લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધને 1 નવેમ્બર, 2026ના દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં 'વોટ બચાવો, દેશ બચાવો' મહારેલીનું આહ્વાન કર્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વીડિયોના માધ્યમથી આ રેલીમાં અનેક લોકોને સામેલ થવાની અપીલ કરી છે.
સારાંશ
આજે દિલ્હીમાં રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનની મહારેલી યોજાશે
ઇન્ડિયા ગઠબંધને 1 નવેમ્બર, 2026ના દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં 'વોટ બચાવો, દેશ બચાવો' મહારેલીનું આહ્વાન કર્યું છે
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વીડિયોના માધ્યમથી આ રેલીમાં અનેક લોકોને સામેલ થવાની અપીલ કરી
ગઠબંધનની રેલી અગાઉ વેપારીઓએ આ મહારેલીને ન યોજવા અપીલ કરી હતી
ઇન્ડિયા ગઠબંધનની રેલી પર ભાજપે પૂછ્યું - '10 લાખ લોકો ક્યાં હતા?'
ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી બાદ ભાજપે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને વિપક્ષ પર નિશાન સાધ્યું છે.
ભાજપ સાંસદ સંબિત પાત્રાએ રેલીમાં દસ લાખ લોકો એકત્ર થયા હોવાના દાવા પર સવાલ ઉઠાવ્યા.
સંબિત પાત્રાએ વિપક્ષને સવાલ પૂછતાં કહ્યું, "દસ લાખ લોકો ક્યાં હતા? અમને બતાવો. આ પ્રકારની રણનીતિઓથી કોઈ નેતા કે વડા પ્રધાન બનતો નથી. એટલી બધી પાર્ટીઓ અને ઝંડાઓને એકસાથે લાવ્યા છતાં તેઓ દસ લાખ લોકો પણ એકત્ર કરી શક્યા નથી."
ભાજપ સાંસદ સંબિત પાત્રાએ 'PM' શબ્દનો અર્થ સમજાવતા કહ્યું, "PMનો અર્થ માત્ર પ્રાઇમ મિનિસ્ટર જ નથી હોતો. તેમાં 'P'નો અર્થ પરસેવો અને 'M'નો અર્થ મહેનત થાય છે. કોઈપણ વડા પ્રધાન પરસેવા અને કઠોર મહેનતથી જ બને છે."
ભાજપ સાંસદ સંબિત પાત્રાએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 'શિવજીની બારાત' સંબંધિત નિવેદન પર કહ્યું કે તેઓ દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાહુલ ગાંધી પર નિશાન સાધતાં તેમણે આગળ કહ્યું, "રાહુલજી, ન તો તમે શિવ છો અને ન જ જે અરાજકતામાં તમે ભારતને ડૂબાડવા માંગો છો, તે શિવજીની બારાત છે."
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી, દિલ્હી ઇન્ડિયા ગઠબંધન મહારેલીમાં સંબોધન કરતા
દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "અમિત શાહ કહેતા હતા કે નરેન્દ્ર મોદી ક્યાંય
નહીં જાય. હા એ સાચી વાત છે. નરેન્દ્ર મોદીને જવું હશે તો પણ અમે તેમને નહીં જવા
દઈએ. અમિત શાહ, તમે યાદ રાખો કે જ્ઞાનેશકુમાર પછી તમારો વારો
છે. તમે ભાગી નહીં શકો, તમારી સામે કાર્યવાહી થશે, થશે અને થશે જ."
"હું જે કહું છું એ સાચું સાબિત થાય છે. તમે લખી
રાખજો કે જ્ઞાનેશકુમાર ચૂંટણી કમિશનરના પદેથી હઠશે અને જેલ જશે જ. તેમણે જે કામ
કર્યું છે એ દેશદ્રોહ છે. જ્ઞાનેશકુમાર રાત્રે ઊંઘી નથી શકતા કારણ કે તેમણે દેશનના
આત્માને મારવાનું કામ કર્યું છે. હકીકત તો એ છે મોદી કે અમિત શાહ પણ રાત્રે ઊંઘી
નથી શકતા."
"અમારો ધર્મ કહે છે કે કોઈને નફરત નથી કરવાની.
અમે મોહબ્બતની દુકાન ખોલીશું. અમે કોઈને મારીશું, કાપીશું નહીં. છેવાડાના માણસના અવાજની અમારે રક્ષા કરવાની છે. અમિત શાહ,
મોદીએ આ દેશમાં નફરત ફેલાવી છે. દેશ કહે છે કે અમને નફરત
નથી જોઈતી."
"દેશને પાટા પર
લાવવા માટે સૌથી પહેલું કામ જ્ઞાનેશકુમારને હઠાવવાનું છે."
તેમણે કહ્યું હતું કે, "અમારા માટે મોદી, અમિત શાહ કે જ્ઞાનેશકુમાર દુશ્મન નથી. ભારતના
દરેક નાગરિકનો અવાજ બુલંદ થાય એ જ મારો ધર્મ છે. અમે તેમને બંધારણને નષ્ટ નહીં
કરવા દઈએ."
અખિલેશ યાદવે કહ્યું - 'જેમણે રામનું ધન ચોર્યું છે, એમનો નાશ તો થવાનો જ છે'
રામલીલા મેદાનમાં વિપક્ષની રેલીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ અને ચૂંટણીપંચ પર આકરા પ્રહારો કર્યા હતા.
અખિલેશ યાદવે કહ્યું કે, "રામલીલા મેદાનમાં લોકોનું જનસમર્થન જોઈને લાગે
છે કે આ મેદાન લોકશાહીની હલ્દીઘાટી બની ગયું છે. આ મેદાનથી ઇતિહાસ લખાયો છે. એ
નક્કી છે કે જે લોકો ઉત્તર પ્રદેશથી સત્તામાં આવ્યા હતા એ ઉત્તર પ્રદેશથી જ વિદાય
લેવાના છે. ઉત્તર પ્રદેશના લોકો એવી વિદાય કરશે કે ભાજપ ક્યારેય પાછો નહીં આવે."
"જેમણે રામનું ધન ચોર્યું છે, દાનચોરી કરી છે એમનો નાશ તો થવાનો જ છે, હવે સર્વનાશ થશે. જે લોકો વિશ્વગુરુની વાત કરતા હતા એ લોકો
હવે મતદારોની હેરાફેરી કરે છે. તેમનાં ષડયંત્રો છતાં પણ ડબલ ઍન્જિનની ડબલ હાર થઈ
છે."
તેમણે કહ્યું હતું કે, "આખો દેશ જાણે છે કે ભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણી લૂંટી છે. અમે હાર માનવાવાળા
નથી. અમે તેમની ચોરી પકડી લીધી છે. ખબર નથી કે ચૂંટણીપંચ કઈ ઊંઘની ગોળી લઈને ઊંઘી
રહ્યું છે."
'વોટ બચાવો દેશ બચાવો રેલી'માં પહોંચેલા લોકોને સંબોધતા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર નિશાન સાધ્યું છે.
જનસભાને સંબોધતા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "પીએમ મોદી અને શાહે યુવાનો, મહિલાઓ અને દલિતોના મત છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે, તેના વિરોધમાં અમે અહીં એકત્ર થયા છીએ."
આગળ તેમણે કહ્યું, "પીએમ મોદી પોતાના જે ચેલાને બેસાડીને આજે સૌના મત તોડવાનું કામ કરી રહ્યા છે, તે જ્ઞાનેશકુમારને હટાવવા માટે આજે અમે અહીં પહોંચ્યા છીએ. જ્યાં સુધી તેઓ હટશે નહીં, ત્યાં સુધી અમે અટકવાના નથી."
પોતાના સંબોધનમાં ખડગે કહે છે કે, "જો જ્ઞાનેશકુમાર જમીનની અંદર પણ ગયા હશે તો તેમને ઉઠાવીને બહાર લાવીશું. પીએમ મોદીજી, તમે CBI-ED લગાવીને લોકોને ડરાવો છો. એજન્સીઓનો ઉપયોગ કરીને જે ડરાવવાનું કામ તમે કરી રહ્યા છો, તેનાથી અમે ડરવાના નથી."
પીએમ મોદી પર આરોપ લગાવતા ખડગેએ કહ્યું, "વડા પ્રધાન લોકોને વહેંચવાનું કામ કરી રહ્યા છે. તેઓ મત પસંદ કરવાનું કામ કરી રહ્યા છે. તેઓ જનતાએ ચૂંટેલા વડા પ્રધાન નથી."
ભાજપ સરકારને ચોરીની સરકાર ગણાવતા તેમણે કહ્યું કે, "ભલે બિહાર હોય કે યુપી, આ બધી સરકારો ચોરીથી બનેલી સરકારો છે. મોદીને હટાવીશું ત્યારે જ લોકશાહી બચશે. હું તમને અપીલ કરું છું કે આપણે એક થઈને લડીશું અને બંધારણને બચાવીશું."
દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાઈ રહેલી વિપક્ષી ગઠબંધનની રેલીમાં સવારે જ કાર્યકરોનું પહોંચવું શરૂ થઈ ગયું છે.
બપોરે અલગ-અલગ દૃશ્યો જોવાં મળ્યાં. કેટલાક કાર્યકરો SIR પ્રક્રિયામાં કાપી નાખવામાં આવેલાં નામોને બૅનરમાં છપાવીને પ્રદર્શનસ્થળે પહોંચી રહ્યા છે.
કર્ણાટક કૉંગ્રેસના પૂર્વ સોશિયલ મીડિયા પ્રમુખ શ્રીવત્સે 'X' પર લખ્યું, "માત્ર એક રાજ્યમાં લાખો લોકોનાં નામ કાપી નાખવામાં આવ્યાં છે. કાર્યકરો તેમનાં નામોને બૅનરમાં છપાવીને રામલીલા મેદાન પહોંચી રહ્યા છે."
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં પોસ્ટર્સ
દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાનારી ઇન્ડિયા ગઠબંધનની રેલી માટે દસ લાખ લોકો રાજધાનીમાં પહોંચશે એવો દાવો કરવામાં આવ્યો છે.
શીખ વિરોધી તોફાનો અંગે પોસ્ટર્સ લઈને કૉંગ્રેસ સામે દિલ્હીમાં ભાજપનું વિરોધપ્રદર્શન
ઇમેજ સ્રોત, Shubh Rana
ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં ભાજપે કૉંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું
1984ના શીખ વિરોધી તોફાનોને લઈને કૉંગ્રેસ વિરુદ્ધ ભાજપે રવિવારે પશ્ચિમ દિલ્હીમાં માર્ચનું આયોજન કર્યું છે.
આ માર્ચ હરિનગર ખાતે DTC બસ ડિપોથી શરૂ થઈને તિલક નગર મેટ્રો સ્ટેશન સુધી કાઢવામાં આવી રહ્યો છે.
આ માર્ચમાં શીખ સમુદાયના લોકો સાથે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ સામેલ છે.
બીબીસી સંવાદદાતા શુભ રાણાએ જણાવ્યું કે, માર્ચનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી સરદાર હરદીપસિંહ પુરી કરી રહ્યા છે. તેમની સાથે દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા, દિલ્હી ભાજપ અધ્યક્ષ, કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રા અને દિલ્હી સરકારના મંત્રી સરદાર મનજિંદર સિંહ સિરસા સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર છે.
માર્ચમાં 1984ના શીખ વિરોધી તોફાનોમાં પોતાનાં સ્વજનોને ગુમાવનાર અનેક પરિવારો પણ સામેલ થયા છે.
દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા સહિત માર્ચમાં સામેલ લોકોએ કાળી પટ્ટી બાંધીને માર્ચ કર્યો.
સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીત દરમિયાન રેખા ગુપ્તાએ કહ્યું, "લોકશાહીની વાતો કરનાર (કૉંગ્રેસ)ને આજે શીખ સમાજ પૂછે છે કે 1984માં જે થયું હતું, શું તે લોકશાહીની હત્યા નહોતી?"
તેમણે કહ્યું, "આજે દેશમાં અરાજકતા ફેલાવવાનું કામ તેઓ કરી રહ્યા છે. આ માર્ચમાં સામેલ થયેલા હજારો શીખ ભાઈ-બહેનો કૉંગ્રેસ પાસેથી જવાબ માંગે છે કે તેમને ન્યાય ક્યારે મળશે?"
ઇમેજ સ્રોત, Deepak Gupta/Hindustan Times via Getty Images
ઇમેજ કૅપ્શન, અખિલેશ યાદવે કહ્યું, “યોગી આદિત્યનાથે પણ રામલીલા મેદાનમાં આવી જવું જોઈએ.”
રામલીલા મેદાનમાં વિપક્ષની ‘મહારેલી’ પહેલાં જ સમાજવાદી
પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર
કટાક્ષ કર્યો છે.
અખિલેશ યાદવે દાવો કર્યો છે, “મુખ્ય
મંત્રીએ પોતે સ્વીકાર્યું છે કે 1 કરોડ 27 લાખ મત ઘટી ગયા. તેમને આ વાત ક્યારે યાદ
આવી? જ્યારે તેઓ એમએલસીની ચૂંટણી હારી ગયા. જે લોકો ડબલ
એન્જિનની વાત કરતા હતા, તેઓ ત્યાં જ ડબલ ઝીરો બની ગયા.”
તેમણે કહ્યું, “એક વખતની હાર
તેમને સ્વીકાર્ય ન હતી. તેમણે ચૂંટણીપંચને મળીને ફરી મતગણતરી કરાવી. ડબલ એન્જિન
સરકારને એક જ ચૂંટણીમાં બેવડી હાર થઈ અને ત્યાર પછી તેમને યાદ આવે છે કે 1 કરોડ 27
લાખ મત હિંદુઓના નથી. તેમને આ આંકડા કોણે આપ્યા?”
અખિલેશે વધુમાં કહ્યું, “સરકાર
આરોપ લગાવી રહી છે કે લાખો લાભાર્થીઓના મત જ નથી. તેનો અર્થ એ કે તેમણે પણ રામલીલા
મેદાનમાં આવી જવું જોઈએ.”
ઉલ્લેખનીય છે કે કેટલીક મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે
કે પ્રદેશ કાર્યકારિણીની બેઠક દરમિયાન મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું
કે ઉત્તર પ્રદેશની મતદારયાદીમાંથી 1.27 કરોડ હિંદુઓનાં નામ ગાયબ છે.
ઇમેજ કૅપ્શન, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન
નવીન રવિવારે હરિયાણાના રોહતકમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા
હટાવો’ માર્ચનું નેતૃત્વ કરશે.
વિપક્ષ વિરુદ્ધ ભાજપ દ્વારા ચલાવાઈ રહેલા દેશવ્યાપી
અભિયાનના ભાગરૂપે આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માર્ચ એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે
વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ દિલ્હીના રામલીલા મેદાનમાં એસઆઇઆર (વિશેષ સઘન પુનરીક્ષણ)
અને કથિત મતચોરીના વિરોધમાં રેલી યોજી રહ્યું છે.
બીજી તરફ, ભાજપે વિપક્ષ પર
‘ભ્રામક માહિતી પ્રસારિત કરવાનો, દૂષ્પ્રચાર ફેલાવવાનો અને આયોજનબદ્ધ રીતે રાજકીય અરાજકતા
પેદા કરવાનો’ આરોપ મૂક્યો છે.
ભાજપના નિવેદન અનુસાર, આ
પદયાત્રા રોહતકના ચૌધરી છોટુરામ પૉલિટેકનિક મેદાનથી શરૂ થશે અને મૉડલ ટાઉનસ્થિત
ડી-પાર્ક ખાતે પૂર્ણ થશે.
આ પદયાત્રામાં હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અર્ચના
ગુપ્તા, પક્ષના વરિષ્ઠ નેતાઓ, કાર્યકરો
તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાય તેવી સંભાવના છે.
ઇમેજ કૅપ્શન, દિલ્હીના રામલીલા મેદાનમાં એસઆઈઆરના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી યોજાઈ રહી છે, રાહુલ ગાંધી એક ખુલ્લી જીપમાં જોવા મળી રહ્યા છે
દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે એસઆઇઆરના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી યોજાઈ રહી છે. તેમાં ભાગ લેવા માટે વિપક્ષી પક્ષોના કાર્યકરો અને લોકો એકત્ર થવા લાગ્યા છે.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનથી વિપક્ષી નેતાઓની માર્ચ શરૂ થઈ ગઈ છે, જે રામલીલા મેદાન સુધી જશે.
રામલીલા મેદાન અને તેની આસપાસના વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યાં છે. સાથે જ વિપક્ષી પક્ષોના કાર્યકરોની હાજરી પણ વધવા લાગી છે.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને કનૉટ પ્લેસ પહોંચીને માર્ચમાં જોડાવા અથવા સીધા રામલીલા મેદાનમાં પહોંચવાની અપીલ કરી છે.
ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને કનૉટ પ્લેસ પહોંચીને માર્ચમાં જોડાવા અથવા સીધા રામલીલા મેદાનમાં પહોંચવાની અપીલ કરી છે
કૉંગ્રેસ નેતા પવન ખેડાએ દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “આખી સરકાર ભયના માહોલમાં છે. વારંવાર કલમ 163નો હવાલો આપીને નિવેદનો જાહેર કરાઈ રહ્યાં છે.”
રાહુલ ગાંધીએ ઍક્સ પર લોકોને અપીલ કરતાં લખ્યું, “દિલ્હી, તૈયાર થઈ જાઓ. મત બચાવો, દેશ બચાવો. કનૉટ પ્લેસ આવો, સાથે ચાલીએ. અથવા સીધા રામલીલા મેદાનમાં મળીશું. પરંતુ આવવું જરૂર છે.”
આ માર્ચમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરાઈ રહી છે.
ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનથી વિપક્ષી નેતાઓની માર્ચ શરૂ થઈ ગઈ છે, જે રામલીલા મેદાન સુધી જશે
ઇમેજ કૅપ્શન, ખુલ્લી જીપમાં આગળ રાહુલ ગાંધી બેઠા છે, પાછળની સીટમાં પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ જોવા મળે છે
ઇમેજ કૅપ્શન, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ જૉન બ્રિટાસે દાવો કર્યો છે કે આ રેલીમાં ભાગ લેવા માટે આશરે 10 લાખ લોકો દિલ્હીમાં પહોંચશે
દિલ્હીના રામલીલા મેદાનમાં આજે ઇન્ડિયા
ગઠબંધનની રેલી યોજાવાની છે. રેલી પહેલાં અહીં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં
આવ્યો છે.
માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ
જૉન બ્રિટાસે દાવો કર્યો છે કે આ રેલીમાં ભાગ લેવા માટે આશરે 10 લાખ લોકો
દિલ્હીમાં પહોંચશે.
આ દરમિયાન સુરક્ષા દળોની તહેનાતી અને
રેલી સ્થળે કરવામાં આવેલી તૈયારીઓની તસવીરો પણ સામે આવી છે.
સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને
રામલીલા મેદાનને 14 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ઝોનની જવાબદારી આસિસ્ટન્ટ
કમિશનર ઑફ પોલીસ કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું છે કે રામલીલા
મેદાનમાં રેલી યોજવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ મિન્ટો રોડ-કનૉટ પ્લેસ જંક્શનથી
પ્રસ્તાવિત માર્ચ કાઢવા માટે કોઈ અરજી મળી નથી.
ઇમેજ સ્રોત, ani
ઇમેજ કૅપ્શન, માર્ચ અને રેલી દરમિયાન 4,000થી વધુ પોલીસકર્મીઓ ઉપરાંત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની વિવિધ કંપનીઓ પણ તહેનાત કરવામાં આવી છે
ઇમેજ સ્રોત, REUTERS/Anushree Fadnavis
ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં આજે ઇન્ડિયા ગઠબંધનની રેલીને સમર્થન આપવા માટે દેશના અલગ-અલગ ભાગોમાંથી વિપક્ષના સમર્થકો રામલીલા મેદાનમાં ભેગા થવા માટે આવી રહ્યા છે
ઇમેજ કૅપ્શન, રેલીમાં ભાગ લેવા માટે આવી રહેલાં લોકો
ઇમેજ સ્રોત, ani
ઇમેજ કૅપ્શન, બીજી તરફ, ભાજપે આરોપ લગાવ્યો છે કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ રેલી માટે ખોટા દિવસની પસંદગી કરી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે 1 નવેમ્બરની તારીખ 1984ના શીખ વિરોધી રમખાણોની યાદ તાજી કરે છે
ઇમેજ સ્રોત, ani
ઇમેજ કૅપ્શન, વિપક્ષની આ મહારેલી માટે લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને લોકોનું મોટી સંખ્યામાં એકત્ર થવાનું પણ શરૂ થઈ ગયું છે
રામલીલા મેદાનમાં વિપક્ષની 'મહારેલી' અંગે ભાજપે કહ્યું : 'રાહુલ ગાંધીએ ખોટો દિવસ પસંદ કર્યો'
ઇમેજ સ્રોત, Ishant Chauhan/Hindustan Times via Getty Images
ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાળે 1 નવેમ્બરની પ્રસ્તાવિત રેલી અંગે કહ્યું કે તેમણે ખોટો દિવસ પસંદ કર્યો છે (ફાઇલ ફોટો)
કૉંગ્રેસ અને
અન્ય વિપક્ષી પક્ષો રવિવારે રામલીલા મેદાનમાં ચૂંટણીપંચની કથિત અનિયમિતતાના
વિરોધમાં મહારેલી યોજી રહ્યા છે.
સત્તારૂઢ ભારતીય
જનતા પાર્ટી (ભાજપ)એ આરોપ લગાવ્યો છે કે કૉંગ્રેસે આ રેલી માટે ખોટો દિવસ પસંદ
કર્યો છે.
કેન્દ્રીય
કાયદામંત્રી અર્જુનરામ મેઘવાળે 1 નવેમ્બરની પ્રસ્તાવિત રેલી અંગે કહ્યું, “વિરોધપ્રદર્શનનો એક કાર્યક્રમ તેમણે હાથ ધર્યો છે. તેમના
ગઠબંધનના કેટલાક નેતાઓ પણ 1 નવેમ્બરના પક્ષમાં નથી, કારણ કે
દિલ્હીમાં 1 નવેમ્બરનો દિવસ અત્યંત સંવેદનશીલ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે.”
“31 ઑક્ટોબર, 1984ના રોજ ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી. ત્યાર બાદ 1
નવેમ્બરે દિલ્હીમાં જે રીતે હિંસા થઈ, શીખભાઈઓ પર
અત્યાચારો થયા અને રક્તપાત થયો, એ જ દિવસ રાહુલ
ગાંધીએ પસંદ કર્યો છે. તેમના મનમાં સહેજ પણ સંવેદના નથી. 1 નવેમ્બર અંગે શીખ
પ્રતિનિધિઓએ પણ તેમને ચેતવણી આપી હતી કે તેઓ પોતાના આંદોલનની તારીખ આગળ-પાછળ કરે.”
મેઘવાળે વધુમાં
જણાવ્યું, “દિલ્હીનાં વેપારી સંગઠનોએ પણ તેમને પત્ર
લખ્યો હતો અને તેમના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી હતી. તેમણે વિનંતી કરી હતી કે
રેલીની તારીખમાં ફેરફાર કરો, કારણ કે
દિવાળીનો તહેવાર નજીક છે. અમે આખું વર્ષ આ સમયગાળાની રાહ જોતા હોઈએ છીએ. અમે
જથ્થાબંધ વેપારીઓ છીએ. લાખો લોકો એકત્રિત થશે તો બજાર પ્રભાવિત થશે, દુકાનો બંધ કરવી પડશે અને ખરીદી કરવા આવનારા લોકો પણ આવી
શકશે નહીં.”
બીજી તરફ, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં
કહ્યું, “1 નવેમ્બરે દિલ્હીના સૌથી ખરાબ દિવસોની
શરૂઆત થઈ હતી. હવે તેને 42 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. શીખ પરિવારો માટે આ તારીખ
તેમના સ્વજનોને ગુમાવવાની અને પોતાનાં ઘરો બળીને રાખ થઈ જવાની કરુણ યાદો લઈને આવે
છે.”
તેમણે આગળ
કહ્યું, “વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા એક દુઃખદ
ઘટના હતી, પરંતુ ત્યાર બાદ શીખ સમુદાયને જે રીતે
સામૂહિક સજા આપવામાં આવી,
તેને કોઈ પણ સંજોગોમાં યોગ્ય ઠેરવી શકાય
નહીં.”
દિલ્હીમાં રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનની મહારેલી
ઇમેજ સ્રોત, Vipin Kumar/Hindustan Times via Getty Images
ઇમેજ કૅપ્શન, શનિવારે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વીડિયોના માધ્યમથી આ રેલીમાં અનેક લોકોને સામેલ થવાની અપીલ કરી હતી
આજે દિલ્હીમાં રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનની મહારેલી યોજાશે.
ઇન્ડિયા ગઠબંધને 1 નવેમ્બર, 2026ના દિવસે
દિલ્હીના રામલીલા મેદાનમાં 'વોટ બચાવો,
દેશ બચાવો' મહારેલીનું આહ્વાન કર્યું છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વીડિયોના માધ્યમથી આ
રેલીમાં અનેક લોકોને સામેલ થવાની અપીલ કરી હતી.
ગઠબંધનની રેલી અગાઉ વેપારીઓએ આ મહારેલીને ન યોજવા અપીલ કરી હતી.
ગઈ કાલે વિપક્ષી દળોએ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના
નિવાસસ્થાને 'મૉક સંસદ'નું આયોજન કર્યું
હતું.
આ સંસદનું અધ્યક્ષપદ લોકસભાનાં ભૂતપૂર્વ સ્પીકર મીરાકુમારે સંભાળ્યું
હતું. મલ્લિકાર્જુન ખડગેએ જ્ઞાનેશકુમાર સામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે,
"આજથી સાત મહિના પહેલાં 193 સાંસદો ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને
હઠાવવા મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યા હતા પરંંતુ તેને સ્વીકારવામાં નહોતો આવ્યો. અમારે
જ્ઞાનેશકુમાર સામે કોઈ વેર નથી. અમે ઇચ્છીએ છીએ કે ગરીબો,
યુવાનો સહિત સૌને આ સંસ્થા પર ભરોસો જળવાઈ રહે અને તેમનો અધિકાર
જળવાઈ રહે."
"વોટચોરી મુદ્દે આખો દેશ આંદોલિત છે. મોદી સરકારે પ્રદર્શનો
રોકવા ઇન્ટરનેટ, મેટ્રો, ટ્રેન બધું બંધ
કરી દીધું. આ બધું કોણ કરે છે? દેશમાં અરાજકતા
તમે ફેલાવો છો કે અમે?"
"જ્ઞાનેશકુમાર જેવા લોકો જો આવા બંધારણીય પદ પર રહેશે તો દેશની
લોકશાહી પર ખતરો વધતો જ રહેશે. અમારી માગ છે કે SIR તત્કાળ રોકવામાં
આવે અને 2023નો ચૂંટણી કમિશનરનો કાયદો રદ કરવામાં આવે."
જ્ઞાનેશકુમાર સામે મૂકવામાં આવેલા છ આરોપો આ મુજબ છે -
ચૂંટણીની ચોરી માટે ષડયંત્ર કર્યું
13 કરોડથી વધુ મતદારો હઠાવી દીધા
સંસદની મંજૂરી વગર ફૉર્મ-6માં સુધારા કર્યા
ECINET ઍપ મારફતે મતદારયાદી પર કબજો કર્યો
બાકીના બે ચૂંટણી કમિશનરોને ચૂપ કરી દીધાં
મોદી અને શાહના કહ્યા મુજબ કામ કર્યું
તો ભાજપના સાંસદ સંબિત પાત્રાએ શનિવારે ઇન્ડિયા ગઠબંધનના 'જન
મહાઅભિયોગ' કાર્યક્રમ અંગે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
તેમણે કહ્યું, "ભાજપે કોઈ નવો
કાયદો બનાવીને આ છૂટ આપી નથી. ભાજપ એવો કોઈ કાયદો લઈને આવ્યો નથી,
જે પહેલાંથી અસ્તિત્વમાં ન હોય. રાષ્ટ્રપતિ અને મુખ્ય ચૂંટણી કમિશનર
(CEC)ને છૂટ અને સંરક્ષણ પહેલેથી જ બંધારણમાં આપવામાં આવ્યા છે. જોકે,
તેના માટે વિશેષ પ્રક્રિયા સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી
નહોતી."