ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવાની ટેવ મગજ પર શું અસર કરે? 11 સવાલ અને તેના જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
એક પછી એક ચિંતા, કામનો તણાવ, પારિવારિક કે સંબંધોમાં વ્યાપ્ત તણાવ વગેરેની વચ્ચે જ્યારે આપણે ફસાઈ જઈએ છીએ ત્યારે સામાન્ય ચિંતા ક્યારે એક ગંભીર બીમારીનું સ્વરૂપ લઈ લે છે એ ખ્યાલ નથી આવતો.
માનસિક સ્વાસ્થ્યની બાબત ઘણી વાર ગંભીર બની જતી હોય છે.
ડિપ્રેશન, ચિંતા કે તણાવ સામે ઝઝૂમી રહેલી વ્યક્તિએ ડૉક્ટરની સલાહ ક્યારે લેવી જોઈએ? તમે ડિપ્રેશનમાં છો એ ખ્યાલ કેવી રીતે આવે અને માનસિક સ્વાસ્થ્ય કથળી ગયું છે એમ ક્યારે કહેવાય? સોશિયલ મીડિયાની તમારા માનસિક સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
આ સવાલોનો જવાબ મેળવવા માટે બીબીસી સંવાદદાતા પ્રિયંકા ધીમાને સાઇકોલૉજિસ્ટ ડૉ. કોમલપ્રીતકોર સાથે વાતચીત કરી હતી. આ સવાલ-જવાબ એ ઇન્ટરવ્યૂ પર આધારિત છે.
1. પ્રશ્ન: સાઇકોલૉજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટ વચ્ચે શું ફર્ક હોય છે?
જવાબ: સાઇકોલૉજિસ્ટ એ માનસિક સ્વાસ્થ્યમાં મદદ કરતા નિષ્ણાત છે જે આપણા વિચારો, આપણી ભાવનાઓને સમજવામાં મદદ કરે છે. તેઓ કાઉન્સેલિંગ અને સાઇકોથૅરપી થકી આપણી ભાવનાત્મક મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે.
સાઇકિયાટ્રિસ્ટ એ ડૉક્ટર હોય છે જે દર્દીને દવા આપીને ઠીક કરે છે. સાઇકોલૉજિસ્ટ દવાઓ આપતાં નથી.
જ્યારે કોઈની બીમારી ગંભીર બની જાય ત્યારે સાઇકિયાટ્રિસ્ટ દવા આપે છે. ઘણા કિસ્સાઓમાં બંને લોકો સાથે મળીને ટીમ તરીકે કામ કરતાં હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2. પ્રશ્ન: ક્યારે ખબર પડે કે વ્યક્તિને સાઇકોલૉજિકલ મદદની જરૂર છે?
જવાબ: જો કોઈ વ્યક્તિ સતત બે અઠવાડિયાં કરતાં વધુ અપસેટ રહે, કારણ વગર ચિંતામાં રહે, વધુ પડતું ઊંઘી જાય કે ખૂબ ઓછું ઊંઘે, તેને અતિશય ભૂખ લાગે કે ખૂબ ઓછી ભૂખ લાગે, અતિશય ચિંતામાં રહે, લોકો સાથે હળવામળવાનું ઓછું કરી દે, કોઈને ન મળે, જે રીતે પહેલાં બધું કામ કરતા હતા એટલા ઉત્સાહથી ન કરે... આવાં લક્ષણો દેખાવાનાં શરૂ થઈ જાય તો એનો અર્થ એ છે કે કોઈ સમસ્યા છે.
આવા સમયે તમારે માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતની જરૂર છે.
3. પ્રશ્ન: સામાન્ય તણાવ, દુ:ખ અને ડિપ્રેશનવાળા તણાવમાં શું ફર્ક છે?
જવાબ: સામાન્ય તણાવ એ થોડા સમય પૂરતો હોય છે અને પછી આપોઆપ તેમાં સુધારો આવી જાય છે.
પરંતુ ડિપ્રેશન એ લાંબા સમય રહેતો તણાવ કે દુ:ખી રહેવાની ભાવના છે.
તેની અસરો શરીર પર પણ દેખાવાની શરૂ થઈ જાય છે. વ્યક્તિને ઊંઘ આવતી નથી, ખાવા-પીવાનું ઓછું થઈ જાય છે અથવા તો અવ્યવસ્થિત થઈ જાય છે. લોકો સાથેનું જોડાણ ઓછું થઈ જાય છે. રોજબરોજના જીવન અને સંબંધો પર પણ તેની અસર પડે છે.
4. પ્રશ્ન: માનસિક બીમારી કે ડિપ્રેશનનું કારણ શું હોય છે?
જવાબ: ઘણી બાબતો આપણા જનીન અને આપણી આસપાસના વાતાવરણ પર પણ અસર કરતી હોય છે.
જો પરિવારમાં કોઈને ડિપ્રેશન રહેલું હોય તો આવું વાતાવરણ રહેવાને કારણે બીજા સભ્યોને પણ તેની અસર થઈ શકે છે.
આવા લોકો નકારાત્મક વિચારો કરવા લાગે છે, આસપાસની દુનિયા વિશે, ભવિષ્ય વિશે નકારાત્મક વિચારવા લાગે છે. તેમને આગળ કોઈ આશા દેખાતી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
5. પ્રશ્ન: સોશિયલ મીડિયા તમારા માનસિક સ્વાસ્થ્યને કેવી અસર કરે છે?
જવાબ: જો તમે સતત ઇન્સ્ટાગ્રામ પર રીલ જોયા કરતાં હોવ, તો એક રીલમાં કોઈ એક પ્રકારની ભાવના હોય છે, બીજી રીલમાં બીજા પ્રકારની ભાવના હોય છે અને ત્રીજી રીલમાં ત્રીજા પ્રકારની ભાવના હોય છે.
તેના કારણે તમારી ભાવનાઓ ઝડપથી બદલાય છે અને તે સરખી રીતે પ્રોસેસ થતી નથી. આપણે ભાવનાઓને કેવી રીતે પ્રોસેસ કરવી એ સમજી શકતા નથી.
જેટલી વસ્તુઓ આપણી સ્ક્રીન પર ખૂલે છે, એટલા જ અલગ-અલદ ટૅબ આપણા મગજમાં પણ ખૂલે છે. તેના કારણે બ્રેઇન ફોગ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. તમે એ સમજી શકતા નથી કે તમારે કયો નિર્ણય લેવાનો છે.
6. પ્રશ્ન: માનસિક સ્વાસ્થ્ય કેમ શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ અગત્યનું છે?
જવાબ: જો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું નહીં રહે તો તમને માનસિક બીમારી, રોગ થવા લાગશે.
જો માનસિક સ્વાસ્થ્ય મજબૂત નહીં હોય તો તમે બધી વસ્તુઓ નકારાત્મક ઢબે જોવા લાગશો. તમારી ક્રિયાઓ પણ નકારાત્મક થઈ જશે.
આથી, માનસિક સ્વાસ્થ્ય અગત્યનું છે.

ઇમેજ સ્રોત, Getty Images
7. પ્રશ્ન: બાળકોમાં તણાવ કેવી રીતે આવે છે અને માતાપિતાએ શું ભૂમિકા ભજવવી જોઈએ?
જવાબ: સૌથી પહેલા તો સોશિયલ મીડિયા મોટો ભાગ ભજવે છે. બાળકો એકબીજા સાથે પોતાની ઘણી સરખામણી કરતાં હોય છે. માતાપિતાનું, સમાજનું પણ ઘણું દબાણ હોય છે. પોતાના પ્રત્યે પણ તેમને ઘણી આશા હોય છે.
જ્યારે તેઓ આ બધું કરી શકતા નથી ત્યારે તેઓ પોતાના વિશે નકારાત્મક વિચારવા, બોલવા લાગે છે. અંતે એ ડિપ્રેશન તરફ જાય છે.
માતાપિતાની પણ આમાં મોટી ભૂમિકા છે. નોકરી-કામધંધો કરતાં માતાપિતા બાળકોને જો વધુ સમય આપી શકતાં નથી તો તેનાથી બાળકોની જરૂરિયાતો પૂર્ણ થઈ શકતી નથી. આથી બાળકોને 'વિટામિન-નો' નો સામનો કરવો પડે છે.
તેમને ક્યારેક માતાપિતા કોઈ બાબતે ના પાડે છે, તેમની આસપાસના લોકો તરફથી તેમને ના સાંભળવા મળે છે તો તે ડિપ્રેશનમાં જાય છે. આથી, બાળકોને કોઈ બાબતની ના પાડતી વખતે તેમને કારણ આપવું જોઈએ.
બાળકો જો કંઈ સારું કરે છે તો તેમના પ્રયત્નોને વખાણવા જોઈએ. આથી, તેમને લાગે કે તેમણે આ મહેનત કરી છે એ પછી તેમને પરિણામ મળ્યું છે.
પરંતુ જો તમે તેમના સીધા વખાણ કરો છો તો તે જિદ્દી બની જાય છે.
આપણે ક્યારેય બાળકોને એવું ન કહેવું જોઈએ કે તે ખરાબ છે, પરંતુ એવું કહેવું જોઈએ કે તે જે કરી રહ્યાં છે એ ખરાબ છે. તેમની સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવો જોઈએ.
તેમને કારણ વગરની સલાહો ન આપવી જોઈએ અને તેમને સાંભળવા જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
8. પ્રશ્ન: કામના સ્થળે માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે સારું રાખવું?
જવાબ: તમારા કામના સ્થળની માનસિક સ્વાસ્થ્ય પર મોટી અસર થાય છે. વર્ક-લાઇફ બૅલેન્સ ખૂબ જરૂરી છે.
જ્યારે તમે ઘરે જઈ રહ્યા છો તો પછી ઑફિસને ઑફિસમાં જ છોડીને જવી જોઈએ. ઘર એ ઘરે જ રહેવું જોઈએ. ઘરની સમસ્યાઓ ઑફિસમાં અને ઑફિસની સમસ્યાઓ ઘરે લઈને ન જવું જોઈએ.
શ્વાચ્છોશ્વાસની કસરતોને તમારા રૂટિનનો ભાગ બનાવવો જોઈએ. બૉક્સ બ્રીધિંગ, બટરફ્લાય બ્રીધિંગ, ડીપ બ્રીધિંગ વગેરેને જ્યારે સમય મળે ત્યારે દિવસ દરમિયાન કરતાં રહેવી જોઈએ.
જ્યારે તમે શાંત રહો છો ત્યારે જ તમે સારા નિર્ણય લઈ શકો છો.
9. પ્રશ્ન: મહિલાઓએ માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે સારું રાખવું?
જવાબ: ઘર, બાળકો, કારકિર્દી બધું કેવી રીતે સંભાળવું? જ્યારે મહિલાઓ કામ પર જાય છે ત્યારે તેના મનમાં કાયમ એ ચાલતું હોય છે કે તેનાં બાળકો ઘરે શું કરતાં હશે? ઘરે જઈને મારે ફલાણું કામ કરવાનું છે. ઘરે મહેમાન આવવાના છે. ઘણી બધી વસ્તુઓ તેમના મનમાં ચાલતી હોય છે.
સમયાંતરે થોડો બ્રેક લેવો જરૂરી છે. જો તમે વર્કિંગ વુમન છો તો વધુ પડતું વિચારવાનું તમારા માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે.
જો વર્કિંગ વુમન નથી, તો પણ આ સમસ્યાઓ રહે જ છે. ઘણી મહિલાઓ શિક્ષણ લે છે, પરંતુ લગ્ન પછી કોઈ નોકરી કે અન્ય કામ કરી શકતી નથી. તે પરિવારને, પતિને અને બાળકોને જ સંભાળે છે.
પછી બાળકો જ્યારે મોટાં થઈ જાય છે પછી તેને એકલતા લાગે છે અને ડિપ્રેશન થઈ જાય છે. તેને કારણ વગર નકારાત્મક વિચારો આવે છે.
ગૃહિણીઓએ પણ તેમના શોખની ઍક્ટિવિટીઝ કરતાં રહેવી જોઈએ, પોતાના માટે સમય કાઢવો જોઈએ.
કસરત, ખાવાનું અને ઊંઘની કાળજી રાખવી જોઈએ. સૌએ ડાયટ, મેડિટેશન અને બ્રીધિંગ ઍક્સરસાઇઝ કરવી જોઈએ. આ જ થૅરપી છે.
10. પ્રશ્ન: ટ્રાવેલિંગની શું અસર થાય છે?
જવાબ: સોલો ટ્રાવેલ માટે જવું જોઈએ. તમને જે ગમે તે માણવું જોઈએ. આમ કરવાથી તમે ખુશ રહેશો.
જો તમે ખુશ રહેશો તો તમારી આસપાસ પણ સારું વાતાવરણ બનશે. તમે અંદરથી આનંદિત રહેશો તો આસપાસનું વાતાવરણ આપોઆપ સારું રહેશે.

ઇમેજ સ્રોત, Getty Images
11. પ્રશ્ન: મૅન્ટલ હેલ્થ માટેની ટિપ્સ આપો.
જવાબ: ખુદ માટે ઓછામાં ઓછી અડધી કલાક ફાળવો. કસરત, સારું ખાવાનું ખાઓ અને જંક ફૂડથી દૂર રહો.
દરરોજ મેડિટેશન કરો, ઊંડા શ્વાસ લો.
આ બધું એ વાઇરસ સામે રસી જેવું કામ કરે છે. તેનાથી તમે સતત સક્રિયા અને ખુશ રહી શકો છો.
આ બધી ઍક્ટિવિટીઝથી હૅપ્પી હૉર્મોન્સ રિલીઝ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















