કપાસની સિઝન પહેલાં જ ભારતમાં કપાસના મોટા મોટા ઢગલા કેમ પડ્યા છે, ખેડૂતો માટે શું સંકેત છે?

કપાસ ગુજરાત બીબીસી ખેડૂત વરસાદ ચોમાસું ખેતર પાક બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, કપાસની હરાજીમાં ભાગ લઈ રહેલા ખેડૂતોની ફાઇલ તસવીર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેર નજીક 20 વીઘા જમીન ધરાવતા નરેન્દ્રભાઈ પરમાર નામના ખેડૂતે આ વર્ષે તેમની વીસેય વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું છે. તેઓ કહે છે કે વાવેતર કર્યાના દોઢેક મહિના બાદ પાક સારો દેખાય છે.

"પાછલાં કેટલાંક વર્ષોથી ચોમાસું પૂરું થવાનું હોય અને મગફળીની મોસમ ચાલુ હોય ત્યારે વરસાદ પડે છે. તેથી અમારા વિસ્તારમાં મગફળીના પાકમાં નુકસાન જાય છે. સામે પક્ષે બીટી કપાસ આવા વરસાદને ખમી જાય છે. કપાસનું ઉત્પાદન વીઘે 12થી 15 મણ મળે છે. ગયા વર્ષે મને કપાસનો સરેરાશ ભાવ 1,650થી 1,700 રૂપિયા પ્રતિ મણ મળ્યો હતો. આ વર્ષે પણ ભાવ સારા મળશે તેવી આશાએ કપાસ વાવ્યો છે," એમ નરેન્દ્રભાઈ કહે છે.

તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામના ખેડૂત પ્રકાશ ખુમાણે 40 વીઘામાં કપાસ વાવ્યો છે જયારે બાકીના 40 વીઘામાં મગફળી વાવી છે. (6.25 વીઘા =1 હેક્ટર)

ગયા વર્ષે પણ પ્રકાશ ખુમાણે એટલા જ વિસ્તારમાં કપાસ અને મગફળી વાવ્યાં હતાં. તેઓ કહે છે કે તેમના કપાસના પાકની વૃદ્ધિ હાલના તબક્કે સંતોષકારક નથી.

"મને એમ લાગે છે કે આ વર્ષે કપાસ માટે અમારા વિસ્તારમાં વાતાવરણ બહુ અનુકૂળ નથી. પાકની જોઈએ તેવી વૃદ્ધિ થઇ નથી. તેથી ઉત્પાદન ઘટશે અને તેને કારણે ભાવ ઊંચા મળશે," પ્રકાશ ખુમાણ કહે છે.

આવા આશાવાદને કારણે ગુજરાતમાં આ વર્ષે ખેડૂતોએ કપાસનું વાવેતર વધાર્યું છે.

ગુજરાત સરકારે બહાર પાડેલ તાજેતરના આંકડા અનુસાર રાજ્યમાં 17 ઑગસ્ટ, 2026 સુધીમાં 21.35 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું હતું.

ગત વર્ષે આ સમયે તે આંકડો 20.68 લાખ હેક્ટર હતો. રાજ્યમાં પાછલાં ત્રણ વરસમાં કપાસના વાવેતર વિસ્તારની સરેરાશ 23.83 લાખ હેક્ટર રહી છે.

ગત વર્ષે રાજ્યમાં 20.95 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું હતું. આ વર્ષે 17 ઑગસ્ટ સુધીમાં સુરેન્દ્રનગરમાં 3.69 લાખ હેક્ટરમાં અને અમરેલીમાં 2.79 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું છે અને ગુજરાતની જિલ્લાઓની યાદીમાં આ બંને જિલ્લાઓ ટોચ પર છે.

ખેડૂતોને કપાસના ઊંચા ભાવ મળશે?

કપાસ ગુજરાત બીબીસી ખેડૂત વરસાદ ચોમાસું ખેતર પાક બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ એપીએમસી(ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)ના યાર્ડમાં કપાસની હરાજીની 2025માં લેવાયેલી તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું યાર્ડ ગુજરાતમાં કપાસનું મોટું બજાર ગણાય છે.

આ યાર્ડમાં ઑગસ્ટની શરૂઆતથી કપાસના સરેરાશ ભાવ 1800 પ્રતિ મણથી વધારે રહ્યા છે.

મે મહિનાથી ભાવ સતત વધી રહ્યા છે. પરંતુ સામાન્ય રીતે ઑક્ટોબર મહિનાથી ખેડૂતો તેમનો કપાસ બજારમાં વેચવા લઇ આવે એટલે ભાવ ઘટવા લગતા હોય છે.

ભારતમાં કપાસનું વર્ષ 1 ઑક્ટોબરથી શરુ થાય છે અને 30 સપ્ટેમ્બરે પૂરું થાય છે.

એક બાજુ ખેડૂતોનો નવો કપાસ બજારમાં આવવાને આડે માંડ દોઢ મહિનો બાકી છે તો બીજી તરફ કૉટન ઍસોસિએશન ઑફ ઇન્ડિયા (ટૂંકમાં, સીએઆઈ)એ 11 ઑગસ્ટ, 2026ના રોજ કપાસ વર્ષ 2025-26નું કપાસનું સરવૈયું જાહેર કર્યું અને જણાવ્યું કે 30 સપ્ટેમ્બરે ભારતમાં કપાસનો ઍન્ડિંગ સ્ટૉક એટલે કે 2025-26ના વર્ષની બંધ થતી સિલક 93.59 લાખ ગાંસડી રહેશે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારો તથા વ્યાપારી સંસ્થાઓ અને સંગઠનો કપાસના જથ્થાનું માપ રૂની ગાંસડીમાં કે રૂની કૅન્ડીમાં કાઢે છે.

ગાંસડીમાં 170 કિલો રૂ અને કૅન્ડીમાં 354 કિલો રૂ હોય છે. ખેડૂતો તેમની વાડીમાંથી જે કપાસ વીણીને બજારમાં વેચે છે તેમાં રૂ, કપાસિયા અને ભેજ કે અશુદ્ધિઓ હોય છે. એક મણ એટલે કે 20 કિલો કપાસમાંથી એકંદરે 6 કિલો 800 ગ્રામ રૂ, 13 કિલો કપાસિયા અને 200 ગ્રામ ભેજ અને અશુદ્ધિઓ હોય છે. તે હિસાબે રૂની એક ગાંસડી=આશરે 25 મણ કપાસ અને રૂની એક કૅન્ડી=અંદાજે 52.50 મણ કપાસ.

કપાસ ગુજરાત બીબીસી ખેડૂત વરસાદ ચોમાસું ખેતર પાક બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Atul Ganatra

ઇમેજ કૅપ્શન, અતુલ ગણાત્રા

સીએઆઈના અંદાજ મુજબ 30 સપ્ટેમ્બરના રોજ ભારતમાં બંધ થતી સિલક 93.59 લાખ ગાંસડી એટલે કે અંદાજે 23.39 કરોડ મણ કપાસ હશે.

આ રેકૉર્ડ-બ્રેકીંગ સિલક કાપડ મિલો, કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (ટૂંકમાં, સીસીઆઇ), મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટીવ કૉટન ગ્રોઅર્સ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, બહુરાષ્ટ્રીય કંપનીઓ, જિનિંગ ફૅકટરીઓ તથા વેપારીઓ પાસે પડી છે, તેમ સીએઆઈ જણાવે છે.

ભારત સરકારના આંકડા મુજબ 2025-26માં દેશમાં કપાસનું ઉત્પાદન 290 લાખ ગાંસડી હતું. સીએઆઈના સરવૈયા મુજબ 2025-26ના કપાસ વર્ષની ઉઘડતી સિલક 55.59 લાખ ગાંસડી હતી. 2025-26માં ભારતમાં કપાસની વપરાશ 348 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. તે જોતાં આ વર્ષની બંધ થતી સિલક સરેરાશ વપરાશના આશરે 27 ટકા જેટલી છે.

પરંતુ સીએઆઈની ક્રૉપ કમિટી એટલે કે પાક સિમિતિના ચૅરમૅન અતુલ ગણાત્રા કહે છે કે બંધ થતી સિલક વધુ હોવા માત્રથી ખેડૂતોએ કપાસના ભાવ બાબતે ચિંતા કરવાની જરૂર નથી.

તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "ઊંચી બંધ થતી સિલ્ક મિલો માટે સારા સમાચાર છે, પરંતુ દેશમાં કપાસની કિંમતોને તે અસર કરી શકે છે. જોકે, ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. જો બજાર ભાવ નીચા જાય તો ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવનો ટેકો મળી રહે છે. આ વર્ષે કેન્દ્ર સરકારે કપાસના ટેકાના ભાવ રૂપિયા 8667 પ્રતિ ક્વિન્ટલ (રૂપિયા 1733 પ્રતિ મણ) નક્કી કર્યા છે અને જો બજાર ભાવ ટેકાના ભાવથી નીચા જાય તો સીસીઆઇ સરકાર વતી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસ ખરીદે છે."

કપાસના ભાવ હાલ કેમ ઊંચા છે?

કપાસ ગુજરાત બીબીસી ખેડૂત વરસાદ ચોમાસું ખેતર પાક બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Dr Bharat Boghra/FB

ઇમેજ કૅપ્શન, સ્પિનર્સ ઍસોસિએશન ઑફ ગુજરાતના ચૅરમૅન ડૉ. ભરત બોઘરા

છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ભારતનાં બજારોમાં કપાસના ભવ ગત બે વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે ઊંચા રહ્યા છે.

અતુલ ગણાત્રા કહે છે તેનું એક કારણ છે રુમાંથી બનાવેલું કૉટન યાર્ન યાર્ન એટલે કે સુતરાઉ દોરાની વધી રહેલી માંગ.

રુમાંથી કૉટન યાર્ન બનાવતી સ્પિનનીંગ મિલોની સંસ્થા - સ્પિનર્સ ઍસોસિએશન ઑફ ગુજરાતના ચૅરમૅન ડૉ. ભરત બોઘરાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે અમેરિકા અને ઇઝરાઇલે આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં સંયુત રીતે ઈરાન પર કરેલા હવાઈ હુમલાથી યુદ્ધ ફાટી નીકળ્યું અને ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની આવક-જાવક પર નિયંત્રણો લાદ્યાં. તેનો ફાયદો ભારતના કપાસ વાવતા ખેડૂતોને થયો છે.

ડૉ. બોઘરાએ જણાવ્યું, "હોર્મુઝની સામુદ્રધુની બંધ થતાં ભારત અને વિશ્વના દેશોમાં પેટ્રોલિયમની ઉપલબ્ધતાને અસર થઇ છે. તેના કારણે પેટ્રોલિયમમાંથી બનતા માનવ-સર્જિત રેસાના ઉત્પાદન પર માઠી અસર થઇ છે. માનવ-સર્જિત રેસના ઉત્પાદનને અસર થતા કપાસ જેવા કુદરતી રેસાની માંગ વધી છે. પરિણામે, ભારતીય બજારોમાં કપાસના ભાવમાં વધારો થયો છે."

ડૉ. બોઘરાએ ઉમેર્યું કે ચીન અને બાંગ્લાદેશ બંને દેશો ભારત પાસેથી કૉટન યાર્નની સારી ખરીદી કરી રહ્યા છે.

"તેથી, યાર્નની કિંમતો સારા લેવલે જળવાઈ રહી છે. આવતા વર્ષે પણ ડિમાન્ડ સારી રહે તેવી ધારણા છે અને તેનો લાભ કપાસની ખેતી કરતા ખેડૂતોને થશે," એમ ડૉ. બોઘરાએ ઉમેર્યું.

બંધ થતી સિલક કેમ વધારે છે?

કપાસ ગુજરાત બીબીસી ખેડૂત વરસાદ ચોમાસું ખેતર પાક બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ એપીએમસી(ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)ના યાર્ડમાં ખેડૂતો અને તેમના કપાસની 2025માં લેવાયેલી તસવીર

વિશ્વમાં કપાસના ઉત્પાદન અને વપરાશમાં ચીન પછી ભારત બીજા નંબરે આવે છે.

ભારત કપાસના એક ગણનાપાત્ર નિકાસકાર દેશ તરીકે પણ જાણીતો હતો.

ખરેખર તો ભારતમાં કપાસનું ઉત્પાદન દેશના વપરાશ કરતાં વધારે રહેતું અને પરિણામે જો કપાસની નિકાસ ન થાય તો ભારતનાં સ્થાનિક બજારોમાં કપાસના ભાવો વધતા નહીં અથવા નીચા રહેતા. પરંતુ કપાસના ઘટી રહેલા ઉત્પાદન અને વધી રહેલી માંગની સ્થતિને કારણે ભારતના વેપારીઓએ 2024-25ના વર્ષમાં કપાસની મોટા પાયે આયાત કરતા, ભારત એક નિકાસકાર દેશના બદલે કપાસનો આયાતકાર દેશ બની ગયો હતો.

સીએઆઈના સરવૈયા અનુસાર 2025-26ના વર્ષમાં પણ આ જ સ્થિતિ રહી છે. સરવૈયા અનુસાર 2024-25માં રૂની આયાત 41 લાખ ગાંસડી થઇ હતી જે 2025-26માં વધીને 62 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. તો સામે કપાસની નિકાસ 18 લાખ ગાંસડીથી ઘટીને 15 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે.

અતુલ ગણાત્રાએ કહ્યું , "બંધ થતી સિલક ઊંચી રહેવાનું એક માત્ર કારણ છે રૂની મોટા પાયે થયેલી આયાત. સરકારે 2024-25ના વર્ષમાં છ મહિના માટે ઝીરો ડયૂટીએ રૂની આયાતને મંજૂરી આપી હતી. તે જ રીતે 2025-26માં પણ એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના છ મહિના દરમિયાન ઝીરો ડયૂટીએ રૂની આયાતને સરકારે મંજૂરી આપેલ છે. તેના કારણે રૂની આયાતમાં મોટો વધારો થયો છે અને તેને કારણે બંધ થતી સિલકમાં પણ મોટો વધારો થયો છે."

કપાસની આયાત કેમ વધી છે?

કપાસ ગુજરાત બીબીસી ખેડૂત વરસાદ ચોમાસું ખેતર પાક બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Prakaskh Khuman

ઇમેજ કૅપ્શન, પોતાના કપાસના પાકમાં નજર ફેરવી રહેલ પ્રકાશ ખુમાણ(જમણે) અને તેમના ભાઈ હાથીભાઈ ખુમાણ

અતુલ ગણાત્રા કહે છે ભારત સરકાર રૂની આયાત પર 11 ટકા ટૅક્સ વસુલતી હતી પરંતુ 2024-25માં જૂનથી ઑક્ટબર એમ પાંચ મહિના માટે તે ડ્યૂટીને માફ કરી દેતા રૂની આયાત વધી.

સરકારે 2025-26માં પણ આ નીતિનું પુનરાવર્તન કર્યું તેથી આયાતમાં વધારે વધારો થયો અને પરિણામે બંધ થતી સિલકમાં પણ મોટો વધારો થયો, તેમ તેઓ ઉમેરે છે.

પરંતુ કેન્દ્ર સરકાર કહે છે કે દેશના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આ પગલું જરૂરી હતું.

30 મે, 2026ના રોજ એક અખબારી યાદીમાં કેન્દ્ર સરકારે જણાવ્યું, "કપાસના ખેડૂતો અને કપાસ આધારિત ઉદ્યોગનાં હિતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે સક્રિય અને સંતુલિત અભિગમ અપનાવી 1 જૂનથી 31 ઑકોટોબર, 2026 દરમિયાન રૂની આયાતને કસ્ટમ્સ ડ્યૂટીમાંથી કામચલાઉ ધોરણે મુક્તિ આપી છે. આ પગલાંથી કપાસની ઑફ-સિઝન દરમિયાન કાપડ મિલો માટે રૂનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે, એમએસએમઈને ટેકો મળશે, કાચા માલની કિંમતો ઘટશે અને ભારતીય કાપડની સ્પર્ધાત્મકતા વધારે મજબૂત થશે અને સાથે સાથે ખેડૂતોનાં હિતો પણ સચવાશે અને બજારમાં સ્થિરતા પણ જળવાઈ રહેશે."

કેન્દ્ર સરકારની અન્ય એક અકબરી યાદી અનુસાર 2025-26ના નાણાકીય વર્ષ (એપ્રિલથી માર્ચ) દરમિયાન ભારતમાંથી 3253 અબજ રૂપિયાના મૂલ્યનાં કાપડ, કપડાં અને હાથશાળની નિકાસ નોંધાઈ હતી જે ગત વર્ષ નોંધાયેલી રૂપિયા 3195 અબજની નિકાસ કરતાં 1.8 ટકા વધારે છે.

ભારતમાં કપાસના વાવેતરની શું સ્થિતિ છે?

કપાસ ગુજરાત બીબીસી ખેડૂત વરસાદ ચોમાસું ખેતર પાક બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC

ઇમેજ કૅપ્શન, લીંબડીમાં નરેન્દ્રભાઈ પરમારના કપાસના પાકની 18 ઑગસ્ટ, 2026ના રોજ લેવાયેલી તસવીર

કેન્દ્ર સરકારના આંકડા અનુસાર 14 ઑગસ્ટ, 2026ની સ્થિતિએ ભારતમાં 107.33 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું હતું. ગત વર્ષે તે 108.27 લાખ હેક્ટર હતું. આમ, આ વર્ષે વાવેતરમાં આશરે એક ટકાનો ઘટાડો છે.

"પરંતુ ભારતમાં કપાસનું વાવેતર ઑગસ્ટના અંત સુધી થતું રહે છે. પરિણામે, આ આંકડો ઊંચો જાય તેવી સંભાવના છે. અમારો અંદાજ છે કે દેશમાં કપાસના વાવેતરના વિસ્તારમાં આશરે પાંચ ટકાનો વધારો થશે," ગણાત્રાએ કહ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન