જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ : દિલ્હીમાં સેંકડો લોકોની અટકાયત, મુંબઈ પ્રદર્શનમાં બોલીવૂડના લોકો પણ જોડાયા

ઇમેજ સ્રોત, @Cockroachisback
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ અને મતદારયાદીમાં વિશેષ સઘન પુનર્નિરીક્ષણ (એસઆઇઆર) અભિયાન બંધ કરવાની માગ સાથે શુક્રવારે દિલ્હી, મુંબઈ, પટણા અને અન્ય શહેરોમાં વિરોધપ્રદર્શન થયાં.
દિલ્હીમાં યોજાયેલા પ્રદર્શનમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો, આમ આદમી પાર્ટી અને સામાજિક સંગઠનોએ ભાગ લેવાની જાહેરાત કરી હતી. જ્યારે ક્રોકોચ જનતા પાર્ટી (સીજેપી)એ મુંબઈના શિવાજી સ્ટેડિયમ ખાતે શુક્રવાર સાંજે લોકોને એકત્ર થવાની અપીલ કરી હતી.
મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે યોજાયેલા સીજેપીના વિરોધપ્રદર્શનમાં ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી અને સંગીતકાર વિશાલ દદલાણી પણ હાજર રહ્યાં હતાં. અહીં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ કહ્યું, "સરકાર એટલી અસમર્થ છે કે અમારે બે મહિનામાં બીજી વખત વિરોધપ્રદર્શન કરવું પડ્યું છે."
શબાના આઝમીએ કહ્યું, "મત આપવો અમારો અધિકાર છે. આ અમારો અવાજ છે. પરંતુ જો અમારો મતનો અધિકાર અમારી પાસેથી છીનવી લેવામાં આવે, તો અમે શું કરીશું? અમે શાંતિપૂર્ણ વિરોધ કરીશું. અમે કોઈ પણ ખોટી બાબત સહન નહીં કરીએ. આ અમારો દેશ છે. અમારા બંધારણે અમને આ અધિકાર આપ્યો છે."
બીજી તરફ, ફિલ્મ સંગીતકાર અને નિર્માતા વિશાલ ભારદ્વાજે શિવાજી પાર્ક ખાતે પહોંચીને કહ્યું, "હું અહીં સમર્થન આપવા આવ્યો છું. આ વ્યક્તિગત બાબત છે. જો કોઈને અંતરાત્માથી લાગે છે કે જે થઈ રહ્યું છે તે ખોટું છે, તો તેણે સમર્થનમાં આવવું જોઈએ. અને જો કોઈને એવું ન લાગે, તો તેણે ન આવવું."
આ દરમિયાન દિલ્હીમાં પોલીસે જંતર-મંતર ખાતે વિરોધપ્રદર્શનની મંજૂરી આપી નહોતી અને દિલ્હી મેટ્રોએ પણ 10થી વધુ મેટ્રો સ્ટેશનો બંધ કરી દીધાં હતાં.
જોકે, તે પછી પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જંતર-મંતર પહોંચવાનો પ્રયાસ કરતા રહ્યા હતા અને પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, @Cockroachisback
સેંકડો લોકોની અટકાયત

ઇમેજ સ્રોત, AAP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવે ઍક્સ પોસ્ટમાં લખ્યું છે, "દિલ્હી પોલીસે અટકાયતમાં લીધેલા સાથીઓને અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં બેસાડી રાખ્યા છે. અમને પહેલા ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોની અને ત્યાર બાદ કાલિંદીકુંજ ખાતે લઈ જવામાં આવ્યા હતા."
"આજે જે રીતે દિલ્હીને છાવણીમાં ફેરવીને ધરપકડો કરવામાં આવી, તે અંગ્રેજોના શાસનની યાદ અપાવે છે. દમનથી આંદોલનો થાકતાં નથી, પરંતુ તેનો સંકલ્પ વધુ મજબૂત બને છે."
તેમની આ પોસ્ટને આરજેડી સાંસદ મનોજ ઝાએ પણ શૅર કરી હતી.
શુક્રવારે જંતર-મંતર તરફ વિરોધપ્રદર્શન માટે પહોંચતા પહેલાં જ આરજેડી સાંસદ મનોજ ઝા સહિત વિપક્ષના અનેક નેતાઓને અટકાયતમાં લેવાયા હતા.
દિલ્હીનાં પૂર્વ મુખ્ય મંત્રી આતિષીને દિલ્હી મહિલા પોલીસે અટકાયતમાં લીધાં હતાં. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ તેમજ સાંસદ સંજયસિંહને પણ અટકાયતમાં લેવાયા હતા.
આઇસાનાં નેતા નેહા બોરાને પણ પોલીસે અટકાયતમાં લીધાં હતાં. અટકાયતમાં લેવામાં આવેલા લોકોમાં સીપીએમના મહાસચિવ એમ. એ. બેબીનો પણ સમાવેશ થાય છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસ સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે જંતર-મંતર નજીકથી પોલીસે સેંકડો પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.
આઇસા, એસએફઆઈ, સીપીએમ અને સીપીઆઈ સહિતના ડાબેરી વિદ્યાર્થી અને રાજકીય સંગઠનોના નેતાઓ તથા કાર્યકરો સવારે જ જંતર-મંતર પહોંચવા લાગ્યા હતા.
જોકે, દિલ્હી પોલીસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ બીજી ઑક્ટોબરે જંતર-મંતર ખાતે પ્રસ્તાવિત વિરોધપ્રદર્શનને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.
દિલ્હી પોલીસે ગુરુવારે સાંજે જ જણાવ્યું હતું કે જંતર-મંતર અને આસપાસના વિસ્તારમાં કલમ 163 લાગુ કરાઈ છે. સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આંદોલનનું આહ્વાન કરનારા લોકોમાંના એક વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે કેટલાંક મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવાયાં છે, પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરાયા છે અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું, "પોલીસે જંતર-મંતરની ઘેરાબંધી કરી દીધી છે અને ત્યાં પહોંચતાં લોકોને અટકાયતમાં લેવાઈ રહ્યા છે."

મુંબઈમાં સીજેપીનું વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Social Media Screen Grab
ક્રૉકોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ 2 ઑક્ટોબરે સાંજે 4 વાગ્યે મુંબઈના શિવાજી પાર્ક ખાતે 'જેલ ભરો આંદોલન'ની જાહેરાત કરી હતી.
આ આંદોલન માટે શિવાજી પાર્કમાં સીજેપીના સમર્થકોની ભારે ભીડ એકત્ર થઈ છે અને લોકો પોતાની માગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
ક્રૉકોચ જનતા પાર્ટીએ ઍક્સ પર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે લોકો નિર્ધારિત સમય કરતાં બે કલાક પહેલાં જ શિવાજી પાર્ક પહોંચવા લાગ્યા હતા અને મુંબઈ બીજી ઑક્ટોબરના રોજ ઇતિહાસ રચશે.
સીજેપીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, "સિઝન-2 શરૂ."
વિરોધપ્રદર્શનને ધ્યાનમાં રાખીને મુંબઈના શિવાજી પાર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળોની તહેનાતી કરવામાં આવી છે.
મુંબઈમાં શિવસેના ભવનથી શિવાજી પાર્ક તરફ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર કૂચ કરીને પહોંચ્યા હતા.

ઇમેજ સ્રોત, ANI
સીજેપીના આંદોલન અંગે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા આદિત્ય ઠાકરેએ ઍક્સ પર લખ્યું, "મુંબઈ લોકશાહીને ફરી મેળવવા માટે આગળ આવી રહ્યું છે. મને આશા છે કે બધા લોકો અહીં સીજેપીના આ વિરોધપ્રદર્શનને સમર્થન આપવા માટે પહોંચી રહ્યા હશે."
તેમણે વધુમાં લખ્યું, "ભાજપના નિરંકુશ શાસને અમારો મત અને અમારો અવાજ છીનવી લીધા છે અને હવે તેને ફરી પાછો મેળવવો પડશે. આ રાજકારણનો મુદ્દો નથી, આ દેશનો મુદ્દો છે. આ આપણા લોકતંત્ર, આપણા મતાધિકાર અને આપણા બંધારણનો મુદ્દો છે. જ્ઞાનેશકુમારે જવું જ પડશે."
દીપકે અગાઉ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે જ્ઞાનેશકુમાર વિરુદ્ધ સીજેપી દ્વારા પ્રસ્તાવિત વિરોધપ્રદર્શનને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ તેમણે જાહેરાત કરી હતી કે સંગઠન ગાંધી જયંતીના દિવસે 'જેલ ભરો આંદોલન' શરૂ કરશે.
જોકે, મુંબઈ પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે 2013ના બૉમ્બે હાઇકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને તે શિવાજી પાર્કમાં કોઈ પણ જાહેર સભાને મંજૂરી આપવા માટે અધિકૃત નથી.
પોલીસે એ પણ જણાવ્યું હતું કે આ વિસ્તાર સાયલન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, Arun SANKAR / AFP via Getty Images

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, ANI
રાજકીય કાર્યકર યોગેન્દ્ર યાદવે દાવો કર્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ પ્રદર્શન કરવા જઈ રહેલા આરજેડીના સાંસદ મનોજ ઝાને દિલ્હી પોલીસે અટકાયતમાં લઈ લીધા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ગભરાયેલી સરકારે જંતર-મંતર સત્યાગ્રહમાં સામેલ થવા જઈ રહેલા રાજ્યસભા સાંસદ મનોજ ઝાને હિરાસતમાં લીધા."
આ સિવાય જંતર-મંતર પર પહોંચે એ પહેલાં જ આમ આદમી પાર્ટીના નેતાઓ આતિશી અને સૌરભ ભારદ્વાજની અટકાયત કરી લીધી છે.
અટકાયતમાં લેતી વખતે સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, "મોદીજી, સવાલોથી ન ડરો. બહાર નીકળો અને દેશને જવાબ આપો."
પ્રદર્શનનું આહ્વાન કરનારાઓમાંથી એક વકીલ પ્રશાંત ભૂષણે પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું. "દિલ્હી પોલીસે મોદી/શાહના આદેશ પર જંતર-મંતર પર પ્રસ્તાવિત વિરોધપ્રદર્શનને રોકવા માટે મધ્ય દિલ્હીને બંધ કરી દીધી છે."
તેમણે લખ્યું, "11 મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યાં છે, નિષેધનો આદેશ લાગુ કરી દેવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે! પોલીસે જંતર-મંતરની ઘેરાબંધી કરી દીધી છે અને ત્યાં લોકોને હિરાસતમાં લેવામાં આવી રહ્યા છે. સાંસદ મનોજ ઝાને પણ હિરાસતમાં લેવામાં આવ્યા છે."
પ્રશાંત ભૂષણે લખ્યું, "આ બધું ગાંધી જયંતિના દિવસે થઈ રહ્યું છે! મોદી/શાહ એ નથી સમજતા કે તેનાથી લોકોમાં વધુ ગુસ્સો પેદા થશે અને વધુ લોકો રસ્તાઓ પર ઉતરશે. તેઓ કેટલા લોકોને પ્રદર્શન કરતા રોકી શકે છે અને કેટલા લોકોને હિરાસતમાં લઈ શકે છે? આખરે તેઓ સ્થિતિ સંભાળવામાં અસમર્થ થઈ જશે!"

ઇમેજ સ્રોત, Getty Images
ઉલ્લેખનીય છે કે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે આજે કૉક્રોચ જનતા પાર્ટી સહિત અનેક સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો અલગ-અલગ વિરોધપ્રદર્શનો કરી રહ્યાં છે.
દિલ્હી પોલીસે જ્ઞાનેશકુમારના વિરોધમાં જંતર-મંતર પર વિરોધપ્રદર્શન કરવાની મંજૂરી આપી નથી.
આ વિરોધપ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે બીએનએસની કલમ 163ને દિલ્હીમાં લગાવી દીધી છે અને નવી દિલ્હીમાં સુરક્ષાવ્યવસ્થા વધારી દેવાઈ છે.
નવી દિલ્હીના ડીસીપીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "નવી દિલ્હી જિલ્લામાં જાહેર સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને વાહનવ્યવહારની સુચારુ અવરજવર સુનિશ્ચિત કરવા માટે બીએનએસએસ, 2023ની કલમ 163 લાગુ છે. તેના હેઠળ મંજૂરી વિના લોકોનું એકત્ર થવું, જાહેર ભાષણ, નારા લગાવવું, સરઘસ, પ્રદર્શન, ધરણા અને આદેશમાં જણાવાયેલી અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે."
અહીં ઉલ્લેખનીય છે કે અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રૅસમાં એસઆઈઆરની પ્રક્રિયાને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદના સમાચાર છપાયા હતા.
ત્યાર બાદ કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ ચૂંટણીપંચ પર મતદારયાદીમાં ગોટાળાના આરોપો લગાવ્યા છે. આથી, જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ થઈ રહી છે.
દિલ્હીમાં 11 મેટ્રો સ્ટેશન બંધ

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીમાં સ્થિત જંતર-મંતર પર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં અનેક મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને ઍક્ઝિટ પર રોક લગાવવામાં આવી છે.
દિલ્હી મેટ્રોએ કહ્યું છે કે, નીચે દર્શાવાયેલાં મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને ઍક્ઝિટ આગામી આદેશ સુધી બંધ રહેશે.
- જનપથ
- પટેલ ચોક
- કેન્દ્રીય સચિવાલય
- રાજીવ ચોક
- સેવા તીર્થ
- મંડી હાઉસ
- લોક કલ્યાણ માર્ગ
- આઈએનએ
- ચાવડી બજાર
- રામકૃષ્ણ આશ્રમ માર્ગ
- નવી દિલ્હી
દિલ્હી મેટ્રોએ ઍક્સ પર આ માહિતી શૅર કરતાં કહ્યું, "રાજીવ ચોક, મંડી હાઉસ, નવી દિલ્હી અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા ઉપલબ્ધ રહેશે."
દિલ્હીમાં જંતર-મંતર પર પોલીસની કિલ્લેબંધી

શુક્રવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ જંતર-મંતર પર સામાજિક અને રાજકીય કાર્યકરો દ્વારા યોજાનારા વિરોધપ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.
જંતર-મંતરની બહાર રેપિડ ઍક્શન ફોર્સના વાહનો પેટ્રોલિંગ કરી રહ્યાં છે.

મુંબઈમાં વિરોધ પ્રદર્શનનું એલાન

ઇમેજ સ્રોત, ANI
કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ આ વિરોધપ્રદર્શન અગાઉ ગઈ કાલે ગુરુવારે મુંબઈમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, "કૉક્રોચ જનતા પાર્ટી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી સાથે 2 ઑક્ટોબરે દેશવ્યાપી આંદોલન શરૂ કરશે.
તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓની મુખ્ય માગણીઓમાં જ્ઞાનેશકુમાર વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવો, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બંધ કરવી, 2025ની મતદારયાદીના આધારે ચૂંટણીઓ યોજવી અને નવા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે એક સ્વતંત્ર સંસ્થાની સ્થાપના કરવાની માગ સામેલ છે.
દીપકેએ આરોપ લગાવ્યો કે, વર્તમાન ચૂંટણી પ્રક્રિયા અંગે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને આ મુદ્દાઓને ઉકેલવા માટે, સીઈસીએ રાજીનામું આપવું જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે જ્ઞાનેશકુમાર પોતાના પદ પરથી રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
તેમણે કહ્યું, "અમે માગ કરીએ છીએ કે એસઆઈઆર પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે, 2025 ની મતદારયાદીના આધારે ચૂંટણીઓ યોજવામાં આવે અને નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી સ્વતંત્ર સંસ્થા દ્વારા કરવામાં આવે."
'ઇન્ડિયા' ગઠબંધનના વિરોધપ્રદર્શનનું પણ એલાન

ઇમેજ સ્રોત, ANI
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ અને ચૂંટણીપ્રક્રિયામાં સુધારની માગ સાથે આજે 'ઇન્ડિયા' ગઠબંધન પણ વિરોધપ્રદર્શનોની શ્રેણીની શરૂઆત કરશે.
આજથી તેમણે લોકશાહી બચાવો માર્ચનું ઍલાન કરેલું છે.
મુંબઈમાં આજે યોજાનારા વિરોધપ્રદર્શનને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ પણ સમર્થન આપ્યું છે. આદિત્ય ઠાકરેએ મુંબઈના લોકોને બહાર નીકળવાની અપીલ કરી છે.
આ સિવાય ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ અલગથી ચોથી ઑક્ટોબરે વિરોધપ્રદર્શન કરવાનું એલાન કર્યું છે.
છઠ્ઠી ઑક્ટોબરે વિપક્ષના સાંસદો દિલ્હીમાં ચૂંટણીપંચના હેડક્વાર્ટર સુધી માર્ચ કાઢશે અને જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરશે.
આગામી પહેલી નવેમ્બરે ઇન્ડિયા ગઠબંધને દિલ્હીમાં મોટી રેલી યોજવાનું નક્કી કર્યું છે અને એ સિવાય તેઓ પાંચ મોટી રેલી આ ગાળામાં યોજશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























