જામનગરમાં BAMSનું પેપર લીક થયું હોવાનો આરોપ, યુનિવર્સિટીએ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ગુજરાતના જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાના આરોપો થયા છે.

જામનગરથી બીબીસી સહયોગી દર્શન ઠક્કરે આપેલી માહિતી અનુસાર, બીએએમએસના શલ્ય તંત્ર-1 વિષયની પરીક્ષા પહેલાં જ મહત્ત્વના મુદ્દાઓ વૉટ્સઍપ પર વાઇરલ થયા હોવાના આરોપો થયા છે.

એક આરોપ એવો પણ છે કે પરીક્ષામાં 12માંથી 11 મુદ્દાઓ પુછાયા હતા.

આ મુદ્દે યુનિવર્સિટીનું કહેવું છે કે તેમણે આ મુદ્દે એક તપાસ સમિતિની પણ રચના કરી દીધી છે.

ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એચ.પી.ઝાલાએ કહ્યું છે કે, "પરીક્ષા સવારે નિયમિત રીતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ સાંજના સમયે મોબાઇલ મારફતે માહિતી મળી હતી કે પરીક્ષા પહેલાં કેટલાક મહત્વના મુદ્દાઓ વોટ્સએપ પર ફરતા હતા. માહિતી મળતાં જ કુલપતિ સાથે ચર્ચા કરીને સમગ્ર ઘટનાની તપાસ માટે વિશેષ સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. "

તેમણે જણાવ્યું હતું કે વાઇરલ થયેલા મૅસેજ, પ્રશ્નપત્ર અને અન્ય તમામ પાસાંની તપાસ કરીને અહેવાલ રજૂ કરવામાં આવશે.

એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આ મુદ્દે કહ્યું હતું કે, "જામનગરમાં ત્રીજા વર્ષનું બીએએમએસનું પેપર લીક થયું હોવાના સમાચાર મળ્યા છે. 12માંથી 11 પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તરીકે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા. અમે આવતીકાલે આ મુદ્દે વિરોધના કાર્યક્રમનું એલાન કર્યું છે. મેડિકલ ક્ષેત્રમાં આવી ગેરરીતિ ન ચલાવી લેવાય. ગુજરાતમાં વારંવાર આવી પેપરલીકની ઘટના બને છે."

દુબઈથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટમાં ધુમાડો થતાં રાજકોટમાં ઇમરજન્સી લૅન્ડિંગ

દુબઈથી મુંબઈ જઈ રહેલા ઇન્ડિગો ઍરલાઇન્સના વિમાન 6E 1452નું રાજકોટમાં ઇમરજન્સી લૅન્ડિંગ કરવું પડ્યું છે.

આ વિમાનમાં 187 મુસાફરો અને સાત ક્રૂ મૅમ્બર્સ સવાર હતા.

ગુજરાત રાજ્યના માહિતીખાતા અનુસાર, દુબઈથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની આ ફ્લાઇટના કાર્ગો હૉલ્ડ એરિયામાં ધુમાડો દેખાતાં આ ફ્લાઇટને રાજકોટ ઍરપૉર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

ફ્લાઇટમાં પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બપોરે 2:45 વાગ્યે 'ફૂલ ઇમરજન્સી' જાહેર કરવામાં આવી હતી અને વિમાને બપોરે 3:27 વાગ્યે રાજકોટ ઍરપૉર્ટ પર સલામત રીતે લૅન્ડિંગ કર્યું હતું.

હાલમાં રાજકોટ ઍરપૉર્ટ ખાતે આ વિમાનનું ટૅક્નિકલ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે એવું માહિતી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અમદાવાદ : બાવળાના ધીગડા ગામે પાણીમાં ફસાયેલા લોકોનું રૅસ્ક્યૂ

અમદાવાદના બાવળા તાલુકાના ધીગડા ગામમાં ભારે વરસાદ બાદ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગામમાં પાણીના કારણે ઘણા લોકો પાણીમાં ફસાયા હોવાના અહેવાલ છે.

બીબીસી સહયોગી સચીન પીઠવા અનુસાર, બગોદરા પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા બોટની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે.

પોલીસ અને બચાવ ટીમ ત્યાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઑપરેશન કરી રહી છે.

તે ઉપરાંત સુરેન્દ્રનગરના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

પાણશીણા ગામે આશરે 1,000 વીઘા કરતાં વધુ ખેતીની જમીનમાં વરસાદી પાણી ભરાયાં હોવાના અહેવાલ છે.

ઊભા પાકને ભારે નુકસાનની હોવાની ચિંતા વચ્ચે ખેડૂતો પાણીના નિકાલની માગ સાથે ચિંતિત છે.

પેપરલીક અટકાવવા સરકાર આજે સંસદમાં એક નવું બિલ રજૂ કરશે

કેન્દ્ર સરકાર આજે લોકસભામાં પેપરલીક અટકાવવા માટે પબ્લિક એકઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેયર મિન્સ ઍક્ટ 2024માં સુધારો કરવા માટે એક બિલ રજૂ કરશે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ આ બિલ રજૂ કરશે.

પેપરલીક કરવાના દોષિતોને દસ વર્ષ સુધીની જેલ અને દસ કરોડ રૂપિયા સુધીનો દંડ થશે. કેન્દ્ર સરકાર આવા કેસો માટે એક ખાસ ટાસ્ક ફોર્સ સ્થાપિત કરી શકશે.

આ બિલ મુજબ, સીબીઆઇ અથવા એસઆઇટી એ બે મહિનામાં તપાસ પૂર્ણ કરવાની રહેશે.

પ્રસ્તાવિત કાયદા હેઠળ દંડ 5 કરોડથી 10 કરોડ રૂપિયા સુધીનો દંડ હશે. પરીક્ષાનો ખર્ચ પણ આરોપીઓ પાસેથી વસૂલવામાં આવશે. તેમને આઠ વર્ષ સુધી કોઈ પણ જાહેર પરીક્ષા આપવાથી પ્રતિબંધિત કરવામાં આવશે. અગાઉ દંડ 1 કરોડ રૂપિયા હતો, પરંતુ પ્રતિબંધ ચાર વર્ષ માટે હતો.

અમેરિકા: સિએટલમાં ગોળીબાર, બે લોકોનાં મોત અને બાળક સહિત કમસે કમ પાંચ ઘાયલ

અમેરિકાના સિએટલમાં ગોળીબારની ઘટના બની છે અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ ઘટના શહેરના પ્રખ્યાત સીમાચિહ્ન સ્પેસ નીડલ નજીક આવેલા સિએટલ સેન્ટરમાં બની હતી.

સિએટલ ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, સિએટલ સેન્ટરમાં ગોળીબારમાં બે લોકોનાં મોત થયાં છે અને ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે.

ઘટનાસ્થળે જ બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા.

ઘાયલોમાં બે વર્ષનો એક છોકરો પણ છે જેને સ્થિર હાલતમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર એક પોસ્ટમાં સિએટલ પોલીસે જણાવ્યું હતું કે "પોલીસ ગોળીબારની તપાસ કરી રહી છે."

સિએટલ સેન્ટર ખાતે બાઇટ ઑફ સિએટલ ફૂડ ફૅસ્ટિવલ યોજાઈ રહ્યો હતો. આ વાર્ષિક કાર્યક્રમમાં ફૂડ સ્ટોલ અને લાઇવ મ્યુઝિક પર્ફૉર્મન્સ હોય છે અને લાખો લોકો તેમાં ભાગ લે છે.

સિએટલ ટાઇમ્સના અહેવાલ મુજબ, સાક્ષીઓએ રવિવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યાની આસપાસ (સોમવારે ભારતીય સમય મુજબ સવારે 6 વાગ્યે) અનેક ગોળીબારના અવાજો સાંભળ્યા હોવાનો અહેવાલ આપ્યો હતો. એક ઉપસ્થિત વ્યક્તિએ આ દૃશ્યને "સંપૂર્ણ અરાજકતા" તરીકે વર્ણવ્યું હતું.

સિએટલના મેયર કેટી વિલ્સનના જણાવ્યા અનુસાર, સિએટલ સેન્ટરમાં ગોળીબાર બાદ બે શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.

કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ મીરાબાઈ ચનુએ શું કહ્યું?

ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 48 કિગ્રા શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતનાં સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચનુએ કહ્યું કે દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાથી વધુ આનંદદાયક કંઈ હોઈ શકે નહીં.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, મીરાબાઈ ચનુએ કહ્યું, "હું ખૂબ જ ખુશ છું. કૉમનવેલ્થ ગેમ્સમાં આ મારો ત્રીજો ગોલ્ડ મેડલ છે અને આમ કુલ મળીને ચોથો મેડલ છે. મારી સફર 2014 કૉમનવેલ્થ ગેમ્સથી શરૂ થઈ હતી, જ્યાં મેં સિલ્વર મેડલ જીત્યો હતો.

તેમણે કહ્યું, "આજે ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને હું ખૂબ જ ખુશ છું. સતત ગોલ્ડ મેડલ જીતવા એ કોઈ પણ ખેલાડી માટે એક મોટી સિદ્ધિ છે, તેથી હું આજે ખૂબ જ ખુશ છું."

પોતાના વાળમાં રહેલા ત્રિરંગાવાળી ક્લિપ્સનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, "મેં આ ત્રિરંગાવાળી ક્લિપ્સ જાતે બનાવી હતી. હું ઇચ્છતી હતી કે મારા પાસે કોઈ ખાસ વસ્તુ હોય જે આપણા રાષ્ટ્રધ્વજનું પ્રતિનિધિત્વ કરે. ગઈ કાલે રાત્રે મને અચાનક લાગ્યું કે મારે કંઈક બનાવવું જોઈએ. તેથી મેં આ પતંગિયાં આકારની ક્લિપ્સ જાતે બનાવી હતી. ત્રિરંગાને મારી સાથે રાખવાનો મને ખૂબ આનંદ છે. આજે હું ખૂબ ભાવુક થઈ ગઈ અને ખૂબ રડી. આ ક્ષણ મારા માટે લાગણીસભર હતી અને તેટલી જ આનંદદાયક પણ હતી."

ફ્રાન્સના બૉર્દો શહેર નજીક જંગલમાં ભીષણ આગ, હજારો લોકો બેઘર

ફ્રાન્સના બૉર્દો શહેર નજીક જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.

ફાયર ફાઇટર્સ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

ફ્રાન્સના ગૃહમંત્રી લૉરેન્ટ નુનેઝે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પરિસ્થિતિ "અત્યંત મુશ્કેલ" છે.

તેમણે કહ્યું કે આગ બૉર્દો તરફ અનિશ્ચિત દિશામાં આગળ વધી રહી છે.

જોકે, અધિકારીઓએ કહ્યું છે કે હાલમાં શહેર ખાલી કરાવવાની શક્યતા ઓછી છે.

શનિવાર રાતથી રવિવાર સવાર સુધીમાં બૉર્દોના દક્ષિણમાં આવેલા જિરોંદ પ્રદેશનાં ગામડાંમાંથી લગભગ 55,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

આ વિસ્તાર તેની દ્રાક્ષવાડીઓ અને વાઇન ઉત્પાદન માટે પ્રખ્યાત છે.

છેલ્લા અઠવાડિયાથી યુરોપના ઘણા ભાગોમાં જંગલોમાં આગ લાગી છે.

સૌથી વધુ અસર ફ્રાન્સ અને સ્પેનમાં જોવા મળી છે, જ્યાં અત્યાર સુધીમાં 3 લાખ 30 હજારથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન