વડોદરા : 47 સાક્ષી ફરી ગયા, મૃતદેહ ન મળ્યો છતાં કોર્ટે 'બીજી પત્ની'ની હત્યાના આરોપમાં પૂર્વ ઇન્સ્પેક્ટરને જેલ કેમ થઈ?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ગુરુવારે વડોદરાની એક કોર્ટે તાજેતરમાં એક પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટરને તેમનાં જ પત્નીની હત્યાના બનાવનાં પાંચ વર્ષ બાદ આજીવન કેદની સજા સંભળાવી છે.
વર્ષ 2021માં બનેલા આ હત્યાના કેસમાં વડોદરા ગ્રામ્યના સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપના ભૂતપૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ પોતાનાં 'બીજાં પત્ની' સ્વીટી પટેલની હત્યા કરી મૃતદેહ સગેવગે કરવાના કેસમાં દોષિત પૂરવાર થયા છે.
આ કેસમાં દોષિત પૂર્વ પીઆઇને મૃતદેહ સગેવગે કરવામાં સાથ આપનાર એક સ્થાનિક રાજકીય આગેવાનને પણ કોર્ટે દોષિત ઠેરવીને પાંચ વર્ષની સજા ફટકારી હતી.
વર્ષ 2021ના આ બહુચર્ચિત કેસમાં પોલીસ અધિકારી દેસાઈના મુખ્ય દોષિત સાબિત થવાની સાથે એ વાતની પણ ભારે ચર્ચા છે કે આ કેસમાં કોર્ટમાં મહત્ત્વના સાક્ષીઓનાં નિવેદનો બદલાઈ ગયાં હતાં, છતાં વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાના આધારે કોર્ટે દોષિતોને જેલભેગા કરવાનો હુકમ સંભળાવ્યો છે.
શું હતો સમગ્ર કેસ?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
વર્ષ 2021ના જૂન માસમાં એક બપોરે તત્કાલીન પીઆઇ અજય દેસાઈએ તેમનાં 'બીજાં પત્ની' સ્વીટી પટેલ ક્યાંક ગુમ થઈ ગયાં હોવાના સમાચાર તેના પિયર પક્ષના લોકોને આપ્યા.
સ્વીટી અને અજયનો એક બે વર્ષનો દીકરો પણ હતો. પતિ પોતે પોલીસમાં હોવાથી તપાસ કરશે તેવી વાત સાથે શરૂઆતના થોડા દિવસ આ મામલાની ફરિયાદ પણ ન નોંધાઈ.
જોકે, ઘટનાના છ દિવસ બાદ વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં આખરે સ્વીટીના ભાઈએ ફરિયાદ નોંધાવી અને થોડા સમયમાં જ આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવાઈ.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ડીસીપી ચૈતન્ય માંડલિકે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એ સમયને યાદ કરતાં કહ્યું, "અમારી પાસે કેસ એક મહિના બાદ આવેલો, તેથી તેને ઉકેલવાનું કામ અઘરું હતું. પાડોશીઓ પાસેથી પણ બંને વચ્ચે કોઈ અણબનાવ હોવાના કોઈ પુરાવા ન મળ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ આગળ કહે છે, "ઘરમાં તપાસ કરતી વખતે અચાનક ધ્યાને આવ્યું કે સ્વીટનાં ચંપલ અને સૅન્ડલ બંને ત્યાં જ પડ્યાં છે. ઘરની વધુ તપાસ કરતાં સ્વીટીનો ફોન પણ ત્યાંથી મળી આવ્યો. તેથી અમે સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં સ્વીટી અજય દેસાઈ સાથે ઘરમાં જતી દેખાઈ રહી હતી, પણ બહાર આવતી નહોતી દેખાઈ."
"સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું હતું કે કેવી રીતે પીઆઇ વહેલી સવાર જીપ રિવર્સમાં ઘરના પાછળના દરવાજે લઈ ગયો અને તેમાં મૃતદેહ મૂકીને નીકળી ગયો."
માંડલિક આગળ કહે છે કે આ બાદ તેમની શંકા વધુ દૃઢ બની ગઈ કે સ્વીટીની હત્યામાં અજય દેસાઈનો હાથ હોવો જોઈએ.
ડીસીપી માંડલિક આગળ કહે છે, "સાથોસાથ અમે સ્વીટી અને અજયના કૉલ ડિટેલ રેકૉર્ડ્સ મગાવ્યા. જેમાં ઘટનાના દિવસે પીઆઇ દેસાઈના ફોનની મૂવમેન્ટ વડોદરાથી 50 કિમી દૂર આવેલા અંતોલી ગામ પાસે આવેલી બંધ હોટલ વૈભવ સુધી બતાવી રહી હતી."
"સ્થળ તપાસમાં અમને વૈભવ હોટલના ખુલ્લા ભાગમાં સળગાવેલાં લાકડાં અને તેમાંથી માનવ અસ્થિઓ અને માનવશરીર બળ્યું હોય એવી રાખ મળી આવી. રાજકીય આગેવાન કિરીટસિંહ જાડેજાના ફોનનું લોકેશન પણ પણ અજય દેસાઈ સાથે જ મળતું હતું."
ડીસીપી માંડલિક કહે છે કે જાડેજાની અલગથી પૂછપરછ કરાતાં તેણે આ સ્થળે એક મૃતદેહ સળગાવ્યો હોવાનું મૅજિસ્ટ્રેટ સમક્ષ કબૂલ્યું હતું.
"અમને તપાસમાં એવું પણ માલૂમ પડ્યું કે મૃતદેહ સળગાવતી વખતે તેમાં દૂધ અને ખાંડ નાખવામાં આવી, જેથી ડીએનએ સૅમ્પલ બરોબર ન મળે. અમે આ સમગ્ર કેસમાં એફએસએલની મદદ લીધી અને તમામ પુરાવા વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરીને 128 સાક્ષીઓનાં મૅજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લીધાં. આ કેસમાં અમે 1,200થી પણ વધુ પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી."
મહત્ત્વના સાક્ષીઓનાં નિવેદનો બદલાઈ ગયાં

ઇમેજ સ્રોત, Bhargav Parikh
કેસના 128 સાક્ષીમાંથી મહત્ત્વના એવા 47 સાક્ષીઓનાં નિવેદનો કોર્ટમાં બદલાઈ ગયાં હતાં.
આવું થવાને કારણે કેસ માત્ર સાંયોગિક પુરાવાના આધારે ચાલે એમ હતો.
સરકારી વકીલ અનિલ દેસાઈએ કહ્યું કે, "અમે આ કેસમાં વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા, જેમાં સ્વીટીના ઘર અને તેની બહારનાં સીસીટીવી ફૂટેજ પણ સામેલ છે. આ ઉપરાંત દોષિતોના કૉલ ડિટેલ રેકૉર્ડ્સ અને ફોનની મૂવમેન્ટ પણ સજ્જડ પુરાવો હતો."
"આ ઉપરાંત સ્વીટીનાં મંગળસૂત્ર અને વીંટી જેવાં પુરાવા પણ મળી આવ્યા હતા. હોટલની પાસે દેસાઈની જીપનાં ટાયરનાં નિશાન પણ મળી આવ્યાં હતાં. સ્વીટીના ફોનમાં દેસાઈ સાથેનાં ફોટો અને ઑડિયો રેકૉર્ડિંગ્સ પણ મળી આવ્યાં."
સરકારી વકીલ અનિલ દેસાઈ આગળ જણાવે છે કે, "આ સિવાય કેટલીક એકત્રિત કરેલી જુબાનીઓમાંથી ઇન્સ્પેક્ટર દેસાઈએ ત્રીજી વખત પોતાના સમાજની જ એક છોકરી પૂજા સાથે લગ્ન કર્યાં બાદ સ્વીટી સાથે તેનો અણબનાવ થયો હતો. એફએસએલની ટીમે સ્વીટીનાં બળેલાં કપડાં અને હાડકાં લેસરથી સાફ કરી મેળવેલા પુરાવા કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા."
સામેની બાજુએ અજય દેસાઈના વકીલ કે.એમ. ભટ્ટે દલીલ કરી હતી કે, "પોલીસ પાસે આ કેસમાં ઘટનાને નજરે જોનાર સાક્ષી નહોતા. તેમણે કહ્યું કે જ્યાંથી અસ્થિઓ, બળેલાં કપડાં અને અન્ય પુરાવા મળી આવ્યા છે, એ તમામ સાક્ષીઓએ પોતાનાં નિવેદન પાછાં ખેંચી લીધાં છે, જે બતાવે છે કે પોલીસે પોતાના માણસો રાખીને અજય દેસાઈને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો."
કોર્ટે ચુકાદો આપતાં શું નોંધ્યું?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
વડોદરાની કરજણ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ મનોજ બી. કોટકે તમામ પુરાવા જોયા પછી ટિપ્પણી કરતાં કહ્યું કે સાક્ષીનાં નિવેદનો બદલાઈ જાય તેનાથી ગુનાનું સત્ય બદલાઈ જતું નથી.
કોર્ટે નોંધ્યું કે, "સ્વીટીના ઘરની બહાર ફરજ પર રહેલા હોમગાર્ડ, ત્યાંનાં સીસીટીવી ફૂટેજમાંથી મળેલા પુરાવા તેમજ સ્વીટીના ગુમ થયાના છ કલાક બાદ પરિવારને દેસાઈ દ્વારા જાણ કરવી, પોતે તેને શોધવામાં કોઈ મદદ ન કરવી, તેમજ સ્વીટીના પરિવારના દબાણ પછી પોલીસ ફરિયાદ નોંધાવવી, એ બધી ઘટનાઓનો ખુલાસો યોગ્ય રીતે થતો નથી."
"દેસાઈનાં સ્વીટી સાથેનાં લગ્નના તમામ પુરાવા છે, તેમજ પોતાની જ્ઞાતિની અન્ય છોકરી સાથે લગ્ન કરવાથી સ્વીટી પોતાનાં લગ્નની સ્થિતિ અંગે ચિંતિત હતી, તેમજ બંને વચ્ચે ઝઘડા થતા એ સબબનાં સાક્ષીઓનાં નિવેદન કોર્ટ સમક્ષ છે. તેથી દેસાઈનો હત્યાનો હેતુ સ્પષ્ટ થાય છે."
"ઉપરાંત જ્યાંથી માનવ હાંડકાં મળ્યાં ત્યાં સ્વીટીના દાગીના મળ્યા છે, તમામ વૈજ્ઞાનિક પુરાવા બતાવે છે કે હત્યા થઈ છે, તેમજ આ કેસમાં પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો એ પણ સાબિત થાય છે. તમામ પુરાવાના આધેર કોર્ટે એ.એ. દેસાઈને આજીવન કેદ અને બે લાખ રૂ. દંડ અને દંડ ન ભરે તો ત્રણ વર્ષ કેદની સજા કરે છે. તેમજ હત્યાના પુરાવાના નાશ કરવા બદલ સહઆરોપી કિરીટસિંહને પાંચ વર્ષની કેદ અને બે લાખ રૂ.નો દંડ અને દંડ ન ભરે તો બે વર્ષની સજાનો આદેશ કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















