વડા પ્રધાન મોદીએ યુકેના નવા પીએમ ઍન્ડી બર્નમને શુભકામનાઓ પાઠવી, ફોન પર શું વાત થઈ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Ajay Aggarwal/Hindustan Times via Getty Images
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હીથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા વડા પ્રધાન ઍન્ડી બર્નમને પદભાર ગ્રહણ કરવા પર અભિનંદન આપ્યા છે.
વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, "યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઍન્ડી બર્નમ સાથે વાત કરીને ખુશી થઈ. મેં તેમને પદભાર સંભાળવા પર અભિનંદન આપ્યા અને તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ આપી."
તેમણે લખ્યું કે, "અમે ટેકનૉલૉજી, ઇનોવેશન, ડિફેન્સ, સિક્યૉરિટી, ક્લીન ઍનર્જી, ઍજ્યુકેશન અને લોકો વચ્ચે આપસી સંબંધ જેવાં ક્ષેત્રોમાં સાથે કામ કરવા અને ભારત-યુકે કૉમ્પ્રિહેન્સિવ સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપને નવી ઊંચાઈ પર લઈ જવા માટે સહમત થયા છે."
"અમે બંને દેશોના લોકોની સામૂહિક સમૃદ્ધિ અને ભલાઈ માટે, હાલમાં જ લાગુ થયેલા ભારત-યુકે કૉમ્પ્રિહેન્સિવ ઇકોનૉમિક ઍન્ડ ટ્રેડ એગ્રીમેન્ટથી મળનારા વ્યાપાર અને રોકાણના અવસરોનો પૂરા લાભ લેવા માટે કામ કરીશું."
83 હજારની વસતીવાળા સ્પેનના આ શહેરમાં રાતોરાત ઘૂસ્યા 49 હજાર માઇગ્રન્ટ્સ

ઇમેજ સ્રોત, Reuters
સ્પેનના અધિકારીઓએ દાવો કર્યો છે કે પાછલા 24 કલાકમાં મોરક્કોથી સ્પેનના સ્યૂટા એન્ક્લેવમાં લગભગ 49 હજાર માઇગ્રન્ટ્સ પ્રવેશ્યા છે.
ગુરુવારે સામે આવેલાં વીડિયો અને તસવીરોમાં હજારો લોકો તરીને સ્પેનના આ શહેરમાં પ્રવેશતા દેખાઈ રહ્યા છે. સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે આખી રાત લોકોનો આવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો.
સ્પેનના અધિકારીઓનું કહેવું છે કે સ્પેનમાં દાખલ થવાના પ્રયાસમાં ઓછામાં ઓછા 18 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.
અધિકારીઓના અનુમાનથી ખબર પડે છે કે પાછલા કેટલાક દિવસોમાં સ્યૂટા એન્ક્લેવમાં આવનારા માઇગ્રન્ટ્સની સંખ્યા શહેરની વસતી કરતાં પણ વધી શકે છે. સ્થાનિક આંકડા પ્રમાણે શહેરની વસતી લગભગ 83,600 છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્પેનના અધિકારીઓનું કહેવું છે કે પાછલા 24 કલાકમાં સ્પેનના સ્યૂટામાં પ્રવેશનારામાં ઓછામાં ઓછાં 7,000 બાળકો છે.
સીજેપીનાં વિરોધપ્રદર્શનોમાં સામેલ રુચિકાસિંહ સામે એફઆઈઆર, પીએમ પર 'વાંધાજનક' ટિપ્પણી કરવાનો છે આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હીના જંતર-મંતર પર 23 જુલાઈએ કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નાં વિરોધપ્રદર્શનો દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે કથિત રીતે વાંધાજનક ટિપ્પણીઓ કરવાના આરોપમાં નોઇડા પોલીસે એક મહિલા સામે ઝીરો એફઆઈઆર દાખલ કરી છે.
અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસને એક અધિકારીએ જણાવ્યું કે ગાઝિયાબાદ નિવાસી સ્મૃતિસિંહે બુધવારે ઍક્સપ્રેસ-વે પોલીસ સ્ટેશનમાં નોઇડા નિવાસી રુચિકાસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં સ્મૃતિસિંહે આરોપ લગાવ્યો કે રુચિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે અપમાનજનક અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો.
ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે "આ ટિપ્પણીઓને કારણે ન માત્ર સંવૈધાનિક પદની ગરિમાને ઠેસ પહોંચાડી પરંતુ જાણીજોઈને નફરત ફેલાવવા અને સાર્વજનિક શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ થયો."
પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 352 (શાંતિ ભંગ કરવાના ઇરાદાથી જાણીજોઈને કરાયેલું અપમાન), કલમ 353(1) (સાર્વજનિક ઉપદ્રવને પ્રોત્સાહન આપવા અપાયેલું નિવેદન) અને કલમ 356(1) (માનહાનિ) અંતર્ગત કેસ દાખલ કર્યો છે.
ઝીરો એફઆઈઆરનો અર્થ એ થાય છે કે કથિત અપરાધ કે ઘટના કોઈ પણ જગ્યાએ થઈ હોય પરંતુ ફરિયાદ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી શકાય છે. ત્યાર બાદ આ મામલાને સંબંધિત અધિકારક્ષેત્ર ધરાવતા પોલીસ સ્ટેશનમાં મોકલી દેવાય છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ફરિયાદ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં સ્થાનાંતરિત કરી દેવાઈ છે.
કૉક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે રુચિકાસિંહની ટિપ્પણી અયોગ્ય હોય શકે છે પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ. તેમણે યુવાનોને ભાષાને લઈને સંયમ વર્તવાની પણ સલાહ આપી.
રુચિકાસિંહ સામે આ કાર્યવાહી એવા સમયે થઈ રહી છે જ્યારે દિલ્હી પોલીસે પણ જંતર-મંતરમાં થયેલાં પ્રદર્શનો દરમિયાન વડા પ્રધાન સામે કથિત વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટના મામલે ફરિયાદ દાખલ કરી છે અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સને આવી સામગ્રી હઠાવવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે સીજેપીએ તેનું પ્રદર્શન સમાપ્ત કર્યું ત્યારે સરકારે તેને વચન આપ્યું હતું કે પ્રદર્શનકારીઓ સામેના કેસો સરકાર પરત લેશે.
મલ્લિકાર્જુન ખડગે બોલ્યા, 'વિદ્યાર્થીઓને આપેલા વાયદાથી સરકાર પીછેહઠ કરી રહી છે'

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જંતર-મંતર પર વિદ્યાર્થીઓનાં પ્રદર્શન મામલે મોદી સરકારની આલોચના કરી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "દસ દિવસ પહેલાં, તમારી સરકારે યુવાનોનું લાઠી-દંડા અને પૅલેટ ગનથી દમન કર્યું. હવે વિદ્યાર્થીઓએ પોતાનું આંદોલન પરત લીધું તો હવે તેમને બદલાની ભાવના રાખી તેમના પર એફઆઈઆર કરાવો છો. તેમને જબરજસ્તી હિરાસતમાં લેવામાં આવી રહ્યા છે."
"યુવાનોએ આંદોલન એ શરતે પરત લીધું હતું કે તેમના પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. હવે સરકાર તેમના વાયદામાંથી પીછેહઠ કરી રહી છે."
તેમણે એ પણ આરોપ લગાવ્યો કે સરકાર યુવાનોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લૉક કરી રહી છે. તેમણે એમ પણ લખ્યું કે "હવે યુવાનોને તમારા વિશે ખબર પડી ગઈ છે, થોડી શરમ બચી હોય તો અમિત શાહનું રાજીનામું લો."
પાકિસ્તાનમાં કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટનામાં 34 લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના ક્વેટા જિલ્લાના સોરેંજ વિસ્તારમાં આવેલી કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટનામાં 34 લોકોનાં મોત થયાં છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે મૃતકોના મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે. ગઈકાલે આ વિસ્તારમાં થયેલી આ દુર્ઘટના, જાનહાનિના આંકડા મુજબ, આ વર્ષે બલુચિસ્તાનમાં થયેલી સૌથી મોટી કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટના છે.
પીડીએમએના ઑપરેશન મૅનેજર મુહમ્મદ ફહદે શુક્રવારે સવારે જણાવ્યું હતું કે વધુ બે ખાણ મજૂરોના મૃતદેહોને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચાલુ છે.
બલુચિસ્તાનના મુખ્ય મંત્રી સરફરાઝ બુગતીએ ખાણ અને ખનિજ વિભાગ પાસેથી તાત્કાલિક અહેવાલ માગ્યો છે અને દુર્ઘટનાનાં કારણો તેમજ તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરવા પારદર્શક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
બલુચિસ્તાનના ખનિજ મંત્રી મીર શોએબ નોશિરવાનીએ જણાવ્યું કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ખાણ મજૂરોના પરિવારોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 3 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
સોરેંજ બલુચિસ્તાનની રાજધાની ક્વેટાથી આશરે 40 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. આ એક પર્વતીય વિસ્તાર છે, જ્યાં મોટી સંખ્યામાં કોલસાની ખાણો આવેલી છે.
સોરેંજ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી કોલસાની ખાણમાં અગાઉ પણ દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેપરલીક મુદ્દે ફરી ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કર્યો, શું કહ્યું?

ઇમેજ સ્રોત, Narendra Modi
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારની રાત્રે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને લોક પરીક્ષા (સંશોધન) બિલ પસાર થયાની માહિતી આપી.
આ વીડિયોમાં તેમણે દાવો કર્યો છે કે કડક જોગવાઈઓ ધરાવતા આ બિલથી પરીક્ષા યોજનારી વ્યવસ્થામાં મજબૂતી આવશે અને પેપરલીકની ઘટનાઓ અટકશે.
તેમણે કહ્યું, ''પેપરલીકના કારણે બાળકોનાં ભવિષ્ય માટે સંકટ ઊભું થઈ રહ્યું છે. તમામ રાજ્યોમાં તેમજ કેન્દ્રમાં પણ શિક્ષણ પદ્ધતિમાં સુધારો અનિવાર્ય બની ગયો છે. ટૅક્નૉલૉજીનો ઉપયોગ જરૂરી છે.''
તેમણે કહ્યું, ''બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરનારાં પેપર માફિયા અને ગૅંગોને છોડવામાં નહીં આવે. આ મામલામાં કડક કાયદાઓની પણ જરૂર છે. અમે સંસદમાં બિલ લઈને ગયા હતા અને જેમ અમે વચન આપ્યું હતું તેમ છેલ્લા બે દિવસ દરમિયાન બંને ગૃહોમાં તેના પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.''
''હવે બંને ગૃહોએ આ કડક જોગવાઈઓ ધરાવતા બિલને પસાર કરી દીધું છે. હવે વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી તરફ આગળ વધવામાં એક મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થયું છે.''
આ પહેલા 23 જુલાઈએ રાત્રે 11 વાગ્યાને 52 મિનિટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કરીને પેપરલીકના મુદ્દે વાત કરી હતી.
તેમણે પોતાના સંદેશની શરૂઆત સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા શબ્દ 'મિત્રો'ને બદલે 'ફ્રૅન્ડ્સ' કહીને કરી હતી.
મોરક્કોથી સેંકડો લોકો તરીને સ્પેનના સ્યૂટા ઍન્ક્લેવ પહોંચ્યા, સ્પેને સેના તહેનાત કરી

ઇમેજ સ્રોત, AFP
મોરોક્કોથી સ્પેનના ઉત્તર આફ્રિકીય ઍન્ક્લેવ સ્યૂટામાં છેલ્લા એક અઠવાડિયામાં સેંકડો પ્રવાસીઓ પહોંચ્યા છે. આ વાત તે વિસ્તારના એક નેતાએ કહી છે.
જ્યુઆન જીસસ વિવાઝે કહ્યું કે મોટી સંખ્યામાં લોકોના આગમનથી ઉપલબ્ધ સંસાધનો પર ભારે અસર પહોંચી છે.
તેમણે સ્પેન સરકારને હસ્તક્ષેપ કરવા માટે અપીલ કરી છે. સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ, સ્પેનના ગૃહમંત્રી ફર્નાન્ડો ગ્રાન્ડે-માર્લાસ્કા શુક્રવારે આ વિસ્તારમાં મુલાકાત લઈ શકે છે.
વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે ગુરુવારે પ્રવાસીઓ હવામાં ભરેલી રિંગ્સ (ટાયર ટ્યૂબ) અને અન્ય તરતાં સાધનોનો ઉપયોગ કરીને સેઉતા પહોંચી રહ્યા હતા. બીજી તરફ, કેટલાક લોકો સરહદ પર લગાવવામાં આવેલી વાડના એક દરવાજામાંથી ભાગીને અંદર પ્રવેશ્યા.
મોરક્કોના ઉત્તર કિનારે આવેલું સ્યૂટા, જિબ્રાલ્ટર જળસંધિની પેલી બાજુએ આવેલી મુખ્ય ભૂમિ સ્પેનથી અલગ છે અને લાંબા સમયથી યુરોપ પહોંચવાનો પ્રયાસ કરતા પ્રવાસીઓ માટે પ્રવેશનું એક મુખ્ય કેન્દ્ર રહ્યું છે.
આ મહિનાની શરૂઆતમાં દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે સમુદ્ર માર્ગે સ્યૂટા અથવા મેલિલા પહોંચવાનો પ્રયાસ કરતી વખતે પકડાયેલા પ્રવાસીઓને કોઈપણ કાનૂની પ્રક્રિયા વગર સીધા મોરક્કો પરત મોકલી શકાય નહીં.
સ્પેનના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે તેમનું માનવું છે કે માનવ તસ્કરીમાં સંકળાયેલાં નૅટવર્ક્સ આ નિર્ણયનો લાભ ઉઠાવીને "દસ્તાવેજો વગરના પ્રવાસીઓને, ખાસ કરીને યુવાનોને, આ માર્ગથી આવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે."
મંત્રાલયે જણાવ્યું કે સ્પેન અને મોરક્કો તમામ મુદ્દાઓ પર, જેમાં પ્રવાસન અને સ્થળાંતર (માઇગ્રેશન) પણ સામેલ છે, સહકાર આપે છે.
પ્રવાસીઓની સંખ્યા અલગ-અલગ જણાવવામાં આવી રહી છે. અલગ-અલગ ન્યૂઝ એજન્સીઓ તેને 1,500થી લઈને 3,000 સુધીની રિપોર્ટ કરી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















