આજે 93 બેઠકો પર મતદાન બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી, પરિણામો પર રહેશે નજર

પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને આખરી તબક્કામાં સોમવારે 93 બેઠકો પર મતદાન થશે.

આ મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતની જનતા આગામી પાંચ વર્ષ માટે તેમના પ્રતિનિધિઓ અને તેમની પસંદગીની સરકાર ચૂંટવાની પ્રક્રિયા પૂર્ણ કરશે અને સહુની નજર 8 ડિસેમ્બર, ગુરુવારના રોજ થનારી મતગણતરી અને ચૂંટણીના પરિણામો પર રહેશે.

ગુજરાત વિધાનસભાની રાજ્યની ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન સોમવારે મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાને આવરી લેતી કુલ 93 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.

ગ્રે લાઇન

2017ની ચૂંટણીઓમાં આ બેઠકો પર શું સ્થિતિ હતી?

પ્રતીકાત્મક તસવીર

2017ની વિધાનસભા ચૂંટણીમાં, સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (BJP) એ 93 બેઠકોમાંથી કુલ 51 બેઠકો જીતી હતી અને કૉંગ્રેસને 39 બેઠકો મળી હતી, જ્યારે ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીત્યા હતા.

મધ્ય ગુજરાતમાં, ભાજપને 37 બેઠકો મળી હતી, અને કૉંગ્રેસે 22 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

પરંતુ ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસને 17 બેઠકો મળી હતી, જ્યારે ભાજપે 14 બેઠકો જીતી હતી.

ચૂંટણીના બીજા તબક્કા માટે વિવિધ પક્ષો દ્વારા હાઈ વૉલ્ટેજ પ્રચાર 3 ડિસેમ્બર, શનિવાર સાંજે સમાપ્ત થયો.

સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત પ્રદેશોની 89 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાયું હતું. પ્રથમ તબક્કામાં સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયુ હતું.

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે.

ગ્રે લાઇન

બીજા અને અંતિમ તબક્કાનું ચિત્ર કેવું છે?

પ્રતીકાત્મક તસવીર

બીજા તબક્કામાં, બાકીની 93 બેઠકો પર મતદાન થશે, જેના માટે ભાજપ, કૉંગ્રેસ અને નવી ચૂંટણી પ્રવેશ કરનાર આમ આદમી પાર્ટી (AAP) સહિત 61 રાજકીય પક્ષોમાંથી 833 ઉમેદવારો મેદાનમાં છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની ઑફિસ દ્વારા જણાવ્યા મુજબ, આ ઉમેદવારોમાં 285 અપક્ષોનો પણ સમાવેશ થાય છે.

ભાજપ અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

કૉંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેની સહયોગી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) એ બે બેઠકો પર ઉમેદવાર ઊભાં રાખ્યાં છે.

અન્ય પક્ષોમાં, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ 12 અને બહુજન સમાજ પાર્ટી (BSP) 44 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

ગ્રે લાઇન

કયા ઉમેદવારો અને કઈ બેઠકો પર રહેશે નજર?

જિજ્ઞેશ મેવાણી

સોમવારે જે 93 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે તે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને અન્ય જિલ્લાઓમાં ફેલાયેલી છે.

બીજા તબક્કાના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા (અમદાવાદ શહેરમાં), વિરમગામ બેઠક (અમદાવાદ જિલ્લામાં) જ્યાંથી પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે અને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર પણ ભાજપના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. આ બેઠકો પર આ ઉમેદવારોના પ્રદર્શન અને તેમને મળનારા મત પર ખાસ નજર રહેશે.

આ ઉપરાંત, દલિત નેતા જિજ્ઞેશ મેવાણી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરથી ઉમેદવાર છે.

ભાજપના બળવાખોર નેતા મધુ શ્રીવાસ્તવ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

ગ્રે લાઇન

કેવો રહ્યો ચૂંટણી પ્રચાર?

પ્રતીકાત્મક તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 અને 2 ડિસેમ્બરે ભાજપના ઉમેદવારો માટે અમદાવાદમાં બે રોડ શો સહિત ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.

પ્રચારના છેલ્લા તબક્કા દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ધોળકા, મહુધા અને ખંભાત શહેરોમાં રેલીઓ યોજી હતી, જ્યારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઉત્તર ગુજરાતના મોડાસા અને સિદ્ધપુર નગરોમાં રોડ શો યોજ્યા હતા.

AAPના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ બીજા તબક્કાની ચૂંટણી માટે રોડ શો કર્યો હતો.

રેડ લાઇન
રેડ લાઇન

બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 2.51 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે.

જેમાં 1.29 કરોડ પુરુષો અને 1. 22 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારોમાં 5.96 લાખ મતદારો 18 થી 19 વર્ષના વયજૂથના છે.

ચૂંટણી પંચે 14,975 મતદાન મથકો બનાવ્યાં છે, જ્યાં 1.13 લાખ ચૂંટણી કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

રેડ લાઇન