પાંચમાં તબક્કામાં આજે કુલ 49 બેઠકો પર મતદાન, ક્યા નેતાઓનું ભવિષ્ય દાવ પર?

મતદાન
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત

લોકસભા ચૂંટણી 2024 માટે છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 49 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. પાંચમાં તબક્કાના મતદાન સાથે કુલ 428 બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.

પાંચમાં તબક્કામાં કુલ 695 ઉમેદવારોનું ભવિષ્ય દાવ પર છે.

આ પહેલાં ચાર તબક્કામાં 379 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે પ્રથમ ચાર તબક્કામાં 2019ની સરખામણીએ સરેરાશ ઓછું મતદાન થયું છે.

ચૂંટણી પંચ અનુસાર પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા અને ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી સૌથી વધારે 69.12 ટકા રહી હતી.

પાંચમા તબક્કામાં કઈ બેઠકો પર મતદાન?

rahul rajnath umar

લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં સૌથી વધારે ઉત્તર પ્રદેશની 14 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. જેમાં ઝાંસી, હમીરપુર, લખનૌ, રાયબરેલી, અમેઠી, બાંદા, ફતેહપુર, કૌસામ્બી, બારાબંકી, ફૈઝાબાદ, ગોંડા, મોહનલાલગંજ, જાલૌન અને કૈસરગંજ બેઠકો સામલે છે.

મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કાના મતદાન દરમિયાન નાસિક, પાલઘર, ભિવંડી, કલ્યાણ, થાણે, ઉત્તર મુંબઈ, ઉત્તર પશ્ચિમ મુંબઈ, ઉત્તર પૂર્વ મુંબઈ, ઉત્તર સેન્ટ્રલ મુંબઈ, દક્ષિણ સેન્ટ્રલ મુંબઈ, દક્ષિણ મુંબઈ, ધુલે અને ડિંડૌરી એમ કુલ 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

પશ્ચિમ બંગાળની સાત બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાં બૈરકપોર, હાવડા, હુગલી, ઉલુબેરિયા, તામલુક, શ્રીરામપુર અને આરામબાગ બેઠકો સામેલ છે.

આ ઉપરાંત બિહારની મધુબની, સારણ, હાજીપુર, સિતામઢી, અને મુઝફરપુર એમ કુલ પાંચ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

ઓડિશાની પણ પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં બારગઢ, સુંદરગઢ, કંધમલ, અશ્કા અને બલાન્ગીર બેઠકો સામેલ છે.

ઝારખંડની છત્રા, હઝારીબાગ અને કોડરમા એમ કુલ ત્રણ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની બારામુલ્લા અને લદાખની લદાખ બેઠક પર પણ મતદાન ચાલી રહ્યું છે.

ક્યા ચહેરાઓ પર રહેશે લોકોની નજર?

રાયબરેલીમાં રાહુલ ગાંધી
ઇમેજ કૅપ્શન, રાયબરેલીમાં રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી લોકસભા 2024ની ચૂંટણીમાં વાયનાડ ઉપરાંત ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યાં છે.

રાયબરેલી બેઠક પરથી 2019ની ચૂંટણીમાં સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યાં હતાં. જોકે, સોનિયા ગાંધી હવે રાજસ્થાનથી રાજ્યસભાનાં સંસદસભ્ય છે.

ગાંધી પરિવારની પરંપરાગત બેઠક પરથી રાહુલ ગાંધી સામે ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપસિંહ છે.

દિનેશ પ્રતાપસિંહ 2019ની ચૂંટણીમાં રાયબરેલી બેઠક લગભગ 1.6 લાખ મતોથી હાર્યા હતા.

નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહ
ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહ

રાજનાથસિંહ

દેશના રક્ષા મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજનાથસિંહ ઉત્તર પ્રદેશની લખનઉ બેઠકના વર્તમાન સંસદ સભ્ય અને ભાજપના ઉમેદવાર પણ છે.

લખનઉની બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી 1991-2009 સુધી લખનઉથી સંસદસભ્ય હતા.

રાજનાથસિંહ 2014થી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. રાજનાથસિંહનો મુકાબલો અહીં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રવિદાસ મેહરોત્રા સામે છે.

લોકસભા 2019ની ચૂંટણીમાં રાજનાથસિંહ આ બેઠક પરથી સાડા ત્રણ લાખથી વધારે મતો સાથે વિજેતા બન્યા હતા.

સ્મૃતિ ઈરાની
ઇમેજ કૅપ્શન, સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાની

ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની ઉમેદવાર છે.

લોકસભા 2019ની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસની પરંપરાગત બેઠક મનાતી અમેઠી પરથી કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માત આપી હતી.

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને લગભગ 55 હજાર મતોથી હરાવ્યા હતા. તેમનો મુકાબલો આ વખતે કૉંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્મા સામે છે.

નેશનલ કૉન્ફ્રેન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા
ઇમેજ કૅપ્શન, નેશનલ કૉન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લા

ઉમર અબ્દુલ્લા

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની બારામુલા બેઠક પરથી નેશનલ કૉન્ફરન્સના ઉમેદવાર અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાનો મુકાબલો પીડીપીના મીર મહંમદ ફૈયાઝ અને પીપલ્સ કૉન્ફરન્સના ઉમેદવાર સજ્જાદ લોન સામે છે.

લોકસભા 2019ની ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સના ઉમેદવાર મહમદ અકબર લોને આ બેઠક 30 હજાર મતોથી જીતી હતી.

બ્રિજભુષણ શરણસિંહ અને તેમના પુત્ર કરણ ભુષણસિંહ
ઇમેજ કૅપ્શન, બ્રિજભુષણ શરણસિંહ અને તેમના પુત્ર કરણ ભુષણસિંહ

કરણ ભુષણસિંહ

ઉત્તર પ્રદેશની કૈસરગંજથી ભાજપના વર્તમાન સંસદ સભ્ય બ્રિજભુષણ શરણસિંહના પુત્ર કરણ ભુષણસિંહ ભાજપના ઉમેદવાર છે. તેમનો મુકાબલો સમાજવાદી પાર્ટીના રામ ભગત મિશ્રા સામે છે.

બ્રિજભુષણ શરણસિંહ પર મહિલા પહેલવાનો દ્વારા જાતીય શોષણનો આરોપ લગાડવામા આવ્યો હતો. ભારતનાં પ્રખ્યાત પહેલવાનોએ દિલ્હીના જંતર-મંતર પર લાંબા સમય માટે ધરણાં કર્યાં હતાં.

આ મામલો હાલમાં કોર્ટમાં છે અને તેના પર સુનાવણી ચાલી રહી છે.

કેન્દ્રિય મંત્રી અને ભાજપ નેતા પીયુષ ગોયલ
ઇમેજ કૅપ્શન, કેન્દ્રિય મંત્રી અને ભાજપ નેતા પીયુષ ગોયલ

પીયુષ ગોયલ

કેન્દ્રિય મંત્રી અને ભાજપ નેતા પીયુષ ગોયલ મહારાષ્ટ્રની ઉત્તર મુંબઈ બેઠક પરથી પ્રથમ વખત લોકસભાની ચૂંટણીના મેદાનમાં છે.

તેમનો મુકાબલો કૉંગ્રેસના ઉમેદવાર ભુષણ પાટીલ સામે છે.

ભાજપે આ બેઠક પર 1981થી નવ વખત વિજય મેળવ્યો છે.

છેલ્લી બે ટર્મથી ભાજપના નેતા ગોપાલ સેટ્ટી આ બેઠક પરથી સંસદ સભ્ય હતા.

ચિરાગ પાસવાન
ઇમેજ કૅપ્શન, ચિરાગ પાસવાન

ચિરાગ પાસવાન

બિહારની હાજીપુર બેઠક પરથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર ચિરાગ પાસવાન ઉમેદવાર છે. આ બેઠકને પાસવાન પરિવારનો ગઢ માનવામાં આવે છે.

ચિરાગ પાસવાનના પિતા રામવિલાસ પાસવાન આ બેઠક પરથી રેકર્ડ આઠ વખત ચૂંટાયા હતા. લોક જનશક્તિ પાર્ટીએ આ બેઠક વર્ષ 1977 પછી માત્ર બે જ વખત લોકસભાની ચૂંટણી 1984 અને 2009માં ગુમાવી હતી.

ચિરાગ પાસવાનનો મુકાબલો રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર શિવચંદ્ર રામ સામે છે.