સુરત એપીએમસીમાં મહિલાને માર મારવાના મામલાની 'હકીકત' જુદી હોવાનું પોલીસે કેમ કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પુના, સુરત, પોલીસ, મહિલાઓ સાથે મારામારી
ઇમેજ કૅપ્શન, સુરત એપીએમસીમાં મહિલાઓને ચોરીના આરોપમાં માર મારનારા સિક્યૉરિટી ગાર્ડ પોલીસ સકંજામાં
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

તાજેતરમાં સુરતના પુણા વિસ્તારના એપીએમસી માર્કેટના સિક્યૉરિટી સ્ટાફના માણસો મહિલાઓને માર મારતા દેખાતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

જેમાં સિક્યૉરિટી ગાર્ડ અને અન્ય વ્યક્તિ મહિલાઓને લાત-ફેંટોથી મારતા જોવા મળ્યા હતા.

આ વીડિયો વાઇરલ થતાં પોલીસે તેની તપાસ હાથ ધરી હતી.

સ્થાનિક અખબારોના અહેવાલ અનુસાર આ વીડિયોમાં દેખાઈ રહેલા બંને સિક્યૉરિટી ગાર્ડની પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી લીધી હતી.

જોકે, પોલીસ તપાસમાં આ સમગ્ર મામલો ચોરી અને ચોરી અટકાવવાના પ્રયાસ સાથે સંબંધિત હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર ગત 6 એપ્રિલે આ ઘટના બની હતી.

આ સમગ્ર ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

ઘટના અંગે પોલીસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, સુરત, વાઇરલ વીડિયો, મહિલાઓને માર,
ઇમેજ કૅપ્શન, સુરત ઝોન - 1 ડીસીપી આલોકકુમાર

ઘટના અંગે વાત કરતાં સુરત ઝોન - 1ના ડીસીપી આલોકકુમારે વિગતવાર માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, "6 તારીખે સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારના સરદાર માર્કેટ એરિયામાં ઘટેલી એક ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં બે મહિલાઓને માર મારતાં બે પુરુષ દેખાઈ રહ્યા છે."

ડીસીપી આલોકકુમારે આ વીડિયો પાછળની હકીકત અંગે વાત કરતાં કહ્યું હતું કે, "આ ઘટનામાં બન્યું એવું હતું કે આ મહિલા તેની પુત્રી અને પતિ અવારનવાર આ માર્કેટમાં ચોરી કરવાના ઇરાદાથી આવતાં હતાં. જોકે, સિક્યૉરિટી ગાર્ડે આ ત્રણેયને પહેલાંથી ઓળખી કાઢ્યાં હતાં."

તેઓ કહે છે કે સિક્યૉરિટી ગાર્ડ આ કારણે તેમને અંદર જતા અટકાવી રહ્યા હતા. જે દરમિયાન બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આ મહિલાના પતિએ સિક્યૉરિટી ગાર્ડ પર પથ્થરમારો કર્યો. આ પથ્થરમારામાં એક સિક્યૉરિટી ગાર્ડને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી અને બીજાના હાથે ફ્રૅક્ચર થયું હતું.

ડીસીપી કુમાર કહે છે કે, "બાદમાં આ સિક્યૉરિટી ગાર્ડે મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો. જેનો વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે."

ડીસીપી કુમારે કહ્યું કે આ મામલામાં અમે બંને પક્ષો સામે એફઆઇઆર નોંધી છે, કારણ કે બંનેએ કાયદાનો ભંગ કર્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

વાઇરલ વીડિયો અને અન્ય વીડિયોમાં શું હતું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, સુરત, વાઇરલ વીડિયો, મહિલાઓને માર,
ઇમેજ કૅપ્શન, ઘટના પહેલાંના એક વીડિયોમાં એક મહિલા કેટલાંક બાળક-બાળકીઓ સાથે યાર્ડમાં મૂકેલી વસ્તુઓ પોતાની પાસેના થેલામાં મૂકતાં જોવા મળી રહ્યાં છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સૌપ્રથમ આ ઘટનાના વાઇરલ થયેલા વીડિયોમાં સિક્યૉરિટી ગાર્ડ એક મહિલા અને એક યુવતીના માર મારતા દેખાય છે.

વીડિયોમાં સિક્યૉરિટી ગાર્ડ મહિલાઓને 'નિર્દયપણે' માર મારતા દેખાઈ રહ્યા છે.

પોલીસ પ્રમાણે આ ઘટના ગત 6 એપ્રિલે બની હતી.

મહિલા અને યુવતીને વીડિયોમાં આ બંને ગાર્ડ વાળ ખેંચી અને લાકડી વડે મારી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું હતું.

જોકે, ઘટના સંદર્ભના બીજા પણ કેટલાક વીડિયો હવે સામે આવ્યા છે.

જેમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે સિક્યૉરિટી ગાર્ડના આવા વર્તનનો ભોગ બનનારાં આ મહિલાઓ અવારનવાર માર્કેટ યાર્ડમાં 'ચોરી' કરવા આવતાં હતાં.

ઘટના સંદર્ભના બીજા વીડિયોઝમાં એક મહિલા અને કેટલાંક બાળક-બાળકીઓ માર્કેટ યાર્ડમાં મુકાયેલી વસ્તુઓ 'ચોરી' કરતાં દેખાઈ રહ્યાં છે. તેમનામાં કોઈ વાતનો ગભરાટ જોવા નથી મળી રહ્યો.

આ સિવાય સામે આવેલા અન્ય એક વીડિયોમાં બે સિક્યૉરિટી ગાર્ડ નજરે પડી રહ્યા છે, જેમના પર એક મહિલા પથ્થર ફેંકતી દેખાય છે.

આ દૃશ્ય બાદ અચાનક એક મોટું ટોળું સિક્યૉરિટી ગાર્ડ તરફ દોડતું આવતું દેખાય છે. જે પૈકી વ્યક્તિ એક સિક્યૉરિટી ગાર્ડ પર બે વખત પથ્થર ફેંકતી દેખાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.