IND vs NZ : ભારતે ટી20 વિશ્વકપની મૅચોમાં ન્યૂઝીલૅન્ડને ક્યારેય હરાવ્યું નથી, શું કહે છે રેકૉર્ડ?

IND vs NZ : ભારતે ટી20 વિશ્વકપની મૅચોમાં ન્યૂઝીલૅન્ડને ક્યારેય હરાવ્યું નથી, શું કહે છે રેકૉર્ડ?
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 વિશ્વકપની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે છે. સવાલ એ છે કે આ મુકાબલામાં ભારતીય બૉલરોમાં કોઈ ફેરફાર થશે. શું પ્લેઇંગ-11માં કોઈ આશ્ચર્યજનક બદલાવ જોવા મળશે?

ભારતે ટી20 વિશ્વકપની મૅચોમાં ન્યૂઝીલૅન્ડને ક્યારેય હરાવ્યું નથી. બંને વચ્ચે થયેલી ત્રણ મૅચમાં તમામ ન્યૂઝીલૅન્ડ જીત્યું છે. તેથી રવિવારે થનારી ફાઇનલ કોઈ જંગથી કમ નહીં હોય.

ટી20 મૅચના ઇતિહાસમાં બંને વચ્ચે કુલ 30 મૅચ થઈ છે. ભારતે 16 જીતી છે અને 11 મૅચ ન્યૂઝીલૅન્ડ જીતવામાં સફળ રહ્યું છે. 3 મૅચ ટાઇ રહી છે. આ ત્રણેય ટાઇ મૅચમાં બે ભારતે સુપર ઓવરમાં જીતી છે જ્યારે કે એક ટીઆરએસ એટલે કે ડકવર્થ લુઇસ નિયમ અંતર્ગત ટાઈ રહી છે.

અગાઉ ઇંગ્લૅન્ડ સામેની સેમિફાઇનલમાં સંજુ સૅમસન, જસપ્રિત બુમરાહના ધમાકેદાર પ્રદર્શનના કારણે ભારત જીતી શક્યું હતું. પરંતુ હવે ફાઇનલ મૅચમાં ભારત કેવી ટીમ ઉતારે છે તેના પર નજર રહેશે.

બીબીસી ગુજરાતી ભારત ન્યૂઝિલૅન્ડ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ અમદાવાદ અભિષેક શર્મા વરુણ ચક્રવર્તી
ઇમેજ કૅપ્શન, ભારતે ટી20 વિશ્વકપની મૅચોમાં ન્યૂઝીલૅન્ડને ક્યારેય હરાવ્યું નથી.

સેમિફાઇનલના મુકાબલામાં ભારતીય બૉલરોએ ફૅન્સને નિરાશ કર્યા છે. અર્શદીપસિંહે 4 ઓવરમાં 51 રન આપ્યા અને એક વિકેટ લીધી જ્યારે કે વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 64 રન આપ્યા અને એક વિકેટ લીધી. તેમના ફૉર્મે ફૅન્સને સૌથી વધુ નિરાશ કર્યા છે. અભિષેક શર્મા પણ ઓપનિંગમાં ચાલી શક્યા નથી. બંનેનાં ફૉર્મ ચિંતાજનક છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું ટુર્નામેન્ટમાં લગભગ જેઓ બૅન્ચ પર બેઠા હતા તેવા કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળશે? શું અભિષેક શર્માની જગ્યાએ રિંકુસિંહને જગ્યા મળશે?

અભિષેક શર્મા અથવા વરુણ ચક્રવર્તીને ફાઇનલ મૅચમાં રમાડવા કે ડ્રૉપ કરવા તેના પર ચર્ચાઓ ચાલી રહી છે. જો આવું થશે તો ટીમનું સમીકરણ કેવી રીતે બદલાશે અને ટીમ કેવો દેખાવ કરી શકશે, તે હાલ ચર્ચાનો વિષય છે.

ભારત હાલમાં દુનિયાની ટોચની ટી10 ટીમ છે પરંતુ ટી20 ફૉર્મેટના વિસ્ફોટક બૅટ્સમૅન અભિષેક શર્મા અને સૌથી સફળ બૉલર વરુણ ચક્રવર્તી અત્યારે નબળા દેખાવમાંથી પસાર થઈ રહ્યા છે.

કોને સમાવવા, કોને બહાર કરવા?

બીબીસી ગુજરાતી ભારત ન્યૂઝિલૅન્ડ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ અમદાવાદ અભિષેક શર્મા વરુણ ચક્રવર્તી
ઇમેજ કૅપ્શન, વરુણ ચક્રવર્તી વધારે પડતા રન આપી રહ્યા છે જે ભારત માટે ચિંતાનું કારણ છે.

રવિવારે ભારતની પ્લેઇંગ ઇલેવનમાંથી અભિષેક શર્મા અથવા વરુણ ચક્રવર્તી હશે કે નહીં તે મોટો સવાલ છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંજુ સૅમસન હાલમાં ફૉર્મમાં હોવાથી ભારતને બહુ મોટી મદદ મળી છે. પરંતુ અભિષેક શર્માનું ફૉર્મ ચિંતાનો વિષય છે.

ઇંગ્લૅન્ડ સામે તેઓ સાત બૉલમાં નવ રન બનાવીને આઉટ થયા હતા. અભિષેક શર્માનો સ્ટ્રાઇકરેટ (129) બહુ નીચો રહ્યો છે.

આખી ટુર્નામેન્ટ દરમિયાન અત્યાર સુધીમાં સાત ઇનિંગમાં તેમણે માત્ર 89 રન જ બનાવ્યા છે. આ વિશ્વકપમાં તેમના બૅટમાંથી માત્ર એક અડધી સદી નીકળી છે. વર્લ્ડકપ દરમિયાન આક્રમક બૅટ્સમૅનને છાજે એવું પ્રદર્શન કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે.

મૅચના દિવસે અભિષેક શર્મા ફીટ હશે તો તેમને ટીમમાં ચોક્કસ સામેલ કરાશે એવું લાગે છે. તેનું એક માત્ર કારણ નિષ્ણાતો માને છે કે ટી20 ક્રિકેટમાં બૅટ્સમેન પાસેથી જોરદાર ફટકાબાજીની અપેક્ષા રાખવામાં આવે છે, અને જેમાં અભિષેક એકદમ બંધ બેસે છે. પરંતુ તાજેતરમાં તેઓ બહુ ઓછા રનમાં પોતાની વિકેટ ગુમાવી રહ્યા છે. અભિષેકે ક્રિઝ પર ઉતરતાની સાથે જ રિસ્કી શૉટ રમવા પડે છે જેમાં તેઓ વિકેટ ગુમાવી દે છે.

આ ઉપરાંત તેઓ ટુર્નામેન્ટની શરૂઆતમાં બીમાર હતા તે પણ એક કારણ હોઈ શકે છે. અભિષેક શર્મા ફૉર્મમાં નથી કે બીજી કોઈ સમસ્યા છે તે જોવાનું રહેશે.

સાતત્યપૂર્ણ પ્રદર્શનનો અભાવ

બીબીસી ગુજરાતી ભારત ન્યૂઝિલૅન્ડ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ અમદાવાદ અભિષેક શર્મા વરુણ ચક્રવર્તી

અભિષેકને પડતા મૂકવામાં આવે તેવી શક્યતા અત્યારે ઓછી છે અને જો તેમને પડતા મૂકાય તો તેમની જગ્યાએ કોને લેવા તે સવાલ છે.

રિંકુસિંહને સામેલ કરવામાં આવે તો ઇશાન કિશનને ફરીથી ઓપનિંગમાં મોકલવા પડે અને તિલક વર્માને ફરીથી ત્રીજા ક્રમ પર લાવવા પડે. અત્યારે ટીમમાં બેટિંગના ક્રમ સેટલ થયેલા દેખાય છે ત્યારે કોઈ મોટા ફેરફાર કરવા મુશ્કેલ બની શકે છે.

અભિષેકને યથાવત્ રાખવામાં આવશે તો બીજો સવાલ એ થાય છે કે વરુણ ચક્રવર્તીને ટીમમાંથી પડતા મૂકાશે કે કેમ?

વરુણ તાજેતરમાં બહુ વધારે રન આપી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે. ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા સાથે ભારતની પાંચ મૅચની ટી20 શ્રેણી હતી. ટી20માં તેમણે 11 સ્પેલમાં સૌથી વધુ રન આપ્યા હતા જેમાંથી આઠ સ્પેલ છેલ્લા ત્રણ મહિનામાં આવ્યા છે. તેઓ ખરાબ બૉલ ન નાખે તો પણ બૅટ્સમૅનને પુષ્કળ રન આપી રહ્યા છે.

સેમિફાઇનલમાં વરુણ ચક્રવર્તીની ચાર ઓવરમાં 64 રન ગયા હતા. તેમણે છેલ્લી બે મૅચમાં આઠ ઓવરમાં 87 રન આપ્યા છે.

આ પહેલાં ઝિમ્બાબ્વે સામેની મૅચમાં દુબેએ બે ઓવરમાં 46 રન અને દક્ષિણ આફ્રિકા સામેની બે ઓવરમાં 32 રન આપ્યા હતા.

વરુણ ભલે વધારે રન આપતા હોય પરંતુ હજુ તેઓ આ વિશ્વકપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બૉલર છે. તેમણે 8 મૅચમાં 28 ઓવર નાખીને 248 રન આપી 13 વિકેટ લીધી છે. તેમની ઇકૉનૉમી 8.85 રહી છે અને ઍવરેજ 19.07 છે.

જોકે, પૂર્વ બૉલર ઇરફાન પઠાણે વરુણનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું, "જ્યારે તમારો પડકાર ન્યૂઝીલૅન્ડ સામે છે ત્યારે ટીમ ઇન્ડિયાએ રણનીતિ પર ધ્યાન આપવું જોઈએ. તેમાં એક ફૅક્ટર વરુણ ચક્રવર્તી છે. જો હું ટીમના કૅમ્પનો ભાગ હોત તો હું તેને બે દિવસ સુધી કોઈ સાથે વાતચીત કરવાનું બંધ કરાવી દેત. ન તેમને ગ્રાઉન્ડ પર આવવા દેત. તેમણે ફ્રેશ અને પૉઝિટીવ ઍનર્જી સાથે સીધી ફાઇનલ રમવી જોઈએ. હું માનું છું કે એક દિવસની પ્રૅક્ટિસમાં કશું બદલાતું નથી."

ન્યૂઝીલૅન્ડ સામે વરુણના રેકૉર્ડની વાત કરીએ તો તેમના આંકડા સારા નથી. અત્યારસુધી તેમણે ચાર મૅચ રમી છે અને ન્યૂઝીલૅન્ડ સામે ચાર વિકેટ લીધી છે. આ દરમિયાન તેમની ઇકૉનૉમી 8.18 રહી છે. જોકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર તેમનો રેકૉર્ડ સારો છે. અહીં રમેલી કુલ ત્રણ મૅચમાં તેમણે 8 વિકેટ ઝડપી છે અને તેમની ઍવરેજ 14.25 અને ઇકૉનૉમી રેટ 8.25 છે.

વિકલ્પ તરીકે ટીમમાં કોને સામેલ કરી શકાય

બીબીસી ગુજરાતી ભારત ન્યૂઝિલૅન્ડ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ અમદાવાદ અભિષેક શર્મા વરુણ ચક્રવર્તી
ઇમેજ કૅપ્શન, જસપ્રીત બુમરાહની ચુસ્ત બૉલિંગના કારણે ભારત પાતળા માર્જિનથી સેમિફાઇનલ જીતી શક્યું હતું.

જોકે, ભારતીય ટીમના બૉલિંગ કોચ મોર્ને મૉર્કેલે વરુણની ક્ષમતામાં પૂરો વિશ્વાસ દર્શાવ્યો છે અને કહ્યું છે કે તેઓ દરેક બૉલ પર વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. સુપર-8ની શરૂઆત થઈ ત્યારથી વરુણે 11.62 રન પ્રતિ ઓવરની ઍવરેજથી રન આપ્યા છે.

ભારત પાસે બીજા વિકલ્પોની વાત કરવામાં આવે તો તેમાં કુલદીપ યાદવ સામેલ છે. કુલદીપને હાલમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નથી મળ્યું. કારણ કે વરુણનું સ્થાન નિશ્ચિત છે. આ ઉપરાંત વૉશિંગ્ટન સુંદરને પણ ટીમમાં લઈ શકાય છે જેઓ ન્યૂઝીલૅન્ડના ડાબોડી બૅટ્સમૅનોને મુશ્કેલીમાં નાખી શકે છે.

અમદાવાદમાં ભારત કેવો દેખાવ કરે છે તેના પર સૌની નજર રહેશે કારણ કે સુપર-8 મુકાબલામાં સાઉથ આફ્રિકા સામે અમદાવાદના સ્ટેડિયમમાં જ ભારતનો બહુ ખરાબ રીતે પરાજય થયો હતો.

અમદાવાદની પિચ સ્પિનરો કરતાં ફાસ્ટ બૉલરને વધુ મદદ કરે છે તેથી મોહમ્મદ સિરાજને પણ ટીમમાં લાવવાનો વિચાર કરી શકાય છે.

અત્યારની સ્થિતિની સમીક્ષા કરવામાં આવે તો ફાઇનલ મૅચની પ્લેઇંગ ઇલેવનમાં વરુણ ચક્રવર્તીનું સ્થાન વધારે જોખમમાં હોય તેમ લાગે છે. અભિષેક શર્મા પણ રમે છે કે નહીં તે માટે ટીમ જાહેર થાય ત્યાં સુધી રાહ જોવી રહી.

જોકે, પૂર્વ ખેલાડી હરભજનસિંહે અભિષેક શર્માનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું, "તેમને બહાર બેસાડવાનો કોઈ અર્થ નથી, ન બેસાડવા જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન