અમિત શાહ જેને ઘૂસણખોર કહે છે તેઓ આ દેશના નાગરિક છે : કપિલ સિબ્બલ

રાજ્યસભાના સંસદ સભ્ય કપિલ સિબ્બલ
ઇમેજ કૅપ્શન, રાજ્યસભાના સંસદસભ્ય કપિલ સિબ્બલ
પ્રકાશિત

રાજ્યસભાના સંસદસભ્ય કપિલ સિબ્બલે કહ્યું છે કે અમિત શાહ જેમને ઘૂસણખોર કહે છે તે આ દેશના નાગરિકો છે.

બિહારના બેતિયામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે વિપક્ષના નેતાઓ ઘૂસણખોરોની વોટ બૅન્કની બીકને કારણે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ ન થયા.

આ નિવેદનનો જવાબ આપતા કપિલ સિબ્બલે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “આ નિવેદન પાછળ ગૃહમંત્રીનો શું અર્થ છે? આ એક સાંપ્રદાયિક નિવેદન છે. તેમને (અમિત શાહને) ખબર હોવી જોઈએ કે જેમને તેઓ ઘૂસણખોરો કહે છે, તેઓ આ દેશના નાગરિક છે અને તેમને મત આપવાનો અધિકાર મળ્યો છે.”

“તમારા (અમિત શાહના) નિવેદનનો અર્થ છે કે દેશના નાગરિકો ઘૂસણખોરો છે. તમે ગૃહમંત્રી છો અને દેશના બંધારણની શપથ લીઘી છે કે તમે કોઈની સાથે ભેદભાવ નહીં કરો. તમે પોતાના જ દેશના નાગરિકોને ઘૂસણખોર કહો છો.”

કપિલ સિબ્બલે કહ્યું, "દેશના ગૃહમંત્રી જો આ પ્રકારની વાત કરતા હોય તો બે જ વાત શક્ય છે. પહેલી એ કે ચાર જૂને જ્યારે ચૂંટણી પરિણામ આવશે ત્યારે તમે (અમિત શાહ) હારી જશો. તમે હારી રહ્યાં છો એટલે સાંપ્રદાયિક વાતાવરણ બનાવી રહ્યાં છો. અથવા તો તમારા (શાહના) મનમાં પોતાના નાગરિકો પ્રત્યે જ ઝેર છે."

અમિત શાહે રવિવારે બિહારના બેતિયામાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે તેમની (રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ) વોટ બૅન્ક ઘૂસણખોરો છે અને તે વોટ બૅન્કની બીકને કારણે જે તેઓ (રામ મંદિરના) પ્રાણપ્રતિષ્ઠામાં ગયા નહોતા.

તેમણે જનમેદનીને પૂછ્યું હતું “જે લોકો રામની પ્રાણપ્રતિષ્ઠામાં નથી ગયા તેમની પાસેથી હિસાબ માંગવો જોઈએ કે નહીં?”

બોલિવુડ સેલિબ્રિટિઝે કરી મતદાનની અપીલ

rajkumar rao

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 49 બેઠકો પૈકી દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈની છ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

મુંબઈની ઉત્તર મુંબઈ, ઉત્તર પશ્ચિમ મુંબઈ, ઉત્તર પૂર્વ મુંબઈ, ઉત્તર મધ્ય મુંબઈ, દક્ષિણ મધ્ય મુંબઈ અને દક્ષિણ મુંબઈની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

એએનઆઈના અહેવાલ પ્રમાણે મુંબઈની છ બેઠકો પર સવારે નવ વાગ્યા સુધી 6.33 ટકા મતદાન નોંધાયું છે.

મુંબઈમાં અભિનેતા અને પૂર્વ ભાજપ સંસદ સભ્ય પરેશ રાવલ પણ મત આપવા માટે આવ્યા હતા.

પરેશ રાવલે મત આપ્યા પછી મીડિયા સાથેની વાતચીતમાં મતદાનના મહત્ત્વ પર ભાર આપતાં કહ્યું "લોકો કહે છે કે સરકાર કામ નથી કરતી. જો તમે આજે મત નહીં આપો તો તે પરિસ્થિતિ માટે તમે જવાબદાર છો, સરકાર નહીં."

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, બોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓ જેવા કે અક્ષય કુમાર, શાહિદ કપૂર, સાન્યા મલ્હોત્રા, રાજકુમાર રાવ, સુનિલ શેટ્ટી અને જાહન્વી કપૂર પણ મતદાન મથકો પર જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત ફિલ્મ દિગદર્શક કબીર ખાન અને તેમનાં પત્ની મીની માથુરે પણ મતદાન પછી પોતાની તસ્વીર સોશિયલ મીડિયા વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

કેજરીવાલે કહ્યું, "ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે"

અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)
ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હીનાં મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દક્ષિણ દિલ્હી લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

કેજરીવાલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શાહીરામ પહેલવાનના સમર્થનમાં બદરપુર શાક માર્કેટ, તુઘલકાબાદ, કાલ્કાજી, સંગમ વિહાર, આંબેડકર નગર અને છત્તરપુરમાં સભાઓ યોજી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે, દિલ્હીના મુખ્ય મંત્રીએ પોતાની સભામાં વડા પ્રધાન મોદી પર પણ પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષના નેતાઓને જેલ મોકલી રહ્યાં છે. તેમણે સભામાં હાજર લોકોને પૂછ્યું કે આપણે વડા પ્રધાન ચૂંટ્યા છે કે જમાદાર?

કેજરીવાલે બદરપુરમાં એક સભાને સંબોધતા કહ્યું કે ચાર જૂને જ્યારે ચૂંટણી પરિણામો આવશે ત્યારે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે. અને આમ આદમી પાર્ટી પણ ગઠબંધનની સરકારનો ભાગ બનશે.

કેજરીવાલે કહ્યું, “હું દિલ્હીના લોકો તરફથી માત્ર એક જ માંગણી કરીશ કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજજો આપવામાં આવે. અમે દિલ્હીનાં શિક્ષણ વિભાગ અને હૉસ્પિટલોમાં સુધારો કર્યો છે. પોલીસ તમારી વાત સાંભળતી નથી. અમે દિલ્હીની સુરક્ષામાં પણ સુધારો કરીશું.”

તેમણે ઉમેર્યું કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો દિલ્હીના લોકો પાસે એક એવા લેફ્ટનન્ટ ગવર્નર મળશે જે દિલ્હી સરકારનાં કામને અટકાવશે નહીં.

દિલ્હીની સાત બેઠકો પર લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 25 મેનાં રોજ મતદાન યોજાશે.

શક્તિસિંહ ગોહિલે કહ્યું, "સ્માર્ટ મીટરના નામે લૂંટનો કારસો"

ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
ઇમેજ કૅપ્શન, ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (ફાઇલ ફોટો)

વડોદરા, સુરત પછી હવે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, એમજીવીસીએલ દ્વારા લગાડવામાં આવી રહેલા સ્માર્ટ મીટરોનો વડોદરાના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આવો જ વિરોધ સુરત અને સુરેન્દ્રનગરમાં પણ જોવા મળ્યો હતો.

આ મામલે હવે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ જંપલાવ્યું છે.

તેમણે રાજકોટમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે અદાણીને ફાયદો અપાવવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

સ્માર્ટ મીટરના વિવાદ અંગે તેમણે જણાવ્યું હતું કે આ અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લઈને લોકોને લૂંટવાનો કારસો છે. ચૂંટણી પહેલાં સ્માર્ટ મીટર કેમ ના લગાવ્યાં? સ્માર્ટ મીટરના નામે ભાજપ જે કરે છે તે પણ જનતા ઉપર બોજો છે.

શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કરતાં કહ્યું, "ભારતીય જનતા પક્ષ કહે છે કે સ્માર્ટ મીટર લોકોના ફાયદા માટે છે. તેમણે ખરેખર લોકોને વિકલ્પ આપવો જોઈએ. જે લોકોને ફાયદો જોઈએ તે સ્માર્ટ મીટર લેશે અને બાકી લોકોને જૂના મીટર યથાવત્ રાખવાની છૂટ આપવી જોઈએ. વસ્તુ લીધા પહેલાં જીએસટી ભરવા જેવી વાત સ્માર્ટ મીટરમાં છે. પ્રિપેડ એટલે કે પહેલાં નાણાં ચૂકવવાના અને જીએસટી પણ ચૂકવી દેવાનો અને પછી વીજળી વાપરવા મળે તે ચાલી શકે નહીં."