અમદાવાદ પ્લેન ક્રૅશ : વિમાનમાં સવાર સિવાયના આઠ લોકોનાં મોત, અધિકારીએ પુષ્ટિ કરી

ઍર ઇન્ડિયા અનુસાર અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રૅશમાં એક યાત્રીને છોડીને તમામ 241 લોકોનાં મોત થયાં છે. ટેકઑફ થયાના થોડા સમય બાદ જ વિમાન રહેણાક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. વિમાનના બે ટુકડા થઈ ગયા હતા.

લાઇવ કવરેજ

  1. અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

    અમિત શાહ
    ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, "ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો સાથે મળીને રાહત અને બચાવકાર્યમાં રોકાયેલા છે. આ વિમાનમાં ભારત અને વિદેશના કુલ 230 મુસાફરો, 12 ક્રૂ સભ્યો હતા. માહિતી મળી છે કે આ મુસાફરોમાંથી એક બચી ગયા છે."

    "હું તેમને મળ્યો છું. ડીએનએ ટેસ્ટ અને ઓળખ પછી જ મૃત્યુઆંક સત્તાવાર રીતે જાહેર કરી શકાય છે. ગુજરાત સરકારે તમામ વિભાગોને એલર્ટ કરી દીધા છે. બધાએ સાથે મળીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે."

    તેમણે વધુમાં કહ્યું કે, "ગરમી અને વિમાનની અંદર રહેલા 1.25 લાખ લીટર ઇંધણને કારણે કોઈને બચાવવાની કોઈ શક્યતા નહોતી."

    "મેં ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી છે. બધાને બહાર કાઢવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ડીએનએ નમૂના લેવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. 1000 થી વધુ ડીએનએ ટેસ્ટ કરાવવા પડશે અને તે બધા ગુજરાતમાં કરવામાં આવશે."

  2. બ્રિટનના ગુજરાતી સમુદાયમાં છવાયો શોક, આ ત્રાસદીથી સ્થાનિક ગુજરાતીઓ પર શું વીતી રહી છે?

    સિમા કોટેચા, વરિષ્ઠ યુકે સંવાદદાતા

    હું ફ્લાઇટમાં સવાર લોકો સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી રહી છું.

    એક માણસ ફોન પર રડી પડ્યો જ્યારે તેણે મને કહ્યું કે તેમના પિતરાઈ ભાઈ એક ઉજવણી માટે લંડન આવી રહ્યા હતા. બીજી એક વ્યક્તિએ સમજાવ્યું કે ફ્લાઇટમાં ખરેખર શું ખોટું થયું તે જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટેલિવિઝન પર બતાવવામાં આવતાં દૃશ્યો તેમના માટે આઘાતજનક હતાં.

    યુકેમાં દક્ષિણ એશિયાઈ મૂળ ધરાવતા લાખો લોકો ગુજરાતી વારસાના છે. આ દુર્ઘટના ગુજરાતી સમુદાયને ભારે નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે કારણ કે તેઓ વધુ વિગતો બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે.

  3. રાજનાથસિંહે વિજય રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો

    રાજનાથસિંહ

    રક્ષામંત્રી અને ભાજપ નેતા રાજનાથસિંહે વિજય રૂપાણીના મૃત્યુ પર સંવેદના પાઠવતા ઍક્સ પોસ્ટ પર લખ્યું હતું કે, "અમદાવાદમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીજીના દુ:ખદ અવસાનથી ખૂબ દુઃખની લાગણી અનુભવું છું. તેમને એક એવા પાયાના નેતા તરીકે યાદ કરાવમાં આવશે જેમણે પોતાના રાજ્યના વિકાસ અને કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ."

  4. અમદાવાદ પ્લેન ક્રૅશ : પૂર્વ સીએમ વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં નિધન

    વિજય રૂપાણી

    ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રીએ પત્રકારોને જણાવ્યું છે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.

    68 વર્ષીય રૂપાણીએ 2016-21 દરમિયાન પશ્ચિમ ભારતના રાજ્ય- ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ શાસક ભાજપ પક્ષના સભ્ય હતા.

    રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ વિજય રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

  5. ટાટા ગ્રૂપ મૃતકોના પરિવારજનોને રૂ. એક કરોડ આપશે

    ગૅટવિક ઍરપૉર્ટ પર ઍર ઇન્ડિયાનું ખાલી કાઉન્ટર
    ઇમેજ કૅપ્શન, ગૅટવિક ઍરપૉર્ટ પર ઍર ઇન્ડિયાનું ખાલી કાઉન્ટર

    ઍર ઇન્ડિયાના સીઈઓ અને એમડી કૅમ્પબેલ વિલસને જણાવ્યું હતું કે, "આ ઘટના પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઍર ઇન્ડિયા માટે આ કપરો દિવસ છે. અત્યારે ઘણા પ્રશ્નો છે, પરંતુ હાલ હું કોઈ જવાબ આપી શકું તેમ નથી."

    "ફલાઇટ એઆઈ 171 230 પૅસેન્જરો અને 12 ક્રૂ મૅમ્બર્સ સવાર હતા. જેમાં 160 ભારતીય, 53 બ્રિટીશ નાગરિક, સાત પૉર્ટુગીઝ નાગરિક અને એક કૅનેડિયન નાગરિક હતા. ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં ઍડિશનલ સપૉર્ટ માટે ઍર ઇન્ડિયાની ટીમ કાર્યરત છે. તપાસ માટે હજુ સમય લાગશે, પણ અમે સ્પેશિયલ હૅલ્પલાઇન શરૂ કરી છે-1800 5691444. અમને પ્રમાણભૂત માહિતી મળશે, ત્યારે અમે માહિતગાર કરતા રહીશું. ધન્યવાદ."

    ઍર ઇન્ડિયાના ચૅરમૅન એન. ચંદ્રશેખરને ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમનું નિવેદન ટાટા ગ્રૂપ દ્વારા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. ઍર ઇન્ડિયા એ ટાટા ગ્રૂપની કંપની છે.

    ટાટા ગ્રૂપે ટ્વિટર પર ઍર ઇન્ડિયાના ચૅરમૅન એન ચંદ્રશેખરનને ટાંકીને કહ્યું , "ખૂબ જ દુઃખ સાથે હું પુષ્ટિ કરું છું કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 આજે અકસ્માતનો ભોગ બની છે. આ ભયાનક અકસ્માતમાં અસરગ્રસ્ત લોકોના પરિવારો અને પ્રિયજનો સાથે અમારી ઊંડી સંવેદના છે."

    એન. ચંદ્રશેખરને કહ્યું, "હાલમાં અમારી પ્રાથમિકતા તમામ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારોને સહાય પૂરી પાડવાની છે. અમે ઘટનાસ્થળે હાજર ઇમરજન્સી રિસ્પૉન્સ ટીમોને મદદ કરવા અને અકસ્માતના પીડિતોને જરૂરી મદદ પૂરી પાડવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરી રહ્યા છીએ."

    "વધુ અપડેટ્સ શેર કરવામાં આવશે. એક ઇમરજન્સી સેન્ટર સક્રિય કરવામાં આવ્યું છે અને માહિતીની જરૂર હોય તેવા પરિવારો માટે સપોર્ટ ટીમો પણ બનાવવામાં આવી છે.''

    આ સિવાય ગ્રૂપે દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી બી.જે. મેડિકલ હોસ્ટેલને ફરીથી બાંધી આપવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો છે.

  6. અમદાવાદ પ્લેન ક્રૅશ
    અમદાવાદ પ્લેન ક્રૅશ
    અમદાવાદ પ્લેન ક્રૅશ
    અમદાવાદ પ્લેન ક્રૅશ
    અમદાવાદ પ્લેન ક્રૅશ
    ઇમેજ કૅપ્શન, બીજે મેડિકલ કૉલેજમાં વિમાન પડતાં કેવું નુકસાન થયું
    અમદાવાદમાં જે ઇમારત સાથે વિમાન ક્રૅશ થઈને અથડાયું તેની કેવી પરિસ્થિતિ થઈ
    ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં જે ઇમારત સાથે વિમાન ક્રૅશ થઈને અથડાયું તેની કેવી પરિસ્થિતિ થઈ
    અમદાવાદમાં જે ઇમારત સાથે વિમાન ક્રૅશ થઈને અથડાયું તેની કેવી પરિસ્થિતિ થઈ
  7. અમદાવાદ પ્લેન ક્રૅશ : સીઆર પાટીલે પૂર્વ સીએમ વિજય રૂપાણી અંગે શું કહ્યું?

    વિજય રૂપાણી

    અમદાવાદ પ્લેન ક્રૅશની ઘટના અંગે મહેસાણા ખાતે પ્રતિક્રિયા આપતાં ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કહ્યું હતું કે, "ખૂબ જ દુ:ખદ બનાવ બન્યો છે અને એ પણ ગુજરાતના આંગણે અમદાવાદમાં. ક્યારેય આપણે આવું થશે એવું ધાર્યું નહોતું. ઇન્ટરનૅશનલ ફ્લાઇટમાં આટલા બધા પૅસેન્જરો સાથે બનાવ બન્યો છે. આપણા આંગણે આ ગંભીર ઘટના બનવાથી વ્યથિત છીએ."

    તેમણે કહ્યું હતું કે સાથે સાથે પ્લેન ક્રૅશને કારણે હૉસ્ટેલમાં ડૉક્ટર સ્ટુડન્ટ્સને પણ હાનિ પહોંચી છે, ગુજરાત આ ક્યારેય ભૂલી નહીં શકે.

    બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ પ્લેન ક્રૅશ, અમદાવાદ, સીઆર પાટીલ,

    તેમણે આગળ કહ્યું હતું કે, "વડા પ્રધાન પણ આ ઘટનાની ખબર પડતાં જ ગુજરાત આવી પહોંચ્યા છે. ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ આવ્યા છે."

    "આ ઘટનાની ગંભીરતા સ્વાભાવિકપણે ખૂબ વધુ છે. આ ઘટનાથી ખૂબ જ વ્યથિત છીએ."

    "આમાં આપણે હતપ્રભ છીએ, કશું કરી શકતા નથી. બધું જ કરવા માટેની આપણી તૈયારી છે."

    આ સિવાય તેમણે આ ઘટનાને ભાજપ પરિવાર માટે આંચકો ગણાવ્યો હતો.

    તેમણે કહ્યું હતું કે, "ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ આ જ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા. પણ ક્ષતિ થઈ એ ગુજરાત નહીં ભૂલી શકે.એમની પણ આમાં ક્ષતિ થઈ છે. ગુજરાત આને ક્યારેય ન ભૂલી શકે."

  8. અમદાવાદ વિમાન ક્રૅશમાં 204 લોકોનાં મોતની પુષ્ટિ

    અમદાવાદ પ્લેન ક્રૅશ

    બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખે અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક સાથે ફોન પર વાત કરી જેમાં તેમણે કહ્યું કે, "204 લોકોના મૃતદેહો મળ્યા છે."

    તેમણે કહ્યું કે, "કેટલાક સર્વાઇવર હોઈ શકે છે પરંતુ અત્યાર સુધી અમને 204 લોકોના મૃતદેહો મળ્યા છે."

    મલિકે કહ્યું કે, "41 લોકોની સારવાર હૉસ્પિટલમાં ચાલી રહી છે અને રાહત તથા બચાવકાર્ય શરૂ છે."

  9. અમદાવાદ પ્લેન ક્રૅશના મૃતકોની ઓળખ માટે સગાંના ડીએનએ સૅમ્પલ લેવાની સિવિલમાં વ્યવસ્થા કરાઈ

    બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ

    ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રૅશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમનાં સગાંના ડીએનએ સૅમ્પલ લેવાની અમદાવાદ સિવિલ હૉસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.

    પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 50 લોકોની સારવાર અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે.

    અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં કસોટી ભવનમાં ડીએનએ સૅમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

    મૃતકના નજીકનાં સગાં (માતા-પિતા અથવા બાળકો) ડીએનએ સૅમ્પલ આપી શકશે.

    અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવન માં આ ડીએનએ સૅમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે.

    સગાં – સ્નેહીજનોને આ કસોટી ભવન ખાતે ડીએનએ સૅમ્પલ આપવા સિવિલ હૉસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

    અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ટ્રોમા (ઇમર્જન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર(6357373831/6357373841) હૉસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે.

  10. 'ડૉક્ટર્સ હૉસ્ટેલમાં વિમાન ક્રૅશ થયું ત્યારે ઘણા વિદ્યાર્થી મેસમાં જમી રહ્યા હતા, ઓછામાં ઓછા ત્રણનાં મૃત્યુ થયાં'

    બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ,
    ઇમેજ કૅપ્શન, અમદાવાદ સિવિલ હૉસ્પિટલ પરિસર અને બીજે મેડિકલ કૉલેજ ખાતે ઓછામાં ઓછા ત્રણ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા છે

    પ્લેન જ્યાં ક્રૅશ થયું હોવાનું કહેવાઈ રહ્યું છે એ અમદાવાદ સિવિલ હૉસ્પિટલ પરિસર અને બીજે મેડિકલ કૉલેજ ખાતે ઓછામાં ઓછા ત્રણ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા છે.

    મેડિકલ કૉલેજનાં ડીન ડૉ. મીનાક્ષી પારેખે કહ્યું કે, "વિમાન હૉસ્ટેલની મેસમાં ક્રૅશ થયું અને એ બાદ બાઉન્સ થઈને હૉસ્ટેલની બિલ્ડિંગો પૈકી એક પર પડ્યું."

    બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ,

    બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતને ડૉ. પારેખે કહ્યું કે બપોરે એક વાગ્યાને 40 મિનિટે વિમાન ક્રૅશ થયું ત્યારે ઘણા વિદ્યાર્થીઓ મેસમાં જમી રહ્યા હતા.

    તેમણે ઉમેર્યું, "મોટા ભાગના વિદ્યાર્થીઓ ભાગી નીકળ્યા.... પરંતુ ઇમારતમાં આગ લાગી ગઈ અને ખૂબ ધુમાડો થઈ ગયો. તેથી દસ-12 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા... અમે અમારી કૉલેજના તમામ વિદ્યાર્થીઓને ફોન કરી રહ્યા છીએ, જેથી જાણી શકાય કે તેઓ ઠીક છે. તેથી અમને આ ઘટનામાં ત્રણ મૃત્યુ થયાંની સંભાવના લાગી રહી છે - આ લગભગ કન્ફર્મ છે."

    ડૉ. પારેખે કહ્યું કે એક ડૉક્ટરના ઘરે કામ કરતાં એક મહિલા સ્ટાફ મેમ્બરનું પણ મૃ્ત્યુ થયું છે.

  11. અમદાવાદ પ્લેન ક્રૅશ અંગે વિદેશમંત્રાલયે કહ્યું - 'અમે ઘણા બધા લોકોને ગુમાવ્યા'

    બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ, વિમાન દુર્ઘટના

    અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થવાની ઘટના અંગે વિદેશમંત્રાલય તરફથી કહેવાયું છે કે 'આપણે ઘણા લોકોને ગુમાવ્યા છે.'

    વિદેશમંત્રાલયની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન લંડનના ગૅટવિક જઈ રહેલું ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થયા બાબતે સવાલ કરાયો હતો.

    એ અંગે વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું, "અમદાવાદમાં જે થયું એ ખૂબ દુ:ખદ છે, અમે ઘણા બધા લોકોને ગુમાવ્યા છે. અમે એ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ, જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યાં છે. ઘણા વિદેશી પણ હતા."

    રણધીર જાયસવાલે કહ્યું, "તમને અંગે સંબંધિત વિભાગો - નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ઍર ઇન્ડિયા અને અન્યો પાસેથી અપડેટ્સ મળશે. હું અત્યાર સુધી આટલું જ કહી શકું છું. આ સતત બદલાતી જતી સ્થિતિ છે. બચાવકાર્ય ચાલુ છે. ચોક્કસ જાણકારી સામે આવે એ માટે થોડી રાહ જોવી પડશે. "

  12. યુકેના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે વિમાન દુર્ઘટના પર શું કહ્યું

    કિએર સ્ટાર્મર

    અમદાવાદથી લંડનના ગૅટવિક જઈ રહેલું વિમાન ક્રૅશ થવા પર યુકેના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

    વડા પ્રધાન સ્ટાર્મરે ઍક્સ પર લખ્યું કે, "ભારતના શહેર અમદાવાદથી કેટલાક બ્રિટિશ નાગરિકોને લઈને લંડન જઈ રહેલું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાનાં દૃશ્યો ભયાનક છે."

    તેમણે લખ્યું કે ઍર ઇન્ડિયા તરફી જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે દુર્ઘટનાગ્રસ્ત થયેલા આ વિમાનમાં 242 યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ હતા.

    વિમાનમાં સવાર 242 લોકોમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, એક કૅનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો હતા.

  13. અમદાવાદ પ્લેન ક્રૅશ મુદ્દે ઍર ઇન્ડિયાએ શું જણાવ્યું, ફાયર વિભાગે શું જાણકારી આપી?

    વીડિયો કૅપ્શન, Ahmedabad Plane crash મુદ્દે ઍર ઇન્ડિયાએ શું જણાવ્યું, ફાયર વિભાગે શું જાણકારી આપી?

    અમદાવાદના મેઘાણીનગરમાં એક વિમાન તૂટી પડ્યું છે.

    જેમાં 242 પ્રવાસીઓ સવાર હતા. સમગ્ર બાબતે ઍર ઇન્ડિયાએ જણાવ્યું આ ફ્લાઇટમાં 169 ભારતીય નાગરિક હતા.

    જ્યારે 53 બ્રિટિશ નાગરિકો પણ હતા. જાણકારી માટે ઍર ઇન્ડિયાએ એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.

    આ દુર્ઘટના અંગે અત્યાર સુધીમાં શું જાણવા મળ્યું જુઓ વીડિયો

  14. વીડિયો : અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું પ્લેન ક્રૅશ થયા બાદ ત્યાં શું સ્થિતિ છે?

    વીડિયો કૅપ્શન, Ahmedabad Plane Crash: અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું પ્લેન ક્રૅશ થયા બાદ ત્યાં શું સ્થિતિ છે?

    અમદાવાદના મેઘાણીનગરમાં એક વિમાન તૂટી પડ્યું છે. જેમાં 242 પ્રવાસીઓ સવાર હતા. પ્લેન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ક્રૅશ થયું છે. જેનો કાટમાળ પણ રસ્તા પર પડ્યો છે. જેમણે આ દુર્ઘટના જોઈ તેમણે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાને શું જણાવ્યું? જુઓ અહેવાલ

    કૅમેરા : પવન જયસ્વાલ

  15. અમદાવાદથી લંડન જઈ રહી હતી ફ્લાઇટ

    અમદાવાદ પ્લેન ક્રૅશ

    જે તસવીરો સામે આવી રહી છે, તેમાં વિમાનમાં આગ લાગેલી છે અને ધુમાડો પણ નીકળતો જોઈ શકાય છે.

    ઍર ટ્રાફિક પર નજર રાખતા ફ્લાઇટ રડાર 24એ સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર લખ્યું છે કે "અમદાવાદથી લંડન જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ AI171 ક્રૅશ થઈ હોવાના અહેવાલ છે. અમને ટેક ઑફ થયાની અમુક સેકન્ડ પછી છેલ્લા સિગ્નલ મળ્યા હતા."

    ફ્લાઇટ રડાર 24 મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાન 787-8 ડ્રીમલાઇનર હતું.

    એએનઆઈના અહેવાલ મુજબ ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્ય મંત્રી, ગૃહમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમણે આ અંગે કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદ આપવાની ખાતરી આપી છે.

  16. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું

    રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં પ્લેન ક્રૅશની ઘટના અંગે દુ:ખ વ્યક્ત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું છે કે, "અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું પૅસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે."

    તેમણે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સહાય માટે આપેલી સૂચના અંગે આગળ લખ્યું હતું કે, "ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કૉરિડૉરની વ્યવસ્થા માટે અને હૉસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે."

    મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ તેમની સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે એનડીઆએફની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.

    બીજી તરફ એએનઆઈએ ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિએશન (ડીજીસીએ)ને ટાંકીને જણાવ્યું છે કે, "કૅપ્ટન સુમીત સભરવાલ 8200 કલાકનો ઉડાનનો અનુભવ ધરાવતા એલટીસી હતા. કો-પાઇલટને 1100 કલાકનો ઉડાનનો અનુભવ હતો. એટીસી (ઍર ટ્રાફિક કન્ટ્રોલર) મુજબ અમદાવાદથી 1.39 વાગ્યે ફ્લાઇટ રવાના થઈ હતી. તેણે એટીસીને ખતરાનો કૉલ આપ્યો હતો, પરંતુ તે બાદ એટીસીના કોલનો કોઈ રિસ્પૉન્સ મળ્યો ન હતો. રનવે 23 પરથી ઉડાન ભર્યા પછી તરત વિમાન ઍરપૉર્ટના પરિસરની બહાર જમીન પર પડ્યું હતું. અકસ્માતના સ્થળેથી કાળા ધુમાડો ઊઠતો જોવા મળતો હતો."

  17. રાહુલ ગાંધીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું

    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પોસ્ટ પર પ્લેન ક્રૅશની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

    "અમદાવાદ ઍર ઇન્ડિયા ક્રૅશ હૃદયદ્રાવક છે. મુસાફરો અને ક્રૂના પરિવારો જે પીડા અને ચિંતા અનુભવી રહ્યા હશે તે અકલ્પનીય છે. આ અતિ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ દરેકની સાથે છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ અને રાહત પ્રયાસો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અત્યારે દરેક જીવન મહત્ત્વનું છે, દરેક સેકન્ડ મહત્ત્વપૂર્ણ છે. કૉંગ્રેસ કાર્યકરોએ મદદ કરવા માટે શક્ય હોય તેટલું બધું જ કરવું જોઈએ."

  18. અમદાવાદ પ્લેન ક્રૅશ, હૅલ્પલાઇન નંબર જાહેર કરાયા

    અમદાવાદ પ્લેન ક્રૅશ

    ઍર ઇન્ડિયાએ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર અમદાવાદથી લંડન જતી ફ્લાઇટને ગુરુવારે બપોરે ટેક ઑફ બાદ અકસ્માત નડ્યો હોવાની વાતની પુષ્ટિ કરી છે.

    ઍર ઇન્ડિયાએ લખ્યું છે કે, "અમદાવાદથી બપોરે એક વાગ્યાને 38 મિનિટે ઊપડેલી ફ્લાઇટ બૉઇંગ 787-8 ઍરક્રાફ્ટમાં 242 પૅસેન્જર અને ક્રૂ મેમ્બર હતા. જે પૈકી 169 ભારતીય, 53 બ્રિટિશ નાગરિક, 1 કૅનેડિયન અને સાત પૉર્ટુગીઝ હતા."

    ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલો ખાતે ખસેડવામાં આવી રહ્યા છે.

    ઍર ઇન્ડિયાએ જણાવ્યું કે તેમણે વધુ માહિતી આપવા માટે પૅસેન્જર હોટ લાઇન નંબર 1800 5691 444 જાહેર કર્યો છે.

    "ઍર ઇન્ડિયા આ ઘટનાની તપાસ કરી રહેલ ઑથૉરિટીઝને પૂર્ણ સહકાર આપી રહી છે."

    આ સાથે જ અમદાવાદ પોલીસે પણ એક્સ પર શહેરમાં પ્લેન ક્રૅશની ઘટના સંદર્ભે આપાતકાલીન સેવા અને માહિતી માટે ટેલિફોન નંબર - 07925620359 જાહેર કર્યો હતો.

    ઉપરાંત કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ પ્લેન ક્રૅશની ઘટના બાદ ઑપરેશનલ કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે.

    મંત્રાલયે એક્સ પર કંટ્રોલ રૂમના નંબર - 011-24610843 | 9650391859 જાહેર કર્યા છે.

  19. અમદાવાદ પ્લેન ક્રૅશ : ઍર ઇન્ડિયાનું વિમાન બે ટુકડામાં તૂટ્યું, 242 લોકો સવાર હતા

    અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ઍર ઇન્ડિયાનું વિમાન તૂટી પડ્યું છે અને ત્યાં ભયાનક દૃશ્યો સર્જાયાં છે.

    ઍર ઇન્ડિયાના વિમાનમાં 242 પ્રવાસી હતા અને વિમાન લંડન જઈ રહ્યું હતું.

    દુર્ઘટના અથવા જાનહાનિની સંખ્યા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ઍર ઇન્ડિયા પ્રમાણે વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટીશ,1 કૅનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક સવાર હતા.

    એએનઆઈના અહેવાલ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના વિશે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાઈડુ તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

    અમદાવાદ પ્લેન ક્રૅશ