આપના નેતા ઇસુદાન ગઢવીની ખંભાળિયા પોલીસે અટકાયત કરી – ન્યૂઝ અપડેટ

ઇસુદાન ગઢવીની અટકાયત, આમ આ્રદમી પાર્ટી, ખંભાળિયા પોલીસ સ્ટેશન, દેવભૂમિ દ્વારકા, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઇસુદાન ગઢવીની ફાઇલ તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

જામનગરના ખંભાળિયામાં આમ આદમી પાર્ટીની ગુજરાતના પ્રદેશાધ્યક્ષ ઇસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) વિસ્મય માનસેતાના જણાવ્યા પ્રમાણે, "દીપકકુમાર સિંગ નામના શખ્સની સામે લૂંટની ફરિયાદ દાખલ હોઈ 31મી માર્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી."

"એ પછી મંગળવારે બપોરે આપના વડા ઇસુદાન ગઢવી તથા ત્રીસેક અન્ય શખ્સ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના પોલીસ અધિકારીઓ સાથે બોલાચાલી થઈ હતી. હાજર રહેલા લોકોએ પોલીસ સ્ટેશનની અંદર વીડિયો ઉતાર્યો હતો."

તેમણે કહ્યું કે "એ સમયે ફરજ પરના પોલીસ કર્મચારીઓએ તેમને એમ નહીં કરવા જણાવ્યું હતું, એ પછી ફરજ પરના અધિકારીની ફરિયાદના આધારે પોલીસની ફરજમાં રુકાવટ, રાયોટિંગ સહિત બીએનએસની (ભારતીય ન્યાય સંહિતા) અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે તથા આરોપીઓની અટક કરવામાં આવી છે."

આ દરમિયાન એસપી, ડીવાયએસપી, લૉકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપના અધિકારીઓનો કાફલો ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

બીજી તરફ આમ આદમી પાર્ટીના વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં આપના કાર્યકરો પર ખોટી ફરિયાદો થતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ ભાજપ પણ પર આરોપ મૂક્યો હતો.

જોકે આ આક્ષેપો અંગે ગુજરાત ભાજપે કહ્યું હતું કે, આ બધાં આમ આદમી પાર્ટીનાં નાટકો છે.

ટ્રમ્પે કહ્યું કે 'ઈરાનના નવા રાષ્ટ્રપતિ'એ સીઝફાયરની માગ કરી

ડોનાલ્ડ ટ્રમ્પ, ઈરાન સાથે યુદ્ધ વિરામ, બીબીસી ગુજરાતી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે "ઈરાનની નવી સરકારના રાષ્ટ્રપતિ"એ અમેરિકાને સીઝફાયરની માગકરી છે. જોકે, આ અધિકારી કોણ છે, તેના વિશે ટ્રમ્પે સ્પષ્ટતા નહોતી કરી.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટ્રમ્પે કહ્યું હતું કે "આ નેતા તેમના પુરોગામી કરતાં ઓછા કટ્ટરવાદી અને વધુ બુદ્ધિશાળી" છે.

ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાર સુધી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખોલવામાં નહીં આવે, ત્યાર સુધી અમેરિકા ઈરાન ઉપર હુમલા ચાલુ રહેશે અને તેને પાષાણયુગમાં ધકેલી દેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાન્ડ ટ્રમ્પે બ્રિટનના અખબાર 'ધ ટેલિગ્રાફ'ને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં જણાવ્યું છે કે તેઓ તેઓ નાટોમાંથી (નૉર્થ ઍટલાન્ટિક ટ્રિટી ઑર્ગેનાઇઝેશન) બહાર નીકળવા અંગે ગંભીરપણે વિચારી રહ્યા છે.

અખબારના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે આ સૈન્ય સંગઠનને 'કાગળનો વાઘ' ગણાવ્યું હતું, સાથે જ કહ્યું હતું કે બ્રિટન પાસે નૌકાદળ સુધ્ધાં નથી.

ટ્રમ્પના પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ પછી આ સંગઠનના સભ્યપદ અંગે ફેરવિચારણા કરશે?

જવાબમાં ટ્રમ્પે કહ્યું, "અરે હા, હું કહીશ કે તે પુનર્વિચાર કરતાં પણ આગળના તબક્કાની વાત છે."

ટ્રમ્પે કહ્યું હતું, "હું ક્યારેય નાટોથી પ્રભાવિત નથી થયો. હું હંમેશાંથી જાણતો હતો કે તે કાગળનો વાઘ છે અને વ્લાદિમીર પુતિન (રશિયાના રાષ્ટ્રપતિ) પણ આ વાત જાણતા હતા."

બ્રિટનના નૌકાદળની સ્થિતિ અંગે ટિપ્પણી કરતા તેમણે કહ્યું, "તમારી પાસે તો નૌકાદળ સુધ્ધાં નથી. તમે ખૂબ જ જુનવાણી થઈ ગયા છો તથા તમારું વિમાનવાહક જહાજ પણ બરાબર રીતે કામ નથી કરતું."

ટ્રમ્પની નારાજગીનું એક કારણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માટે બ્રિટન કે નાટો રાષ્ટ્રો દ્વારા સેના નહીં મોકલવા અંગે પણ છે. ત્યારે બ્રિટનના વડા પ્રધાન સર કીએર સ્ટાર્મરે કહ્યું છે કે તેઓ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખોલવા વિશે કેટલાક દેશોની બેઠક યોજશે.

બીજી બાજુ, ઇઝરાયલ-અમેરિકા અને ઈરાનના યુદ્ધની અસર ઑસ્ટ્રેલિયા ઉપર જોવા મળી શકે છે. તેમણે આને માટે લોકોને સજ્જ રહેવા આહ્વાન કર્યું હતું.

પેટ્રોલ-ડીઝલના ભાવો અંગે કેન્દ્ર સરકારે આ સ્પષ્ટતા કરી

પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો, પેટ્રોલ ડીઝલના ભાવ, મધ્યપૂર્વ એશિયા તણાવ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, બીબીસી ગુજરાતી

કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ તથા નૅચરલ ગૅસ મંત્રાલયે બુધવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પેટ્રોલ-ડીઝલના ભાવો અંગે સ્પષ્ટતા કરી છે.

વિભાગે ઍક્સ પોસ્ટમાં લખ્યું, "એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે ભારત મુખ્યત્વે પેટ્રોલ-ડીઝલ ઉપર આધાર રાખે છે, તેના ભાવોમાં કોઈ ફેરફાર નથી થયો. એટલે કે દિલ્હીમાં પેટ્રોલના ભાવ રૂ. 94.77 અને ડીઝલના ભાવ રૂ. 87.67 પ્રતિલીટર છે."

પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઑઇલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે, આમ છતાં તેના ભાવોમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો.

મંત્રાલયે લખ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઝડપભેર ઉછાળાથી ભારતીય નાગરિકોને બચાવવા માટે પ્રતિબદ્ધ છે તથા આ નિર્ણય એટલે લેવામાં આવ્યો છે."

"તાજેતરમાં લિટરદીઠ રૂ. બેનો વધારો કરવામાં આવ્યો છે. જે માત્ર પ્રિમિયમ પેટ્રોલ વૅરિયન્ટ ઍક્સપી95, પાવર95 તથા સ્પીડ પર લાગુ થાય છે. જે હાઇ-ઑક્ટેન પર્ફૉર્મન્સ ફ્યૂઅલ છે, જેના ભાવોની દર પંદર દિવસે સમીક્ષા કરવામાં આવે છે."

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ ઈંધણ કુલ વપરાશના બેથી પાંચ ટકા છે તથા વપરાશકર્તા પોતાની પસંદથી પ્રિમિયમ કિંમતે આ પેટ્રોલ ખરીદતા હોય છે.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ-અમેરિકા દ્વારા ઈરાન ઉપર હુમલા કરવામાં આવ્યા, એ પછી મધ્યપૂર્વ એશિયામાં તણાવ પ્રવર્તી રહ્યો છે, જેના કારણે ક્રૂડઑઇલ તથા એલપીજી ગૅસના ભાવોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

બીજી બાજુ, હૂતી વિદ્રોહીઓએ બુધવારે દાવો કર્યો હતો કે તેણે ઈરાન તથા લેબેનૉનના હિઝબુલ્લાહ સાથે મળીને ઇઝરાયલ ઉપર મિસાઇલ હુમલો કર્યો છે.

યમનની હૂતી ચળવળના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ વીડિયો સંદેશ બહાર પાડીને કહ્યું, "હૂતીઓએ દુશ્મન ઇઝરાયલના મહત્ત્વપૂર્ણ ઠેકાણાં ઉપર મિસાઇલોનો મારો કર્યો અને ત્રીજી સૈન્ય કાર્યવાહી કરી."

રશિયામાં સૈન્ય વિમાન ક્રૅશ થવાને કારણે 29 લોકોનાં મૃત્યુ

રશિયામાં સૈન્ય વિમાન ક્રૅશ થવાને કારણે 29 લોકોનાં મૃત્યુ – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, એએન-26 વિમાન1960ના દશકના અંતથી રશિયામાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે ક્રાઇમિયામાં એક રશિયન સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં સવાર 29 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.

મંત્રાલયે રશિયન સમાચાર સંસ્થા તાસ અને આરઆઈએ- નોવોસ્તીને જણાવ્યું કે ટેક્નિકલ ખરાબીને કારણે એએન-26 વિમાન પહાડ સાથે ટકરાયું, જેમાં 6 ક્રૂ સભ્યો અને 23 મુસાફરો સવાર હતા. જે પૈકી કોઈ જીવિત નથી.

તાસે જણાવ્યું કે મગળવારે સ્થાનિક સમય સાંજે 6 વાગ્યે વિમાનથી સંપર્ક તૂટી ગયો હતો, જે બાદ રૅસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવ્યું.

આ વિમાન 1960ના દશકના અંતથી ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. તેની સાથે ઘણી દુર્ઘટનાઓ થઈ ગઈ છે.

2020માં યુક્રેનમાં ખાર્કિએવમાં એક એએન-26 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં પણ 26 લોકો માર્યા ગયા હતા. 2021માં રશિયાના પૂર્વમાં અંતરિયાળ વિસ્તારમાં થયેલી એક દુર્ઘટનામાં 28 લોકોનાં મોત થયાં હતાં.

'હોર્મુઝ સામુદ્રધુની ખૂલશે પરંતુ ટ્રમ્પ માટે નહીં', ઈરાનના એક સાંસદે અમેરિકા વિશે શું કહ્યું?

'હોર્મુઝ સામુદ્રધુની ખુલશે પરંતુ ટ્રમ્પ માટે નહીં', ઈરાનના એક સાંસદે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઈરાનના એક સાંસદે કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખૂલશે પરંતુ તેમને (ટ્રમ્પ) માટે નહીં.

ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ અઝીજીએ કહ્યું છે, "હોર્મુઝ સ્ટ્રેટ માત્ર તેમના માટે ખોલવામાં આવશે જે ઈરાનના નવા કાયદાનું પાલન કરશે."

અઝીજીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "47 વર્ષનો આતિથ્યસત્કાર હંમેશાં માટે સમાપ્ત થઈ ગયો."

આ વાત અઝીજીએ 1979ની ઈરાની ક્રાંતિ બાદથી લઈને અત્યાર સુધીની ટાઇમલાઇનને લઈ ને કહી.

અઝીજીએ આગળ કહ્યું, "ટ્રમ્પે આખરે પોતાનું સત્તા પરિવર્તનનું સપનું સાકાર કરી લીધું છે. પરંતુ આ પરિવર્તન માત્ર આ ક્ષેત્રના સમુદ્રી નિયમોમાં થયું છે."

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ એક યોજનાને મંજૂરી આપી છે, જે પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટ અંતર્ગત પસાર થનારાં જહાજો પર વેરો લગાવવામાં આવશે.

જેટ ફ્યૂઅલની કિંમતોમાં 115% વૃદ્ધિ, કોને-કોને થશે અસર?

જેટ ફ્યૂઅલની કિંમતોમાં 115% વૃદ્ધિ, કોને-કોને થશે અસર? – ન્યૂઝ અપડેટ

જેટ ફ્યૂઅલ એટલે કે ઍવિયેશન ટર્બાઇન ફ્યૂઅલ (એટીએફ)ની કિંમતોમાં ભારે વધારો થયો છે.

એટીફની કિંમતો બમણી થઈને 2.07 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં એટીએફની કિંમત 1.10 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર વધી છે, જે હવે 2.07 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. આ 114.5% વૃદ્ધિ બતાવે છે.

પેટ્રોલિયમ મંત્રાલયે ઍક્સ પર જણાવ્યું, "ઘરેલું યાત્રાને આ વધારાથી બચાવવા માટે ઍરલાઇન્સ પર માત્ર આંશિક તથા ચરણબદ્ધ રીતે 25% (15 રૂપિયા પ્રતિ લિટર)ની વૃદ્ધિ લાગુ કરી છે.

ઉલ્લેખનીય છે કે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતમાં કૉમર્શિયલ એલપીજીની કિંમતોમાં પણ 195.50 રૂપિયાનો વધારો થયો છે.

ભારતમાં ફરી કૉમર્શિયલ એલપીજીના ભાવ વધ્યા, આટલા રૂપિયા મોંઘું થયું સિલિન્ડર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, એલપીજી સિલિન્ડર,
ઇમેજ કૅપ્શન, કૉમર્શિયલ એલપીજીની કિંમતમાં 195.50 રૂપિયાનો વધારો થયો (ફાઇલ તસવીર)

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા જંગ વચ્ચે ભારતમાં ફરી એક વાર કૉમર્શિયલ એલપીજીના ભાવ વધી ગયા છે. બુધવારે કૉમર્શિયલ એલપીજીની કિંમતોમાં 195.50 રૂપિયાનો વધારો થયો છે.

જોકે, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો નથી થયો.

પીટીઆઇ પ્રમાણે, દિલ્હીમાં હવે 19 કિગ્રાનું કૉમર્શિયલ એલપીજી સિલિન્ડર 2078.50 રૂપિયાનો થઈ ગયો છે. આ જાણકારી સરકારી ઑઇલ કંપનીઓના હવાલાથી અપાઈ છે.

આ પહેલાં 1 માર્ચના રોજ 19 કિગ્રાવાળા સિલિન્ડરની કિંમત 114.50 રૂપિયા વધી ગઈ હતી.

'ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર પણ...' મસૂદ પેઝેશ્કિયાને કઈ શરત મૂકી?

'ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર પણ...' મસૂદ પેઝેશ્કિયાને કઈ શરત મૂકી? – ન્યૂઝ અપડેટ

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું છે કે જો કેટલીક શરતો પૂર્ણ કરવામાં આવે તો ઈરાન અમેરિકા અને ઇઝરાયલ સાથે યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર છે.

ઈરાનના સરકારી મીડિયાએ પેઝેશ્કિયાને યુરોપીય કાઉન્સિલના પ્રમુખ સાથે ફોન કૉલ પર થયેલી વાતચીત મામલે જણાવ્યું છે.

પેઝેશ્કિયાન તરફથી યુદ્ધ સમાપ્ત કરવાની 'ઇચ્છા' છે પરંતુ તમામ શરતો સાથે, ખાસ કરીને ગૅરંટી સાથે ભવિષ્યમાં ફરી સંઘર્ષ ન થાય તો.

આ પહેલાં પણ અમેરિકાના 15 બિંદુઓના શાંતિ પ્રસ્તાવ પર ઈરાને ફરી હુમલો ન થાય તેની ગૅરંટી માગી હતી.

પેઝેશ્કિયાનના આ નિવેદન બાદ અમેરિકાનાં શૅરબજારોમાં તેજી જોવા મળી હતી.

ઇરાકમાં અમેરિકન મહિલા પત્રકારનું અપહરણ, અધિકારીઓએ શું જણાવ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમેરિકા, ઈરાન, ઇરાક,
ઇમેજ કૅપ્શન, અમેરિકન ફ્રીલાન્સ પત્રકાર શૈલી કિટલસનનું મંગળવારે સાંજે અપહરણ કરાયું (ફાઇલ તસવીર)

ઇરાકના પાટનગર બગદાદમાં એક અમેરિકન મહિલા પત્રકારનું અપહરણ થઈ ગયું છે. ઇરાકી અને અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે શકમંદોમાંથી એકનું સંબંધ ઈરાન સમર્થિત મિલિશિયા સાથે છે.

અલ-મૉનિટર નામની એક ન્યૂઝ વેબસાઇટે જણાવ્યું કે અમેરિકન ફ્રીલાન્સ પત્રકાર શૈલી કિટલસનનું મંગળવારે સાંજે અપહરણ કરાયું.

ઇરાકના ગૃહ મંત્રાલયે કહ્યું કે સુરક્ષા દળોએ અપહરણકારોનો પીછો કર્યો. એ દરમિયાન એક અપહરણકારની ગાડી પલટી ગઈ અને એક શકમંદની ધરપકડ કરી લેવાઈ.

અમેરિકન વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલી વ્યક્તિનું સંબંધ ઈરાન સમર્થિત મિલિશિયા જૂથ "કતાઇબ હિઝબુલ્લાહ" સાથે છે.

અમેરિકન વિદેશ મંત્રાલયના આસિસ્ટન્ટ સેક્રેટરી ડિલન જૉનસને પત્રકારના અપહરણની પુષ્ટિ કરી, પરંતુ તેમણે કિટલસનનું નામ ન લીધું.

તેમણે ઍક્સ પર લખ્યું, "વિદેશ મંત્રાલયે પહેલાં જ પત્રકારને તેમની વિરુદ્ધ ખતરા વિશે ચેતવણી આપી હતી. અમે એફબીઆઇ સાથે મળીને શક્ય તેટલી જલદી તેમની મુક્તિ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

અમેરિકન વિદેશ મંત્રાલયે બીબીસીને આપેલા નિવેદનમાં કહ્યું, "ગુપ્તતા અને અન્ય કારણોને લીધે, હાલ અમારી પાસે શૅર કરવા માટે વધુ કંઈ નથી."

અમેરિકા સહિત વિશ્વના આ દેશોમાં પેટ્રોલની કિંમતોમાં ભારે વધારો

બીબીસી ગુજરાતી, ગુજરાત, ક્રૂડઑઇલ, ઑઇલ, ઈંધણ, ભાવવધારો

ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ શરૂ થયા બાદથી ક્રૂડઑઇલની કિંમત આસમાને પહોંચી ગઈ છે.

બ્રેન્ટ ક્રૂડની એક બેરલની કિંમત 73 ડૉલરથી વધીને 31 માર્ચના રોજ લગભગ 117 ડૉલર સુધી પહોંચી ગઈ છે.

ઊર્જાની જથ્થાબંધ કિંમતોમાં વધારાનો અસર સૌપ્રથમ પેટ્રોલ પંપ પર દેખાય છે અને આ અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે.

અમેરિકામાં પેટ્રોલની સરેરાશ કિંમતમાં સંઘર્ષ શરૂ થયા બાદ એક ડૉલરનો વધારો થયો અને આ લગભગ ચાર વર્ષમાં પ્રથમ વખત ચાર ડૉલરમાં પ્રતિ ગેલન (3.78 લિટર)ની પાર પહોંચી ગઈ છે.

બ્રિટનમાં પેટ્રોલની સરેરાશ કિંમતોમાં 14 ટકા અને ડીઝલમાં 27 ટકાનો વધારો થયો છે.

કેટલાક દેશો, જેમ કે, શ્રીલંકા અને બાંગ્લાદેશે ઈંધણની રૅશનિંગ શરૂ કરી દીધી છે, અને ગત અઠવાડિયે સ્લોવેનિયા આવું કરનાર યુરોપિયન સંઘનો પ્રથમ દેશ બન્યો.

ઑસ્ટ્રેલિયામાં વધતી કિંમતોથી રાહત અપાવવા માટે ત્રણ મહિના માટે ઈંધણ પર લાગતો ટૅક્સ અડધો કરી દેવાયો છે, જ્યારે બે રાજ્યોમાં લોકોને ખાનગી વાહન ન ચલાવવા બદલ અસ્થાયીપણે મફત પબ્લિક ટ્રાન્સપૉર્ટની સુવિધા અપાઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન