બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે સીબીઆઈની વિશેષ કોર્ટ 30મી સપ્ટેમ્બર એટલે કે આજે
ચુકાદો આપશે. આ ચુકાદો લગભગ 11 વાગ્યે સંભળાવાશે. ચુકાદાને પગલે અયોધ્યાને હાઈ
ઍલર્ટ પર રાખવામાં આવી છે.
સીબીઆઈની વિશેષ કોર્ટે ભાજપના માર્ગદર્શક મંડળના પ્રમુખ નેતા લાલકૃષ્ણ અડવાણી અને
મુરલી મનોહર જોશી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ
કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી સહિત 32 આરોપીઓને ન્યાયાધીશ સુરેન્દ્ર કુમાર યાદવની
કોર્ટમાં ચુકાદો અપાય ત્યારે હાજર રહેવા જણાવ્યું છે.
સોળમી સદીમાં મોઘલ બાદશાહ બાબરના સમયમાં બનેલી બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર, 1992ના
રોજ કારસેવકોની એક ભીડે તોડી પાડી હતી. એ બાદ સમગ્ર દેશમાં સાંપ્રદાયિક તોફાનો
થયાં હતાં, જેમાં કેટલાય લોકો માર્યા ગયા હતા.
એ બાદ બાબરી મસ્જિદ વિધ્વંસના મામલે બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. પ્રથમ એફઆઈઆર
મસ્જિદને તોડી પાડનારા કારસેવકો વિરુદ્ધ, જ્યારે બીજીમાં ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ,
બજરંગ દળ અને આરએસએસ સાથે સંકળાયેલા આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.