ગુજરાતની તમામ મહાનગરપાલિકાનાં અંતિમ પરિણામો જાહેર, કોણ કેટલી બેઠકો જીત્યું?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનો દબદબો જળવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત 26 એપ્રિલે ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

સારાંશ

  • 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ
  • ગુજરાતની 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં મહાનગરપાલિકાઓમાં ભાજપનો દબદબો યથાવત્
  • ઘણી નગરપાલિકાઓ, પંચાયતોમાં કૉંગ્રેસનું સારું પ્રદર્શન, આપે સૌરાષ્ટ્રમાં ઘણી બેઠકો જીતી
  • સુરતમાં આમ આદમી પાર્ટી 2021નું પ્રદર્શન જાળવી શકી નહીં

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. રાજકોટ: જંગલેશ્વરમાં જ્યાં હજારો મકાનો પાડી દેવાયાં હતાં ત્યાં ભાજપની હાર

    કૉંગ્રેસના વિજેતા ઉમેદવારો
    ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના વિજેતા ઉમેદવારો

    રાજકોટના વૉર્ડ નં.16 જંગલેશ્વરમાં કૉંગ્રેસની પેનલની જીત થઈ છે. ગત ચૂંટણીમાં આ વૉર્ડ ભાજપના ફાળે ગયો હતો.

    અહીં ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરમાં થોડા સમય અગાઉ ડિમોલિશન થયું હતું અને હજારો ઘર-દુકાનો પાડી દેવામાં આવ્યાં હતાં.

    અહીંથી કૉંગ્રેસના ઉમેદવારો અર્જુનભાઈ ચૌહાણ, ઇબ્રાહીમભાઇ સોરા, દિપ્તીબેન સોલંકી અને રસીલાબેન ગરૈયાની જીત થઈ છે.

    વિજેતા ઉમેદવાર રસીલાબહેન ગરૈયાએ કહ્યું હતું કે, “મારો ગત ચૂંટણીમાં માત્ર 11 મતે પરાજય થયો હતો. આ વખતે હું સારા મતે જીતી છું. અમે લોકોના કામ કરવા માટે પૂરી મહેનત કરીશું.”

    દિપ્તીબહેન સોલંકીએ કહ્યું હતું કે, “રાજકોટના વૉર્ડ નં.16ના અઢારે વર્ણના લોકોના મતથી અમારી જીત થઈ છે. અમે લોકોનો ભરોસો નહીં તૂટવા દઈએ. જેમનાં મકાનો પડી ગયા છે તેમને ક્વાર્ટર અપાવવા માટે અમે મહેનત કરીશું.”

    કૉંગ્રેસના વિજેતા ઉમેદવાર દિપ્તીબેન સોલંકી
    ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના વિજેતા ઉમેદવાર દિપ્તીબેન સોલંકી
  2. ભુજ નગરપાલિકામાં AIMIMની ઍન્ટ્રી, ત્રણ બેઠકો પર વિજય

    એઆઈએમઆઈએમના સમર્થકો
    ઇમેજ કૅપ્શન, એઆઈએમઆઈએમના સમર્થકો

    ભુજ નગરપાલિકામાં અત્યાર સુધીમાં 14 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે.

    કુલ 44 બેઠકોમાંથી અત્યાર સુધીમાં ભાજપને ફાળે 10, કૉંગ્રેસના ફાળે એક તથા એઆઈએમઆઈએમના ફાળે ત્રણ બેઠકો ગઈ છે.

    બીબીસી સહયોગી આશુતોષે આપેલી માહિતી અનુસાર, ભુજ નગરપાલિકાના વૉર્ડ નં. 1માં એઆઈએમઆઈએમના ત્રણ ઉમેદવાર વિજયી બન્યા છે.

    સરફરાજ જીએજા, મુખ્તાર સમા, રોશન સિદ્ધિ વિજેતા ઉમેદવારો છે.

  3. ધારી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની ત્રણ બેઠકો પર જીત

    ધારી નગરપાલિકાના વૉર્ડ નં.1 માં આમ આદમી પાર્ટીએ ત્રણ બેઠકો પર જીત મેળવી છે.

    બાકીની એક બેઠક ભાજપને ફાળે ગઈ છે.

    અમરેલીથી બીબીસી સહયોગી ફારૂક કાદરીએ આપેલી માહિતી અનુસાર,

    આમ આદમી પાર્ટીના જગદીશ પટોળિયા, કિરણ સાવલિયા અને સરોજબહેન બારૈયાને અનુક્રમે 971, 945 અને 817 મત મળ્યા છે. જ્યારે ભાજપના ગૌતમ દાફડાને 884 મત મળ્યા છે.

  4. ગુજરાત: તાલુકા, જિલ્લા પંચાયતોની બેઠકોના પરિણામો આવવાની શરૂઆત

    ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારની એકસાથે તસવીર
    ઇમેજ કૅપ્શન, ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારની એકસાથે તસવીર

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે.

    બીબીસી સહયોગી દક્ષેશ શાહે આપેલી માહિતી અનુસાર, ગોધરા નગરપાલિકાની 44માંથી ચાર બેઠકો પર ભાજપની જીત થઈ ગઈ છે.

    આ સિવાય હાલોલ તાલુકા પંચાયતની બે બેઠકો પર ભાજપની જીત થઈ છે.

    અમરેલીથી બીબીસી સહયોગી ફારૂક કાદરીએ આપેલી માહિતી અનુસાર, લાઠી તાલુકા પંચાયતની આંબરડી બેઠક પર પણ ભાજપની જીત થઈ છે.

    કોઠંબા તાલુકા પંચાયત ભોજા બેઠક પર કૉંગ્રેસની જીત થઈ છે.

  5. ભાજપ માટે મોટો પડકાર, શું 2021નું પર્ફૉર્મન્સ રિપીટ કરી શકશે?

    પ્રતીકાત્મક તસવીર
    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મહાનગરપાલિકાઓમાં એકતરફી જીત મેળવી હતી.

    સુરત સિવાય લગભગ દરેક મહાનગરપાલિકામાં ભાજપને એકતરફી જીત મળી હતી. રાજકોટમાં તો ભાજપે 72માંથી 68 બેઠકો જીતી હતી.

    એ સમયે કોરોના વાઇરસની લહેર ચાલી રહી હતી, તેમ છતાં ભાજપે મોટી જીત મેળવી હતી.

    આ સંદર્ભમાં 2026માં ભાજપ આ પર્ફૉર્મન્સ રિપીટ કરી શકશે કે નહીં તેના પર સૌની નજર છે.

    ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલના નેતૃત્વમાં પહેલી વાર ભાજપ ચૂંટણી લડી રહ્યો છે. આથી, તેમના નેતૃત્વમાં પ્રદર્શનની પણ ચર્ચા થશે.

  6. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી શરૂ

    રાજકોટમાં મતગણતરી પહેલાંની એક તસવીર
    ઇમેજ કૅપ્શન, રાજકોટમાં મતગણતરી પહેલાંની એક તસવીર
    રાજકોટમાં મતગણતરીકેન્દ્રની એક તસવીર
    ઇમેજ કૅપ્શન, રાજકોટમાં મતગણતરીકેન્દ્રની એક તસવીર

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026નું આજે પરિણામ આવી રહ્યું છે.

    થોડીવારમાં જ મતપેટીઓ ખુલશે અને ગણતરી શરૂ થશે. સૌપ્રથમ પોસ્ટલ બૅલેટની ગણતરી થઈ રહી છે.

    અમદાવાદમાં બે કાઉન્ટિંગ સેન્ટર પર મતગણતરી થશે. આ સિવાય જે-તે જિલ્લામાં પણ કાઉન્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે.

  7. સુરેન્દ્રનગરમાં કુલ 939 ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી થશે

    સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતગણતરી થશે.
    ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતગણતરી થશે

    સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતગણતરી થશે.

    બીબીસીના સહયોગી સચીન પીઠવા અનુસાર, શહેરી વિસ્તાર સહિત જિલ્લામાં 30થી વધુ સ્થળો પર મતગણતરી કરવામાં આવશે.

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વૉર્ડ માટે શહેરની આર્ટસ કૉલેજ અને વઢવાણ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત બેઠકો માટે મહિલા આઇટીઆઇ ખાતે મતગણતરી થશે.

    ફુલ 338 બેઠકો માટે ગત 26 એપ્રિલના રોજ મતદાન થયું હતું. પરિણામ બાદ આજે કુલ 939 ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી થશે.

  8. કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ

    કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. વલ્લભવિદ્યાનગરની નલિની આર્ટ્સ કૉલેજમાં મતગણતરી થશે.

    બીબીસીના સહયોગી નચિકેત મહેતા અનુસાર, શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

    તેમણે આપેલી માહિતી અનુસાર, મહાનગરપાલિકાની 52 બેઠકો પૈકી 40 બેઠકો પર 100 ઉમેદવારોના ભાગ્યનો આજે ફેંસલો થશે. ઉલ્લેખનીય છે કે 13 વૉર્ડની 52 બેઠકો પૈકી 12 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે.

    તો જિલ્લા પંચાયતની 37 બેઠકો પર 98 ઉમેદવારોના ભાગ્યનો આજે ફેંસલો થશે. આણંદ તાલુકા પંચાયતની 30 બેઠકોમાં પર 64 ઉમેદવારો, આંકલાવ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 51 ઉમેદવારો, બોરસદ તાલુકા પંચાયતની 34 બેઠકો માટે 83 ઉમેદવારો, ખંભાત તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 52 ઉમેદવારો, પેટલાદ તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 52 ઉમેદવારો, સોજિત્રા તાલુકા પંચાયતની 15 બેઠકો માટે 32 ઉમેદવારો, તારાપુર તાલુકા પંચાયતની 14 બેઠકો માટે 35 ઉંમેદવારો અને ઉમરેઠ તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 47 ઉમેદવારોના રાજકીય ભાવીનો આજે નિર્ણય થશે.

  9. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ

    ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    આજે ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

    ગત 26 એપ્રિલે ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

    રાજ્ય ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા અનુસાર મહાનગરપાલિકાઓમાં સરેરાશ 55.1 ટકા મતદાન નોંધાયું હતું.

    કુલ 15 મહાનગરપાલિકાઓમાંથી નવ મહાનગરપાલિકાઓ નવી બનેલી છે અને તેમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી પહેલી વાર મતદાન થયું છે.

    અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર- આ છ જૂની મહાનગરપાલિકાઓમાં વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે.

    આ તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપે 2021ની ચૂંટણીમાં પણ ભવ્ય જીત મેળવી હતી.

    આ વખતે આ છ મહાનગરપાલિકાઓ સિવાય નવી અસ્તિત્વમાં આવેલી નવ મહાનગરપાલિકામાં પણ પહેલી વાર ચૂંટણી છે. આથી, આ મહાનગરપાલિકાઓમાં શું પરિણામ આવે છે તેના પર સૌની નજર રહેશે.

    અમદાવાદ, જામનગર, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં ભાજપને મોટા માર્જિનથી જીત મળી હોવાથી એ જોવું રસપ્રદ રહેશે કે ભાજપ આટલું મોટું જીતનું અંતર જાળવી શકે છે કે પછી વિપક્ષો ટક્કર આપશે.

    ગત ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીની જબરદસ્ત ઍન્ટ્રી થઈ હતી અને પહેલી જ વારમાં તેણે મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે કૉંગ્રેસની જગ્યા લઈ લીધી હતી. આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી.

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠેકઠેકાણે સત્તાધારી પક્ષ ભાજપનો થયેલો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

    ભાજપના ઉમેદવારોના વિરોધના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

    મતદાનની તારીખ પહેલાં રાજ્યમાં આ ચૂંટણીમાં ઘણી બેઠકો પરથી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના કિસ્સા સામે આવ્યા બાદ અંતે જાણવા મળ્યું હતું કે રાજ્યમાં કુલ 733 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જે પૈકી મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.

    એટલે કે ગુજરાતની ત્રણ નગરપાલિકા, કડી, ઊના અને ગણદેવી ભાજપે ચૂંટણી પહેલાં જ જીતી લીધી હતી.