ભાજપની મોટી જીત પછી સી.આર. પાટીલે કહ્યું, “હજુ થોડી કચાશ રહી ગઈ”

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય, મધ્યસત્ર અને અમુક બેઠકો પર પેટાચૂંટણીના મોટાભાગના પરિણામો આવી ગયા છે. ભાજપની મોટી જીત થઈ છે.

સારાંશ

  • ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકામાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીની મતગણતરી
  • ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીની પણ મતગણતરી
  • સ્થાનિક સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ
  • શરૂઆતના વલણોમાં ભાજપ બમ્પર જીત તરફ, કૉંગ્રેસ ગણતરીની બેઠકો પર આગળ

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરીની તૈયારીઓ શરૂ

    મતગણતરી સવારે નવ કલાકે શરૂ થશે.
    ઇમેજ કૅપ્શન, રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય કે મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યાનાં એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણીનું મતદાન 16મી ફેબ્રુઆરીના રોજ થયું હતું(પ્રતીકાત્મક તસવીર)

    રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય કે મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યનાં એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણીનું મતદાન 16મી ફેબ્રુઆરીના રોજ થયું હતું.

    આ ચૂંટણીની મતગણતરી સવારે નવ કલાકે શરૂ થશે.

    ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ માટે 155 મતગણતરી સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી છે. 160 જેટલા હૉલમાં આ મતગણતરી થઈ રહી છે. તે માટે વિવિધ જગ્યાએ 735 જેટલાં ટેબલો લગાવાયાં છે.

    મતગણતરી માટે 3,790 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ માટે 8,601 જેટલા સુરક્ષાકર્મીઓ તહેનાત છે.

  2. ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ થશે જાહેર, થોડીવારમાં મતગણતરી શરૂ થશે

    રાજ્યમાં જૂનાગઢ નગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતો તથા બોટાદ-વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી માટે મતગણતરી થોડીવારમાં શરૂ થશે.
    ઇમેજ કૅપ્શન, આજે ગુજરાતની કુલ 170 જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનાં 696 વૉર્ડ અને 4,390 બેઠકો પર થયેલી ચૂંટણીનાં પરિણામો જાહેર થશે

    ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કેટલીક બેઠકો માટે થયેલી ચૂંટણીનાં પરિણામ થોડી જ વારમાં આવશે.

    રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતો તથા બોટાદ-વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી માટે મતગણતરી થોડીવારમાં શરૂ થશે.

    આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની નવ બેઠકો અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર થયેલી પેટાચૂંટણીનાં પરિણામો પણ આજે આવશે.