ગુજરાતમાં હવે વધશે વરસાદનું જોર, કયા જિલ્લામાં ક્યારે શરૂ થશે વરસાદ?

ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે?
પ્રકાશિત

દક્ષિણ ગુજરાતમાં 10 જૂનની આસપાસ ચોમાસાએ ઍન્ટ્રી લઈ લીધી હતી. ત્યારથી ગુજરાતમાં નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં આજકાલ છુટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ત્યાર બાદ ચોમાસું આગળ વધ્યું ન હતું. પશ્ચિમ બંગાળની શાખા પણ 31 મે બાદ આગળ જ નહોતી વધી.

ચોમાસું નવસારીમાં જ અટકી ગયું હતું.

પરંતુ ગુજરાતમાં હવે સારા સમાચાર આવ્યા છે. ચોમાસાએ આગળ વધવાની શરૂ થઈ ગઈ છે.

ચોમાસું મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર અને ઓડિશામાં આગળ વધવા લાગ્યું છે.

આગાહી પ્રમાણે ચોમાસું હવે ખૂબ ઝડપથી આગળ વધશે. હવે ચોમાસું, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન સુધી પહોંચવાની શક્યતા દેખાય રહી છે.

ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે?

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

હવામાન વિભાગના કહેવા પ્રમાણે, ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતી સર્જાઈ રહી છે.

ગુજરાતમાં આવનારા ત્રણથી ચાર દિવસમાં ચોમાસું આગળ વધવાની શરૂઆત કરી દેશે.

22 જૂન પછી ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વધી રહી છે. 23-24 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

23થી 30 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. અત્યારના અનુમાન મુજબ રાજ્યના મોટો ભાગના વિસ્તારમાં વાવણીલાયક વરસાદ પડવાની શક્યતા છે.

હાલમાંની પરિસ્થિતીમાં જે મૉડલો દર્શાવી રહ્યાં છે તે મુજબ 23 જૂનથી દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, દાદરા અને નગરહવેલી અને સેલવાસમાં વરસાદ વધશે.

ત્યાર બાદ પૂર્વ ગુજરાતના વિસ્તારો જેવા કે, છોટાઉદેપુર, પંચમહલ, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ વધશે.

અને તે પછી ઉત્તર ગુજરાતમાં 27-28 જૂન દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ જશે.

અમદાવાદમાં અત્યારે ચોમાસાની ગતિવિધિઓ ચાલી જ રહી છે અને 27-28 જૂન પછી અહીં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે ત્યાં વરસાદ હજી એક બે દિવસ સુધી ચાલુ રહેશે અને પછી ધીમે ધીમે વધશે.

ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જેવા કે પોરબંદર, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં આવનારા બે-ત્રણ દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડશે. કચ્છમાં પણ આવી રીતે જ છુટોછવાયો વરસાદ પડશે.

કચ્છના વિસ્તારમાં વરસાદ થોડો મોડો આવી શકે છે. પરંતુ અહીં પણ જૂનના અંત સુધીમાં ચોમાસું બેસી જશે.

એકાંતરે આવનારા 8-10 દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વના છે કારણ કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સાર્વત્રિક રીતે શરૂઆત થઈ જશે.

આ સિવાય આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.

અત્યારે કેવી પરિસ્થિતી છે ગુજરાતમાં?

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ક્યારે પડશે?

ગુજરાતમાં અત્યારે ચોમાસા પહેલાંની ગતિવિધિઓ ચાલી રહી છે. તેનો અર્થ એ છે કે, ચોમાસું સંપૂર્ણ રીતે ન બેસે પરંતુ કેટલાક જ વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થઈ જાય અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ન પડે.એટલે કે નાના અને છુટાછવાયા વિસ્તારોમાં નાના વરસાદી વાદળના કારણે વરસાદ પડે. આ વરસાદ લાંબા સમય સુધી ન પડે અને મોટા વિસ્તારમાં પણ ન પડે.

ચોમાસા પહેલાંની ગતિવિધિઓમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ન પડે. ઘણી વખત એવું પણ જોવા મળે કે આ વરસાદ ગામની એક સીમમાં હોય પરંતુ બીજી સીમમાં ન હોય.

જેમ કે, હાલમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

પરેતું આ પરિસ્થિતી હવે 23 જૂન બાદ બદલાશે.

હવે ગુજરાતમાં વરસાદ પડવાની શરૂઆત થશે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં  ક્લિક કરો ...
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો ...

ગુજરાતમાં ચોમાસું કેમ અટકી ગયું હતું?

ગુજરાતમાં ચોમાસું કેમ અટકી ગયું હતું?

ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ વધ્યું રહ્યું ન હતું, તે નવસારીમાં અટકી ગયું હતું. એનો મતલબ એ છે કે ગુજરાતના બીજા વિસ્તારોમાં જે વરસાદ પડી રહ્યો છે તે ચોમાસા પહેલાંની ગતિવિધિનો છે.

આ વર્ષે એવું થયું છે કે, ચોમાસાનાં મૉડલોમાં સતત ફેર આવતો રહ્યો છે અને સતત ચોમાસાનાં પરિબળોમાં ફેરફાર આવતો રહ્યો છે.

ચોમાસાની શરૂઆત સમય કરતાં પહેલાં થઈ ગઈ અને તે ખૂબ જ ઝડપથી આગળ વધ્યું. ત્યાર બાદ ચોમાસું એક જ જગ્યાએ અટકી ગયું અને તે દસ દિવસથી એક જ જગ્યાએ હતું. પશ્ચિમ બંગાળની શાખા 31 મે બાદ આગળ જ નહોતી વધી અને વીસ દિવસથી ચોમાસું એક જ જગ્યાએ નબળું પડીને અટકી ગયું હતું.

તેથી જે અનુમાન હતું કે વહેલા વરસાદ પડશે તે અનુમાનમાં બદલાવ આવ્યો. આ ઉપરાંત સિસ્ટમો પણ બની નહી.

હવે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યાં છે, એક સૌરાષ્ટ્ર અને બીજું છે કેરળ, ત્રીજુ આંધ્રપ્રદેશ ઉપર અને ચોથું પંજાબ પર બન્યું છે અને તેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રના કિનારે આવતા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.

તેથી જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આવી જશે તેવી શક્યતા દેખાઈ રહી છે.