીએ કહ્યું હતું કે, 'તારો મેકઅપ પંઢરી જ કરશે.' ત્યારે મેં કાજોલનો મેકઅપ કર્યો અને તેને તે ખૂબ પસંદ પણ આવ્યો હતો."

પંઢરી જુકર, અમિતાભ બચ્ચનના પ્રથમ મેકઅપ આર્ટિસ્ટ, બીબીસી, ગુજરાતી

આજે તો રામાયણની સીતાને પણ આઇ શેડો લગાડવામાં આવે છે

પંઢરીએ જણાવ્યું હતું, "આજે સમય બદલાઈ ગયો છે અને મેકઅપની અનેક નવી ટેકનિક પણ આવી ગઈ છે. સુનીલ દત્તની ફિલ્મ 'રેશમા ઔર શેરા' માટે હું સળંગ ત્રણ મહિના રાજસ્થાનમાં રહ્યો હતો. એ સમય જ કંઈક અલગ હતો. ત્યારે કલાકારો તડકામાં કલાકો સુધી કોઈ વેનિટી વાન વિના શૂટિંગ કરતા હતા અને અમે પણ તેમની સાથે જ રહેતા, પરંતુ આજે બધું જ આધુનિક બની ગયું છે."

પંઢરીએ આગળ કહ્યું હતું, "આજે ઘણા મેકઅપ આર્ટિસ્ટ એવા છે, જેઓ માત્ર પૈસા માટે કામ કરે છે. આજે તો ટીવી સિરિયલમાં 'રામાયણ'ની સીતાને પણ આઇ શેડો લગાડવામાં આવે છે. તેઓ એટલું પણ વિચારતા નથી કે આપણે કયા યુગનું ચિત્રણ કરી રહ્યા છીએ. સમય ઘણો બદલાઈ ગયો છે. પહેલાં દિલીપકુમાર અને સંજીવકુમાર જેવા કલાકારો અમને કહેતા, 'જમવાનું સાથે જ જમીશું.' એ સમયમાં લોકો કામ અને નામના ભૂખ્યા હતા. મેકઅપ આર્ટિસ્ટને ખૂબ માન-સન્માન મળતાં હતાં, પણ હવે બધું જ બદલાઈ ગયું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન