જીવનભર રિક્ષા ચલાવનારને 89 વર્ષે અઢી કરોડની લૉટરી લાગી, હવે શું કરશે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, જીવનભર રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવનારી વ્યક્તિને 89 વર્ષે અઢી કરોડ રૂપિયાનું ઇનામ લાગે તો? રિક્ષા ચલાવી રહેલા ગુરદેવ સિંહ
પ્રકાશિત

ઉંમર : 89 વર્ષ

કામ : રિક્ષા ચલાવવાનું

ઇનામ : કિસ્મતે પલટી મારી અને 2.5 કરોડની લૉટરી લાગી. આટલી ઉંમરે હવે આટલા પૈસાનું આ 'દાદા' શું કરશે?

'હું લૉટરીની ટિકિટ ખરીદતો હતો અને ડ્રૉની તારીખ જતી રહે એ બાદ એને ફેંકી દેતો હતો. મેં ક્યારેય એજન્ટોને નથી પૂછ્યું કે હું જીત્યો કે નહીં?'

પંજાબના મોગામાં રહેતા ગુરુદેવસિંહે પોતાનું જીવન સાઇકલ રિક્ષા ચલાવીને ગુજાર્યું છે.

દારુણ ગરીબીમાં ઘર ચલાવવા માટેનો એમનો એકમાત્ર આધાર સાઇકલ રિક્ષા જ હતી.

ક્યારેક એમણે કારમી મજૂરી પણ કરી, પણ છેલ્લાં 25-30 વર્ષથી તેઓ સાઇકલ ચલાવીને પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરતા હતા.

જોકે, એમના દિવસો ફર્યા અને તેઓ રાતોરાત કરોડપતિ બની ગયા. તેમને અઢી કરોડ રૂપિયાની લૉટરી લાગી છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લૉટરી જીત્યા બાદ એમણે બીબીસી સાથેની વાતચીતમાં ઉપરના શબ્દો કહ્યા હતા.

એમને તો આશા પણ નહોતી કે જીવનમાં ક્યારે તેમને આટલી મોટી લૉટરી લાગશે, પણ પંજાબ સરકારની 'બૈસાખી બમ્પર લૉટરી' લાગી અને એમણે આખી જિંદગીમાં જે નહોતું વિચાર્યું એવું થઈ ગયું.

એક સાઇકલ રિક્ષા ચલાવનારી વ્યક્તિ 89 વર્ષની વયે કરોડપતિ બની ગઈ છે. ગરીબી વેઠી ચૂકેલા એમના પરિવારજનો આ વાતથી ભારે ખુશ છે.

ગુરદેવ સિંહ લગભગ અડધી સદીથી લૉટરીની ટિકિટ ખરીદતા હતા.

તેઓ જણાવે છે, "હું 40-50 વર્ષથી લૉટરીની ટિકિટ ખરીદી રહ્યો હતો. અમે ગામમાં રહીએ છીએ અને જ્યારે પણ હું શહેર જતો, હું ટિકિટ ખરીદતો હતો."

"જોકે, મને ક્યારેય લૉટરી નહોતી લાગી. આખરે મેં બે-ત્રણ વર્ષથી લૉટરીની ટિકિટ લેવાનું બંધ કરી દીધું હતું."

"થોડા દિવસ પહેલાં હું શહેરમાં ગયો હતો અને મેં છેલ્લી વખત લૉટરી લેવાનું વિચાર્યું. એ છેલ્લી વખત લૉટરી ખરીદી અને હું કરોડપતિ બની ગયો. "

જોકે, રાતોરાત કરોડપતિ બની ગયેલા ગુરદેવ સિંહ પાસે આટલા પૈસાનું શું કરવું એની કોઈ યોજના નથી કે નથી એમનું કોઈ મોટું સપનું.

એમનો તો જીવનસંઘર્ષ જ કાચા મકાનમાંથી પાકા મકાનમાં રહેવા સુધીનો રહ્યો છે, અને એટલે જ એમનાં સપનાં આજે પણ ઘર સાથે જ સંકળાયેલાં છે.

વીડિયો કૅપ્શન, પંજાબના આ દાદાએ છેલ્લી લૉટરી લીધી અને આટલા કરોડ જીત્યા

ગુરદેવ સિંહ કહે છે, "મારા ચાર પુત્રો અને પૌત્રો છે. હું એમના માટે ઘર બનાવવા ઇચ્છું છું. દરેક બાળક માટે બે ઓરડાવાળું એક ઘર. જીવનભર મેં પાકા મકાન માટે સંઘર્ષ કર્યો છે."

"મારા હાલના ઘરને બનાવવા માટે પણ મેં આકરી મહેનત કરી છે."

જીવનભર ગુરદેવ સિંહને વૃક્ષો પ્રત્યે ભારે પ્રેમ રહ્યો છે અને એમણે પોતાના ઘરની આસપાસ ઘણાં વૃક્ષો વાવ્યાં છે.

પોતાના જીવનસંઘર્ષ અંગે વાત કરતાં તેઓ કહે છે, "મેં મજૂરી કરી. મેં ખેતમજૂરી પણ કરી અને કડિયાકામ પણ કર્યું."

"ખેતી માટે મેં જમીન પણ ભાડે લીધી પણ એનાથી કોઈ ફાયદો ના થયો. હું છેલ્લાં 25-26 વર્ષથી રિક્ષા ચલાવી રહ્યો છું અને ક્યારેય અટક્યો નથી."

"રિક્ષા ચલાવવી તો મારી જિંદગીનો ભાગ છે. મને એ પણ ખ્યાલ છે કે હવે મને અઢળક ધન મળી જશે, એમ છતાં મને મારા કામ પ્રત્યે પ્રેમ છે."

"ઉનાળામાં બહાર કામ કરવું અઘરું પડે છે અને એટલે જ મને ઝાડવાં ગમે છે."

"તકડામાં એનો છાયડો ભારે શીતળ હોય છે. ટાઢમાં તો હું બસ બે-ત્રણ કલાક જ કામ કરી શકતો હતો."

ગુરદેવ સિંહનાં સંતાનોનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને લૉટરી લાગતાં એમનાં પત્નીનો પણ હરખ સમાતો નથી.

બીબીસી સાથેની વાતચીતમાં મંજિતકોરનો એ હરક ઊડીને આંખે વળગે છે. તેઓ કહે છે, "હું મારી ખુશી તમને જણાવી નથી શકતી. આખું જીવન અમે ગરીબીમાં વિતાવ્યું છે."

"પણ અમે ક્યારેય એનું માઠું નહોતું લગાડ્યું. અમને જે પણ મળ્યું એ બદલ અમે પ્રભુના આભારી છીએ."

ગુરદેવ સિંહના પુત્રવધૂ કરમજિતકોર બીબીસી સાથેની વાતચીતમાં ખુશી વ્યક્ત કરતાં કહે છે, "અમે બધાં બહુ ખુશ છીએ."

"પાપાજીએ ભારે મહેનત કરી છે. હવે અમારું જીવન બદલી જશે. જિંદગી થોડી સરળ બનશે."

આ દરમિયાન બીબીસીએ જ્યારે ગુરદેવ સિંહને પૂછ્યું કે શું તેઓ ફરી લૉટરી ખરીદશે તો હસતાંહસતાં હાથ જોડીને એમણે કહ્યું, "ના, મહારાજ. હું જીતી ગયો એનાથી જ ભારે ખુશ છું. હું મારા જીવનના અંતિમ પડાવ પર છું."

"હું કદાચ દસ-વીસ વર્ષ વધુ જીવી લઉં કે કાલે જ મરી જઉં. ભવિષ્યની કોને ખબર? પ્રભુએ પણ આપણા માટે શું વિચાર્યું હશે એનો ભેદ કોણ પામી શકે?"

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી