You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીજેપી પ્રવક્તા સૌરવ દાસે કહ્યું કે, 'આ માત્ર ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે'
મોદી સરકારમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ ખબરની પુષ્ટિ કરી છે.
સારાંશ
- મોદી સરકારમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે.
- પ્રધાને ઍક્સ પર પોસ્ટ કર્યું, "હું યુવાનોની ભાવનાઓનું સન્માન કરું છું."
- મોદી સરકારના મંત્રી જેપી નડ્ડાના હાથે ઉપવાસ તોડવા પર ઊઠી રહેલા સવાલોનો સોનમ વાંગચુકે એક વીડિયો સંદેશ જારી કરીને જવાબ આપ્યો છે. સોનમ વાંગચુકે પોતની થઈ રહેલી આલોચના પર કહ્યું, 'મારે કોઈના કૅરેક્ટર સર્ટિફિકેટની જરૂર નથી'.
- આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે નવી પેઢી સવાલ પૂછે છે, તેને તર્ક સાથે બતાવવું પડે છે.
- સરકાર સાથે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રતિનિધિઓ સાથે આજે ફરી વાતચીત.
- 'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો સરકાર સાથેની વાતચીતનો કોઈ અર્થ નહીં', કૉક્રોચ જનતા પાર્ટીની સ્પષ્ટ વાત.
- કેન્દ્રીય મંત્રીના હાથે ઉપવાસ તોડવા મામલે સોનમ વાંગચુકની થઈ રહી આલોચના, સોનમનાં પત્ની બોલ્યાં, 'પહેલાં તેમના ત્યાગને સમજો'.
લાઇવ કવરેજ
બીબીસી ગુજરાતી
સીજેપી પ્રવક્તા સૌરવ દાસે કહ્યું કે, 'આ માત્ર ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે'
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું કે આ તો ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તેમની સામે નીટ પેપર લીકને લઈને લગભગ એક મહિનાથી દિલ્હીના જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું પ્રદર્શન ચાલી રહ્યુ ંહતું, જે દેશવ્યાપી બની ગયું હતું.
સીજેપીએ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે સરકારે તેમની બધી માગો માની લીધી છે.
તેમણે કહ્યું કે, "દેશના યુવાનો હવે જાગી ગયા છે. દેશના યુવાનો આ દેશની સમસ્યાઓનું સમાધાન કરશે. એક પાર્ટી અને એક આંદોલન તરીકે અમારી લડાઈ અહીં ખતમ નથી થઈ રહી."
સૌરવ દાસે કહ્યું કે, "હવે સીજેપી સમગ્ર દેશમાં જશે, યુવાનોની વાત સાંભળશે, તેમના માટે બહેતર નીતિઓ તૈયાર કરશે અને દરેક સ્તર પર જવાબદારીની માગ ચાલુ રાખશે."
તેમણે કહ્યું કે, "આ માત્ર શરૂઆત છે, હજી ઘણું કરવાનું બાકી છે."
રાહુલ ગાંધીએ કહ્યું, 'આ વિદ્યાર્થીઓની જીત છે'
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થી આંદોલનને લઈને કહ્યું કે આ સૌથી પહેલાં વિદ્યાર્થીઓની જીત છે કારણ કે આ દેશનું ભવિષ્ય છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે "ભારતની શિક્ષણવ્યવસ્થા ક્યારેક દેશની શાન હતી અને સમગ્ર દુનિયા તેને એક સારી વ્યવસ્થા તરીકે જોતી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી આની પર હુમલા થઈ રહ્યા છે, તેને નબળી કરવામાં આવી રહી છે અને ખાનગીકરણ તરફ લઈ જવાઈ રહી છે. આ આંદોલન તેની વિરુદ્ધ એક પ્રતિક્રિયા હતી."
તેમણે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ એક સિમ્બૉલ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, "ધર્મેન્દ્ર પ્રધાન ભ્રષ્ટાચાર, શિક્ષણવ્યવસ્થાના વિનાશ અને અક્ષમતાનો સિમ્બૉલ છે. તેમનું પદ જવું જરૂરી હતું અને સારું થયું કે તેઓ ગયા."
રાહુલ ગાંધીએ કહ્યું કે હવે સરકારને શિક્ષણવ્યવસ્થામાં ફેરફાર માટે મજબૂત પગલાં લેવાં પડશે.
તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર શિક્ષણવ્યવસ્થામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે આ એક મોટો મુદ્દો છે.
તેમણે કહ્યું કે, "જો તેના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર છે તો આરએસએસ પણ એટલો જવાબદાર છે."
રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષણવ્યવસ્થાને બહેતર બનાવવા માટે વ્યાપક સુધારાની જરૂર છે.
અભિજિત દીપકેનાં માતા બોલ્યાં, 'તે બહુ જિદ્દી છે, મને શરૂઆતથી ચિંતા હતી'
દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલી કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ની માગો માની લેવાઈ છે અને શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ આવી ગયું છે.
સીજેપી સ્થાપક અભિજિત દીપકેનાં માતા અનિતા દીપકેએ ખુશી વ્યક્ત કરી છે.
તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું, "મને બહુ ખુશી થઈ રહી છે. તે જિદ્દી છે. તેણે મને કહ્યું હતું કે જ્યાર સુધી મારી માગ માનવામાં નહીં આવે તે ઘરે નહીં આવે."
દીપેકનાં માતાએ કહ્યું કે તેઓ શરૂઆતથી જ બહુ ચિંતિત હતાં.
તેમણે કહ્યું કે, "અમારો દીકરો એકલો હતો, જોકે તેની સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ હતા. માતા-પિતા હોવાને કારણે અમે ડરેલા હતા. જ્યારે જયપુરમાં તેને થપ્પડ મારવામાં આવી ત્યારે અમને બહુ દુ:ખ થયું. એ રાત્રે અમે સૂઈ નહોતા શક્યાં."
તેમણે કહ્યું કે તેઓ મીઠાઈ વહેંચીને અને સાથ મળીને ઉજવણી કરીને અભિજિતનું સ્વાગત કરવાની યોજના બનાવી રહ્યાં છે.
સોનમ વાંગચુકે સરકારનાં પગલાંનું સ્વાગત કર્યું, કહ્યું- 'લોકશાહીની જીત'
સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને કેન્દ્ર સરકાર તરફથી લેવાયેલાં પગલાંનું સ્વાગત કર્યું છે.
તેમણે કહ્યું કે, "આજે જે થયું, તે લોકશાહીની જીત છે અને આના માટે દેશવાસીઓને અભિનંદન પાઠવું છું."
સોનમ વાંગચુકે કહ્યું કે "હું કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) ની ટીમને પણ અભિનંદન પાઠવું છું જેમણે સૌથી પહેલાં આ મુદ્દો ઉઠાવ્યો. સાથે જ તે વૉલેન્ટિયર્સનો પણ આભાર જેમણે તેમનો સાથ આપ્યો, અને સમગ્ર દેશના એ વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોનો પણ જે લોકશાહીના સમર્થનમાં ઊભા હતા."
તેમણે ખાસ કરીને આંદોલન દરમિયાન શાંતિ જાળવી રાખવાની રીતનાં પણ વખાણ કર્યાં.
વાંગચુકે કહ્યું કે, "હું આશા કરું છું કે આગળ પણ શાંતિ જાળવી રાખવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ પણ રીતે ખોટી ઘટના ન થાય."
તેમણે કહ્યું કે, માત્ર રાજીનામાથી દેશ નથી બનતો પરંતુ સુધારાની જરૂરિયાત હોય છે. શિક્ષણવ્યવસ્થામાં સુધાર થવો જોઈએ અને આ દિશામાં આગળ કામ કરવું પડશે.
વાંગચુકે આશા વ્યક્ત કરી કે જે ઉદારતા સાથે સરકારે આ પગલું ઉઠાવ્યું છે, તે જ રીતે શિક્ષણ અને શાસન વ્યવસ્થામાં પણ સુધાર માટે કામ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, "હવે દેશને ડર નહીં, પરંતુ પ્રેમ અને વિશ્વાસની સાથે ચલાવવો જોઈએ અને દેશને અન્યાય નહીં પરંતુ સત્યના રસ્તા પર આગળ વધવું જોઈએ."
જેપી નડ્ડાએ કહ્યું, એફઆઈઆરની નકલ પ્રદાન કરીશું અને કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં
કૉક્રોચ જનતા પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત બાદ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, "આજે અમારી લાંબી વાતચીત થઈ હતી, આ પ્રતિનિધિમંડળ એક લેખિત મુસદ્દો લઈને આવ્યું હતું, જેમાં તેમણે આંદોલનમાં ચાલી રહેલા કેસ વિશે ચાર મુદ્દા રજૂ કર્યા હતા."
"આ સાથે અમે અન્ય બે માંગણીઓ પર પણ ચર્ચા કરી હતી. બદલો લેવાની ભાવના સાથે કોઈ કાર્યવાહી ન થવી જોઈએ, વળતર પૂરું પાડવું જોઈએ અને તેમના પાંચ-મુદ્દાના ચાર્ટર પર વિચાર કરવો જોઈએ. આ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે."
"અમે તેમને એફઆઈઆરની કૉપી ઉપલબ્ધ કરાવીશું અને કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. બીજી વાત, વળતર મામલે સરકારે સ્પષ્ટ કર્યું છે કે અમે પણ તેમના પ્રત્યે સંવેદના રાખીએ છીએ. અમે બધાને કહ્યું કે નિયમો અને જોગવાઈઓ અનુસાર વળતર આપવામાં આવશે.જેટલું શક્ય હશે એટલું વળતર આપવામાં આવશે."
સીજેપીનું એલાન : 'અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી' આંદોલન હવે પૂર્ણ, પ્રદર્શનકારીઓને પોત પોતાના ઘરે જવા અપીલ
દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પરીક્ષામાં ગેરરીતિઓ અને પેપર લીકના વિરોધમાં ચાલી રહેલું કૉક્રોચ જનતા પાર્ટીનું આંદોલન હવે સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. કૉક્રોચ જનતા પાર્ટીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે તેમની બાકીની માંગણીઓ પણ સ્વીકારી લીધી છે.
કૉક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહ વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત દિલ્હીના કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં થઈ હતી.
આ દરમિયાન, સૌરવ દાસે કહ્યું કે સરકારે અમારી દરેક માંગણીઓ સ્વીકારી લીધી છે, અને તેમણે પ્રદર્શનકારીઓને ઘરે જવા અપીલ કરી.
સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "સરકારે અન્ય માંગણીઓ પણ સ્વીકારી છે."
તેમણે કહ્યું, "સરકારે માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ દેશભરમાં નોંધાયેલા એફઆઈઆર પાછી ખેંચવા સંમતિ આપી છે. સરકારે એ પણ વચન આપ્યું છે કે ભવિષ્યમાં વિરોધ પ્રદર્શન બદલ કોઈપણ સીજેપી કાર્યકર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં."
આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે એક કરોડ રૂપિયાના વળતર અંગે પણ કરાર થયો છે, સરકારે કહ્યું છે કે કાયદા મુજબ વળતર આપવામાં આવશે.
સીજેપીએ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી
સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકા અને સૌરવ દાસે આંદોલન ખતમ કરવાની ઘોષણા કરી છે.
શિક્ષણમંત્રીના પદ પરથી ધર્મેન્દ્ર પ્રધાન બાદ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને જેપી નડ્ડા સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત પછી એક પ્રેસ કૉન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સોનમ વાંગચુકે કહ્યું, 'આ લોકશાહીનો વિજય છે'
સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે શનિવારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લોકશાહીનો વિજય ગણાવ્યો.
તેમણે એક્સ પર લખ્યું."આ લોકશાહીનો વિજય છે, લોકશાહીનો વિજય જે સીધો સડકો પરથી આવ્યો છે. આ શાંતિ, ધૈર્ય અને દૃઢતાનો વિજય છે . કૉક્રોચ જનતા પાર્ટી અને દેશના 'જેન ઝી'ને અભિનંદન."
તેમણે લખ્યું, "વધુમાં તે બધા નાગરિકોનો આભાર, જેમણે ભયને છોડીને દેશના ખૂણે ખૂણેથી પોતાનો અવાજ ઉઠાવ્યો." તેમણે છેલ્લે લખ્યું, "જવાબદારીથી હવે સુધારા સુધી." સોનમ વાંગચુકે નીટ પેપર લીક મુદ્દે 26 દિવસ સુધી ઉપવાસ કર્યા હતા. તેમણે 28 જૂને જંતર-મંતર ખાતે સીજેપીના મંચ પરથી ઉપવાસ શરૂ કર્યા હતા. ગુરુવાર અને શુક્રવારની રાત્રે કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતા તેમના ઉપવાસ છોડાવ્યા હતા.
કૉક્રોચ જનતા પાર્ટી અને કેન્દ્રીય મંત્રી વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત શરૂ
કૉક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહ વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત દિલ્હીના કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં ચાલી રહી છે.
આની પહેલાં ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સીજેપી સંસ્થાપક અભિજિત દીપકેએ કહ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું તો થઈ ગયું પરંતુ બે માગો હજી બાકી છે.
સીજેપીની બીજી બે માગોમાં નીટ પેપર લીકને કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને એક કરોડ રૂપિયાનું વળતર મળે અને 20 જુલાઈના માર્ચમાં પોલીસે વિદ્યાર્થીઓ સાથે જે વર્તન કર્યું તેના માટે કાર્યવાહી કરવામાં આવે.
સીજેપીએ જણાવ્યું કે 'જંતરમંતર પરથી ક્યારે હટશે'
શિક્ષણમંત્રીના પદ પરથી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે પરંતુ સીજેપી સંસ્થાપક અભિજિત દીપકેએ કહ્યું કે તેમને બે માગો હજી બાકી છે. તેમણે કહ્યું કે જ્યાર સુધી આ બે માગો પણ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ જંતર-મંતર પરથી નહીં હટે.
તેમણે કહ્યું કે, "રાજીનામું થઈ ગયું છે પણ બે માગો હજી છે. અમે કૉક્રોચ છીએ અને આમ જ નહીં જઈએ કારણ કે એક વખત કૉક્રોચ ઘૂસે તો નીકળતા નથી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થઈ ગયું છે પરંતુ જેમનાં બાળકોએ નીટ પેપર લીકને કારણે આત્મહત્યા કરી છે, તેમના પરિવારોને એક કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ."
ત્રીજી માગ મામલે તેમણે કહ્યું કે, "20 જુલાઈના જે પોલીસે હરકત કરી તેની સામે પગલાં લેવામાં આવે. ડીસીપી સંદીપ લાંબા, એસીપી અજય શર્મા, સચીન શર્મા..તેમણે અમિત શાહ અને મોદીના નામ પર લાઠીઓ ચલાવી છે. 20 જુલાઈ પછી વિદ્યાર્થીઓ પર જેટલા પણ કેસ થયા છે તે પાછા લેવા જોઈએ. આ જ લોકશાહી છે."
સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું કે, "દેશના સામાન્ય લોકોની જીત છે, જે લોકોએ જેમણે આ દેશમાં લોકશાહીને ખતમ કરી હતી અને સવાલ પૂછવાને ગુનો માની લેવામાં આવ્યો છે, આપણે એ લોકો પાસેથી દેશ પાછો મેળવ્યો છે. હજી માત્ર શરૂઆત થઈ છે, અમે આખા દેશની શિક્ષણવ્યવસ્થાને બદલીશું."
"અમારી ત્રણ માગો લેખિતમાં માની લેવામાં આવે તો અમે ઘરે જતા રહીશું. અમે સમગ્ર દેશમાં શાંતિપૂર્ણ કૅન્ડલ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે, સાંજે છ વાગ્યે સમગ્ર દેશમાં દરેક વ્યક્તિ કૅન્ડલ માર્ચ કાઢે."
સીજેપીએ સમગ્ર દેશમાં દરેક જિલ્લામાં રવિવાર સાંજે છ વાગ્યે કૅન્ડલ માર્ચ કાઢવાની જાહેરાત કરી હતી.
અભિજિત દીપકેએ કહ્યું, 'મને હીરો બનાવવાની ભૂલ ન કરતા'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર મંતર પર પ્રદર્શનકારીઓને સંબોધતાં અભિજિત દીપકેએ કહ્યું કે, "આજે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થયું છે તેના માટે મને હીરો ન બનાવશો. આ ભૂલ ન કરશો. એક માણસને હીરો બનાવવાના કારણે આ કચરો થયો છે. એક વ્યક્તિને તમે બંધારણ અને બધાં સંસ્થાનોથી મોટી બનાવી. જ્યારે તમે એક વ્યક્તિને મુદ્દા, સંસ્થાનથી મોટી બનાવો છો ત્યારે તે વ્યક્તિ દેશનો કચરો જ કરશે. મને કોઈ પણ હીરો ન બનાવો."
ત્યાર બાદ તેમણે ભારત માતા કી જય, ઇંકલાબ ઝિંદાબાદ, જય ભીમના નારા લગાવડાવ્યા.
તેમણે આગળ કહ્યું કે, "હિંદુ મુસ્લિમની રાજનીતિ નહીં થાય. મુદ્દાની રાજનીતિ થશે તો મોટાં-મોટાં સિંહાસનો ડગી જશે, જ્યારે હિંદુ અને મુસ્લિમની રાજનીતિથી ઉપર ઊઠીને મુદ્દાની રાજનીતિ કરશું તો દેશનું ભલું થશે."
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, રાજીનામું આપ્યા બાદ તેમણે શું કહ્યું?
મોદી સરકારમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ ખબરની પુષ્ટિ કરી છે. કૉક્રોચ જનતા પાર્ટીએ તેનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે 'અમે કરી દેખાડ્યું.'
ધર્મેન્દ્ર પ્રધાને આ મામલે તેમણે એક પત્ર તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે હું યુવાનોની ભાવનાઓનું સન્માન કરું છું.
તેમણે લખ્યું, “હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, ભાવનાઓ અને તેમની ન્યાયોચિત અપેક્ષાઓનું સન્માન કરું છું. ભારતની યુવાન પેઢીનાં સપનાંને સાકર કરવા એ અમારો રાજનીતિક અને સામાજિક જીવનનો સંકલ્પ રહ્યો છે.”
તેમણે કહ્યું કે નીટ-યુજી પરીક્ષામાં જે અનિયમિતતા જોવા મળી તે મામલે તેમણે જવાબદારી લીધી હતી. તેમણે લખ્યું, “પહેલા જ દિવસથી મેં તેની જવાબદારી લીધી હતી. આ પરિસ્થિતિમાં મેં મોં નહોતું ફેરવ્યું. મારો એક સંકલ્પ હતો કે અમે કોઈ પણ પ્રભાવી વિદ્યાર્થીઓની સંભાવના પરીક્ષા માફિયાને કારણે ખરાબ નહીં કરવા દઈએ. કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય નહીં કરવા દઈએ.”
આંદોલન વિશે તેમણે લખ્યું, “પરંતુ આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને ગુમરાહ કરવા માટે જવાબદાર પદો પર બેઠેલા લોકોએ અવરોધ ઊભો કરવાની કોશિશ કરી અને તેનાથી હું વ્યથિત થયો.”
તેમણે કહ્યું કે દસ દિવસથી જે થઈ રહ્યું છે તેનાથી તેઓ દુ:ખી છે.
તેમણે લખ્યું, “જંતર-મંતર પર જે પરિસ્થિતિ બની રહી છે તેનો લાભ કોઈ રાષ્ટ્રવિરોધી તાકતો ન ઉઠાવે, દેશની એકતા બની રહે. ભારતમાં એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાયદાકીય કાર્યવાહીમાં ન પસાર થાય. આપણાં બાળકોનો સમય ભણવામાં પસાર થાય, તેઓ કૅરિયર પર ધ્યાન આપે, આ વાતને ધ્યાનમાં રાખીને મેં મારું રાજીનામું વડા પ્રધાનને મોકલી આપ્યું છે.”
ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે કૉક્રોચ જનતા પાર્ટી દ્વારા છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન ચાલી રહ્યું હતું.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સીજેપીના સંસ્થાપક અભિજિત દીપકેએ કહ્યું છે, “અમે કરી દેખાડ્યું, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે.”
બિહાર: ઘણા જિલ્લામાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન, પટના પોલીસે કર્યો લાઠીચાર્જ, સેંકડોની અટકાયત
બિહારમાં બીબીસી સંવાદદાતા સીટૂ તિવારીના જણાવ્યા પ્રમાણે અલગ-અલગ જિલ્લામાં શનિવારે જાહેર કરાયેલા ‘બિહાર બંધ’ની અસર દેખાઈ રહી છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ અને 22 જુલાઈના રોજ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં વિદ્યાર્થી સંગઠન આઈસાએ બિહાર બંધનું ઍલાન કર્યું હતું.
બંધ દરમિયાન રાજ્યના ઘણા જિલ્લામાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. સીવાન, સમસ્તીપુર, માઘેપુરા, ગોપાલગંજ,છપરા, આરા અને પટના સહિત ઘણી જગ્યાએ પ્રદર્શનની તસવીરો સામે આવી છે.
છપરા અને અને રાજધાની પટનામાં પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
પટનાના એસએસપી કાર્કિતેય શર્માએ કહ્યું, “અમે વિદ્યાર્થીઓ પર સીમિત બળપ્રયોગ કરીને પ્રદર્શનકારીઓને વેરવિખેર કર્યા છે. કેટલાક લોકોની અટકાયત કરી છે, જેમની પૂછપરછ ચાલુ છે.”
પટના પોલીસે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાની માગોને શાંતિપૂર્ણ રીતે રજૂ કરે.
કૉક્રોચ જનતા પાર્ટીએ કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો તે શું કરશે
દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલી કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ સ્પષ્ટ કર્યું છે કે સરકાર સાથેની ત્રીજા તબક્કાની વાતચીતમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ મામલે કોઈ સમાધાન નહીં થાય.
સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, “જો સરકાર તરફથી ‘ના’ છે, તો આગળ વાતચીતનો કોઈ અર્થ રહેતો નથી.”
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ચેતવણી આપી કે જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો પ્રદર્શનને વધુ ઉગ્ર બનાવાશે. સાથે દેશભરમાં આંદોલન માટે નવા આહ્વાનની જરૂર પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે સીજેપી અને સરકાર વચ્ચે શનિવારે ત્રીજા તબક્કાની વાતચીત પ્રસ્તાવિત છે. આ પહેલાં થયેલી બે બેઠકોમાં કેટલીક માગો પર સહમતિ બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જંતર-મંતર પર પેપર લીક, પરીક્ષાઓમાં કથિત અનિયમિતતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને સીજેપીના સમર્થકો અને યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, “નવી પેઢી સવાલ પૂછે છે”
રાષ્ટ્રીય સ્વયંસેવર સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે નવી પેઢી સવાલ પૂછે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું યુવાનો અંગેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જંતર-મંતર અને દેશના અનેક વિસ્તારોમાં વિદ્યાર્થીઓ, યુવાનો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
તેમણે કહ્યું, “અમે નાના હતા ત્યારે માતાપિતા જે કહેતાં એ માની લેતા હતા. કોઈ ચર્ચા નહીં. ચૂપ એટલે ચૂપ. હવે એવું નથી. નવી પેઢી સવાલ પૂછે છે અને તેમને તર્ક સમજાવવો પડે છે. આ પેઢીને વધુ સ્નેહની જરૂર છે. તેમની સાથે સમય વિતાવવો પડશે, વાતો કરવી પડશે.”
મોહન ભાગવતનું કહેવું છે કે આજની પેઢી સાથે વધારે પોતીકાપણું દેખાડવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે જંતર-મંતર પર પેપર લીક, પરીક્ષાઓમાં કથિત અનિયમિતતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે.
કૉંગ્રેસ સાંસદે સોનમ વાંગચુકના કેન્દ્રીય મંત્રીના હાથે પારણાં મામલે કહ્યું, ‘અન્ના પાર્ટ-2’, સીજેપીએ આપ્યો આ જવાબ
કૉક્રોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું છે કે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ઘણું કર્યું છે, તેમના પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.
હાલમાં જ કૉંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે સોનમ વાંગચુકના ઉપવાસ સમાપ્ત થયા બાદ કહ્યું હતું કે આ ‘અન્ના પાર્ટ-2’ છે.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “12 વર્ષથી અન્ના ચૂપ છે. હવે વાંગચુક ચૂપ થઈ જશે. વાંગચુકે સરકાર સાથે પોતાની ડીલ કરી છે, ત્યાં સુધી કે ત્યારે કોઈ વિદ્યાર્થીઓ ઉપસ્થિત નહોતા.”
ઇમરાન મસૂદના આ નિવેદન પર સીજેપીના પ્રવક્તા આશુતોષ રાંકાએ શનિવારે કહ્યું, “અમને ખબર નથી કે કૉંગ્રેસ શું વિચારે છે. પરંતુ તેમણે (વાંગચુક) ઘણું કર્યું છે. તેમણે વાતચીત પણ કરી છે કે કોઈ કાયદાકીય કાર્યવાહી ન થાય અને વળતર મળે. સોનમ જી પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.”
ઉલ્લેખનીય છે કે સોમન વાંગચુકે ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં ગુરુવારે મોડી રાતે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી.
કેન્દ્રીય મંત્રીના હાથે પારણાં કર્યાં બાદ સોનમ વાંગચુક પર સવાલો ઊઠ્યા હતા. મોદી સરકારના મંત્રી જેપી નડ્ડાના હાથે ઉપવાસ તોડવા પર ઊઠી રહેલા સવાલોનો સોનમ વાંગચુકે એક વીડિયો સંદેશ જારી કરીને જવાબ આપ્યો છે. સોનમ વાંગચુકે પોતની થઈ રહેલી આલોચના પર કહ્યું, 'મારે કોઈના કૅરેક્ટર સર્ટિફિકેટની જરૂર નથી'.
કેન્દ્રીય મંત્રીના હાથે ઉપવાસ તોડવા મામલે સોનમ વાંગચુકની થઈ રહી આલોચના મામલે સોનમનાં પત્નીએ જવાબ આપતા કહ્યું હતું, 'પહેલાં તેમના ત્યાગને સમજો'.
અગાઉ તૃણમૂલ કૉંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રાએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેમણે પારણાં કરવાં હતાં તો કેન્દ્રીય મંત્રીના હાથે શા માટે કર્યાં?
‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો સરકાર સાથેની વાતચીતનો કોઈ અર્થ નહીં’, કૉક્રોચ જનતા પાર્ટીની સ્પષ્ટ વાત
મોદી સરકાર સાથેની ત્રીજી બેઠક પહેલાં કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. સીજેપી પોતાની મુખ્ય માગ પર અડગ છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે જો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો સરકાર સાથેની બેઠકોનો કોઈ અર્થ નથી.
પેપર લીકને લઈને જંતર-મંતર પર ચાલી રહેલાં આંદોલન વચ્ચે સરકાર અને સીજેપી વચ્ચે વાતચીતમાં આ જ મુદ્દો ગતિરોધ બનીને ઊભો છે.
સીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ સમાચાર સંસ્થા પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે “જો સરકાર પહેલાથી જ નક્કી કરીને બેઠી હશે તો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, તો અમને સ્પષ્ટ જણાવી દે. પછી આ પ્રકારની બેઠકનું કોઈ ઔચિત્ય રહેતું નથી. પછી અમે અમારી રણનીતિ પર કામ કરીશું. જો સરકાર આ જ વલણ પર કાયમ રહી તો અમારે કડક નિર્ણય લેવા માટે મજબૂર થવું પડશે.”
શનિવારે જંતર-મંતર પર સુરક્ષાની વ્યવસ્થા વધારી દેવાઈ છે. આજે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહની કૉક્રોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ સાથે ત્રીજી બેઠક થવા જઈ રહી છે. જણાવવામાં આવે છે કે આ બેઠક બાદ સીજેપી સંસદ સુધીના માર્ચનું વધુ એક ઍલાન કરી શકે છે. બીજી તરફ કૉંગ્રેસે પણ આજે દેશભરમાં કૅન્ડલ માર્ચ કરવાની જાહેરાત કરી છે.
શુક્રવારે કૉક્રોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે બહુપ્રતીક્ષિત વાતચીત બે કલાક સુધી ચાલી હતી. બંને પક્ષો વચ્ચે ત્રણ પૈકી બે મુદ્દાઓ પર સહમતિ બની રહી હોવાનો બંને પક્ષોનો દાવો છે પરંતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર હજુ સહમતિ બની નથી.
સોનમ વાંગચુકે કેન્દ્રિય મંત્રીના હાથે ઉપવાસ તોડવા મામલે થઈ રહેલી આલોચના પર કહ્યું, ‘મારે કોઈના કૅરેક્ટર સર્ટિફિકેટની જરૂર નથી’
સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં પોતાના ઉપવાસ સમાપ્ત કરવા અંગે સોશિયલ મીડિયા પર થયેલી ટીકા બાદ તેમણે શુક્રવારે એક લાંબો વીડિયો સંદેશ જાહેર કર્યો.
સોનમ વાંગચુકે આ વીડિયો સંદેશમાં કહ્યું કે તેમણે સરકાર સાથે કોઈ સમાધાન નથી કર્યું. ઉપવાસ સમાપ્ત થવાનું કારણ આપતા તેમણે કહ્યું કે તેમણે ઉપવાસ એટલા માટે સમાપ્ત કર્યા કારણ કે. તેમને જંતર-મંતર પર વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી થવાની આશંકા હતી.
તેમણે શુક્રવારે વહેલી સવારે લગભગ 12:30 વાગ્યે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહ, તેમનાં પત્ની અને લદ્દાખના નાગરિક સમાજના પ્રતિનિધિઓની હાજરીમાં ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી.
ઉપવાસ તોડાવવા માટે જેપી નડ્ડાએ તેમને સૂપ પીવડાવ્યું હતું.
સોનમ વાંગચુકે પોતાના વીડિયો સંદેશમાં કહ્યું, "આ વિડિયો હું થોડા દુઃખ અને થોડા આશ્ચર્ય, થોડા ગમ અને ગુસ્સા સાથે બનાવી રહ્યો છું. મારાં ભાઈઓ અને બહેનો જેવા વિદ્યાર્થીઓ માટે 26 દિવસ ભૂખ્યા રહ્યા પછી મારા શરીરનું 11 કિલો વજન ઘટી ચૂક્યું છે. સ્નાયુ ઢીલાં પડી ગયાં છે. અંગો અને મગજ પર ભયંકર નુકસાન થવાને આરે છે. તે પણ લદ્દાખની કડકડતી ઠંડીમાંથી દિલ્હીના ધોમ તાપમાં બેસીને આ બધું કર્યા પછી શું મારે કોઈ પાસેથી કૅરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે કે મારા ઉપવાસ કેટલા પવિત્ર હતા?"
તેમણે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના હાથેથી ઉપવાસ તોડવા અંગે લગાવવામાં આવતા આરોપોનો પણ જવાબ આપ્યો.
સોનમ વાંગચુકે કહ્યું, "પૂછવામાં આવી રહ્યું છે કે કોના હાથેથી ઉપવાસ તોડવામાં આવ્યા. મેં ઉપવાસ તોડ્યા તો કોના હાથેથી? તેમના હાથેથી કેમ તોડ્યા? આમના હાથેથી કેમ નહીં? શું ડીલ થઈ? શું સોદો થયો? આ બધાનો મારે જવાબ આપવો પડશે. હું કાલથી હવે તરલ લિક્વિડ ફૂડ લઈ રહ્યો છું, પી રહ્યો છું. તેથી શરીરમાં થોડોક જીવ આવ્યો છે."
"દુઃખ સાથે કહી રહ્યો છું. પરંતુ સવારથી ઘણા લોકો મને ફોન કરીને અથવા પોસ્ટ બતાવીને કહી રહ્યા છે કે તમારા પર ઘણા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તમે એમના દ્વારા ઉપવાસ કેમ તોડ્યા? જો સોદો કરવો હોત, ડીલ કરવી હોત તો શું 26 દિવસ ભૂખ્યા રહેવું પડત? કેટલાય લોકોએ ડીલ કરી છે?"
તેમણે કહ્યું, "ધિક્કાર છે એવા દેશ પર, જ્યાં આવા દિમાગોની ઉપજ થાય છે. જેમાંથી આવા નીચ વિચારો બહાર આવે છે. તમારામાંથી મોટા ભાગના લોકોને હું દોષ આપતો નથી. કારણ કે તમને ખબર નથી કે પરિસ્થિતિઓ કેવી હતી."
દિલ્હી જંતર-મંતર : દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી, સરકાર સાથે સીજેપીની આજે ફરી વાતચીત
શનિવારે જંતર-મંતર પર સુરક્ષાની વ્યવસ્થા વધારી દેવાઈ છે. આજે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહની કૉક્રોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ સાથે ત્રીજી બેઠક થવા જઈ રહી છે. જણાવવામાં આવે છે કે આ બેઠક બાદ સીજેપી સંસદ સુધીના માર્ચનું વધુ એક ઍલાન કરી શકે છે. બીજી તરફ કૉંગ્રેસે પણ આજે દેશભરમાં કૅન્ડલ માર્ચ કરવાની જાહેરાત કરી છે.
શુક્રવારે કૉક્રોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે બહુપ્રતીક્ષિત વાતચીત બે કલાક સુધી ચાલી હતી. બંને પક્ષો વચ્ચે ત્રણ પૈકી બે મુદ્દાઓ પર સહમતિ બની રહી હોવાનો બંને પક્ષોનો દાવો છે પરંતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર હજુ સહમતિ બની નથી.
બીજી તરફ સીજેપીના સંસ્થાપક અભિજિત દીપકેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા નિવેદન આપ્યું છે કે “મને ખબર નથી કે વડા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનમાં કઈ યોગ્યતા જોઈ રહ્યા છે અને તેને બચાવવા માટે આખા દિલ્હીને બાનમાં લીધું છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન